મફત વીજળીથી વોટ પેદા કરવાનો કસબ

નિસબત

ચંદુ મહેરિયા

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પંજાબ, ગોવા અને ઉત્તરાખંડના મતદારોને આગામી વિધાનસભા ચૂંટણીમાં જો તેમનો પક્ષ વિજયી થશે તો ૩૦૦ યુનિટ સુધી ઘરવપરાશની વીજળી મફત આપવાનું વચન આપ્યું છે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર વીજળી અને પાણી મફત આપી રહી છે. હવે ૨૦૨૨માં જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ છે તે રાજ્યોમાં તેમણે મફત વીજળીનો રાગ આલાપ્યો છે. ઉત્તરાખંડની ભાજપા સરકારના  ઉર્જા મંત્રીએ સામી ચૂંટણીએ ૧૦૦ યુનિટ મફત વીજળીની જાહેરાત કરી છે પણ એમના પક્ષના ગોવાના વીજળી મંત્રીએ મફત વીજળીની માંગને અશક્યવત ગણી નકારી દીધી છે. પંજાબમાં હાલમાં ખેડૂતોનું સિંચાઈ માટે સંપૂર્ણ અને ઘરવપરાશનું ૧૦૦ યુનિટ સુધીનું વીજળી બિલ માફ કરી દેવામાં આવે છે પરંતુ કેજરીવાલે ૩૦૦ યુનિટનું વચન આપતાં પંજાબની કોંગ્રેસી સરકાર મુંઝવણમાં છે. મતદારોને મફત વીજળી આપીને વોટ પેદા કરવાનો કસબ સમયાંતરે લગભગ બધા જ રાજકીય પક્ષો અપનાવતા હોય છે.

મતદારોને માત્ર મફત વીજળી-પાણીના જ નહીં જાતભાતની ચીજો મફત આપવાના પ્રલોભનો અપાય છે. સાડી, ધોતી, ચોખા, જનતા ખાણુ, મંગળસૂત્ર, સાઈકલ, સ્કૂટી, ટેલિવિઝન, ટેબલેટ, મોબાઈલ,પ્રેશરકૂકર, ઘર અને ઈન્ટરનેટ મફત કે સસ્તા દરે આપવામાં આવે છે કે તેના વચનો આપવામાં આવે છે. ખેડૂતોના દેવા માફી, કિસાન સન્માન નિધિ, બેરોજગારી ભથ્થું, ગ્રુહિણી સન્માન નિધિ, નિ:શુલ્ક કન્યા શિક્ષણ અને રોજિંદા કે ધાર્મિક તીર્થસ્થાનોના મફત બસ પ્રવાસોની યોજનાઓ ચૂંટણી ઢંઢેરાનો ભાગ બન્યાં છે. મફત વીજળી પર કંઈ અરવિંદ કેજરીવાલનો ઈજારો નથી. છેક ૧૯૯૭માં પંજાબના ખેડૂતોને મફત વીજળી અકાલીદળની પ્રકાશસિંઘ બાદલ સરકારે આપવી શરૂ કરી હતી. ૨૦૦૬માં તમિલનાડુએ મફત ચીજવસ્તુઓનો આરંભ કર્યો તે પછી તો બધા રાજ્યોમાં તેની હોડ મચી છે..

મતદારોને મફત આપી રિઝવવાના પગલાં અર્થવ્યવસ્થા માટે ખોટનો ધંધો છે. ગુજરાતમાં ૧૯૯૫માં પહેલીવાર ભારતીય જનતા પક્ષ સત્તામાં આવ્યો ત્યારે તેણે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોના ભાડા અડધા કરવાનું વચન આપ્યું હતું. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે વરાયા ત્યારે, “. એસ.ટી.ના ભાડા અડધા કરો છો તો તેના નાણાં ક્યાંથી આવશે ?” એવા પત્રકારના સવાલનો કેશુભાઈનો જવાબમાં હતો કે :, “તારા બાપના તબેલામાંથી” આજે ૨૦૨૧માં આ સવાલનો જવાબ આપતાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કહે છે કે,” ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના માટે રૂ.૧૯૧ કરોડનું હેલિકોપ્ટર ખરીધ્યું છે અને હું તે નાણા દિલ્હીના નાગરિકોને મફત વીજળી આપવા માટે વાપરું છું. “

મફત વીજળીના રાજ્યો પરના આર્થિક બોજ અંગે રાજકીય પક્ષો સાવ જ બેફિકર હોય છે. દેશમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતી રાજધાની દિલ્હીની પચાસ ટકા વસ્તીએ ગયા વરસે મફતમાં વીજળી મેળવી હતી.દિલ્હી સરકારે તેના ચાલુ વરસના બજેટમાં રૂ. ૨૮૨૦ કરોડની વીજસબસિડીની જોગવાઈ કરી છે. તેને કારણે રાજ્યની રાજકોષીય ખાધ રૂ. ૧૦,૬૬૫ કરોડની થઈ છે. પંજાબની કોંગ્રેસી સરકારને હાલના નાણાંકીય વરસમાં રૂ. ૧૭,૭૯૬ કરોડની સબસિડી ચુકવવાની છે.ઉત્તરાખંડ સરકાર જો ૧૦૦ યુનિટ વીજળી મફત આપે તો તેના પર રૂ. ૩૩૬ કરોડનો બોજ આવશે. પરંતુ રાજકારણીઓને રાજ્યના આર્થિક બોજની કોઈ ચિંતા હોતી નથી.

‘ક્રાઈસિલ’(રિસર્ચ રેટિંગ એજન્સી) અનુસાર વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં દેશની વીજ કંપનીઓ પર રૂ. ૪.૫ લાખ કરોડનું દેવું છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપની ૨૦૨૦ સુધીમાં રૂ. ૩૮ હજાર કરોડના દેવામાં ડૂબેલી છે. આ જ મહારાષ્ટ્રમાં રૂ. ૩૩,૦૦૦ કરોડ વીજ બિલોના લ્હેણા નીકળે છે.  ઉત્તરાખંડ પાવર કોર્પોરેશનની ખોટ રૂ.૫,૦૦૦ કરોડ છે. કેન્દ્ર સરકારે વીજળી સેકટરને સંકટમાંથી ઉગારવા છેલ્લા બે દાયકામાં ત્રણ બેલ આઉટ પેકેજ આપ્યા છે. વર્ષ ૨૦૦૦માં રૂ.૪૦,૦૦૦ કરોડ, ૨૦૧૨માં ૧.૯ લાખ કરોડ અને ૨૦૧૫માં ઉદય યોજના દ્વારા કંપનીના દેવાને રાજ્યના બોન્ડમાં તબદિલ કરવાની મદદ કરી છે. છતાં વીજ કંપનીઓનું સંકટ ટળતું નથી..

મફત વીજળીની લ્હાણી કરી મતોની ફસલ લણવાના રાજકારણીઓના ઈરાદા સફળ થાય છે કે કેમ તેનો જવાબ હંમેશા હકારાત્મક હોતો નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મફત વીજળી-પાણીનું વચન મબલખ મતો અપાવી શક્યું છે. મમતા બેનરજીએ તાજેતરની વિધાનસભા ચૂંટણીના ત્રણ માસ પૂર્વે જ ૭૫ યુનિટ મફત વીજળી આપી હતી અને તેનો ફાયદો મેળવ્યો છે. ૧૯૯૭માં પંજાબમાં અકાલી દળની સરકારે મફત વીજળી આપી પરંતુ ૧૯૯૮ની લોકસભા ચૂંટણીમાં તેને એકેય બેઠક ન મળી અને ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણી પણ હારી ગઈ. જોકે જે રાજ્યોમાં મફત વીજળી આપવામાં આવે છે તેની અસર એટલી બધી હોય છે કે કોઈ પક્ષમાં તે બંધ કરવાની હિંમત હોતી નથી હરિયાણા ધારાસભાની ૨૦૦૫ની ચૂંટણીમાં ઓમપ્રકાશ ચૌટાલાના પરાજયનું કારણ મફત વીજળીનું વચન ન પાળવાનું મનાય છે. દિલ્હી બીજેપીને  કેજરીવાલ સરકારના મફત વીજળી-પાણીના વચનને ચાલુ રાખવાનું વચન આપવું પડે છે. કોંગ્રેસને ચૂંટણી જીતવા અસમમાં મફત વીજળીનું અને ગુજરાતમાં વીજળીના બિલો અડધા કરવાનું વચન આપવું જ પડ્યું હતું ને ? તેલંગણા સરકારે ખેડૂતોને હવે ચોવીસ કલાક મફત વીજળીની યોજના શરૂ કરી છે. મહારાષ્ટ્ર સરકારે ગયા વરસે ૧૦૦ યુનિટ ઘરેલુ વીજળી મફત આપવાની જાહેરાત કરી હતી પણ અમલ કર્યો નથી.

વીજળી સહિતની ચીજ વસ્તુઓ મફતમાં આપવાથી સર્જાતો ભ્રષ્ટાચાર પણ મોટો પ્રશ્ન છે.કિસાન સન્માન નિધિના નાણા સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં જમા થતા હોવા છતાં રૂ. ૩૨૦૦ કરોડ યોજના માટે લાયકના હોય તેવા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. આપણા મોટાભાગના રાજ્યો વીજળીની અછત ભોગવી રહ્યા છે. ખાનગી વીજ કંપનીઓ પાસેથી રાજ્યો મોંઘા ભાવે વીજળી ખરીદે છે અને લોકોને મફતમાં આપે છે. આ વિષચક્રને નાથવાની જરૂર છે. ખાનગી કંપનીઓ સાથેનો વીજ ખરીદ કરાર(પાવર પરચેઝ એગ્રીમેન્ટ કે પીપીએ) ભ્રષ્ટાચારની જડ છે. જો તેમાં ફેરફાર થાય તો લોકોને પરવડે તેવા ભાવે વીજળી મળી શકે છે.. હાલમાં મફત વીજળીનો બોજો બાકીના ૪૦ ટકા ગ્રાહકો પાસેથી જુદાજુદા કર દ્વારા મેળવવામાં આવે છે.તેને કારણે પણ અસંતોષ રહે છે.

મફત વીજળીથી વીજવપરાશમાં ઘટાડો થયો છે કે નહીં,લોકો અમુક યુનિટ સુધી મફત મળે છે તો વપરાશ બેવડો કરી વ્યર્થનો વીજ વપરાશ કરે છે કે કેમ તેનો કોઈ અભ્યાસ કે તપાસ થતાં નથી. ગરીબો કે જરૂરિયાતમંદોને બદલે કોઈ પણ પ્રકારના આર્થિક માપદંડ સિવાય રાંધણ ગેસના સિલિન્ડરમાં સબસિડી આપવામાં આવે છે. તમામ વયસ્ક નાગરિકોને રેલવે ટિકિટમાં રાહત આપવામાં આવે છે. આ બંને બાબતોમાં વડાપ્રધાને લોકોને સ્વૈચ્છિક રીતે ત્યાગ કરવા અપીલ કરતાં તેનો થોડો અમલ પણ થયો છે. તેમ મફત વીજળી આપવામાં માત્ર વીજવપરાશના યુનિટનો માપદંડ યોગ્ય નથી.

દેશમાં ૪ કરોડ પરિવારો આજે પણ વીજવિહોણા છે અને અંધારામાં જીવે છે. સરકારની હર ઘર વીજળીની યોજનામાં તેમને રૂ. ૫૦૦માં એક સોલાર બલ્બ અને એક પંખા સાથેનું વીજળીનું કનેકશન મળે છે પરંતુ વીજળીનું બિલ તેણે ભરવું પડે છે. ખરેખર આ અંધકારમાં જીવતા લોકોને મફત વીજળીની જરૂર છે કે રાજધાનીના સુખી-સંપન્ન વીજગ્રાહકોને તે સવાલ થવો જોઈએ. ગરીબો,  ખેડૂતો, દવાખાના અને શાળાઓને મફત વીજળીમાં પ્રાયોરિટી મળવી જોઈએ.વીજ તાર ખુલ્લા હોવાથી દેશમાં રોજ વીજળીનો કરન્ટ લાગવાથી ૩૦ લોકોના મોત થાય છે. ખુલ્લા વીજ વાયરોને કારણે વીજ લોસ અને ચોરી થાય છે. વરસાદ, વાવાઝોડાના સમયે વીજપ્રવાહ બંધ થઈ જાય છે.પણ  વીજતારના ભૂગર્ભીકરણને જરાય મહત્વ આપવામાં આવતું નથી. લગભગ ૧૨ કરોડ બાળકો કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવાથી મધ્યાહ્ન ભોજનથી વંચિત છે. કરોડો બાળકો પાસે ઓનલાઈન શિક્ષણ માટે સ્માર્ટ ફોન નથી. ગરીબી-વંચિતતાને પ્રાથમિકતા આપવાને બદલે મફત વીજળીના લોકરંજની પગલાં આપણા લોકતંત્રની બલિહારી છે.

ચૂંટણી વૈતરણી તરી જવા મતદારોને અપાતા આર્થિક પ્રલોભનો રાજકીય પક્ષોનું ભ્રષ્ટ આચરણ જ છે. જુલાઈ ૨૦૧૩માં સર્વોચ્ચ અદાલતે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ ૧૨૩માં સુધારો કરી મફત લ્હાણીને ભ્રષ્ટ આચરણ ગણવા સૂચન કર્યું હતું. પરંતુ સરકારે તેનો અમલ કર્યો નથી. ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતામાં આ બાબત સમાવી છે પરંતુ તેનો અમલ કરાવાતો નથી. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી વખતે મદ્રાસ હાઈકોર્ટે મફત આપવાની ચીજોના આર્થિક બોજનો ૧૦ ટકા હિસ્સો સત્તાધારી રાજકીય પક્ષ વહન કરે તેમ જણાવ્યું હતું.

ઉત્તરાખંડમાં કેજરીવાલની જાહેરાતના અઠવાડિયામાં જ દોઢ લાખ લોકોએ મફત વીજળી માટે ‘આપ’ નું ફ્રી વીજળી ગેરન્ટી કાર્ડ મેળવી લીધું છે. મતદારોને મફતમાં કંઈક આપવાના રાજકીય પક્ષોના વચનો સમાજના બધા વર્ગોને આકર્ષે છે પણ તે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરે છે. તમામ રાજકીય પક્ષો આ બાબતમાં ખરડાયેલા હોઈ તેને  અટકાવતા નથી.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.