અનીતિમાં નીતિ

સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

અનીતિનો અફસોસ

આજે સાંજના જમીને બેઠો યાં ઓચીંતાનો ૧૯૫૯નો મેંદરડાનો ભાદરવો યાદ આવ્યો. ખાસ તો ઈ વરસ ફાંકડું થ્યુંતું ને ચોમાસે ખેડુઓએ કરેલ ઘઉં, બાજરો, જુવાર, કપાસ ને બીજાં દાળદાણાની વાવણીના ભાદરની તડકીમાં ઊંચા આવતા મોલ જોઈને એના કેડિયાની ક્સુ ટુટટતી એટલા મોજે હતા. ઈ વખતે ગામમાં વીજળી કે નળ નહીં એટલે સૌ કોઈના આનંદનાં એકબે સાધન, કાં કોઈ ભજનિકના ભજન રાખે ને કાં પછી ડાયરે વાત્યું મંડાય. મેંદરડાને બેચાર ભજનિકો તો પોતાના જ હતા એટલે ભજનો તો ગામમાં ખુબ ગવાતાં ને એટલે જ ઈ ભાદરવે કણબી નાતના પટેલ ભગાભાઇ પાનસૂરિયાએ કડવા કણબીની નાત વતી મેંદરડાની પાસે નાજાપુરના જાણીતા અને ભોળાનાથના અહોર્નિશ ભગત ઇવા આપાભાઈ ખૂંટનો ડાયરો મધુવંતીના કાંઠે શંકર ભગવાનના આશ્રમમાં રાખ્યો. આ આશ્રમે કડવા કણબીઓ અને કાઠીઓના બેસણાં ને યાં કાઠીના આઈ સમાં અમરાભાઇ માસ્તરના માં રાધામાં ગોવાળિયા ત્રાગાં હોત કરે. ઉપરાંત આશ્રમમાં નાજાપુર દરબાર ને એનો પરિવાર પણ એની ફોર્ડ મોડેલ “ટી” મોટરમાં વખતોવખત દર્શને આવે એટલે આમ આશ્રમ ને નાજાપુરનો નાતો પણ જાડો. આમ જોવો તો આ આશ્રમ ગામથી થોડોક છેટો ને વળી મેંદરડા સાસણ ગર્યનું નાકું ને દેવળીયાથી પથરો ફેંકો એટલું આઘું ઈટલે આશ્રમની પાછળ મારણ કરીને સાવજું મધુવંતીનું પાણી પીને નદીના પટની વેકુરમાં લોટતા તો મેં જોયા છ.

તો બસ, ઈ ભાદરવાની અજવાળી રાતે ડાયરે બુંગણ પાથરાણાં, ભાયડા-બાયડી જુદાં બેઠાં, મંદિરના ઓટે બેચાર ગાદલાં ને રજાયું નખાણી, બેત્રણ પેટ્રોમેકસુ પીપળે ટંગાણા, મંદિરના સેવક ગિરીદાસબાપુના મોટા ચીપિયાની પડખેના ધુણે રાણીછાપ ચા ખદબદતોતો, બેત્રણ પીતળની કીટલીયું ને અડાળીનો થોકડો પડયોતો ને પીતળના બે ખુમચામાં સોપારીના કટકા ને અમારા ગામના બાબુ કલાલની કાળો ધાગો લાંબી બીડીની જુડીયું ને કપાસિયા છાપ બાકસનું બચલું પડયાંતાં ને આમ ઈ હતો ઈ રાતેનો માહોલ. આ આખા ડાયરા દરમ્યાન ચાપાણી ને બીડીબાક્સ ફર્યા કર્યા ને આઘેરી સવાજુંની ડણકું સૌના કાને પડ્યા કરી.

રાતના નવેક વાગે આપાભાઈ ચાપાણી કરી બીડીની બેચાર સટું લઇને એની પેટી હારે ઈ ઓટના રંગમંચે ચડ્યા. હારે સાજીંદામાં અમારા ગામના ઘાંયજા કાનજી તબલે, એનો મોટોભાઈ લાલજી મંજીરે ને જીવણ સઇ જાંજપખાલે. એટલે આમ ત્રણ સાજીંદા ને આપાભાઈ પોતે પણ ઈ સૌએ સાવજુંની ડણક સામે જીકારો જીલ્યો. પપ્પા ગામના દાક્તર એટલે અમને તો ગઢવીના નાક હેઠે જ ભગાભાઇના ભાઈ ભવાનભાઈ બેસાડી ગ્યા. ગઢવીએ ભોળાનાથને ત્રીભંગા છંદ “નમામી શમીશાન નિર્વાણ રૂપમ, વિભમયા પક્કમ બ્રહમવે દસ સવરૂપમ”થી યાદ કર્યા ને ડાયરો ઉપાડ્યો. પણ એવો ઉપાડ્યો કે સવારના એહમદભાઈ ને અમીભાઈના કૂકડાની બાગ્યું સંભળાવી દીધી. કેવડાના પોટાનું એકેક પડ ઉતારો ને માયથી વધુકી ધમરક આવતી જાય એમ એક પછી એક અદકી વાત્યું ગઢવી માંડતા જાય, ઉપાડતા જાય, ચડાવતા જાય, ચગાવતા જાય ને ઉતારતા જાય. સૌને ડાયરે એવા બાંધ્યા કે ચાની અડાળીયું હાથે રહી ગઈ ને જગતી બીડીયું ઓલવાઈ ગઈ. એને ઈ રાત ઘણી વાત્યું માંડી ને મને ઘણી યાદ હોત છે પણ આજ એક વાત એમાંથી હું માંડું કારણ મને આ વાતની શરૂમાં એને કીધેલ દુહો જાજો ગમે છ:

“કસ ખુટે કળીયુગમાં તો તમારા હળવા થાસે હાલ

મોતી ખુટે તમે મરી જસો મારા માનસર કેરા મરાલ”

આ દુહાનો ટુંકો મરમ ઈ કે જેના માથે કળીયુગનું વાદળું વરસસે એની નીતિ અનીતિમાં વટલાઈ જાય છ ને ઈ માણસ ખોટાં કામ કરતો થઇ ને બેહાલ થઇ જાસે. પછી આપાભાઈએ માય એમ પણ ઉમેર્યું કે જો માણસ સજાગ હોય ને ભૂલેચૂકે પણ અનીતિનું કામ એનાથી થઇ જાય ને એનો પસ્તાવો કરે તો એને ભોળોનાથ પણ માફ કરે છ ને પછી ઈને એક સત્યઘટનાની વાત માંડી.

…તો ધંધુસર ગામમાં તીયેં મેરના ઘણાં ખોયડાં ને ઈમાં બે ભાયું મોટો દેવશી ને નાનો કેશુના પણ બે જાડાં ખોયડાં અડોઅડ. ગામના ચોરે દેવશી ને બીજા સૌ બેઠાતા ને સાંજે ઠાકર મંદિરની આરતી પતી એટલે ચોરો વિખણો ને સૌ એને ખોયડે ગ્યા. દેવશી ખોયડે આવીને ફાળિયું પાથરીને ઘરની ફળીમાં ધડકીએ બેઠો ને એક સાધુ ઈના આંગણે આવ્યા. આ બાજુ કેશુ હોત આવ્યો ને ઇના ગાડાના ધોસરેથી એના બે મંદિરના પોઠીયા જેવા બળદું છોડી ને ગોધલાઉને નીણ નાખ્યું. ઈવામાં સાધુએ દેવશીને કીધું:

“ભાઈ, આજ રાત મને વાળ્યુ દેસો? વાળુ કરીને હું રાતના અજવાળે ગામતરું કરી જઈસ.” દેવશીએ હા-ના કર્યાવીના કેશુને બોલાવીને કીધું:

“નાના, જા તારા રસોડે જઈને આ સાધુના વાળ્યુનું કીયાવ.” સાધુએ એક શ્વાસ લીધોને દેવશીને કીધું:

“ભાઈ, મેં તો તમને વાળ્યુનું કીધુંતું.” ને દેવશીએ એના જવાબમાં એની અનીતિ કબૂલ કરી ને કીધું:

“બાપુ, અમે બેય ભાયું છીયે, હું મોટો ને કેશુ નાનો. અમારા બેયના ખેતરું સીમમાં એક જ સેઢે છે ને અમારી બેયની ખેડનું પાણી અમે એક સૈયારા ધોરીયેથી લીયેં છ ને અમે વારાફરતી ઈ ઘોરીયો વાળીએ છ ને મોલને પાણી દીયે છ. આજ કેશુનો વારો હતો ઈ ઘોરીયો વાળવાનો ને પાણી લેવાનો. પણ હું આજ ઓચીંતો ખેતરે ગ્યો ને જોયું કે કેશુએ પાણી વાળ્યુંતું ઈ પેલાં આડ્ય ટુટી ગઇતી ને પાણી ધકધક મારા ખેતરમાં આવતુંતું. મને તીયેં કમત સુજી, અનીતિ સુજી ને વિચાર્યું કે ભલેને મારા મોલને મારો વારો નથી તોયે પાણી મળતું. ઈટલે તમને નીતિવાન સાધુને આ અનીતિ વાળા ઘેર અનીતિનો રોટલો હું ન ખવરાવી સકું, હું ઈ પાપમાં પડું ને તમનેયે ભેગા પાડું.”

સાધુએ જવાબમાં કીધું: “ભાઈ, તમને તમારી અનીતિનું ભાન થ્યું ઈ જ આ કળિયુગમાં ઘણું છે. તમે જે મને કીઘી ઈ આખી વાત તમારા નાના ભાઈને કયો, મન હળવું કરો ને બેય ખોયડાં હારે વાળ્યુ કરો ને હું પણ કરું ને પછી ગામતરું કરું.”

આવી જ વાત અમારા ભીખુદાન ગઢવી પણ કે’છ કે એક ગામમાં ત્રણ ચોરો ચોરી કરવા ગ્યા. એમાંથી એક ચોર ઘરના છાપરે ચડી, નળીયાં વીખી, ખપેડો વીખી ને ઘરમાં કૂદયો ને ઘરનું કમાડ ઉઘાડ્યું એટલે બીજો ચોર ઘરમાં આવ્યો. બીજાએ તીજોરી તોડી ને પૈસા એના પેરણની ચાળે ભર્યા ને ત્રીજા ને ઉંમરે મોટા ઈ ચોરે આ બધા દરમ્યાન કમાડે ઉભીને ચોકી કરી કે કોઈ આવતું નથી ને. પછી જયારે પૈસાનો ભાગ પાડવાનું આવ્યું ત્યારે ઈ ચોકીદાર ચોરે કીધું કે આપણે ભાગ તો નીતિથી જ પાડવા. એટલે એને કીધું કે જે ચોર છાપરે ચડી ઘરમાં પડ્યો એને ૫૦%, જેને તીજોરી તોડી એને ૪૦% ને મને ૧૦% એમ ભાગ પાડો. બીજુ, સાતમાઠમે તો જુગાર ખાસ રમાય છે. આ ઓછી નીતિના કામમાં પણ નિયમો તો નીતિમય જ હોય છ; દા.ત. પત્તાં બરોબર પીસવાં કે જેથી કલર, રોન, કે ટ્રાયો પીસાય જાય; કોઈએ અંચાઈ કે ખંધાઈ ન કરવાં, દર પાંચ ગતે હારેલ વ્યક્તિ એની મનપસંદ જગ્યા લઇ સકે છ, આ રમતના પ્રેક્ષકે ખાંભી ખોડીને ન બેસવું, જેને ઘેર જુગાર રમાય ઈ ઘરવાળાને દર પાંચ ગતે ચાલની રકમમાંથી નાનો પણ હીસ્સો દેવો, વ.

હવે હું કોઈ તત્વચિંતક નથી પણ પણ મારી સાત દાયકાની જિંદગીની સમજ મુજબ રોજીંદા જીવનમાં માણસ અપ્રમાણિક અર્થાત અનીતિમય અને પ્રમાણિક કે નીતિમય ભૂલો કરે છ. પ્રમાણિક ભૂલો માંથી ઈ અનુભવ મેળવીને શીખે છ ને ભવિષ્યમાં ઈ કે એવી ભૂલ ક્વચિત જ કરે છ. શક્ય છે કે ઈ નવીજાતની ભૂલ કરસે ને એમાથી પણ સીખસે ને આમ ને આમ ભૂલ કરવામાં અને એમાંથી સીખવામાં એના જીવનની આગેકૂચ હાલતી રે’સે કારણ કે “જાત અનુભવ જેવો કોઈ શિક્ષક નથી.” જયારે અનીતિસભર ભૂલ પ્રમાણિકપણે કબૂલ કરી એનું પ્રાયશ્ચિત કરવું ઈ જ એક સરળ અને વ્યવહારુ ઉપાય છે ને જો અંતરથી ઈ પસ્તાવો થાસે તો જ ભવિષ્યમાં અનીતિમય કાર્યો બંધ થઇ સક્સે. એટલે કવિ “કલાપી” પણ એના ખુદના અને દુનિયાદારીના અનુભવે ઈ જ કે’ છ.

“હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”


ડૉ. દિનેશ વૈષ્ણવનો સંપર્ક  sribaba48@gmail.com   પર થઈ શકે છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.