લુત્ફ-એ-શેર: મણકો # ૭૦

ભગવાન થાવરાણી

ઘણા શેર એવા હોય છે જે પ્રથમ ઘાએ જ આપણા પર વીજળીની જેમ પડે છે અને આપણે પડીને સફાળા ઊભા થયા બાદ એ શેરની મારક શક્તિ વિષે  વિચારતા રહીએ છીએ !  આવા એક શેરની વાત કરું એ પહેલાં એના રચયિતાની વાત.

હજી થોડાક વર્ષ પહેલાં સુધી  ‘ બાકી સિદ્દીકી મારા માટે પણ એક અજાણ્યું નામ હતું. ૧૯૦૫માં જન્મ, ૧૯૭૨માં દેહાવસાન. મૂળ નામ મોહમ્મદ અફઝલ. રાવલપિંડીના હતા. થોડાક વર્ષ મુંબઈના ફિલ્મ જગતમાં પણ નસીબ અજમાવ્યું પણ નાસીપાસ થઈ પાછા ફર્યા. એમની સરળતા જૂઓ:

યૂં ભી હોને કા પતા દેતે હૈં
અપની ઝંજીર હિલા દેતે હૈં

પહલે હર બાત પે હમ સોચતે થે
અબ ફકત હાથ ઉઠા દેતે હૈં..

અને એમની નાજુક સંવેદનાનું દ્રષ્ટાંત :

હાદસા   હૈ   કોઈ   હોને  વાલા
દિલ કે માનિંદ ધડકતી હૈ ઝમીં

(કોઈક મોટી દુર્ઘટના સર્જાતાં પહેલાં જમીનમાંથી નીકળતા કણસાટને સાંભળવા માટે એક વિશિષ્ટ પ્રકારની શ્રવણેન્દ્રિય જોઈએ ! )

અને હવે પેલો બિજલી-નુમા શેર :

તુમ   ઝમાને   કી   રાહ  સે  આએ
વરના  સીધા  થા  રાસ્તા  દિલ  કા..

આ એના જેવી વાત છે કે કોઈક ઓળખીતાના ઘરનો રસ્તો પૂછતા – પૂછતા અથડાતા – કુટાતા માંડ પહોંચીએ અને પેલો કહે કે ‘ અરે ! આ રસ્તે આવ્યા હોત તો બે જ મિનિટની તો વાત હતી ! ‘  અને આપણને આપણી બેવકૂફી પર હસવું કે રડવું એની સમજ પણ ન પડે !

ઘણી વાર સીધી સાદી વાતને આપણે જાણતાં-અજાણતાં  અટપટી બનાવી દેતા હોઈએ છીએ, એવું વિચારીને કે કોઈક અદ્ભૂત જગ્યાએ પહોંચવાનો રસ્તો તો વાંકોચૂંકો અને વિકટ જ હોય !  અહીં  ‘ બાકી ‘ સાહેબનો વાત મૂકવાનો તરીકો પણ એટલો જ સહજ અને માટે કમાલનો છે. દિલથી દિલ સુધી પહોંચવાનો માર્ગ સરળ જ હોય છે પરંતુ જો દુનિયાદારી વાળા વ્યવહારુ માર્ગે ગયા તો ક્યારેય ન પહોંચો…


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

4 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૭૦

  1. વાહ થોભરાણી સાહેબ…બધા જ શેર ઉત્તમ.ઝંઝીર વાળો શેર તો ચોંટી જ ગયો..
    વહેંચો છો તો આમને લાભ મળે છે

Leave a Reply

Your email address will not be published.