નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૩૪

ઉપકારની સામે ઉપકાર હોય એને કિંમતમાં ના અંકાય

નલિન શાહ

પરાગને જે ડર હતો તે જ થયું. માનસી જેવા વ્યક્તિત્વવાળી પત્ની પ્રાપ્ત કરવી એ એની જિંદગીનું સૌથી મોટું સપનું સાકાર થયા જેવું હતું. માનસી કદાચ એનો નિર્ણય બદલે એ ડરથી એણે લગ્ન પહેલાં એની મા સાથે મુલાકાત કરવાની વાત ટાળી હતી. ન માનસીએ એ વાતને ગંભીરતાથી લીધી હતી. પરાગને આશા હતી કે લગ્નનાં બંધનમાં બંધાયા પછી બધી સ્ત્રીઓ વાસ્તવિકતા સાથે સમજૂતી કરતી હોય છે. પણ એણે એ ના વિચાર્યું કે માનસી બધી સ્ત્રીઓની વ્યાખ્યામાં નહોતી આવતી. જે બંધન જીવનમાં ભારરૂપ થાય એ તોડીને મુક્ત થવામાં એ પળનો પણ વિલંબ કરે તેમ નહોતી. પછી એ સાત જન્મનું કહેવાતું લગ્ન બંધન કેમ ના હોય!

કોઈ પણ પ્રકારના સંસ્કાર વિનાની અને કેવળ આડંબરમાં રાચતી એની માને પરાગ બરાબર ઓળખતો હતો. બાળપણમાં એક ગરીબ સ્ત્રીના શબ્દો ‘હું તારી માસી છું’ અને જવાબમાં માની લપડાક અને અપમાનિત થઈ એ સ્ત્રીનું ચાલ્યા જવું એના સ્મૃતિપટ પર ક્યારેક ક્યારેક ઊપસી આવતું હતું, પણ એ વાતને કદી એ સમજી નહોતો શક્યો. એની મા એના લગ્ન માટે આતુર હતી. કેવળ સમાજમાં એનો મોભો જાળવવાને, ઘરમાં એની જોહુકમીને મૂંગા મોંએ સહન કરતી દાસી પ્રાપ્ત કરવા.

પરાગ બધું સમજતો હોવા છતાં લાચારી અનુભવતો હતો, કારણ કુટુંબની અડધી સંપત્તિ ધનલક્ષ્મીના નામ પર હતી અને એના ઢગલા પર એ શેષનાગની જેમ બેઠી હતી. એ નાગને સપેરાની જેમ કળથી વશ કરી શકાય, બળથી નહીં.

સપેરાનો વિચાર આવતાં પરાગના મગજમાં પ્રકાશ થયો. એક જ વ્યક્તિ એવી હતી જે સપેરાની ગરજ સારી શકે તેમ હતી. એ હતા કુટુંબના વર્ષો જૂના જ્યોતિષ શંભુ મહારાજ. પરાગે કોઈ પણ વિલંબ કર્યા વિના એની યોજનાને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો.

સવારે ઊઠીને માનસી નહાઈધોઈને તૈયાર થઈ ગઈ.

‘બહાર જાય છે?’ પરાગે પૂછ્યું.

‘નાનીને ત્યાં જાઉં છું, સાંજ થઈ જશે આવતાં.’

‘મારે આવવાની જરૂર છે?’

‘ના’ એટલું કહી માનસી બહાર ચાલી ગઈ. સાસુને પૂછવાની કે કાંઈ જણાવવાની જરૂર ના લાગી. કેવળ નોકરને હાક મારી કહ્યું ‘મહારાજને કહેજે કે અત્યારે મારા જમવાની રાહ ના જુએ.’ એ સવારની ચા પીવા પણ ના રોકાઈ.

‘નાની ગઈ ને ઘર વેરાન થઈ ગયું.’ એને રસ્તામાં વિચાર આવ્યો.

‘મારે આવું ના વિચારવું જોઈએ, નાની દુઃખી થશે. એની નજર આજે પણ સતત મારા પર જ ટકી હશે. હું ખુશ રહેવા પ્રયત્ન કરીશ. હંમેશાં નાનીની હાજરી અનુભવીશ. તો જ એના આત્માને શાંતિ મળશે.’

ફિલોમિના બહારથી આવીને કપડાં બદલતી હતી.

‘ક્યાં ગઈ’તી આટલી વહેલી?’ માનસીએ પૂછ્યું.

‘ચર્ચમાં, કેન્ડલ સળગાવવા.’

‘નાની માટે?’

‘હા, જિંદગીમાં એ કેટલાની મા બની હતી, ને મારી તો ખાસ.’

‘સાચી વાત છે, ફિલુ. કેવળ બાળકને જનમ આપવાથી જ સ્ત્રી મા નથી બનતી. મા બનવા માટે બીજું ઘણું કરવું પડે છે. એટલે જ માને ત્યાગમૂર્તિની ઉપમા આપવામાં આવે છે.

‘પણ બહેન તમે, આટલાં વહેલાં કેમ આવ્યાં? આજે તો જરા આરામ કરવો’તો?’

‘આરામ તો અહીં જ મળશે, બીજે નહીં. ને મને બહેન ના કહેતી. હું માનસી છું. ભલે હું તારાથી મોટી હોઉં છતાં હું તને નાનીના રૂપમાં જોઉં છું. મારી ગેરહાજરીમાં તેં નાનીની બહુ સેવા કરી છે. જ્યારે મને એનો મોકો મળ્યો ત્યારે એ મને છેતરી ગયાં. એ હતાં જ એવાં. સેવા કરે પણ કરાવતાં સંકોચ અનુભવે.’

‘તમે કેટલી વાર છો અહીં?’

‘તમે નહીં, તું.’ ને ફિલોમિના શરમાઇ ગઈ. ‘સાંજ સુધી છું, કદાચ રાત્રે પણ રોકાઉં.’

‘ના, રાત્રે ઘેર જજો, આજથી મારે કામે જવું પડશે. નાઇટ ડ્યૂટી છે.’

‘ફિલુ, આ હોસ્પિટલની નોકરી છોડી દે.’

‘પછી?’

‘મારી સાથે કામ કરજે. તારા જેવી સહાયક મને શોધી ના મળે, ને આપણે નાનીનાં એક સૂત્રે બંધાયેલાં પણ છીએ.’

‘તને ખબર છે ને કે નોકરી છોડું તો ક્વાટર્સ પણ છોડવું પડે. પછી જાઉં ક્યાં?’

‘કેમ જાઉં ક્યાં એટલે? આ જગ્યા હવે તારી છે. નાનીની એક મામૂલી ભેટ સમજીને રાખજે. હું મારો હક જતો કરું છું તારી તરફેણમાં. જે કાયદેસર વિધિ કરવાની હોય તે પછી કરીશું.’

‘આને તમે મામૂલી ભેટ સમજો છો?’

‘હા, તારી સેવાના પ્રમાણમાં! અને આમ પણ હું સેવાને પૈસામાં તોળવા નથી માંગતી.’

‘ના માનસી, આ તો પ્રેમની કિંમત લીધી કહેવાય.’ ફિલોમિનાએ હેબતાઇને કહ્યું, ‘નાનીએ ઘણુ કર્યું છે મારે માટે. હું તો નોકરીની શોધમાં કેરાલાથી આવી. તે કોઈ પ્રકારની ઓળખાણ વગર. ત્યાં નાનીએ આશરો આપ્યો, ટ્રેનિંગ આપી ને નોકરી પણ અપાવી. એમના થકી હું આજે હું મારી વિધવા માને દર મહિને થોડા રૂપિયા મોકલી શકું છું. બહુ લીધું નાની પાસે, હવે વધુ નહીં.’

‘બસ, બસ ફિલુ, જે જેટલું આપી શકતા હોય આપે, ઉપકારની સામે ઉપકાર હોય એને કિંમતમાં ના અંકાય. તું વિચાર કર. આ ફ્લેટ મને શા કામનો? નથી હું અહીં રહેવાની કે નથી મારે પૈસાની ચિંતા કે એને વેચવો પડે. ને તું રહીશ તો નાનીની યાદ જળવાશે ને એના આત્માને શાતા વળશે અને મને પણ કોક દિવસ આવી તારે માથે પડવાનું મન થશે, ને તારે જો કિંમત જ આંકવી હોય તો હું એટલી જ શરત મૂકીશ કે નાનીની તસવીર હંમેશાં દીવાલ પર રહે.’

‘એને માટે તારે શરત મૂકવાની જરૂર છે? તારે કહેવું પડે? કેવળ નાનીની જ નહીં, એના ભગવાનની તસવીર પણ રહેશે. એ મારા પણ ભગવાન હતા.’

‘બસ. તો હવે આ ચર્ચા બંધ. તું અહીં જ રહીશ ને નોકરી છોડી મારા કામમાં મદદ કરીશ. હું પગારની બાબતમાં તને નિરાશ નહીં કરું એટલો ભરોસો રાખજે મારા પર.’

ફિલોમિના શરમાઇ ગઈ, ‘ચાલ, હવે એ કહે કે ખાવાનું શું બનાવું.’

‘અત્યારે રહેવા દે.’ માનસી બોલી, ‘હોટેલમાંથી કાંઈક મંગાવી લઈશું, ને સાંજે તારે મોડેથી જવાનું હોય તો ત્યારે ખીચડી બનાવીશું. ને આજે ને આજે નોકરીનું રાજીનામું આપી દેજે ને પગારની બાબતમાં નિશ્ચિંત રહેજે.’

‘તું એમ માને છે કે હું કોઈ એવી ચિંતા કરતી હોઈશ?’

‘ના, મને ખાતરી છે. આ તો ફક્ત ચોખવટ કરી.’

ત્યાં જ ડોરબેલ વાગી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.