મારે ઠાકોરજી નથી થવું…

મારે ઠાકોરજી નથી થવું….

ધડ  ધીંગાણે  જેના માથાં મસાણે  એના પાળિયા થઈને પૂજાવું,
ટોચમાં ટાંચણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…                      

 

હોમ હવન કે જગન જાપથી મારે નથી રે પૂજાવું,
બેટડે બાપના મોઢાં ન ભાળ્યાં એવા કુમળા હાથે ખોડાવું.

 

પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું,
કાઢ્યાતા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઈ જાવું.

 

ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીરગંગામાં નથી નાવું,
નમતી સાંજે  કોઈ  નમણી  વિજોગણના ટીપા આંસુડાએ નાવું.

 

બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું,
શૂરા શહીદોની સંગાથમાં મારે ખાંભીયું થઈને ખોડાવું.

 

કપટી જગતના કૂડાકૂડા રાગથી ફોગટ નથી રે ફુલાવું,
મુડદાં બોલે એવા સિંધુડા રાગમાં શૂરોપૂરો સરજાવું.

 

મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું,
રંગ કસુંબીના ઘૂંટ્યા રુદામાં એને ‘દાદ’ ઝાઝું રંગાવું.

                                        -કવિ દાદ

રસદર્શન

હરદ્વાર ગોસ્વામી

એકવાર ભગતસિંહના પિતા અને એના મિત્ર આંબાવાડિયું જોઈ રહ્યા હતા. ત્યાં બાળક ભગતસિંહ કશુંક ખોદી રહ્યા હતા. બંનેને નવાઈ લાગી એટલે પૂછ્યું  કે ‘આ શું કરે છે ?’

તો જવાબ મળ્યો કે ‘રાઈફલ્સ ઉગાડું છું’.

‘કેમ ?’

ભગતસિંહે કહ્યું કે ‘તમે બંને હમણા વાત કરી રહ્યા હતા કે વાવો તેવું લણો. દેશને આઝાદ કરવો હોય તો રાઈફલ્સ તો જોઇશે ને !’

ભગતસિંહનું આખું કુટુંબ આઝાદી સાથે જોડાયેલું હતું. આ ખુમારીની ખલકત આઝાદીના સમયે બુલંદી પર હતી. 

               પદ્મશ્રી દાદ હવે હૃદયશ્રી દાદ છે. ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ એ લોકસાહિત્યનું રાષ્ટ્રગીત છે. કોઈ પણ ડાયરો આ રચના વગર અધૂરો છે. મુશાયરામાં પણ આ રચના શોભે એવી છે. જો કે શિષ્ટ સાહિત્યએ આવી કેટલીય ઉત્તમ રચનાને અન્યાય કર્યો છે. આ રચનાઓનો વાંક એટલો જ કે એ સરળ છે અને લોકપ્રિય છે. હજુ પણ કેટલાક સ્વનામ ધન્ય સર્જકો લોકપ્રિયતાને ગાળ માને છે. ન સમજાય એ ઉત્તમ એવું ન હોય

બાપલા…માત્ર ચાર ચોપડી ભણનાર કવિપર અનેક પુસ્તકો લખાયા છેતેમના સર્જન પર અનેક યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓએ પીએચ.ડીકર્યું છેમરીઝ જેમ ભણતર ઓછું પણ ગણતર વધુહરીન્દ્ર દવે કહે છે  ‘કવિ કાગ પછી કવિ દાદ ચારણી પરંપરાને આગળ વધારનારાઉજાળનારા કવિ છે.’

આજે આપણી જ ભાષાના સુંદર અને ગહન અર્થવાળા ‘પાળિયા’ શબ્દનો અર્થ સમજાવવો પડે એવા સમયમાં આપણે શ્વાસ લઈએ છીએ. યુદ્ધમાં કોઈ સૈનિક વીરગતિ પામતું ત્યારે તેના શૌર્યની સ્મૃતિના સન્માનમાં ગામના પાદરે તેમની પથ્થરની ખાંભી રોપવામાં આવતી. આ ખાંભી એ જ પાળિયા. સૌરાષ્ટ્રના અનેક ગામડાંના પાદરમાં પાળિયાના દર્શન અચૂક થાય છે. બહારથી આવેલા ધૂર્ત માણસ તો પાળિયાને જોઇને નાસી જાય એવો એનો તાપ-પ્રતાપ હોયછે.

વર્ષો પહેલા અખિલેશ યાદવે ગુજરાતમાંથી શહીદ કેમ નહીં તેવી વાહિયાત વાત કરી હતી. મિસ્ટર અખિલેશને વિનંતી કે એક વાર ગુજરાતના ગામડે પાળિયાનો ઠાઠ અને ઠસ્સો જોઈ લો, ગુજરાતનો ઈતિહાસ બરાબર વાંચી લો, અને આ બધું ન કરવું હોય ‘ઠાકોરજી નથી થાવું’ કવિતાનો અનુવાદ કરાવી સમજી લો.

જેમ દરેક પંખીનું સપનું હોય છે આકાશ આંબવાનું એમ દરેક પથ્થરનું સપનું હોય છે ઈશ્વર થવાનું. પણ આ પથ્થર તો કવિનો પથ્થર છે, એનું સપનું નોખું અનોખું હોવાનું એ સ્વાભાવિક છે. શિલ્પકારને પથ્થર વિનમ્ર વિનંતી કરે છે કે એક બાજુ ધડ હોય અને બીજું બાજુ માથું પડ્યું હોય એવી પ્રતિભાની પ્રતિમા થવું છે. આવી ભવ્ય ભાવના ભારતમાં જ શક્ય બને. દીકરો માના ગર્ભમાં હોય અને પિતા સત્કાર્ય માટે શહીદ થયા હોય એની ખડગ જેવી ખાંભી થવું છે.

જોન રસ્કિન કહે છે કે ‘સંસ્કૃતિ એટલે ભવ્ય નાગરિકનું નિર્માણ’. દુશ્મનના લોહીથી ધરતી પર રંગોળી સર્જી છે એવા સિંદૂરી રંગે રંગાવું છે. ગોમતી અને ગંગાના નીર કરતા વિજોગણના આંસુનો અભિષેક વધુ મહત્વનો છે. યોગી થવા કરતા ઉપયોગી થવું વધુ મહત્વનું છે.

‘બીડ્યા મંદિર’ની વ્યંજના સમજવા જેવી છે. સંકુચિતતાના સરવાળા કરવા કરતા ખુલ્લા મેદાન જેવી મોકળાશ વધુ મહત્વની છે. રાગ કે રાગડામાં ગવાતી વાહવાહીને બદલે સિંધૂડા રાગનો લલકાર કરવો છે.

ગીતમાં અંતે સોનેટના જેવો પૂંછડિયો ડંખ આવે છે. મોહિની મૂરત ત્યજી સૌના રૂદિયામાં રંગ કસુંબી ભરવો છે. અહીં ઈશ્વરનો છેદ નથી પણ વિરલાઓનો જયકાર છે.

સર્જકો સંસ્કાર ઘડતરનું કાર્ય કરે છે. બહુમાળી ઈમારતો કરતા બહુ આયામી વિચારોનું મૂલ્ય વધુ છે.

સ્વામિ આનંદ આ રચના સાંભળીને ઝૂમી ઉઠેલા.

દીકરીની વિદાય હોય અને દાદનું ‘કાળજાં કેરો કટકો’ કવિત ન વાગે તો લાઉડસ્પીકર પણ મિસ કરે. એમની આવી અનેક અમર રચનાઓ કાળજાંના કૂવાને છલકાવી દે છે. મોરારિબાપુએ કહયું છે એમાં આપણે પણ સંમતિનો સૂર પુરાવીએ…સમાજને સાદ પાડીને અનેક રીતે પ્રેરણા આપનાર કવિ ‘દાદ’ને સમાજે દાદ આપવી ઘટે.

Author: Web Gurjari

1 thought on “મારે ઠાકોરજી નથી થવું…

Leave a Reply

Your email address will not be published.