જીવદયામાં પણ શરતો લાગુ હોય છે

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

જીવદયા એટલે આમ તો જીવ માત્ર પ્રત્યે દયા કે અનુકંપા રાખવી તે. આપણે ત્યાં આ શબ્દનો અર્થ પશુ પ્રત્યે દયા રાખવી એમ થાય છે. આપણી આસપાસ હોય એવાં મુખ્યત્વે ગાય, કૂતરાં, ભેંસ, બિલાડી જેવાં પાલતૂ પશુઓનો આમાં સમાવેશ થાય છે. જીવદયાનો અર્થ સહુ પોતપોતાની રીતે કરે છે, અને પોતાની સુવિધા અનુસાર તેનું પાલન કરે છે.

ગુજરાત વડી અદાલતે ગયે મહિને પહેલાં એક અરજીની સુનવણીમાં જીવદયાના મુદ્દે કરેલી ટીપ્પણી ધ્યાને લેવા જેવી છે. મામલો એવો હતો કે એક વ્યક્તિએ રસ્તે રખડતા કૂતરાને ભગાવવા માટે તેની તરફ ઈંટનો ટુકડો ફેંક્યો. કૂતરાને તે વાગ્યો નહીં, પણ અન્ય એક વ્યક્તિએ આ જોયું. તેણે ઈંટ ફેંકનાર વ્યક્તિની સામે જીવદયાના મામલે ફરિયાદ નોંધાવી. મામલો સુનવણીમાં આવ્યો ત્યારે અદાલતે ફરિયાદીને આકરી ભાષામાં જણાવ્યું કે રખડતાં કૂતરાંનો ત્રાસ ઘણો છે અને જીવદયામાં માનનારાઓને એમના પ્રત્યે બહુ લાગણી હોય તો એમણે પાંજરાપોળ ખોલવી જોઈએ. અદાલતે જીવદયાપ્રેમીઓની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું કે તમે લોકો કૂતરાંને ખવડાવો છો એટલે એ અમારી (રાહદારીઓની) પાછળ દોડે છે. મોટરસાયકલ પર જનારાની પાછળ કૂતરાં ભાગે છે? તમે એમની જિંદગી બચાવો છો, પણ માનવોની જિંદગી જોખમમાં મૂકો છો. ખરેખર તો તમારા લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી જોઈએ. તમે જીવદયાની વાતો કરો છો, પણ માનવજીવોની તમને કશી કિંમત નથી. કોઈ આ ત્રાસની સામે કશું બોલી શકતું નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકૃત આંકડા અનુસાર શહેરમાં કૂતરાં કરડવાનાં એકવીસ હજારથી વધુ કિસ્સા નોંધાયા છે. રખડતાં કૂતરાં કે અન્ય પશુઓ કેવળ અડચણરૂપ બની રહે છે એટલું જ નહીં, તે ક્યારેક જીવલેણ પણ બની શકે છે.

દોઢેક વરસ અગાઉ, જાન્યુઆરી, 2020માં  એક જાહેર હિતની અરજીની સુનવણી દરમિયાન ગુજરાત વડી અદાલતે અમદાવાદ પોલિસ કમિશ્નરને રખડતાં કૂતરાનો ત્રાસ કાબૂમાં લેવા માટે તાકીદ કરી હતી. આ અરજી અમદાવાદની વડી અદાલતના એક વકીલ દ્વારા જ કરવામાં આવી હતી. એ અનુસાર નવેમ્બર, 2017થી ઑક્ટોબર, 2018ના ગાળામાં કેવળ અમદાવાદમાં જ કૂતરાં કરડવાના 60,300 બનાવ બન્યા હતા. છેલ્લાં દસ વરસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલી કૂતરાંની વસતિના નિયંત્રણનો કાર્યક્રમ પણ સાવ બિનઅસરકારક બની રહ્યો હોવાનું આ અરજીમાં જણાવાયું હતું. આ દલીલના સમર્થનમાં આંકડા ટાંકવામાં આવ્યા હતા જેના અનુસાર વર્ષ 2010માં કૂતરાંના ત્રાસનો ભોગ બનનારાઓની સંખ્યા 30,026 હતી, જે સાત-આઠ વર્ષમાં બમણી થઈ ગઈ હતી.

એ અગાઉ, ત્રણેક વર્ષ પહેલાં નવેમ્બર, 2018માં ગુજરાત વડી અદાલતે એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્‍ડિયા (એ.એ.આઈ.)ને કૂતરાં બાબતે આડે હાથે લીધી હતી. એ.એ.આઈ.એ વિમાની મથકના વિસ્તારમાં આવી ચડતા રખડતા કૂતરાંને મારી નાખવા કે અન્યત્ર ખસેડવા બાબતે પરવાનગી માંગી હતી. વડી અદાલતે ઠપકાના સૂરે જણાવ્યું હતું કે તમારા ક્ષેત્રમાં તમે કૂતરાંનો ત્રાસ નિવારી શકવા માટે સક્ષમ ન હો તો, તમે તમારું કામ કરવા માટે સક્ષમ નથી. રખડતાં કૂતરાં વિમાની મથકમાં ઘૂસી શકે તો બીજું કોઈ પણ ઘૂસી શકે.

આ ત્રણે ઘટનામાં સામાન્ય બાબત હોય તો એ છે રખડતા કૂતરાં. અન્ય પાલતૂ પશુઓની સરખામણીએ કૂતરું સહેજ અલગ પડે છે. કૂતરું કદાચ એકલું એવું પ્રાણી છે જેની પ્રકૃતિ માણસવલું થવાની છે અને એમ કરવા જતાં તે માણસે સર્જેલા વાતાવરણનો મહત્તમ ભોગ બને છે. તે લાતો ખાય છે, હડધૂત થાય છે, બાળકોના પથ્થર ખમે છે, દોડવા જતાં આપણા ટ્રાફિકનું ભાન ભૂલે છે અને પરિણામે ભારે ઈજા પામે છે કાં મરે છે. તે ગંદકી કરે છે, સાથે સાથે આપણી ઘણી ગંદકી સાફ પણ કરે છે, આપણી ગંદકીના કારણે તે ભારે માંદગીમાં પણ પટકાય છે.

સામાન્ય રીતે સત્તાવાળાઓ રખડતા કૂતરાંઓને પકડીને લઈ જાય છે અને તેમનું ખસીકરણ કરીને તેમને પાછા છોડી દે છે. કૂતરું પોતે એક ક્ષેત્રીય (ટેરિટરીયલ) પ્રાણી હોવાથી તે પોતાના વિસ્તારનું રક્ષણ કરે છે અને તેમાં બીજાં કૂતરાંઓને પ્રવેશતાં અટકાવે છે. આથી ખરેખર તો કૂતરાંઓને જે વિસ્તારમાંથી પકડી જવામાં આવ્યાં હોય એ જ વિસ્તારમાં પાછાં મૂકી જવાં જોઈએ. સર્વોચ્ચ અદાલતે પૂરતા અભ્યાસ પછી આ બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા આપેલી છે કે કૂતરાંને જ્યાં જન્મ્યાં હોય ત્યાં જીવવાનો અધિકાર છે. માનવીય રાહે તેમની વસતિને કાબૂમાં રાખવા માટે તંત્ર તેમનું ખસીકરણ ભલે કરે, પણ ખસીકરણ બાદ તેમને પાછા તેમના મૂળ વિસ્તારમાં જ છોડવા રહે છે. આનો અર્થ એ થયો કે કુદરતના કાનૂન અનુસાર આપણે કૂતરાંને મારી હટાવી શકીએ તેમ નથી જ, સાથે સાથે આપણે પોતે ઘડેલા કાનૂન અનુસાર પણ તેમ કરી શકાય નહીં અને એમ થાય તો ગુનો બને છે.

જમશેદપુરસ્થિત ડૉ. રાજેશકુમાર સિંઘ ખ્યાતનામ પશુધન અને પોલ્ટ્રી સલાહકાર છે. તેમના મત અનુસાર ખસીકરણ એ જ ઉત્તમ ઉપાય છે, પણ તેનો યોગ્ય અમલ કરવામાં આવતો ન હોવાથી કૂતરાં ત્રાસરૂપ લાગે છે. કૂતરાંને નિયંત્રણમાં લેવાનો સૌથી અસરકારક ઉપાય તેના વસતિ નિયંત્રણનો છે, અને એ પ્રક્રિયા તબક્કાવાર થવી જોઈએ. અલબત્ત, ડૉ. સિંઘે એક બાબત ભારપૂર્વક કહી છે કે આપણે વસવાટ કરીએ છીએ એ સ્થળે કૂતરાં આપણા કરતાં પહેલાં વસતા હતા. હવે આપણે આવીને એમને ખસેડી દેવાની વાત કરીએ એ કેટલું વાજબી? એ બાબતે ઈન્‍કાર થઈ શકે એવો નથી કે રખડતા કૂતરાં ઉપદ્રવ મચાવે છે. પણ એ બાબતને ગંભીર સમસ્યા ગણીને તેના ઊકેલનું એ રીતે આયોજન વિચારાય અને અમલ થાય તો તેના યોગ્ય ઊકેલ તરફ આગળ વધી શકાય. કૂતરાંનું આડેધડ નિકંદન જીવસૃષ્ટિના સંતુલનને ખોરવવા તરફનું અવિચારી પગલું બની રહેશે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬- ૦૯–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.