બાળ ગગન વિહાર : મણકો-૪ – એડમ

શૈલા મુન્શા

“નાના નાના તારાઓને તેજ તમારું
દેખાડીને કેમ કરો છો હાવ?
સુરજદાદા સૂરજદાદા, હું નહિ બોલું જાવ”

કૃષ્ણ દવે.

અમારા એડમ ભાઈ પણ એવા જ છે. સૂરજદાદાને નહિ, પણ જાણે અમને શિક્ષકોને કહેતો હોય કે જાવ હું તો નહિ જ બોલું ભલેને તમે ગીત ગાઈને મને રીઝવો.

એડમ જુન મહિનામાં છ વર્ષનો થશે અને ઓગસ્ટથી ઊઘડતી સ્કૂલે પહેલા ધોરણમાં જશે. માતા પિતા થોડા વર્ષો પહેલાં મોરોક્કોથી આવીને અમેરિકામાં સ્થાયી થયા. મોટી દિકરી ખૂબ હોશિયાર પણ એડમ મોટી ઉમ્મરે થયો અને એનો મનસિક વિકાસ પુરો થયો નહિ. બોલવાની શક્તિ, પણ બોલવાની આળસ. બધા બાળકો ક્લાસની બધી પ્રવૃતિમાં ભાગ લે. ગીત ગાવાનુ હોય કે રંગકામ કરવાનુ હોય એક એડમ બસ બેસી રહે. કેટલાય પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. જો આખ્ખો દિવસ એને કોમ્પ્યુટર પર રમત રમવા દઈએ તો ભાઈ ખૂશ.

મારા ક્લાસમાં ત્રણ થી પાંચ વર્ષનાં બાળકો એટલે બપોરે એક વાગે અમે કલાક માટે એમને સુવડાવી દઈએ, પણ એડમનો નિયમ કે બપોરના સાડાબાર થાય કે ઘસઘસાટ ઊંઘી જાય. આજે તો અમે સંગીતના ક્લાસમાં હતા અને બધા બાળકો સંગીતના તાલે કસરત કરતાં હતા અને ખાસ્સી ધમાલ હતી, પણ એડમ તો દુનિયાથી બેપરવા આરામ ફરમાવતો હતો. ઘડીમાં માથું આગળ ઢળે ને ઘડીમાં પાછળ. મેં એને ઊભો કર્યો તો પણ એજ હાલત. એને જોઈને મને મુંબઈની લોકલ ટ્રેનમાં બોરીવલી થી ચર્ચગેટ મુસાફરી કરતાં અને ઊભા ઊભા કોઈના ખભાના ટેકે ઊંઘ ખેંચી કાઢતા લોકોની યાદ આવી ગઈ.

માનવી નુ મન એક પ્રસંગને બીજા સાથે જોડતું ક્ષણમા ક્યાંનુ ક્યાં પહોંચી જાય છે.

આજે તો કમાલ થઈ. બે વર્ષથી એડમ અમારા ક્લાસમાં છે પણ બોલવાનુ નામ નહી. એવું નથી કે એ મુંગો છે કે એને બોલતા નથી આવડતું પણ એમાં પણ જાણે આળસ! એ એના કલ્પના જગતમાં જ રમમાણ હોય. જે ના કરવાનુ હોય તે પહેલા કરે અને જે કરવાનુ હોય તે કહી કહીને થાકી જઈએ પણ ધરાર ના જ કરે. આજે સવારે અમે બાળકો ને બાળગીત ગવડાવતાં હતા, બધા સૂર પુરાવતા હતા પણ એડમને બારી બહારનો નજારો જોવામાં વધારે રસ હતો. ગીત પત્યાં ને પછી રંગકામનો વારો હતો, બીજા બાળકો ચિત્રમાં જાતજાતના રંગ ભરવામાં મગ્ન હતા ને એકદમ એડમભાઇ એ, બી, સી, ડી લલકારી ઉઠ્યા. હું ને મેરી તો જોતા જ રહી ગયા.

મીસ મેરી બોલી ઊઠી મે/ ૧૮/ ૨૦૧૦ આખરે એડમનો અવાજ સાંભળવા મળ્યો જ્યારે અઠવાડિયા પછી ઉનાળાની રજા પડવાની છે અને પછી ઊઘડતી સ્કૂલે એડમ પહેલા ધોરણમાં જશે એટલું જ નહિ બીજી સ્કુલમાં પણ જવાનો છે.

એડમભાઈના એક પરાક્રમની વાત પણ સાથે કરી લઉં. એડમને કોમ્પુટરનો ખુબ શોખ એ તો તમે જાણો જ છો. ગમે ત્યારે ઊઘી જતા એડમને કોમ્પુટર સામે બેસાડો તો આખો દિવસ જાગી શકે અને સામાન્ય રીતે ચુપ રહેતા એડમનો અવાજ પણ કોમ્પુટરની રમતો સાથે સંભળાય. એડમને એક અજબની ટેવ, કોમ્પુટર પર કીબોર્ડના બટન દબાવતાં બીજા પણ બટન દબાવે અને ઘણીવાર બાજુમાં બેઠેલા છોકરાનુ કોમ્પુટર બંધ કરી દે.
આજે એવી જ રીતે બટન દબાવતા કોમ્પુટર ડીસ્ક(CD)નુ ખાનુ ખુલી ગયું અને એડમ ની આંગળી એમાં ફસાઈ ગઈ. એડમે તો જોરથી ભેંકડો તાણ્યો અને મારા તો હોશકોશ ઉડી ગયા કારણ ત્યારે ક્લાસમાં મારી સાથે એડમ અને એશલી હતા અને મીસ મેરી બીજા બાળકોને જમાડવા લઈ ગઈ હતી. આંગળી એવી ફસાઈ હતી કે સહેલાઈ થી નીકળે એમ નહોતી. મારો તો જીવ અધ્ધર થઈ ગયો કે શું કરું, કારણ એશલી ને મુકી ને મારાથી ક્લાસની બહાર જવાય નહિ ને કોને મદદ માટે બોલાવું? નસીબે બાજુના ક્લાસની ટીચર લોરા એડમનો રડવાનો અવાજ સાંભળીને દોડી આવી અને તરત જ એને એશલી ને પોતાની પાસે લઈ લીધી અને મેં ધીરે ધીરે એડમની આંગળી બહાર કાઢી. તરત જ એના પર બરફનુ માલિશ કર્યું અને સ્કુલની નર્સ પાસે લઈ ગઈ.

અર્ધા કલાકમાં મેરી બાળકોને જમાડી ને પાછી આવી ત્યાં સુધીમાં તો એડમ તો મસ્ત મૌલાની જેમ પોતાની રમતમાં પોતાના કલ્પના જગતમાં મશગુલ હતો પણ મને તો બાપાના બાપા યાદ આવી ગયા. જો કાંઈક વધારે થયું હોત તો મારો જ વાંક પહેલા આવત. હજી આગલે દિવસે જ વર્ષને અંતે થતા મુલ્યાંકનમાં મને અતિ ઉત્તમ કામગીરીનો શિરપાવ મળ્યો હતો, કારણ દિવ્યાંગ બાળકો સાથે કામ કરવું સહેલું નથી. ખુબ જ તકેદારી રાખવી પડે. ગમે તેટલી તકેદારી પછી પણ જયારે આવું કાંઈક બને ત્યારે જીવ અધ્ધર થઈ જાય અને આપોઆપ પ્રાર્થના થઈ જાય, “પ્રભુ અમને વધુ સાવચેત રહેવાની અને આ બાળકોને સંભાળવાની શક્તિ હમેશ આપજે.”

આ દિવ્યાંગ બાળકોમાં હોશિયારી તો ઘણી હોય છે અને જો એમને યોગ્ય માર્ગદર્શન, દોરવણી, માતા પિતાનો સાથ મળે તો આગળ જતાં નીલ ગગનના ચમકતા સિતારા જરુર બને.


સુશ્રી શૈલાબેન મુન્શાનો સંપર્ક smunshaw22@yahoo.co.in  સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

4 thoughts on “બાળ ગગન વિહાર : મણકો-૪ – એડમ

  1. It really very well described and it is so vivid that incidence of Adam is described in such a vivid manner that you are not only engrossed in reading but eager to know what would have happened to Adam.Shaila you are blessed to write with perfect Gujarati words.Writing regularly sharpens your power to write and it motivates to write more.All the best for your commendable job to tackle such child.May Almighty god bless you.

    1. આટલા સુંદર પ્રતિભાવ બદલ દિલથી આભાર. તારા પ્રતિભાવ મને હમેશ વધુ પ્રોત્સાહિત કરે છે સારા સર્જન માટે. એક મિત્રનો પ્રતિભાવ મારા માટે કોઈ પુરસ્કારથી વિશેષ છે.

Leave a Reply

Your email address will not be published.