ગરબડદાસોના ગોટાળા : વાત કેટલાક રિઅલ લાઈફ ‘મિસ્ટર બિન’ની!

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

અમેરિકાના કાન્સાસની એક અદાલત હકડેઠઠ ભરાઈ છે, મુજરિમ કઠેરામાં ઉભો છે અને બચાવપક્ષની દલીલો સાંભળવા માટે લોકો આતુર છે. વાત એમ છે કે ફિલીપ ચેધમ નામના એક આદમી ઉપર બે માણસોની હત્યા અને એકને ગંભીર ઇજા પહોંચાડવાનો મુકદ્દમો ચાલી રહ્યો છે. જો આરોપ સાચા સાબિત થાય તો ફિલીપને લાંબીલચક સજા થાય એમ છે. બધો આધાર બચાવપક્ષની દલીલો ઉપર છે. ત્યાં તો ફિલીપનો, એટલે કે બચાવપક્ષનો વકીલ દલીલનો દોર ઉપાડે છે. અને એક પછી એક દલીલોની એવી ફટકાબાજી કરે છે કે….!! ખેર, એ દિવસે અદાલતમાં શું થયું એ તો આપણે માટે કલ્પનાનો જ વિષય છે. પણ જો આ સત્યઘટના ઉપરથી કોઈ હિન્દી ફિલ્મ ઉતારે તો એ કોર્ટ સીન જોઈને લોકો હસી હસીને બેવડ વળી જાય!

ફિલીપ ચેધમે કોઈક કાળ ચોઘડીયે ડેનિસ હોવર નામના ‘વિદ્વાન’ને પોતાના વકીલ તરીકે રોકેલો. અદાલતમાં ફિલીપનો બચાવ કરવા માટે ડેનિસે એવી વાહિયાત દલીલો કરી કે ઉલટાનું ફિલિપને ફાંસીની સજા થાય! પોતાના અસીલનો બચાવ કરવાને બદલે ડેનિસે તો અસીલના ભૂતકાળના ગુનાઓ વિષે પોલ ખોલવા માંડી! ફિલીપ આ અગાઉ પણ માનવહત્યાના ગુના સબબ ઝડપાઈ ચૂક્યો છે, એ વાત હોવરે કોર્ટને ભારપૂર્વક જણાવી! એટલું જ નહિ પણ પોતાનો અસીલ હકીકતે એક ‘પ્રોફેશનલ ડ્રગ ડિલર’ છે, એ બાબતે ય ચોખવટ કરી. આ બધું સાંભળીને પેલા ફિલીપને તો બિચારાને કાપો તો લોહી ન નીકળે! ત્યાં હોવરે આગળ વાત ચલાવતા પોતાના જ અસીલને ‘શૂટર ઓફ ધી પીપલ’ કહીને નવાજ્યો! આ બધું ઓછું હોય એમ ફિલિપને પોતાના બચાવ માટે પબ્લિક ફંડમાંથી જે રકમ મળવાપાત્ર હતી, એ પણ હોવરે ઠુકરાવી દીધી! ટૂંકમાં, ‘બાહોશ’ ગણાતા વકીલે અસીલ ગભરાઈને બેહોશ થઇ જાય એવી ધૂંઆધાર દલીલો કરી! ખરેખર તો હોવરની એક્કેય વાત કે દલીલને ફિલીપના કેસ સાથે નહાવા-નિચોવવાનો સંબંધ નહોતો. પણ હોવરે સમજ્યા વિના છબરડા પર છબરડા વાળ્યા!

ખુદ કોર્ટે હોવરના આ ગોટાળા બદલ એનો ઉધડો લીધો અને શિસ્તભંગનો ચાર્જ લગાવીને કોર્ટ સમક્ષ હાજર થવાનું ફરમાન કર્યું. પણ હોવર સાહેબ તો કંઈક જુદી જ માટીના બનેલા! જ્યારે શિસ્તભંગના આરોપનો જવાબ આપવા મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ થવાનું હતું, ત્યારે હોવર મહાશય અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ થોમસ જેફરસન જેવો વેશ કાઢીને જજ સામે હાજર થયા! એ સમયે ફરી પાછી કોર્ટમાં હસાહસ થઇ હશે. આખરે કોર્ટે કંટાળીને ફિલિપને બીજો કોઈ ‘સારો’ વકીલ રોકવાની સલાહ આપી અને ડેનિસ હોવરની વકીલ તરીકેની સનદ રદ કરી નાખી!

મૂળ વાત એમ છે કે અમુક લોકો ‘બાય ડિફોલ્ટ’ એવા ’ગરબડદાસ’ હોય છે કે એમને ચક્રમ ગણી લેવા પડે! અહીં જે સત્યઘટનાની વાત કરી, એનો ‘હીરો’ એવો પેલો વકીલ પણ આવું જ એક ‘ગરબડછાપ’ કેરેક્ટર છે. આપણે મિ. બિનની ફિલ્મો જોઈને હસીએ છીએ, પણ આપણી વાસ્તવિક દુનિયામાં પણ એવા અનેક મિ બિન્સ વિવિધ ક્ષેત્રે જોવા મળશે, જે છબરડાઓનો ‘ઉજ્જવળ’ ઇતિહાસ ધરાવતા હોય! આજે એવા જ કેટલાક પ્રખ્યાત ગરબડદાસોની વાત કરવી છે.

ઓગણીસમી સદીમાં થોમસ નટલ નામનો પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી થઇ ગયો. એણે પોતાની કેરિયર દરમિયાન અનેક નવા પ્લાન્ટ્સ શોધી કાઢ્યા. થોમસ નટલના સંશોધનો વિષે પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીમાં પણ ભણાવાતું! પણ આવો મહાન સંશોધક વારંવાર એવા છબરડા વાળતો કે એની બુદ્ધિપ્રતિભા વિષે શંકા જાય!

વનસ્પતિ ઉપર સંશોધનકાર્ય માટે ઊંડા જંગલોમાં જવાનું થાય ત્યારે થોમસ અચૂકપણે રસ્તો ભૂલી જતા, અને એમના દળના બીજા સભ્યોએ એમને શોધવા માટે જંગલો ખૂંદવા પડતા! અમુક વાર એમની ટીમના સભ્યો પાછા ફરવાના રસ્તા પર અનેક લાઈટ્સ સળગાવી રાખતા, જેથી દુરથી રોશની દેખાય અને થોમસ સાહેબને પાછા ફરવાનો માર્ગ જડી જાય. એક વાર થોમસભાઈ જંગલમાં ખોવાઈ ગયા. એમને શોધવા માટે નીકળેલી સર્ચ પાર્ટીએ એ વિસ્તારના જાણકાર એવા કેટલાક નેટીવ અમેરિકન્સને સાથે લીધા. થયું એવું કે દુરથી નેટીવ અમેરિકન્સને આવતા જોઈને થોમસને બીક લાગી. ક્યાંક આ આદિવાસીઓ મારી તો નહિ નાખે ને? બસ, પછી તો કશું લાંબુ વિચાર્યા વિના થોમસ ભાઈ મુઠ્ઠીઓવાળીને ઊંડા જંગલમાં નાઠા! સતત ત્રણ દિવસ ઊંડા જંગલમાં રઝળપાટ કર્યા બાદ થોમસસર આખરે એક કેમ્પ સુધી પહોંચ્યા. નજીક જઈને જોયું ત્યારે ખબર પડી કે આ તો એમનો પોતાનો જ કેમ્પ છે! એક વાર આ ગરબડદાસ સંશોધકને ઊંડા જંગલોમાં ખરેખરા આદિવાસીઓ ભટકાઈ ગયા. પણ પછી કોણ જાણે શું થયું, તે એ લોકો થોમસ નટલને માનભેર કેમ્પ સુધી મૂકી પાછો મૂકી ગયા!

જો કે બધા ગરબડદાસો કંઈ નટલ જેટલા નસીબદાર નથી હોતા. અમુક તો બિચારા સાવ ખોટી રીતે પ્રખ્યાત થઇ જાય છે. મારીઓ મેન્ડોઝા નામના બેઝબોલ પ્લેયરના જીવનમાં કંઈક આવું જ બન્યું. એક ખેલાડી તરીકે મારિયો બિચારો સાવ નિષ્ફળ સાબિત થયેલો. એંસીના દાયકા દરમિયાન એની બેટિંગ એવરેજ હતી ૦.૨૧૫! મતલબ કે મારિયોને પોતાની એક ઇનિંગમાં રોકડો એક રન દોડવાના ય ફાંફા પડતા હતા. આશ્ચર્યજનક બાબત એ હતી કે મારિયો કરતા પણ ઓછી એવરેજ ધરાવનાર ખેલાડીઓ હતા. પણ મારિયો વારંવાર ચાન્સ મળવા છતાં એવરેજ સુધારી ન શક્યો, એમાં બદનામ થઇ ગયો! મારીયોનો નબળો દેખાવ એટલો બધો સાતત્યપૂર્ણ રહ્યો કે એક ‘બેન્ચમાર્ક’ તરીકે સેટ થઇ ગયો. જેમ ગરીબીરેખા સમાજના બે વર્ગોને વિભાજીત કરે છે, એમ ખેલાડીઓના બે વર્ગોને વિભાજીત કરવા માટે મારિયો મેન્ડોઝાના નામ ઉપરથી ‘ધી મેન્ડોઝા લાઈન’ ચલણમાં આવી! જે ખેલાડીઓ સારું કે માધ્યમ પરફોર્મ કરતા હોય, એ બધા એબોવ મેન્ડોઝા લાઈન ગણાતા, જ્યારે કનિષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓ બીલો મેન્ડોઝા લાઈન ગણાતા. પછી તો આ રૂઢિપ્રયોગ એટલો પ્રચલિત બન્યો કે શેરમાર્કેટ સહિતના દરેક ક્ષેત્રે બીલો ધી લેવલ પરફોર્મ કરનારા માટે ‘બીલો મેન્ડોઝા લાઈન’ શબ્દપ્રયોગ વપરાવા માંડયો! આખી વાતમાં આમ જુઓ તો મેન્ડોઝાનો દેખીતો કોઈ વાંક નહોતો. તેમ છતાં ઇતિહાસમાં એ સાવ ખોટી રીતે પ્રસિદ્ધ થઇ ગયો, બિચારો! મેન્ડોઝાને હકીકતે રમતના મેદાનમાં એણે વાળેલા છબરડાઓ નડી ગયા!

વાત રમતના મેદાનમાં વાળેલા છબરડાની હોય તો કદાચ વેનેઝુએલાના ફોર્મ્યુલા વન રેસર પાસ્ટર મેલ્ડોનાડોને કોઈ ન પહોંચે! કાર રેસની દુનિયામાં ફોર્મ્યુલા વન રેસર હોવું એક મરતબાની વાત છે. પણ પાસ્ટર મેલ્ડોનાડોના કેરિયર ‘રેકોર્ડ્સ’ પર નજર નાખો તો શંકા જાય, કે આ ભાઈને ફોર્મ્યુલા વનના રેસર બનાવ્યા કોણે?! અનેક વખત ચાલુ રેસમાં કાર ફેઈલ થઇ જાય કે પલટી મારી જાય કે પછી આડી તેડી ઘૂસી ગઈ હોય એવા બનાવોની પાસ્ટર મેલ્ડોનાડોને મન કોઈ નવાઈ નથી! પાસ્ટરના આવા પરાક્રમોને કારણે સૌથી વધુ વખત દંડાયેલા ખેલાડીઓના લિસ્ટમાં એનું નામ ટોચ ઉપર છે. એક વાર તો પાસ્ટરભાઈએ રેસિંગ ટ્રેક પર લગાવેલો ફ્લેગ ઇગ્નોર કરીને પોતાની ધમધમાટ દોડતી કારને સાવ ખોટી બાજુએ ઘુસાડી દીધી અને એક રેસ માર્શલને ઉડાવી દીધો! પેલા માર્શલના નસીબ સારા તે નાનીમોટી ઇજાઓ થવા છતાં બચી ગયો! પાસ્ટરના પપ્પાએ ઘાયલ માર્શલના સંપૂર્ણ ઈલાજ અને દવાદારૂની જવાબદારી ઉપાડી ન લીધી હોત, તો પાસ્ટરબાબુને કાયમ માટે કાર-રેસિંગમાં પ્રતિબંધિત કરાયા હોત! તમને નવાઈ લાગતી હશે કે આવા ‘પરાક્રમી’ ડ્રાઈવરને લાઇસન્સ કઈ રીતે મળતું હશે? આની પાછળનું ‘રહસ્ય’ પણ પાસ્ટરના પપ્પા જ છે. હકીકતે વેનેઝુએલાની એક મોટી ઓઈલ કંપની પાસ્ટર મેલ્ડોનાડોને સ્પોન્સર કરે છે, અને પાસ્ટરના પપ્પા લાંબો સમય સુધી વેનેઝુએલાના પ્રમુખ રહેલા શક્તિશાળી નેતા હ્યુગો ચાવેઝના ખાસ મિત્ર છે. પ્રમુખ હ્યુગોનું તો ૨૦૧૩માં જ મૃત્યુ થયું, પણ પપ્પાની લાગવગ હજી ચાલતી હોવાથી પાસ્ટરભાઈ રેસિંગ ટ્રેક પર પરાક્રમ દેખાડતા રહે છે! ઈન્ટરનેટ પર પાસ્ટર મેલ્ડોનાડો લખીને સર્ચ કરશો તો એના ડ્રાઈવિંગની અનેક શો-રીલ્સ જોવા મળશે.

        અને અંતે એક ‘મહાન’ કવિની વાત. ૧૮૨૫માં જન્મેલા વિલિયમ ટોપાઝ મેકગોનેગલને ઇતિહાસના સૌથી ખરાબ કવિ તરીકે ઓળખવામાં આવે છે! એણે ૨૦૦ જેટલી કવિતાઓ લખી, જેમાંની મોટા ભાગની કવિતાઓને ‘worst in English literature’ કહીને નવાજવામાં આવી છે! સાહિત્યકારોના મતે વિલિયમ મેકગોનેગલને કવિતાનો ‘ક’ સુધ્ધાં ખબર નહોતી, પણ એ પોતાની જાતને બહુ મોટો કવિ માનતો. પરિણામે એ જ્યાં પણ કાવ્યપાઠ કરવા જાય, ત્યાં મોટા છબરડા વાળતો. એક વાર તો કવિતાના કાર્યક્રમ દરમિયાન એની કવિતા સાંભળીને પ્રેક્ષકો એવા રોષે ભરાયા કે રમખાણે ચડ્યા! વિલિયમ ટોપાઝ મેકગોનેગલે રીતસર ભાગીને ડ્રેસિંગ રૂમમાં છુપાઈ જવું પડ્યું, બોલો! મેકગોનેગલને અનેક વાર ધમકીઓ આપવામાં આવતી. એના પોતાના જ નગરમાં એને કાવ્યપઠન કરવા દેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોવાની ખૂબી એ છે કે પોતાની આ પ્રકારની ‘ઉપલબ્ધિઓ’ છતાં મેકગોનેગલ પોતાને બહુ ઉચ્ચ કક્ષાનો કવિ માનતો! એક વાર તો હદ થઇ ગઈ! કોઈકે મજાકમાં મેકગોનેગલને કાગળ લખીને જણાવ્યું કે તમને ‘નાઈટહુડ’નો ખિતાબ મળ્યો છે. બસ, ફિર ક્યા થા! મેકગોનેગલ પોતાની બાકીની જિંદગી પોતાના નામ સાથે નાઈટહુડનો ખિતાબ (વગર મળ્યે) વાપરતો રહ્યો!

તમારા ધ્યાનમાં આવો કોઈ ગુજરાતી  છે?!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

1 thought on “ગરબડદાસોના ગોટાળા : વાત કેટલાક રિઅલ લાઈફ ‘મિસ્ટર બિન’ની!

  1. બે વાત –
    ૧) વેગુ પરના લેખકો નું Performance evaluation કરીએ તો? મેન્ડોઝા લાઈનની નીચે વાળા માટે ખાસ !

    ૨) ગુજરાતી બ્લોગ જગતમાં કવિઓનો મોટો રાફડો છે . એમાં ય આ કરવા જેવું છે !

Leave a Reply

Your email address will not be published.