‘સુપર મારીઓ’ પ્રભાવ

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંતો

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

પીટર સિદ્ધાંતની કે પછી ડન્નિંગ-ક્રુગર પ્રભાવની અસર હેઠળ હોય, કે ન હોય, પણ અક્ષમ લોકો, કે પછી, ઈમ્પોસ્ટર સિન્ડ્રોમની અસર હેઠળ હોય કે ન હોય, પણ  ક્ષમતાવાન લોકો સુદ્ધાં, સામાન્યતઃ, જાણ્યેઅજાણ્યે, પોતે જે બાબતે ધારી સફળતા નથી મેળવતાં તે બાબતો ફરીથી થશે એ વિશે જરૂર જાગૃત બની જાય છે. મોટા ભાગે આ ડરનું પરિણામ એ આવતું હોય છે કે આપણે કોઈ જ પ્રકારનો પ્રયાસ કરવાનું ટાળી લેવાનું વલણ ધરાવતાં થવા લાગીએ છીએ.

જોકે, એ તો ઓક્કસપણે સાબિત થઇ ગયું છે કે મોટા ભાગનાં લોકોનાં આ વર્તનનું મૂળ  કારણ નિષ્ફળતાનો ડર નહીં, પણ એ ડર વિશેનો દૃષ્ટિકોણ છે. સામાન્યતઃ આપણને બીજાંની સામે અસફળ થવું પસંદ નથી હોતું. આ વાત નાસા અને એપલના પુર્વ ઈજનેર અને યુ ટ્યુબ પર ૧૫ લાખથી વધારે ચાહકો ધરાવતા  માર્ક રોબર[1]ના એક બહુ જ સરળ પ્રયોગમાંથી ફલિત થઈ. પ્રયોગ કંઈક આ પ્રમાણે હતો-

એક બહુ જ સરળ કોમ્પ્યુટર રમતમાં એક ભુલભુલામણીમાં કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કોડ જેવા બ્લૉક ગોઠવી ને કારને તેનાં ગંતવ્ય પર પહોચાડવાની છે.

રમતનાં બે વર્ઝન હતાં – એકમાં જો તમે નિષ્ફળ જાઓ તો કોઈ જ નુકસાન ભોગવ્યા વિના ફરી ફરીને  પ્રયત્ન કરી શકાય. બીજામાં દરેક નિષ્ફળ પ્રયાસ માટે પાંચ અંક કપાય, પણ પ્રયત્ન ફરી ફરીને કરી શકાય. ૫૦,૦૦૦ જેટલાં લોકોએ આ રમતમાં ભાગ લીધો. બન્ને વર્ઝનનાં પરિણામોનું જ્યારે વિશ્લેષ્ણ કરવામાં આવ્યું ત્યારે માનવ જાતની એક બહુ જ આગવી ખાસિયત ધ્યાન પર આવી.

જે લોકોએ અંક ન ગુમાવવા પડે એ વર્ઝન પસંદ કર્યું હતું, તે પૈકીનાં ૬૮% લોકો કોયડો ઉકેલવામાં સફળ રહ્યાં. આમ કરવા માટે તેમણે સરેરાશ ૧૨ પ્રયત્નો કર્યા હતા. તેની સારખામણીમાં જે લોકોએ અંક ગુમાવવાનું પસંદ કર્યું હતું તેમાંનાં ૫૨% લોકો કોયડો ઉકેલી શક્યાં તેમાંનાં અસફળ લોકોએ સરેરાશ ૫ પ્રયત્નો પછી રમત છોડી દીધેલ.

આ પરિણામોથી જાપાનની જાણીતી કહેવત, ‘નાના કોરોબી, યા ઓકી’[2] (પડો ભલે સાત વાર, બેઠા થાઓ આઠમી વખત) – આપણાં ગુજરાતી સાહિત્યના કવિ શ્રી દલપતરામની પ્રખ્યાત બાળકવિતા ‘કરતાં જાળ કરોળિયો ભોંય પર પછડાય …..આળસ તજી મે’નત કરે પામે લાભ અનંત‘ની જેમ)ની પુષ્ટિ કરતાં હતાં. બીજા શબ્દોમાં કહીએ તો જેટલા પ્રયત્નો વધારે તેટલી સફળતાની સંભાવનાઓ વધારે.

આ પ્રયોગના પરિણામરૂપે માર્ક રોબરે જેનું નામાભિધાન ”સુપર મારીઓ’ પ્રભાવ’ કર્યું તે  સિદ્ધાંતને રજુ કર્યો. [3]

પરંતુ, મારાં જેવાં ઘણાં લોકોને ‘સુપર મારીઓ રમતનો પરિચય કદાચ નહીં હોય.  તેથી પહેલાં તો આ રમત વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવી લઈએ.

આ રમત વિજાણીય પાટીયાં પર રમવા માટેની વીડીયો રમત છે, જેમાં નળ વગેરેનું સમારકામ કરતા બે ઈટાલિયન મિત્રો મારીઓ અને લુઇગી રાજકુમારી ટોડસ્ટુલને મશરૂમ રાજ્યના શેતાની રાજા બાઉઝરે ક્યાં સંતાડી છે તે શોધવા નીકળી પડવાનું છે. રમતમાં બાજુમાં સ્ક્રોલ કરી શકાય તેવી કક્ષાઓ છે જે દરેકમાં દુશ્મન કાચબાઓ સંતાણા છે. દરેક કક્ષાનું ચોકઠું અલગ અલગ રચનાનું બનેલું હોય છે. કોઈક ઊંડાં ભોંયરાઓમાં હોય તો કોઈક જમીનની ઉપર. તેમાં બાઉઝરના વેશધારીઓ સાથે એ સ્તરના કિલ્લામાં લડાઈ કરવાની રહે. એકવાર એ વેશધારી હારે એટલે મશરૂમ રાજ્યનાં નાગરિકો મારીઓ કે લુઇગીને જાણ કરે કે કુંવરી તો બીજા કિલ્લામાં છે. સાચા બાઉસરની સામે વિજય મેળવી રાજકુમારી ટોડસ્ટુલને બચાવી લવાય તો રમત જીતી ગણાય. [4]

સુપર મારિઓ જેવી રમતમાં એકાદ વાર હારી જવાથી આપણે કાયમ માટે હાથ જોડીને બેસી નથી રહેતાં, પરંતુ ફરીથી એ જ ઉત્સાહથી રમીએ છીએ, રમતાં રહીએ છીએ. મોટા ભાગે  પહેલાંની દરેક રમતમાં આપણે જે ભુલ કરી હોય તેને આપણે યાદ પણ રાખીએ છીએ, જેથી જાણ્યેઅજાણ્યે એ ભુલનું પુનરાવર્તન ટાળી શકીએ. રમતમાં વધારેને વધારે સારી રીતે જીતવામાં આપણી  સંભાવનાઓ વધારવામાં આપણી આ મનોદશા મદદરૂપ બને છે.

તેમનાં TEDx વ્યક્તવ્ય, The Super Mario Effect – Tricking Your Brain into Learning Moreમાં માર્ક રોબરે આ સીધી સાદી, પણ એટલી જ આશ્ચર્યકારક,માહિતીને ‘જીવનનું ખેલકરણ’ તરીકે રજુ કરે છે. તત્ત્વતઃ, આ રીતનું ખેલકરણ જીવનના આપણા બધા પડકારોને અને નિષ્ફળતાઓને એવા નવાં સ્વરૂપે રજુ કરે છે કે આપણને લાગવા માંડે કે આ બધા અવરોધો તો આપણે અતિક્રમી શકીએ.

તેમનાં વ્યક્તવ્યમાં,@7.25 પર માર્ક રોબર ‘જીવનના ખેલકરણ’ના પોતાના  વિચારને આટલી સંક્ષિપ્ત રીતે રજુ કરે છે:

જીવનનાં ખેલકરણનો આ વિચાર માત્ર સકારાત્મક અભિગમ કેળવોકે ક્યારે પણ હાર ન માનોજેવી જાણીતી વાતો કરતાં કંઈક વિશેષ છે, કેમકે એ બધામાં તો હવે તો હાર્યાએવી તમારી ખરી અભિલાષાની વિરૂદ્ધ જવાનું અભિપ્રેત છે. મારૂં માનવું છે કે જેને હું ખેલકરણકહું છું એ રીતે શીખવાની પ્રક્રિયા કે પડકારને જોવાનો દૃષ્ટિકોણ મુજબ ખરેખર  તમારે રમતમાં રહીને પ્રયત્નો કરવાનો જ છે. જેમ પા પા પગલી માંડતું બાળક પડે છે અને ફરી ઊભું થઈને ડગલું માંડે છે, કે જેમ તમે સુપર મારીઓ ફરી ફરીને રમવા ઈચ્છો છો, તેમ નિષ્ફળતાઓને સહજપણે ભુલીને તમારે કોશિશ કરતાં જ રહેવું છે.

આ સરળ વિચારને ‘સુપર મારીઓ’ રમતનું નામ આપવાનું કારણ એટલું જ  છે કે (બાળ) ખેલાડીઓ તો હારનો ભય રાખ્યા વગર,માત્ર રમત રમવાના મૂળભૂત આનંદ માટે જ આ મુશ્કેલ રમત રમતાં રહે છે. એ જ પ્રભાવમાં જ્યારે પુખ્ત વ્યક્તિ પણ નિષ્ફળતાઓને ભૂલીને હોંશે હોંશે  ફરી પરાયતન કરવ અલાતે તે ‘‘સુપર મારીઓ’ પ્રભાવ.’ માર્ક રોબરનું કહેવું છે કે નિષ્ફળતાઓને હરાવવાનું શીખવા માટે, ખરેખર તો, હારવું જ જરૂરી છે. દરેક નિષ્ફળતા હવે પછીની સફળતા માટે આપણને વધારે કટિબધ્ધ કરેવામાં મદદરૂપ બને છે.

રમતની જેમ જ, આપણાં મગજને ભ્રમના ભુલાવામાં નાખીને  બધી જ પ્રકારનું શીખવાને માટે કેમ કરી રાખવું એ વિશેનાં માર્ક રોબરનાં જે વ્યક્તવ્યને ૬૦ લાખથી વધારે લોકો જોઈ ચુક્યાં છે તેનાં હાર્દ સમી ૯ પંક્તિઓ છે –

૧. ‘વધારે શીખતાં રહેવા અને (તેમ કરીને) વધારે સફળતા મેળવતા રહેવા માટે શીખવાની પ્રક્રિયાને, યોગ્ય રીતે, નવી નજરે જોવામાં જ ખરી યુક્તિ રહેલી છે.’

૨. “નિષ્ફળતાની પરવા જ ન રહે તે રીતે શીખવાની પ્રક્રિયાને ગોઠવી શકીએ તો કેવું? તો કેટલાં વધારે સફળ થવાય? કેટલું વધારે શીખી શકાય?’

૩. ‘પોતે કેવા અજ્ઞાન દેખાશું તે તરફ નહીં પણ રમતને હરાવવા તરફ ધ્યાન અને મન પર કબજો હોય છે. તેનું સીધું પરિણામ એ આવે છે કે નિષ્ફળતા પરથી શીખવાને બદલે, આપણે કેટલું સારૂં રમ્યા અને ટુંકા સમયમાં જ કેટલું બધું શીખી ગયા એવી બાબતો ધ્યાન કેન્દ્રીત થવા લાગે છે.’

૪. ‘હું આને ‘સુપર મારીઓ પ્રભાવ કહું છું: (રસ્તામાંના) ખાડાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે કુંવરી પર ધ્યાન એકાગ્ર કરવું, લક્ષિત કામને વળગી રહેવું અને (તેમ કરવા માટે) વધારે ને વધારે શીખતાં રહેવું.’

૫. ‘મેં જે રીતે વર્ણવ્યું છે તે રીતે જો તમે પડકારને કે શીખવાની પ્રક્રિયાને નવેસરથી ગોઠવશો તો તમે ખરેખર તેમ કરવા (જ) ઇચ્છશો.  ચાલવાનું શીખતું બાળક જેમ પડે અને ફરીથી ઊભું થઈને ચાલવાની કોશિશમાં લાગી જાય છે તેમ  તમે પણ નિષ્ફળતાઓને અવગણવાનું  સહજ ગણીને  સુપર મારીઓ રમત રમવાનું ચાલુ રાખવા માગશો.’

૬. “હું ચોક્કસપણે માનું છું કે જો તમે પડકારોને નવી રીતે ગોઠવશો તો બધો જ ફરક પડી જશે. મારો અભિગમ તમને કંઈક મજા પડે તેવું શીખવા તરફ ચાલાકી કરવા તરફનો છે.”

૭. ‘શીખવાની પ્રક્રિયાને નવેસરથી ગોઠવવાથી, મોટે ભાગે, નિષ્ફળતા માટેનો ભય નજર સામેથી હટી જાય છે અને (તેથી) (નવું) શીખવાનું (વધારે) સહજ બને છે.’

૮. ‘કુંવરી (લક્ષિત કાર્ય)પર ધ્યાન કેન્દ્રીત કરવાથી, અને તમારાં જીવનના પડકારોની સાથે(એક) વિડીયો રમતની જેમ વર્તવાથી, તમે તમારાં મગજને ભુલાવામાં નાખીને વધારે ને વધારે શીખવા લાગો છો અને (પરિણામે) વધારે ને વધારે સફળતા મેળવવા લાગો છો.”

૯. “નિષ્ફળતા, નિષ્ફળતા અને (હજુ વધારે) નિષ્ફળતા, પણ આખરે (તો) સફળતા.”

શીખતાં રહેવા માટે અને માહિતીને મનમાં રાખીને વપરાશમાં લેતાં રહેવા માટે રમતો કેમ લાંબે ગાળે આટલું સશક્ત માધ્યમ છે તે સમજવા માટેનાં વધતાં જતાં સંશોધનોમાં માર્ક રોબરનું Tedx વ્યક્તવ્ય એક અગત્યનું ઉમેરણ છે.   આ નવાં ઉભરતાં વિજ્ઞાનનાં મોજાંમાં વધારે ઊંડા ઉતરવામાં રસ હોય તો ખુબ જ વેચાણ ધરાવતાં પુસ્તક “Make It Stick: The Science of Successful Learning.”ના લેખક પીટર સી. બ્રાઉન સાથેનો ઈન્ટરવ્યું જરૂરથી વાંચજો. [5]


[1] Mark Rober’s YT channel

[2] Fall down seven times, get up eight: The power of Japanese resilience

[3] The Super Mario Effect: A Psychological Trick to Help Achieve Success Painlessly

[4] Super Mario Bros

[5] 9 Best Lines From Mark Rober’s SUPER MARIO EFFECT TEDX Talk

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.