‘બાનો ઓરડો’ નો અંગ્રેજી અનુવાદ

બાનો ઓરડો

– જયંત પાઠક

 

જન્મતાવેંત
બાની છાતીએ, બાની પથારીમાં,
ભાખોડિયાં ભરી ભરીને ,છેવટે
બાના ખોળામાં,
શેરીમાં  રમી-રખડીને,છેવટે
બાના ઓરડામાં;
સંસારમાં બા જ એક હાથવગી,પ્રેમવગી ત્યારે –

 

ને આજે ;
બહારથી આંગણે આવીને
ઘરમાં જોઉં છું તો
બાનો ઓરડો કેટલો આઘો દેખાય છે !
પહોંચતા કેટલી વાર થાય છે !


જયંત પાઠક : કવિ, વિવેચક, સંસ્મરણલેખક, પત્રકાર.

૧૯૯૦-૯૧’ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. એમના કાવ્યસંગ્રહો ‘મર્મર’ (૧૯૫૪), ‘સંકેત’ (૧૯૬૦), ‘વિસ્મય’ (૧૯૬૩), ‘સર્ગ’ (૧૯૬૯), ‘અંતરીક્ષ’ (૧૯૭૫), ‘અનુનય’ (૧૯૭૮), ‘મૃગયા’ (૧૯૮૩) અને ‘શૂળી ઉપર સેજ’ (૧૯૮૮) જોતાં જણાય છે કે પ્રકૃતિ, પ્રીતિ, પરમાત્મા, કુટુંબભાવ, વતન, શબ્દ, સમય અને માનવીનાં સુખદુઃખાત્મક સંવેદનો એમના સતત આરાધ્ય વિષયો રહ્યાં છે; અને તેઓ પ્રારંભે ગીત, સૉનેટ, મુક્તક, છંદોબદ્ધ રચનાઓ અને પછીથી ગઝલ, અછાંદસ રચનાઓ ભણી પણ વળ્યા છે.

‘મર્મર’ અને ‘વિસ્મય’માં સમકાલીન પ્રભાવ પ્રબળપણે ઝિલાયો છે; એની પ્રતીતિ પૃથ્વીછંદ અને સૉનેટનું આકર્ષણ, ચિંતનતત્ત્વ સામાજિક-સાંસ્કૃતિક પ્રશ્નોનું નિરૂપણ, માનવીનો ‘અમૃતનો વારસ’ તરીકે મહિમા ને ગૂઢ રહસ્યમય તત્ત્વ વિશેનાં ટાગોરશાઈ ગીતો કરાવે છે. ‘વિસ્મય’થી કવિની આરણ્યક વૃત્તિ ધ્યાન ખેંચવા લાગે છે. અહીં પ્રણયનાં આનંદ, ઉલ્લાસ, તૃપ્તિ સાથે એના વૈફલ્યનો વિષાદ પણ આલેખાય છે. ‘સંકેત’માં કવિ ચીલો ચાતરવા મથે છે અને ભાવાભિવ્યક્તિ તથા છંદોવિધાન પરત્વે પ્રયોગશીલતા દાખવે છે, પરંપરિતમાં રચનાઓ આપે છે એનું અનુસંધાન ‘સર્ગ’માં મળે છે. પરંતુ કવિનું લક્ષ, શૈલીનાવીન્ય પ્રગટાવવા કરતાં કાવ્યત્વ સિદ્ધ કરવા તરફ જ વિશેષ રહે છે. તેથી ‘સર્ગ’- માં છાંદસ રચનાઓ અને ગીતો ઉપરાંત અછાંદસ રચનાઓ અને ગઝલો પણ ધ્યાન ખેંચે છે. છતાં પ્રકૃતિનાં નર્યાં સૌંદર્યચિત્રો, પ્રકૃતિ સાથેના સંવેદનશીલ અનુભવો ને પ્રણયભાવમાં વિરહનો વિફલતાનો ઘેરો વિવાદ અત્યંત નાજુક રીતે આલેખાય છે. વિસ્મયભાવમાં વિદગ્ધતા અને કલાસંયમ ભળે છે. વતનપ્રીતિના ભવિષ્યમાં આવનારા કાવ્યફાલનો અંકુર પણ અહીં જ ફૂટતો જણાય છે. કવિએ વતનનાં સંસ્મરણોનું આલેખન કરતી ગદ્યકૃતિઓ ‘વનાંચલ’ (૧૯૬૭) અને ‘તરુરાગ’ (૧૯૮૮) રચી છે.

પારિતોષિકો >

  • ૧૯૫૭નો કુમારચંદ્રક. ૧૯૭૬ માં નર્મદ સુવર્ણચંદ્રક,
  • ૧૯૭૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક,
  • ૧૯૮૨-૧૯૮૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક,
  • ૧૯૭૪માં સોવિયેટ દેશ નહેરુ ઍવોર્ડ,
  • ૧૯૭૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ

અનુવાદ

Mother’s Room 

– Jayant Pathak

Right after birth
on Mother’s breast
in her bed;
on all fours crawling
at last into her lap;
after playing and roaming in the streets
finally back in Mother’s room;
Mother was the only one
always at hand, always loving – then.

 

Now
when I return home
and peer inside
how distant does Mother’s room appear!
How long it takes
to reach her chamber!

                અનુ:


પ્રદીપ એન. ખાંડવાલા

પ્રદીપ ખાંડવાલા અમદાવાદ આઇઆઇએમના પ્રોફેસર અને નિયામક હતા. એમણે મેનેજમેન્ટ વિશે અંગ્રેજીમાં પુસ્તકો લખ્યાં છે. એમને અને શ્રીમતી અંજલિ ખાંડવાલાને ગુજરાતનું સાહિત્યજગત કવિ અને વાર્તાકાર તરીકે ઓળખે છે. અંગ્રેજી માધ્યમમાં ભણેલા, વિદેશમાં પ્રતિષ્ઠા પામેલા પ્રદીપભાઇ અંગ્રેજીમાં કવિતા લખતા રહ્યા છે. હવે ગુજરાતીમાં લખવા સાધના કરે છે. ગુજરાતી ભાષાનાં બસો જેટલાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ ‘બિયોન્ડ ધ બીટન ટ્રેક’ – ચીલા-પારની કવિતા નામે પ્રકાશિત છે.


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.