નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૩૬

અમે તો ગ્રહોને ઓળખીએ છીએ, ગોઠવતા નથી.

નલિન શાહ

ધનલક્ષ્મીના મગજમાં સામાન્ય બુદ્ધિનું કોઈ સ્થાન નહોતું. એને ઉશ્કેરી શકાય, ડરાવી શકાય, ગેરમાર્ગે દોરી શકાય પણ સમજણ ના આપી શકાય.

બધાંમાં એક જ વ્યક્તિ એવી હતી જે ધનલક્ષ્મી પાસે ધારે તે કરાવી શકવા શક્તિમાન હતી. એ જો કહે તો ધનલક્ષ્મી કૂવામાં ઝંપલાવતાં પણ ખચકાટ ના અનુભવે. એ હતા શંભુ મહારાજ – ધનલક્ષ્મીના સ્વર્ગવાસી પતિ ભંવરલાલના કુટુંબના વયોવૃદ્ધ જ્યોતિષ. વારે-તહેવારે એમને મુંબઈથી ખાસ ગામ આમંત્રિત કરવામાં આવતા હતા. ધનલક્ષ્મીના મગજમાં એક વાત ખાસ ઠસી ગઈ હતી કે કુટુંબની સમૃદ્ધિ એમની આ ગાદી અને કરેલ પૂજાપાઠને આભારી હતી. મુંબઈમાં સ્થળાંતર બાદ ઘરમાં એમના આવનજાવનની માત્રામાં વધારો થયો હતો. બધા મહત્ત્વના નિર્ણયો શંભુ મહારાજની સલાહથી જ લેવાતા હતા. ભંવરલાલની છેલ્લી માંદગી વખતે એમણે જ ભાખેલું કે એ માંદગીમાંથી નહીં ઊગરે. પરાગના પરદેશ ગમનની અને ડૉક્ટરની ડિગ્રી હાંસલ કરવાની અગમવાણી એમણે જ ઉચ્ચારી હતી. પરાગનાં લગ્ન પહેલાં એમણે જ કહ્યું હતું કે લગ્નનો યોગ નજદીક આવી ગયો છે. ધનલક્ષ્મી વિચારતી હતી ‘ભાવિનો ભેદ જાણતા હશે ત્યારે જ કહ્યું હશે ને! ભૂલ તો મારી પસંદગીની જ હશે. મને આવી વહુની કલ્પના હોત તો એમની પાસે કોઈ વિધિ કરાવી ગ્રહો બદલાવતે.’

એની મા પર શંભુ મહારાજના પ્રભાવથી પરાગ સારી રીતે વાકેફ હતો. એને ધનલક્ષ્મીનો માનસીની બાબતમાં સીધો સામનો કરવા કરતાં શંભુ મહારાજને સાધવાનું વધારે લાભદાયક લાગ્યું. એને ખાતરી હતી કે સમજણથી ધનલક્ષ્મીના મંતવ્યો બદલવાઓ યત્ન કરવા કરતાં પૈસાના બળે ગ્રહો બદલવાનું કામ વધુ સહેલું હતું.

પરાગે ત્વરિત શંભુ મહારાજને મળી એની શ્રદ્ધા સમજાવીને સામગ્રીના રૂપમાં એમના ચરણમાં નોટોનો ઢગલો કરી દીધો. શંભુ મહારાજે પણ પ્રસાદ તરીકે માનસી થકી કુટુંબનાં ઉજ્જવળ ભવિષ્યની એક કુંડળી બનાવી એને સોંપી. શંભુ મહારાજ ધનલક્ષ્મીની પૈસાની હવસ અને વહુ માટેની લાલચનું કારણ સમજતા હતા, અને બન્યું પણ એવું જે પરાગે કલ્પેલું.

માનસીની સાથે થયેલી બોલચાલથી વ્યથિત થયેલી ધનલક્ષ્મીએ ફોન કરી શંભુ મહારાજને વગર વિલંબે આવવાનું કહ્યું. એને ભરોસો હતો કે માનસીનો ઉપાય કેવળ શંભુ મહારાજ સૂચવી શકે તેમ હતા.

‘કેમ બા, મને શીદ યાદ કર્યો?’ ઘરમાં દાખલ થતાં જ શંભુ મહારાજે હાથ જોડી પૂછ્યું.

એમને જોતાં જ ધનલક્ષ્મી તડૂકી, ‘કેમ મહારાજ! પરાગના લગન વખતે મને ચેતવવાનું ના સૂઝ્યું? ઉપરથી કહી ગયા કે ‘તમારે ઘેર સોનાનો સૂરજ ઊગ્યો છે.’

‘કેમ, ખોટું કીધું હતું?’

‘સરાસર ખોટું.’

‘એ તો બા, તમે જન્માક્ષર તો બતાવ્યા નહોતા, મેં તો કેવળ તમારાં કુટુંબની ઉન્નતિની આગાહી કરી હતી. તમે જાણો છો કે આજ સુધી મેં થાપ ખાધી નથી. હવે તમે જો જન્માક્ષર બતાવો તો કાંક ગમ પડે.’

ધનલક્ષ્મીએ નોકરને હાક મારી પરાગને બોલાવવા મોકલ્યો.

માનસી નાનીને ત્યાં ગઈ હોવાથી પરાગ એના રૂમમાં બેસીને નર્સિંગ હોમમાં જરૂરી એવા સરસામાનના અંદાજી ખર્ચની ગણતરી કરી રહ્યો હતો. જેવો તે બહાર આવ્યો કે ધનલક્ષ્મીએ પૂછ્યું ‘તારી વહુના જન્માક્ષર-બન્માક્ષર કાંક છે કે…’

‘મમ્મી, તને ખબર છે કે માનસી એવી વસ્તુઓમાં વિશ્વાસ નથી કરતી. આ તો બન્યું એવું કે એની નાનીએ જનમ વખતે બનાવડાવ્યા હતા તે હમણાં નાનીની બેગમાંથી હાથ લાગ્યા, તે હું જ લઈ આવ્યો. કેમ શું કામ પડ્યું એનું?’

‘મહારાજને બતાવવા છે.’

પરાગ શંભુ મહારાજે તાજા જ બનાવી આપેલા જન્માક્ષર લઈ આવ્યો. ‘જો મમ્મી, માનસીને ખબર ના પડે કે મેં કોઈને બતાવ્યા છે. છે તો બનારસના કોઈ શાસ્ત્રીના બનાવેલા.’ શંભુ મહારાજે સમજીને જૂના લાગે એવા કાગળ ઉપર બનાવ્યા હતા ને બનાવનારનું નામ પણ કાલ્પનિક હતું. શંભુ મહારાજે હાથમાં લીધા ને બનાવનાર જ્યોતિષનું નામ વાંચી અચંબાના ઉદ્‌ગાર કાઢ્યા, ‘આ દાદા, શું વાત છે! આ તો ભવાનીપ્રસાદ શાસ્ત્રીના બનાવેલા છે! પ્રખર જ્યોતિષ હતા. એમની ભવિષ્યવાણી એટલે વિધાતાના લેખ સમજી લ્યો.’

‘પણ લખ્યું છે શું એ તો કહો.’ ધનલક્ષ્મીએ વ્યાકુળતાથી પૂછ્યું.

‘જરા ધીરજ રાખો, બા. પહેલાં મને જનમ વેળાના ગ્રહોની દશા જોવા દ્યો ને ભવિષ્યમાં એની શી અસર પડશે એ ચકાસવા દ્યો. લગ્ન ટાણે “સોનાનો સૂરજ ઊગ્યો” એમ કહેવા માટે તમે મને ખોટો પુરવાર કરવાનો યત્ન કર્યો જ્યારે હું જાણું છું કે મારી આગાહી કદી ખોટી નથી પડી. મેં જે કીધું હતું એ જન્માક્ષર જોયા વિના કીધું હતું. હવે જો મેં કીધું હતું એ સો ટચનાં સોના જેવી વાત હતી તો તમે કદી મારા પર અવિશ્વાસ ના કરો. એટલે મને ધારીને ગણતરી કરવા દ્યો.’

પરાગ જાણતો હતો કે શંભુ મહારાજ શું કહેવાના હતા એટલે જાણે એને જન્માક્ષર સાથે કાંઈ લેવા દેવા નથી એમ બતાવવા એના રૂમમાં ચાલી ગયો ને અધખુલ્લા બારણાંની પાછળ કાન માંડીને સાંભળી રહ્યો.

મહારાજ આંગળીનાં વેઢે ગણતરી કરી રહ્યા. ‘બા, તમને યાદ હોય તો આપત્તિ ટાળવા મેં તમને હવન કરવા કીધું હતું પણ તમે કાને ના લીધું.’

‘ઇ આપત્તિ તો વહુના રૂપમાં આવી ગઈ હતી. ઇ હવનથી થોડી ટળવાની હતી!’

‘ના, વાત એમ છે કે તમારા ગ્રહોની દશાના કારણે તમારાં કુટુંબની અવદશાના યોગ પ્રબળ હતા. તમારું બધું કર્યું કરાવ્યું ધૂળમાં મળી જાત. કયા પ્રકારની આપત્તિ આવતે એ તો કહેવું શક્ય નથી. પણ એક વાતનાં એંધાણ જરૂર હતાં કે તમારી જાહોજલાલીનો અંત આવત. જમીન-જાયદાદ ને આ રાચરચિલું પણ ના રહેત. એવી અવદશાના સંકેત હતા કે ત્યાર બાદ તમારો કોઈ ભાવ ના પૂછત ને સગાં-વહાલાં પણ મોં ફેરવી લેત. હવનથી પણ એ યોગ ટાળવા જરા મુશ્કેલ હતા. તમને ને તમારા દીકરાને સંજોગોએ ઉગાર્યા.’

‘સંજોગો એટલે?’ ધનલક્ષ્મીને સમજણ ના પડી.

‘નવી વહુનું ઘરમાં દાખલ થવું એ એક સંજોગની વાત કહેવાય. હું તો લગ્ન ટાણે જ કળી ગયો હતો કે એ કન્યા કોઈ પવિત્ર આત્મા છે ને આ જન્માક્ષર એનો પુરાવો છે. એના ગ્રહો એટલા પ્રબળ હતા કે એને પગલે તમે આપત્તિમાંથી ઊગરી ગયાં. હું તો પહેલી વાર જોઈને જ પામી ગયો હતો કે આ કન્યા કોઈ વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવે છે. એ જ તમારાં કુટુંબને ઉન્નતિના માર્ગે લઈ જશે. આવી વહુ પામવા માટે તો માણસે કેટલા જન્મોનાં પુણ્ય ભેગાં કરવા પડે. આ હું નથી કહેતો આ તો પ્રખર પંડિત ભવાનીપ્રસાદ શાસ્ત્રીની ભવિષ્યવાણી છે.’

ધનલક્ષ્મી તો સાંભળીને આભી થઈ ગઈ. શંભુ મહારાજની આગાહીની અવગણના કરવી એ તો વિનાશ નોતરવા જેવું હતું.

‘શું વિચારો છો, બા?’

‘કેવાં મોટાં મોટાં ઘરનાં માગાં મારે ઠેલવાં પડ્યાં આ દીકરાની જીદના કારણે!’

‘તમે નસીબદાર હતા કે તમને સદ્‌બુદ્ધિ સુઝી. મોટાં ઘરની વહુ આવીને હુકમ કરતે ને આપત્તિ સર્જાત ત્યારે પીઠ ફેરવીને ચાલી જાતે. તમે કયા યુગમાં જીવો છો? આવી સુશીલ કન્યાને તો ફૂલની જેમ જાળવવી જોઈએ. બાકી તો જેવી આપની મરજી ને પ્રભુ ઇચ્છા. અમે તો ગ્રહોને ઓળખીએ છીએ, ગોઠવતા નથી.’

ઓછી બુદ્ધિની ધનલક્ષ્મીના મગજમાં વિચારને કોઈ અવકાશ નહોતો પણ આપત્તિના ડરે એને ચિંતાતુર જરૂર કરી. વહુના પગલે એ આપત્તિ ટળી એ વિચાર વ્યથિત કરે એવો હતો પણ શંભુ મહારાજે કહ્યું એટલે માનવું રહ્યું.

શંભુ મહારાજના ગયા પછી ધનલક્ષ્મી બે હાથે માથું પકડી બેસી રહી. મનમાં ને મનમાં વીતેલા યુગની ને નવા યુગની કન્યાઓ વચ્ચે સરખામણી કરતી રહી. એણે પણ એની સહેલીઓના ને લાગતા-વળગતાના કુટુંબો ભાળ્યાં હતાં. જે સાસુનાં જોર-જુલમ એણે મૂંગા મોંએ સહ્યાં હતાં એવા જોર -જુલમ હવે કોઈ કન્યા સહન નહોતી કરતી. જુદું ઘર માંડવાના અથવા છૂટાછેડા લેવાના બનાવો હવે છાશવારે સાંભળવા મળતા હતા ને છૂટી થયેલી સ્ત્રી કુટુંબની મિલકતમાં ભાગ પણ પડાવતી હતી. ઘરમાં દેવની પૂજા કરવી ન કરવી એની મરજીની વાત હતી. પણ પુરુષ સાથે આત્મીયતાથી વાત કરતાં અચકાતી નહોતી ને બહાર ફરવા કે પાર્ટીમાં જવા માટે સાસુની રજામંદીની આવશ્યકતા કોઈને નહોતી લાગતી. માનસી સાથે થયેલો એક વિખવાદ ધનલક્ષ્મીને સાસુ થવાનાં વર્ષોથી સેવેલાં સપનાંમાંથી બહાર લાવવા માટે પૂરતો હતો, ને એમાંયે શંભુ મહારાજની ચેતવણીએ વર્ષો બાદ એનાં મનમાં ડરનો સંચાર પેદા કર્યો.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.