પુરુષોતમ મેવાડા
એ છોકરો હવે તો ડૉક્ટર-સર્જન બની ગયો, એટલે એનું નામ આપવું પડે. હું હવેથી એને ડૉ. પરેશ પ્રવાસી, એમ. એસ. તરીકે સંબોધીશ, ટૂંકમાં ડૉ. પરેશ કહીશ.
તેના જીવનના સર્જન તરીકેના થોડા પ્રસંગો અને તેને થયેલા અવનવા અનુભવો હું આપ સૌની સમક્ષ મૂકીશ. એક નામાંકિત નહીં એવા ડૉ. પરેશે અમુક સંજોગોમાં શા માટે કોઈ નિર્ણયો લીધા, અને અંતે કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી તેની હું વાત કરીશ.
તેના પ્રત્યેક નિર્ણયોમાં સહુને સ્પર્શી જાય એવી કોઈ વાત હોય તો તે એ, કે એણે હમેશા પોતાના અંતરાત્માના અવાજને સાંભળ્યો હતો! સર્જન-ડૉક્ટર થવામાં જે કોઈએ તેને મદદ કરી હતી એમાંનું કોઈ, લોકો સાથે વિશ્વાસઘાત કરીને, ખરાબ રીતે પ્રેક્ટિસ કરીને રૂપિયા કમાયું ન હતું! ડૉ પરેશે પણ નીતિના એ જ રસ્તે ચાલીને અને સરળતાથી જે કંઈ મળે એમાં જ સંતોષ માનવો હતો. આથી જીવનમાં તેને ઘણું સહન કરવાનો વખત આવેલો, પણ તે આ રીતે જ રહેવા સર્જાયેલો હતો!
આપ સૌને વિનંતિ છે કે આ પ્રસંગો વાંચીને મને આપનો અભિપ્રાય જરૂરથી આપશો. બાકી આ સ્પર્ધાત્મક જમાનામાં આવા ડૉક્ટરોની કોઈ નોંધ લેવાતી નથી, જો કે ડૉ. પરેશ પ્રવાસીને આનાથી કંઈ ફરક પડતો નથી. એ તો એ જ નિજાનંદમાં પોતાનું કામ કર્યે જાય છે.
પાસ થયા પછી પોતે જેમના હાથ નીચે સર્જન થયો એ પ્રોફેસરને એ મળવા ગયો. એમના આશીર્વાદ મેળવ્યા. અને ‘આગળ શું કરવું?’ એ પૂછતાં સાહેબે તેને જવાબ આપ્યો કે,
“ડૉ. પરેશ, તારા જેવાએ તો શૈક્ષણિક વ્યવસાય પસંદ કરવો જોઈએ, કારણ કે હવે અમે કેટલા દિવસ?”
ડૉ. પરેશે ગુરુની સલાહને માથે ચડાવી. અને મેડિકલ કૉલેજમાં મદદનીશ પ્રાધ્યાપકની નોકરી સ્વીકારી લીધી. પણ એને કુદરતનું કરવું કે અકસ્માત કહો, જે દિવસે ડૉ. પરેશને એપોઇન્ટમેન્ટ લેટર મળ્યો તે જ અરસામાં તેના ગુરુ-પ્રોફેસર સાહેબનું અવસાન થયું!
ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે