ફિલ્મસંગીતના નકશીકારો (૧૯) મારુતિરાવ કીર

પીયૂષ મ. પંડ્યા

ફિલ્મી ગીતો માટેના વાદ્યવૃંદમાં તાલવાદ્યોના સંચાલન માટે અલગ સહાયક/વ્યવસ્થાપક નિમવાની પહેલ (કદાચ) શંકર-જયકિશને કરી હતી. અગાઉની એક કડીમાં જણાવેલું તે મુજબ એ સંગીતકાર જોડીએ આ જવાબદારી વહન કરવા માટે દત્તારામની નિમણૂક કરી હતી. એ પછી રાહુલ દેવ બર્મને પણ એમ જ કર્યું. એમના સહાયકો પૈકીના બાસુ ચક્રવર્તી અને મનોહારી સિન્હ ધૂનવાદ્યોનું વ્યવસ્થાપન સંભાળતા હતા. તાલવાદ્યોને માટેની જવાબદારી મારુતિરાવ કીર નામના એક અસાધારણ ક્ષમતાવાન સંયોજકે સુપેરે નિભાવી હતી.

રાહુલ દેવના સંગીતમાં તાલનો ભારે પ્રભાવ રહ્યો છે. તાલ બાબતે એમના સંગીતમાં અનેકવિધ પ્રયોગો પણ થતા રહ્યા. એ બાબતના શ્રેયનો સિંહફાળો મારુતિરાવને ભાગે છે.

રત્નાગીરી જીલ્લાના મીરાબંદર નામના નાનકડા કસ્બામાં જન્મેલા મારુતિરાવની જન્મતારીખના સગડ મળતા નથી. ‘ટાઈમ્સ ઑવ ઈન્ડીયા’ના ૨૦૦૧ના એક અંકમાં અપાયેલા પરિચયલેખમાં તે સમયે મારુતિરાવની ઉમર ૭૧ વર્ષની હોવાનું જણાવાયું છે. આ પરથી માની શકાય કે ૧૯૩૦-૩૧ આસપાસ એમનો જન્મ થયો હશે. નાની વયથી જ સંગીત માટેનું અનન્ય વળગણ હતું. આથી એ દિશામાં આગળ વધવા માટે દસેક વર્ષની ઉમરે તે મુંબઈ પહોંચી ગયા. સૌપ્રથમ સંગીતશિક્ષણ વસંત પ્રભુ નામના તે સમયના સુખ્યાત સંગીતજ્ઞ પાસેથી મેળવ્યું. ત્યાર પછી મીનુદાસ મનકામે, સુંદર પ્રસાદ, ભૈરવ પ્રસાદ અને ગમેખાન જેવા અલગ અલગ સંગીતકારો પાસેથી સંગીતની બારીકીઓ વિશે ઊંડી જાણકારી તે મેળવતા રહ્યા. એમણે શરૂઆતના તબક્કાથી જ તાલવાદ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કિશોરવયે પહોંચતાં સુધીમાં તો મારુતિરાવે એટલું નૈપુણ્ય મેળવી લીધું કે એ જાહેર કાર્યક્રમોમાં સંગત કરતા થઈ ગયા. ૧૯૫૦ના અરસામાં એમને ફિલ્મી વાદ્યવૃંદમાં વગાડવાની તક મળી. મારુતિરાવની કારકીર્દિની શરૂઆતમાં જ સચીન દેવ બર્મનની નજર એમની ઉપર પડી અને એ પરિચયનો લાભ એમને જીવનભર મળતો રહ્યો. આગળ જતાં સચીન દેવે કેટલીક ફિલ્મો માટે સંગીત તૈયાર કરતી વખતે પોતાના સહાયક તરીકેનો દરજ્જો પણ મારુતિરાવને આપી દીધો હતો.

સચીન દેવ સાથેની શરૂઆતની જ ફિલ્મ સુજાતા(૧૯૫૯)ના એક અત્યંત લોકપ્રિય ગીતના તાલમાં મારુતિરાવનો વિશિષ્ટ ચમકારો છતો થાય છે.

કારકીર્દિના શરૂઆતના જ સમયગાળામાં મારુતિરાવનો પરિચય કાવસ લોર્ડ જેવા વરિષ્ઠ ગુણિજન સાથે કેળવાયો. કાવસજી જેવા ક્ષમતાસભર માર્ગદર્શકની રાહબરી હેઠળ મારુતિ પોતાના વાદનમાં અલગ અલગ પ્રયોગો અજમાવતા થયા.

કાવસ લોર્ડ સાથે મારુતિરાવ

કાવસ લોર્ડના બે દીકરાઓ કેરસી લોર્ડ અને બરજોર લોર્ડ પણ એ જ અરસામાં કુશળ તેમ જ પ્રયોગશીલ વાદકો તરીકે ઉભરી રહ્યા હતા. એમની સાથે પરિચય થવાથી મારુતિરાવે તબલાં, ઢોલક અને નાળ જેવાં પરંપરાગત તાલવાદ્યોની સાથે સાથે પાશ્ચાત્ય તાલવાદ્યો શીખવા પર પણ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને ઝડપથી ડ્રમસેટ, બોન્ગો, કોન્ગો વગેરે ઉપર પણ વ્યવસાયિક ધોરણે કામ કરતા થઈ ગયા. તાઉલ તરીકે ઓળખાતું દક્ષિણી તાલવાદ્ય અને કોન્ગો સાથે ખાસ્સું સામ્ય ધરાવતું એવું તુમ્બા નામનું એક આફ્રીકન તાલવાદ્ય પણ એમણે કેટલાંક ગીતોમાં વગાડયું. ફિલ્મ મનોરંજન(૧૯૭૪)ના ગીતમાંનું એમનું તુમ્બાવાદન સાંભળીને એ ફિલ્મનું દિગ્દર્શન કરી રહેલા અભિનેતા શમ્મીકપૂર ખુશ થઈને મારુતિને ભેટી પડ્યા હતા.

રાહુલ દેવ બર્મન નાની વયથી જ પિતા સાથે સંગીતના મૂળભુત પાઠો શીખવાની સાથે સ્વરનિયોજનની બારીકીઓ પણ સમજતા જતા હતા. એમને એવામાં મારુતિરાવનો પરિચય થયો, જે સમય જતાં વ્યાવસાયિક ધોરણે વિકસ્યો અને દોસ્તીમાં પરિણમ્યો. ૧૯૬૧માં રાહુલ દેવને સ્વતંત્રપણે સંગીત આપવા માટે ફિલ્મ છોટે નવાબ મળી. ત્યારથી જ મારુતિરાવ એમની સાથે જોડાઈ ગયા અને રાહુલ દેવની આખરી ફિલ્મ ૧૯૪૨, અ લવ સ્ટોરી(૧૯૯૪) સુધી એ જોડાણ ટકી રહ્યું.

રાહુલ દેવ સાથે મારુતિરાવ

ફિલ્મ છોટે નવાબના ગીતમાં મારુતિરાવનું તબલાંવાદન એકદમ ધ્યાનાકર્ષક છે.

રાહુલ દેવ અને મારુતિરાવ વચ્ચે ત્યારથી થયેલું જોડાણ વધુ અને વધુ ગાઢ થતું ગયું. આગળ જતાં રાહુલ દેવ સાથે મનોહારી સિંહ અને બાસુ ચક્રવર્તી જોડાયા. આ ત્રણે કલાકારોએ પોતપોતાની શ્રેષ્ઠ ક્ષમતા વડે રાહુલ દેવનાં સ્વરનિયોજનોને અવનવા રંગોથી ભરી દીધાં. એક સમય આવ્યો, જ્યારે આ લોકો રાહુલ દેવના ત્રણ એક્કા તરીકે ઓળખાતા હતા.
ડાબેથી બાસુ ચક્રવર્તી, મનોહારી સિંહ, મારુતિરાવ

બર્મન પિતા-પુત્રની સાથે ગાઢ રીતે સંકળાયેલા હોવા ઉપરાંત મારુતિરાવે નૌશાદ, સી. રામચંદ્ર, રોશન, મદનમોહન અને બુલો સી રાની જેવા સંગીતકારોની સાથે પણ વગાડ્યું. સજ્જાદ હુસૈન કે જે પોતાનાં કડક ધારાધોરણો ધરાવતા હતા, તેમણે પણ એક કરતાં વધારે વાર મારુતિરાવની ક્ષમતાની મુક્તકંઠે પ્રશંસા કરી છે.

સચીન દેવ અને રાહુલ દેવ સાથે મળીને મારુતિરાવે અનેક ગીતોના નિયોજનમાં તાલને લગતા વિવિધ પ્રયોગો કર્યા. એ પૈકીનાં કેટલાંક ગીતો સાંભળતાં ધૂન બહેતર છે કે તાલ એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. થોડાં ઉદાહરણો માણતાં પહેલાં એક રસપ્રદ એવી દ્વિધાનું નિરાકરણ જરૂરી છે.

ફિલ્મ ગાઈડ(૧૯૬૫)નાં ગીતો તૈયાર થઈ ગયાં હતાં અને રેકોર્ડીંગ થાય તે પહેલાં સચીન દેવ બિમાર પડી ગયા. આથી એ જવાબદારી રાહુલ દેવ અને સહાયકોએ ઉપાડી લીધી હતી. એ ગીતોમાંનાં મોટા ભાગનાંમાં મારુતિરાવ પોતે જ તબલાં વગાડવાના હતા. એક ગીતના રેકોર્ડીંગ સમયે એ એવા બિમાર પડી ગયા કે સ્ટુડીઓમાં જઈ શક્યા નહીં. પણ, સુયોગ એવો થયો કે પ્રખ્યાત સંતૂરવાદક શિવકુમાર શર્મા કે જે કુશળ તબલાંવાદક પણ હતા, તે ત્યાં ઉપસ્થિત હતા. એમણે એકાદ કલાકના રિહર્સલ પછી મારુતિરાવની ખોટ ન સાલે એ રીતે રેકોર્ડીંગ કરાવી લીધું. હવે એ કયું ગીત હતું એ બાબતે દ્વિધા પ્રવર્તતી રહી છે. અમુક જાણકારો કહે છે કે એ ‘પિયા તોં સે નૈના લાગે’ હતું, જ્યારે અન્ય રસિકજનો ‘મોં સે છલ કીયે જાય’ સંદર્ભે આ ઘટનાનો હવાલો આપે છે. નસીબજોગે એક ક્લીપ ઉપલબ્ધ છે, જેમાં મારુતિરાવ ‘પિયા તોં સે નૈના લાગે’માં પોતાનું વાદન હતું એમ કહી રહ્યા છે. આથી શિવકુમારે ‘મોં સે છલ કીયે જાય’ માટે તબલાં વગાડ્યાં હશે એ પ્રસ્થાપિત થાય છે. પહેલાં મારુતિરાવની મુલાકાતની એ ક્લીપ છે. મોટા ભાગની વાતચીત મરાઠીમાં થઈ રહી છે, પણ સહેલાઈથી સમજાઈ જાય છે.

હવે ઉપર ઉલ્લેખ કર્યો એ બન્ને ગીતો પ્રસ્તુત છે.

હવે એવાં કેટલાંક ગીતો સાંભળીએ, જેને માટે મારુતિરાવે કરેલાં સૂચનો અમલમાં મૂકાયાં છે અને એમની વિશિષ્ટ પ્રતિભાનો ખ્યાલ આવે છે.
ફિલ્મ જ્વેલ થીફ(૧૯૬૭)નાં બે ગીતો એક પછી એક માણીએ.

હવેનું ગીત એમાંના તાલના વિશિષ્ટ પ્રયોગોને લઈને અવિસ્મરણીય બની રહ્યું છે.

૧૯૬૮માં પ્રદર્શિત થયેલી ફિલ્મ અભિલાષાના એક ગીતમાં મારુતિરાવનો અવાજ પણ કાને પડે છે.

એ જ વર્ષની ફિલ્મ પડોસનનાં ગીતોમાં રાહુલ દેવે કમાલ કરી હતી. એ પૈકીનું પ્રમાણમાં ઓછું પ્રચલિત થયેલું એવું એક ગીત મારુતિરાવના અનોખા તાલવાદન વડે સજાવાયેલું છે.

ફિલ્મ તલાશ(૧૯૬૯)ના મન્નાડેએ ગાયેલા શાસ્ત્રીય ગીત માટે ખુદ મારુતિરાવે તબલાં વગાડ્યાં હોવાની જાણકારી મળે છે.

૧૯૭૦માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ધ ટ્રેનના પ્રસ્તુત ગીતમાં મારુતિરાવનું બોન્ગોવાદન છે.

https://www.youસ્tube.com/watch?v=wXngxdmNz2M

૧૯૭૧માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ગેમ્બલરના ગીતમાં મારુતિરાવે બોન્ગો તેમ જ કોન્ગો એ બન્ને તાલવાદ્યો વારાફરતી વગાડ્યાં હતાં.

ફિલ્મ રાજા-રાની(૧૯૭૩)ના ગીતમાં પણ મારુતિરાવનું બોન્ગોવાદન સાંભળવા મળે છે.

હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં શકવર્તી ઘટના તરીકે પ્રસ્થાપિત થઈ ગયેલી ફિલ્મ શોલે (૧૯૭૫)ની સફળતામાં એનાં ગીત-સંગીતનો તો ખરો જ, સાથે પાર્શ્વસંગીતનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો છે. જેમાં પાછળ પડેલા ડાકુઓથી બચવા માટે હેમા માલીની એની ઘોડાગાડીને ભગાવે છે, તે દ્રશ્યાવલી યાદગાર બની રહી છે. એના પાર્શ્વસંગીતમાં તાલનો બહુ પ્રભાવક ઉપયોગ કરવામાં આવ્યો છે. વાદનમાં તબલાં અને બોન્ગોની દ્રુતવેગી જુગલબંધી સંભળાતી રહે છે. બોન્ગો મારુતિરાવે વગાડ્યો છે, જ્યારે તબલાં વગાડવા માટે મારુતિરાવે અને રાહુલ દેવે અતિશય ખ્યાતનામ એવા શાસ્ત્રીય સંગીતકાર સામતાપ્રસાદજીને ખાસ નિમંત્ર્યા હતા. એ ક્લીપ પ્રસ્તુત છે.

રાહુલ દેવ માટે નિષ્ફળતા અને હતાશાના દોરના સમયમાં પણ મારુતિરાવે એમનો સાથ છોડ્યો ન હતો. એમની આખરી ફિલ્મ 1942 અ લવ સ્ટોરી (૧૯૯૪) ખુદ મારુતિરાવની પણ આખરી ફિલ્મ બની રહી. એમણે રાહુલ દેવના અવસાન પછી ક્ષેત્ર સન્યાસ લઈ લીધો. એ ફિલ્મનાં બધાં જ ગીતો હજી સુધી લોકપ્રિય રહ્યાં છે. એ પૈકીનું એક ગીત સાંભળીએ, જેમાં તાલના વિશિષ્ટ પ્રયોગો છે.એનું શ્રેય મારુતિરાવને ફાળે જાય છે.

આટલા ક્ષમતાવાન હતા અને ફિલ્મલાઈન જેવા ઝાકઝમાળયુક્ત ક્ષેત્રમાં કાર્યરત રહ્યા હોવા છતાં પણ મારુતિરાવ અત્યંત સાદાઈ ભરેલું સરળ જીવન જીવ્યા. એમણે છેવટ સુધી દાદર વિસ્તારની એક ચાલીમાં એક જ ઓરડામાં જીંદગી વિતાવી. સને ૨૦૦૫ના જાન્યુઆરીની ૧૧મી તારીખે અવસાન પામેલા મારુતિરાવ માટે કહી શકાય કે તે એક ઉમદા કલાકાર તો હતા જ, એ સાથે વિરલ વ્યક્તિત્વ ધરાવતા હતા.


નોંધ……

તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.

વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.

મૂલ્યવર્ધન…. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

2 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો (૧૯) મારુતિરાવ કીર

  1. Pt Shivkumar Sharma has played Tabla in the song Mose Chal kiye ja. It is the only song in film in which Panditji has played. This is as per his interview and my personal interaction few years ago.

  2. ખૂબ જ સુંદર માહિતી…આવું જ નજરાણું- ભાણું પીરસતા રહો !!!!

Leave a Reply

Your email address will not be published.