મુકેશ ગીતકોશ: પરમ લગની, પ્રીતિ અને પુરુષાર્થનું પકવ ફળ… (ભાગ-૨ અને અંતિમ)

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

(ગયા હપ્તાથી ચાલુ)

‘મુકેશ ગીતકોશ’ના કામે મુકેશના નાના ભાઇ પરમેશ્વરીદાસ માથુરને મળીને, બહુ સુખદ અનુભવ લઇને  દિલ્હીથી પાછા ફરતાં હરીશ રઘુવંશીના મનમાં પાછલાં ચાર-પાંચ વરસની કથની અને પ્રસંગો તરવરી રહ્યાં. કેવા કેવા માઠા અનુભવો પણ થયા હતા ? દૂર દૂરના શહેર કાનપુરના અજાણ્યા, સમાન વ્યસની હરમંદિરસિંગે પત્રો દ્વારા ઉષ્મા ઠાલવી હતી, જ્યારે અહીં વડોદરા–સુરતના કેટલાક મિત્રો ઠેકડી ઉડાડતા હતા. અરે, મુકેશનાં તો દસ હજાર ગીતો છે. કેવી રીતે એકઠાં કરીશ ? ક્યાંથી કરીશ ? પૈસા ક્યાંથી કાઢીશ ? ગ્રંથોના ગ્રંથો છાપવા પડશે. ચોપડીઓ તો ફૂટપાથ પર પણ ક્યાં નથી મળતી?  સારાં સારાં ગીતો તેમાંથી જ મળી જશે,  બાકીનાનું તારે શું કામ છે ? પણ હરીશ રઘુવંશી તેમને કેમ સમજાવે કે મુકેશનાં ગીતો અગિયારસોથી વધારે નહીં હોય ? તમને તેની સંખ્યા દસ હજારની લાગે છે, કારણ કે રફી કે કિશોરનાં દસમાંથી ચાર-પાંચ લોકપ્રિય થયાં હોય, જ્યારે મુકેશનાં દસમાંથી નવ લોકપ્રિય થયાં હોય. એટલે તમારા મગજનું ગણિત રફીના નામે પચ્ચીસ હજાર ગીતો ચડાવે ને મુકેશના નામે દસ હજાર… ફૂટપાથિયા ચોપડી ફૂટપાથિયા છે. એ અપૂર્ણ, રદ્દી, બેજવાબદાર અને ભેળસેળિયા હોય છે. આપણે તો મુકેશના એક-એક ગીતની શબ્દશઃ ટેક્સ્ટ એક પણ અશુદ્ધિ વગરની આપવી છે. જાણું છું કે મુશ્કેલ છે, પણ અશક્ય નથી. એચ.એમ.વી (હિઝ માસ્ટર્સ વોઇસ કંપની) ની ઓફિસ છે, પૂનાનું જબરદસ્ત આર્કાઈવ્ઝ છે, પ્રોડ્યુસર્સ છે. અરે! સંગીતકારોય હયાત છે.(આ વાત ૧૯૮૦થી ૧૯૮૪ની)

હરીશ રઘુવંશી

પણ ધીરે ધીરે ફરી કામ શરૂ કર્યું ત્યારે ખબર પડી કે કાંપ ધાર્યા કરતાં વધારે ઊંડો છે. પગલે પગલે કષ્ટ વધતું જાય છે. એચ.એમ.વી. કંપનીને લખ્યું, લખ્યા કર્યું – જવાબ ન આવ્યો. પૂનાના ફિલ્મ આર્કાઈવ્ઝ પર જઈ આવ્યા, ત્યાં કંઈ ખાસ ન મળ્યું. ઘણાં ગાયકો-સંગીતકારોને રિપ્લાઈ પેઈડ પત્રો લખ્યા, પણ નો રિપ્લાય ! જૂના પ્રોડ્યુસરો જે ઊઠી ગયા હતા તેમનાં નામ, સરનામાં મહામહેનતે મેળવ્યાં. પત્રો લખ્યા. કોઈએ જવાબ વાળ્યો, ઘણાએ નહીં. જૂની 78 આરપીએમની સ્પીડની રેકોર્ડ ક્યારેક મળી, ક્યારેક ના મળી. જેમની પાસે કોઈ વિરલ ગીત હતાં, તેમણે ક્યારેક કોઈએ ઉદાર હાથે આપ્યાં, ક્યારેક કોઈએ એક એક ગીત સંભળાવવાના દસ-દસ રૂપિયા લેખે કિંમત માગી. કોઈક કોઈક તો  શેક્સપીયરના નાટકના એક પાત્ર એવા લોહીચુસ ‘શાયલોક’ નીકળ્યા, જે આજીજીને અંતે માત્ર અર્ધું જ ગીત સંભળાવે, પછી મુકેશને મૂક કરી દે. કદાચ આખું ગીત સંભળાવે તો એને ઉતારીને હરીશ રઘુવંશી માલામાલ થઈ જાય તો ! પણ કોઈ વાર કોઈક ગીતનો અણધાર્યો જ પત્તો મળી ગયો. ચોરબજારમાંથી ! ક્યારેક થિયેટરમાં જઈને ફિલ્મ જોવી પડી–વારંવાર જોવી પડી. ‘મહેંદી લગી મેરે હાથ’નું ‘આપને યૂં હી દિલ્લગી કી થી’ ગીત રેકોર્ડમાં તો મળ્યું જ નહીં. ફિલ્મ મંગાવીને ખાસ વડોદરાના થિયેટરમાં જઈને ટપકાવવું પડ્યું –અને ૧૯૭૧ ની ઐતિહાસિક કથાવસ્તુ  ધરાવતી ફિલ્મ ‘શેરે વતન’નું ગીત પણ એ થિયેટરમાંથી એ રીતે જ મળ્યું. એ ફિલ્મમાં મુકેશ-આશા ભોંસલેનું ડ્યુએટ ‘જરા હમ સે મિલો’  ભાગ્યે જ કોઇએ સાંભળ્યું હશે, જેમાં નિશી હિરોઇન અને દારાસિંગ હિરો હતા અને પ્રુથ્વીરાજ કપૂર પણ એક મુખ્ય પાત્રમાં હતા. અને એક ગીતમાં પુરુષવેશમાં નિશીને મોંએ પણ મુકેશનો સ્વર છે એ વૈચિત્ર્ય પણ ‘મુકેશ ગીતકોશ’ માટે હરીશભાઇએ નોંધી લીધું.એમ જ ક્યારેક કોઈક રેકોર્ડ મેળવવા માટે દોઢસો–બસોની કિંમત ચૂકવી અને –ક્યારેક પૈસા આપવા છતાં માત્ર વાયદા જ મળ્યા.

પણ હરીશ રઘુવંશી ‘ધુન વગર ગીત ન બને તેમ ધુન વગર આવાં કામ થાય જ નહીં’વાળા સૂત્રમાં માનનારા હતા. કશી જ કમી એમણે એમાં ના રાખી. ૧૯૮૩ના જુલાઈની નવમીએ તે શ્રીલંકા (રેડિયો સિલોન) પણ જઈ આવ્યા. જઈને વિનંતી કરી તો જવાબ મળ્યો કે અમે ગીતો તો ટેપ ના કરવા દઈએ, પણ તમે કહો ત્યારે રેડિયો પર વગાડી દઈએ. તમે એ સાંભળીને એના શબ્દો લખી લેજો. આ બહુ મોટો સહકાર કહેવાય. આવો જ સહકાર એક વેદપાલ વર્મા નામના ગીતકાર – સંગીતકારે આપેલો. ‘વફાદાર’ જેવી ફિલ્મની ઑપેરા બુકમાંથી તેમનું નામ મળ્યું. પત્ર લખ્યો ને ગીતના શબ્દો મેળવ્યા. બંગાળી સંગીતકાર પુલક બેનરજીનું નામ મળ્યું. ૧૯૫૫ની ટેલિફોન ડિરેક્ટરીમાંથી કાચાપાકા સરનામે એમને કલકત્તા પત્ર લખ્યો. જવાબ ના આવે એવી ખાતરી હતી. કારણ કે એ માણસ જ હવે ના હોય કે સરનામું બદલાયું હોય. પણ જવાબ આવ્યો. માહિતી તો આપી જ, પણ બીજા બે બંગાળી ગીતોનો પૂરો પાઠ પણ તેમણે આપ્યો. ગીતકાર સરસ્વતી ‘દિપક’ને મળ્યા ( ફિલ્મ ‘બૂટપોલીશ’ ના ‘રાત ગઇ ફીર દિન આતા હૈ’ના રચયિતા અને હવે તો સ્વર્ગસ્થ) અને તેમણે ઘણો સહકાર આપ્યો. સંગીતકાર અનિલ બિશ્વાસે પણ તેમને સારૂં એવું પ્રોત્સાહન આપ્યું.

જો કે, ફિલ્મજગતની વ્યક્તિઓનો સંપર્ક કરવામાં તેમને ખાસ રસ હતો નહિ, કેમ કે તેમાં સમયનો બગાડ વધુ અને લાભ ઓછો થવાની શક્યતાઓ હતી. ફિલ્મી-દુનિયામાં ઘણા લોકોને પોતાના વિશેની જ સાચી માહિતી ક્યારેક હોતી નથી તો બીજાના વિશે સાચી માહિતી શી રીતે આપી શકે ? એ તેઓ અનુભવે સમજી શક્યા હતા.

પાંચ છ વર્ષના સંકલન કાર્ય દરમ્યાન તેમણે અનેક પ્રવાસો કર્યા. ક્યાંકથી કોઈ ગીત વિશે કંઈક માહિતી મળવાનો નિર્દેશ મળે કે હરીશભાઇ તરત જ ત્યાં દોડી જતા. મુકેશના દેશવિદેશના અનેક ચાહકો સાથે તેમણે પત્રવ્યવહાર કર્યા. અને જ્યાં જરૂર લાગી ત્યાં રૂબરૂ મુલાકાતો લીધી. પૂના ફિલ્મ આર્કાઇવ્સની પણ મદદ લીધી. લંડન, કેનેડા, પાકિસ્તાન, મીડલઈસ્ટ વગેરે દેશોમાં પત્રવ્યવહાર કરીને ગીતો મેળવ્યાં. એચ. એમ. વી.ના અસંખ્ય કેટલોગ્સ ઉથલાવ્યાં. ફિલ્મજગતના કેટલાક ગીતકારો અને સંગીતકારોને રૂબરુ મળ્યા. ગીતની રેકર્ડ કે કેસેટ મેળવીને એક કરતા વધુ વાર સાંભળીને તેના સાચા શબ્દો ઊતાર્યા. શંકા પડી ત્યારે વારંવાર સાંભળીને શબ્દોને મુકર્રર કર્યા.

અને આ રીતે તૈયાર થયો ‘મુકેશ ગીતકોશ’ !

મુકેશ ગીતકોશની મૂળ આવૃત્તિ

કેટલાંક વર્ષ ઉપર રેડીયો સિલોને રઘુવંશીનાં પ્રશંસનીય કાર્ય બદલ તેમની સાથેનો પંદર મિનિટનો વાર્તાલાપ પ્રસારિત કર્યો હતો. તો વળી દિલ્હી દૂરદર્શન ૧૦ નવેમ્બર, ૧૯૮૫ના દિને તેના ‘ફુરસતમેં’ કાર્યક્રમમાં હરીશભાઈને રજૂ કર્યા હતા. હિંદી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓના અનેક આગેવાન સામયિકોએ ‘મુકેશ ગીતકોશ’નો વિસ્તૃત પરિચય આપીને તેની પ્રશસ્તિ કરી છે.

‘ઈલસ્ટ્રેટેડ વીક્લી’ના ઉપસંપાદક અને પીઢ પત્રકાર (હવે તો સ્વર્ગસ્થ) રાજુ ભારતને તો હરીશ રઘુવંશીનું નામ બદલીને ‘મુકેશ રઘુવંશી’ પાડ્યું! ‘ફિલ્મફેર’ના 16મે, ‘85ના અંકમાં આ પુસ્તક વિશે બે પાનાં ભરીને વિસ્તૃત વિવેચન કરતાં તેમણે લખેલું, ”હું રઘુવંશીને ક્યારેય મળ્યો નથી, પણ હું તેને સલામ કરું છું. હું જાણું છું કે જે કોઈ વ્યક્તિ તેનું આ પુસ્તક જોશે તે આવું જ કરશે.”

(‘ફિલ્મફેર’માં રાજુ ભારતનનો લેખ)

દિલ્હીની આગેવાન કલાસંસ્થા ‘શોભના કલા સંગમ’ દ્વારા 1985ના ડિસેમ્બરમાં દિલ્હીમાં હરીશભાઇનું બહુમાન થયું અને એ વખતના કેન્દ્રિય પ્રધાન ખુરશીદ આલમખાનને હસ્તે 1985ના વર્ષનો પ્રતિષ્ઠીત ‘શોભના એવોર્ડ’ એનાયત થયો. આ એવોર્ડ દ્વારા તેમની સાથે સન્માનિત થનાર ભિન્ન ભિન્ન ક્ષેત્રની વિભૂતીઓમાં સંગીતકાર અનિલ બિશ્વાસનો પણ સમાવેશ થતો હતો.

સંગીતકાર અનિલ બિશ્વાસ (ડાબે)ને મુકેશ ગીતકોશ ભેટ આપતા હરીશ રઘુવંશી

આ બેનમૂન એવા ગીતકોશની એક સારી અસર એ થઇ કે વીતેલાં વર્ષનાં ટોચનાં ગાયકો પોતે ગાયેલાં કુલ ગીતોની સંખ્યા વિશે જવાબ આપતાં પહેલાં દશ વાર વિચારતા થઈ ગયા હતા. અત્યારે પણ કેટલાક હયાત ગાયકો-ગાયિકાઓ તો હવે પોતે ગાયેલ ગીતો જાતે જ એકત્રિત કરવા માંડ્યા છે. જાણીતા એનાઉન્સર અમીન સાયાણીએ ખાસ ઓર્ડર બુક કરાવીને ‘મુકેશ ગીતકોશ’ ખરીદ્યો છે. મુંબઈમાં આ ગીતનું વિમોચન કરતાં જાણીતા સંગીતકાર શ્રી કલ્યાણજીભાઈએ તેમની લાક્ષણિક છટામાં કહેલું, “માત્ર સારાં ગીતોનો આ પ્રથમ ગ્રંથ છે, કેમ કે મુકેશે ગાયેલાં બધાં જ ગીતો સારાં હતાં.” સંગીતકાર જયદેવે પણ આ અનન્ય ગીતકોશ જોઇને એની ઉપયોગીતા વિષે હરીશ રઘુવંશીને બહુ સરસ પત્ર લખ્યો.

સંગીતકાર જયદેવનો શુભેચ્છાપત્ર

એ મુકેશ ગીતકોશ અનન્ય એટલા માટે છે કે કોઇ એક ગાયક ઉપરનો ભારતનો એ સૌથી પહેલો ગ્રંથ છે. અને તે પછી તેમણે ચિંધેલા રાહ પર ચાલીને ભારતના અલગ અલગ સંશોધકો દ્વારા કે એલ સાયગલ, તલત મહમૂદ, હેમંતકુમાર જેવા મશહૂર ગાયકોના ટેકસ્ટ સાથેના ગીતસંગ્રહો પણ બહાર પડતા ગયા. રફી, લતા અને આશાના પણ આખા ગીતોના પાઠ તો નહિં, પણ સમગ્ર ગીતોની પ્રથમ પંક્તિઓ ઉપરાંત એને લગતી આનુષંગિક એવી ભરપૂર વિગતો આપતા ગ્રંથો પણ ધીરે ધીરે પ્રગટ થતાં ગયાં, પણ એની શરૂઆત હરીશ રઘુવંશીના આ ભગીરથ કાર્ય પછી થઇ એ સૌ કોઇએ સ્વીકારવી પડે એવું એક ઐતિહાસિક તથ્ય છે. એ દળદાર ગ્રંથ (હાલ બહાર પડેલી સંવર્ધિત આવૃત્તિ તો કુલ ‘ચિત્રલેખા’ સાઇઝના ૬૭૧ પૃષ્ઠોની છે). એટલે મુકેશના ગાયેલા તમામ ગીતોના માત્ર વિશુદ્ધ પાઠ આપતો ગ્રંથ જ ન બની રહ્યો,  પરંતુ એમાં તો તે ઉપરાંત કોઇ ચોક્કસ ગીતમાં મુકેશનાં સહગાયક-ગાયિકા, સંગીતકાર-ગીતકાર, ફિલ્મનું નામ, નિર્માણ કંપની અને રજૂઆતનું વર્ષ,  કયા કલાકાર પર પિક્ચરાઈઝડ થયું તે વિગતો અને તે ગીતના રેકોર્ડ,સીડી કે ડિસ્ક નંબર બહુ ચોક્કસાઇપૂર્વક આપવામાં આવ્યા છે. વળી તે દરેક ગીતના સંપૂર્ણ પાઠ(Text) ને અંતે તે ગીતને સ્પર્શતી કોઇ અજાણી કે જાણવાજોગ ખુણાની વિશેષ માહિતી હોય તો તે પણ આપવામાં આવી છે. એ વિશેષ માહિતી કેવી હોય તેવો પ્રશ્ન કોઇના મનમાં જાગે તો જૂઓ આ નમુનો : ૧૯૫૮ની ફિલ્મ ‘ફિર સુબહા હોગી’ના  અતિ પ્રખ્યાત ગીત ‘વો સુબહા કભી તો આયેગી’ વિષે ઉપર લખી તે બધી માહિતી તો આપવામાં આવી જ છે પણ તે ઉપરાંત પાદટીપમાં પણ આ વધારાની વિગતો છે :’ उपरोक्त लंबा कथानक गीत (Theme song) फिल्म में कइ भागों में फिल्माया गया था  लेकिन 78 rpm के रिकोर्ड पर गीत के कुछ अंतरे को ही शामिल कीया गया था । उपरोक्त गीत के अन्तिम 2 अन्तरे फिल्म की प्रचार पुस्तिका से लिए गए है । ……. फिल्म में उपरोक्त पंक्तियां आशा भोंसले की आवाज में भी शामिल की गई थीं ।

(ડાબેથી) હરમંદિરસિંગ ‘હમરાઝ’ અને હરીશ રઘુવંશી

આ ઉપરાંત હરીશભાઇએ ગ્રંથમાં મુકેશની વિવિધ-દુર્લભ અંગત તેમ જ કૌટુંબિક તસવીરો, કુટુંબકથા અને પૂરો પરિચય મુક્યાં છે. કુલ ૫૩૧ ફિલ્મોમાં ગાયેલાં કુલ ૯૦૧ હિંદી ફિલ્મી ગીતો, ૭૯ બિનફિલ્મી હિંદી ગીતો અને નવ અલગ-અલગ પ્રાંતીય ભાષાઓમાં ગાયેલાં ૭૩ ગીતો મળીને કુલ ૧,૦૫૩ગીતોની ટેક્સ્ટનો સમાવેશ થાય છે. તેમણે ગાયેલા રામચરિત માનસના અક્ષરશઃ શુદ્ધ પાઠનો સમાવેશ પણ આમાં છે! આ ઉપરાંત દરેકના ગીતકાર, સંગીતકાર, ફિલ્મનું નામ, રિલીઝ થયાની સાલ અને બેનર, તેમજ ફિલ્મમાં જે કલાકાર ઉપર ફિલ્માવાયું હોય તેની વિગત, રેકોર્ડ નંબર, વિવિધ ગાયક–ગાયિકાઓ સાથે ગાયેલાં ગીતોની સૂચિ, હિંદી અને અન્ય ભાષાઓની કુલ ફિલ્મોના આંકડાઓ સાથેનું વર્ગીકરણ પણ આપવામાં આવ્યું છે.

મુકેશ ગીતકોશની નવી સંવર્ધિત આવૃત્તિ

આ ‘મુકેશ ગીતકોશ’પહેલી નજરે જ જોતાંવેંત એ વાતનો અંદાજ જરૂર આવી ગયો હશે કે તેના સંકલન પાછળ શ્રી રઘુવંશીના કેટલાં કિંમતી વર્ષો અને ધનની આહુતિ થઈ છે..

આ ગીતકોશની નવી અને સંવર્ધિત આવૃત્તિ ૨૦૨૦ના નવેમ્બરમાં જ બહાર પડી. અને તેની વિશેષતા એ છે કે તેમાં પહેલા ભાગના ૧૯૮૫માં પ્રકાશન પછીના ૩૫ વર્ષોમાં જે કંઇ વધારાની માહિતી મળી હોય તો તે પણ સામેલ કરવામાં આવી છે. તેમણે નિર્મિત કરેલી ફિલ્મોની અને તેમણે જે જે ફિલ્મોમાં અભિનય આપ્યો હોય તેની પૂરી ખરાઇ કરેલી માહિતી પણ એમાં મુકવામાં આવી છે. તેમણે જે ફિલ્મમાં સંગીત આપ્યું હોય ( ફિલ્મ अनुराग ૧૯૫૬) નો પણ એમાં નિર્દેશ છે. ગૈરફિલ્મી ગીતોની તેમણે કમ્પોઝ કરેલી ધૂનોની માહિતી પણ આમાં છે. ગ્રંથની શરૂઆતમાં જોઇતી અનેક વિગતો સહેલાઇથી સાંપડી રહે તે વાસ્તે અનેક પ્રકારની સૂચિઓ ( ઈન્ડેક્સ ) પણ આમાં ઉપલબ્ધ છે.

ઘણા રસિકો વ્યક્તિગત રીતે તો, ઘણા કિસ્સે થોડા મિત્રો ભેગા મળીને સહિયારા ધોરણે, તો કેટલાક સંસ્થાગત ધોરણે પણ આ મૂલ્યવાન ગ્રંથ વસાવી રહ્યા છે. સ્ટેજ કાર્યક્રમો આપનારા કલાકારો અને એમના એન્કર્સ માટે તો આ ગ્રંથ એકદમ અનિવાર્ય બની રહે તેવો છે.

હરીશ રઘુવંશીના પ્રેરણાસ્રોત અને આવી વિશ્વભરમાં આવી પ્રવૃતિઓના આદિપુરુષ એવા સરદાર હરમંદિરસિંગ ‘હમરાઝે’ આ ગ્રંથનું પ્રકાશન કર્યું છે. માત્ર  રૂ ૧૨૦૦/ ની કિમતના આ ગ્રંથને પ્રાપ્ત કરવા માટે સંપર્ક :

Mrs. Satinder Kaur
Dreamland, H.I.G.-545, Ratanlal Nagar, KANPUR- 208 022.(U.P)
Tel: +91 512-2281211/ 94154 85281/ 9336587507/ Email:  hamraaz18@yahoo.com

અને

Harish Raghuvanshi,
10, Vrundaavan Society, Bh Sargam Shopping Centre, Parle Point,SURAT-395 007
Mo. +91 93747 12322/Email- harishnr51@gmail.com


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

12 thoughts on “મુકેશ ગીતકોશ: પરમ લગની, પ્રીતિ અને પુરુષાર્થનું પકવ ફળ… (ભાગ-૨ અને અંતિમ)

 1. વાહ વાહ, શું ભરપૂર માહિતી આપી, રાજનીભાઇએ. ઘણું ઘણું ઘણું જાણવા મળ્યું. હરીશભાઈની મહેનત અને રજનીભાઈની શૈલી! અદ્ભુત અનુભૂતિ.
  પ્રફુલ્લ ઘોરેચા

 2. રઘુવંશી ની લગન અને મહેનત ને સલામ સાથે આભાર
  આવી મહેનત કરવા વાળા અત્યારે કરોડો માં પણ મળવા મુશ્કેલ છે
  We are proud harishbhai raghuvanshi is our gujarati personality

 3. All three Harmindarsingh, Harishbhai have worked, researched on Mukeshji with heart and Rajnikumar Pandya ( you) have done good deed by bringing such information to us.kudos all.

 4. હરીશભાઈ રઘુવંશી ને સત સત પ્રણામ. અને રજનીભાઇ ને હરીશભાઈ ના આ યજ્ઞ ની ઝીણવટભરી માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર

 5. હરીશ રઘુવંશી ની અથાક મહેનતને સલામ.આવી રસપ્રદ માહિતીનો લેખ તૈયાર કરવા બદલ આપને કોપી કોપી વંદન.ધન્યવાદ.

 6. Harishbhai you are genius. I can’t image how many days, hours and minutes you have work behind this. It shows your passions, love towards Mukeshji and the song he sang. I knew some of the songs u might have not got easily which you have collected by purchasing those small booklet in which the full wording of songs printed while releasing the picture.

 7. How to express work done by shree Harishbhai and shree Rajnibhai no words Excellent, superb work Hat’s off to trao
  Harishbhai., Rajnibhai., and Harmindersinghji

 8. Rajnibhai a very detailed episode from you in regards to Mukesh Geet Kosh which I happen to own and glad to know all the hardships dear Harishbhai had to face in gaining all the information regarding Mukesh songs etc
  I have known Harishbhai for some years now
  I was also gifted a book written by Rajnibhai regarding the lyricists in India which is a great read

 9. ભાઈ શ્રી હરીશ રઘુવંશીના ધૈર્યને ધન્યવાદ.

  મુકેશ ગીતકોશ કેવી રીતે તૈયાર થયો એની રસપ્રદ માહિતી માટે શ્રી રજનીકુમારજીને અભિનંદન.

 10. રસપ્રદ માહિતી માટે શ્રી રજનીકુમારજીને અભિનંદન.
  હાથમાં લીધેલું કાર્ય સંપૂર્ણ કરવા માટે ધગશ અને ધૌર્ય માટે શ્રી હરીશભાઈ રઘુવંશી અભિનંદન.
  બાકી તો “હૈ મતલબ કી દુનિયા સારી, યહાં કોઈ કિસીકા યાર નહીં”

 11. હરીશ રઘુવંશી જી ને
  તેમનાં પેશન, તેમનાં શોખ, તેમની ધગશ તેમના ઞઞબાને…. સલામ સલામ સલામ🌹….
  આવા ભગીરથ કામ ને ન્યાય આપવા તન મન અને ધન નો ઉપયોગ કરનારા હરીશભાઈ અને કાર્ય માં તેમને સહયોગ કરનાર દરેક વ્યક્તી પ્રશંસનીય છે…
  રજની કુમાર પંડયા ને પણ સલામ… 🌹🙋‍♂️
  એક ગીત ની લિંક પોસ્ટ કર્યા વગર નથી રહી શકતો..
  https://youtu.be/Lkl9tJper-0

Leave a Reply

Your email address will not be published.