ઝિંદગી એક સફર હૈ સુહાના – કિશોર કુમારે ગાયેલ શંકર જયકિશનનાં ગીતો – ૩

મૌલિકા દેરાસરી

સફર કરી રહ્યાં છીએ આપણે સંગીતની… અને સફરમાં હમસફર તરીકે આપણી સંગ ચાલી રહ્યા છે, કિશોરકુમાર અને શંકર જયકિશન – આ ગાયક અને સંગીત દિગ્દર્શકની જોડી બંને અલગ અલગ સમયે લોકપ્રિયતાની ઊંચાઈઓને આંબી ગયા હતા. છતાં અફસોસ એ વાતનો થાય છે કે, તેમની લાંબી અને લોકપ્રિય કારકિર્દી દરમિયાન તેઓને એકસાથે કામ કરવાની ઘણી ઓછી તક મળી. અને એટલે જ આપણને તેઓના ગીત પણ ઓછાં મળ્યાં. જેટલાં મળ્યાં એમાંના કેટલાંક ગીતોએ આપણાં દિલો પર રાજ કર્યું છે, એ વાતનો આનંદ પણ છે.

આપણે આગળ જોયું કે, કિશોરકુમાર એ શંકર જયકિશનની પ્રથમ પસંદ ન હતા. ૬૦ના દાયકામાં જ્યારે શંકર જયકિશનનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો અને કિશોરકુમારને બુલંદી પર પહોંચવાને હજુ વાર હતી. એવા સમયે શંકરજીએ એક ઇન્ટરવ્યૂ દરમ્યાન કહ્યું હતું કે, કેટલાંક ગીતો કિશોરકુમારના ‘કપ ઑફ ટી’ બની શકે એમ નથી! આરાધના પછી આ સમીકરણો તદ્દન ઉલટા થઈ ગયા. શંકર જયકિશનનું કામ ઓછું થવા લાગ્યું. ૧૯૭૧માં જયકિશનજીનું પણ અવસાન થઈ ચૂક્યું હતું. કિશોરકુમાર પોતાની કારકિર્દીની ટોચ પર પહોંચ્યા હતા. હવે શંકરજી પણ કિશોરદા માટે પોતાની સોચ બદલવા મજબૂર થયા અને કિશોરકુમાર ફરી શંકર જયકિશનના સંગીત સાથે મેદાનમાં આવ્યા. બસ… પછી તો પૂછવું જ શું! એ પછી આપણને કિશોરકુમાર અને શંકર જયકિશનની જુગલબંદીમાં અત્યંત લોકપ્રિય ગીતો મળ્યાં.”

આજે વાત કરીએ વર્ષ ૧૯૭૧ની ફિલ્મોની, જે વર્ષ આ જુગલજોડી માટે ચક્ર ઊંધું ફેરવનારું સાબિત થયું. ૧૯૭૧માં લગભગ એમની લગભગ ૧૭ જેટલી ફિલ્મો રિલીઝ થઈ, એમાં આન-બાન, યાર મેરા જેવી બે- ત્રણ ફિલ્મ છોડીને મોટાભાગની ફિલ્મોમાં શંકર જયકિશને કિશોરકુમાર પાસે ગવડાવ્યું.

પ્રથમ વાત કરીએ અલબેલા ફિલ્મની. મહેમૂદ, આઇ. એસ. જોહર, અચલા સચદેવ અભિનીત આ ફિલ્મમાં ગીતો હસરત જયપુરી રચિત હતાં.

ફિલ્મનું મુખ્ય ગીત હતું કિશોરકુમાર અને મહેમૂદના અવાજમાં છે –

મૈં હું અલબેલા…

કિશોરકુમાર અવાજમાં – અય દિલ મત કર કિસી પે ઐતબાર.. જે બે અલગ ભાગમાં સાંભળવા મળે છે.

ભાગ ૧ –

ભાગ ૨ –

બંને ભાગ જોશો એટલે ખ્યાલ આવશે કે બંનેમાં આપણા કલાકાર મહેમૂદ સાહેબમાં કેટલો ફર્ક પડી જાય છે!

૧૯૭૧ની બીજી ફિલ્મ છે સીમા. સીમી ગરેવાલ, રાકેશ રોશન અને કબીર બેદી જેવાં કલાકારોને લઈને આવેલી આ ફિલ્મમાં ત્રણ ગીતકારો હતા – વર્મા મલિક, ઇન્દીવર અને ગુલઝાર.

આશા ભોંસલે અને કિશોરકુમારના અવાજમાં

દિલ મેરા ખો ગયા…

આ જ જોડીએ બીજું ગીત આપ્યું –

વક્ત થોડા સા અભી કુછ ઔર ગુઝર જાને દો…

કિશોરકુમારના સ્વરમાં

લડકી ચલે જબ સડકો પે આયે કયામત!

આ વર્ષની એક ઓર ફિલ્મ હતી પરદે કે પીછે. રાજીન્દર કૃષ્ણના ગીત હતાં ફિલ્મમાં અને કલાકારો હતાં વિનોદ મેહરા અને યોગિતા બાલી. પરદે કે પીછે ફિલ્મના ગીતો બધા પડદા પાછળ જ જોવા મળે છે. અર્થાત્ તેના વીડિયોમાં ફક્ત અવાજ જ ઉપલબ્ધ છે.

કિશોરકુમાર અવાજમાં હતું આ મસ્તીભર્યું ગીત –

અરે! સુરત ક્યા પહેચાનોગે…

આશા ભોંસલે અને કિશોરકુમારના અવાજમાં –

તુમ કબ જબ સામને આતે હો…

સફરમાં હવે પહોંચીએ આ વર્ષની એક મજાની ફિલ્મ સુધી. મહેમૂદ, લીના ચંદાવરકર અને વિશ્વજીત જેવા કલાકારો સાથે બનેલી હતી આ ફિલ્મ – મૈં સુંદર હું.

ફિલ્મમાં કિશોરદાના ત્રણ ગીતો હતાં અને ત્રણેય ગીત આશા ભોંસલે સાથેના યુગલ સ્વરોમાં હતાં.

દો મસ્તાને દો દીવાને…

https://youtu.be/ELMCrlcJJj4

મુઝકો ઠંડ લગ રહી હૈ…

https://youtu.be/M8vCqbMh2i8

નાચ મેરી જાન ફટાફટ..

આ ગીતનું કિશોરકુમારનું લાઈવ સ્ટુડિયો રેકોર્ડિંગ જોવાની ઈચ્છા છે? જોઈ લો આ લિંક! ખાસ તો એમનો રમૂજી અંદાજ અહીં જોવાની મજા આવશે. મુખ્ય ગીત શરૂ થાય એ પહેલા કિશોરદા લાઈવ ગાતા જોઈ શકાય છે.

https://youtu.be/KRoF8qEITQg

હવે જે ફિલ્મની વાત કરીશું એ ફિલ્મમાં કિશોરકુમારનું એક જ ગીત હતું પણ… આ ગીતે એવો ઇતિહાસ રચ્યો કે આજેપણ કંઇક ગુનગુનાવતાં હોઇએ ત્યારે આ ગીત અનાયાસે આપણાં હોઠો પર આવી જાય છે! એ વર્ષની બીનાકા ગીતમાલામાં પણ આ ગીત ટોપ- ૨૦ માં આવ્યું હતું.

આ ફિલ્મ એટલે રાજકુમાર, વિનોદ મેહરા, હેમા માલિની અને રાખી અભિનીત ફિલ્મ: લાલ પથ્થર

અને ગીત હતું દેવ કોહલી લિખિત –

ગીત ગાતા હું મૈં, ગુનગુનાતા હું મૈં…

હવે વાત કરવાના છીએ એક એવી ફિલ્મની, જે ફિલ્મથી કિશોરકુમાર એક નવા કલાકારનો અવાજ બન્યા.

આરકે પ્રોડક્શનની ફિલ્મ આવી આ વર્ષે, જેમાં રાજ કપૂરના પુત્ર રણધીર કપૂરને લોન્ચ કરવામાં આવ્યા.  શંકર જયકિશને કિશોરકુમારને યુવાન રણધીરના અવાજ તરીકે મૂકવાનો નિર્ણય કર્યો. અને આપણને કંઇક નવા જ સદાબહાર ગીતો મળ્યાં. તમને એક રસપ્રદ બાબતની પણ વાત કરું.

આપણે મોટેભાગે કિશોરદાને રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને દેવ આનંદ સાથે જોડ્યા છે. પણ તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં કે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો તે રણધીર કપૂર હતા, જેમનાં ગીતો કિશોર કુમારે સૌથી વધુ ગાયા છે.  જીત (૧૯૭૨) અને હમરાહી (૧૯૭૪) સિવાય, હીરો તરીકેની અન્ય તમામ ફિલ્મોમાં રણધીર કપૂર માટે કિશોરકુમારે પોતાનો અવાજ આપ્યો હતો. એક અભિનેતા અને ગાયક વચ્ચેનું સર્વોત્તમ જોડાણ પણ આને કહી શકાય… નહીં?

હા… તો ૧૯૭૧ની આ ફિલ્મ હતી કલ આજ ઔર કલ.

તરત જ મનમાં કિલક થાય એક સદાબહાર કહેવાતું હસરત જયપુરી રચિત ગીત – ભંવરે કી ગુંજન હૈ મેરા દિલ… કિશોરકુમારે ગાયેલાં સર્વોત્તમ ગીતોમાનું એક છે આ ગીત. અને આ એક જ નહિ, આ ફિલ્મના તમામ ગીતો એવાં હીટ હતાં કે એની ગૂંજ હજુ પણ આપણને સંભળાયા કરે છે.

કિશોરકુમાર અને આશા ભોંસલેના સ્વરમાં નીરજની રચના –

આપ યહાં આયે કિસ લિયે…

આ જ યુગલ સ્વરોમાં શૈલી શૈલેન્દ્રની રચના –

હમ જબ હોંગે સાઠ સાલ કે ઔર તુમ હોગી પચપન કી…

અને ફિલ્મનું એક એક ઓર છોગું એટલે ઘડિયાળ પર બનેલું એક તાજગીભર્યું ગીત, જે ઘડીની ટિક ટિક સાંભળીને તરત મનમાં કિલક થાય!

ટિક ટિક ટિક ટિક ચલતી જાયે ઘડી…કલ આજ ઔર કલ કી પલ પલ જુડતી જાયે કડી…

નીરજની આ રચના હતી, કિશોરદા, આશાજી અને મુકેશના સ્વરમાં.

શંકર જયકિશનના સંગીતને એક નવી ઊંચાઈઓ પર પણ લઈ ગયાં આ ફિલ્મનાં ગીતો. વર્ષ ૧૯૭૧ના અંત ભાગમાં સમયનું ચક્ર જરા ફેરવાયું. ૧૨ સપ્ટેમ્બર ૧૯૭૧ના રોજ જયકિશનજી ગુજરી ગયા.

તેમની અંતિમયાત્રામાં ભારે ભીડ થઈ હતી, જે તેમની તે સમયની લોકપ્રિયતા દર્શાવે છે. ચર્ચગેટ, મુંબઈની એક રેસ્ટોરન્ટ ગેલૉર્ડ, જ્યાં જયકિશન નિયમિત જતા. રેસ્ટોરન્ટે તેમના મનપસંદ ટેબલ પર એક મહિના માટે મીણબત્તી પ્રગટાવીને અને ફક્ત જયકિશન માટે એ ટેબલ અનામત રાખીને તેમને અંજલિ આપી હતી.

જયકિશનના મૃત્યુ પછી, શંકર એકલા શંકર-જયકિશનના બેનર સાથે કામ કરવા લાગ્યા. જયકિશનની હયાતીમાં જ કદાચ બંને વચ્ચે સમજૂતી થઈ ગઈ હતી કે, બેમાંથી કોઈનું પણ અવસાન થાય એવા કિસ્સામાં; બીજી વ્યક્તિ ટીમના નામ સાથે જ કામ કરવાનું ચાલુ રાખશે.

તો, આજની સફર બસ અહીં સુધી… ફરીથી મળીશું નવી ફિલ્મો, નવાં ગીતો અને એ જ કિશોરકુમારના અવાજ અને શંકર જયકિશનના સંગીત સાથે… ત્યાં સુધી ગાતાં જઈએ –

નયે પુરાને, આજ ઔર કલ મેં ભેદ યે કિસને ડાલા હૈ..
જલે દીપ સે દીપ યહાં પર, સબ મેં એક ઉજાલા હૈ…


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.