ફિર દેખો યારોં
બીરેન કોઠારી
બૌદ્ધિકતા અને કર્મશીલતાનો સંગમ ઓછો જોવા મળતો હોય છે, કેમ કે, બૌદ્ધિકતામાં સિદ્ધાંતો અને સંશોધનના આધારે કામ કરવાનું હોય છે, જ્યારે કર્મશીલતામાં વાસ્તવની નક્કર ભૂમિ પર રહીને કામ કરવાનું હોય છે. બન્નેનું પોતપોતાની રીતે આગવું મહત્ત્વ છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કાસેગાંવ ખાતે, ઑગષ્ટની ૨૫મીએ જેમણે ૮૦વર્ષે ચિરવિદાય લીધી એવાં ગેલ ઓમવેટ આ બન્ને બાબતોનો વિરલ સંગમ ધરાવતાં હતાં.
આ અમેરિકન સન્નારીએ પોતાનું જીવન ભારતને સમર્પિત કરી દીધું હતું. તેમનું ભારત સાથેનું જોડાણ વિશિષ્ટ રીતે થયું હતું. અમેરિકાના મિનીઆપોલિસ શહેરમાં જન્મેલાં ગેલનો અભ્યાસ કાર્લટન કૉલેજમાં થયો અને એ પછી તેમણે બર્કલેની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ કર્યું. પહેલી વાર 1963માં તેમણે ફુલબ્રાઈટ ફેલોશીપ અંતર્ગત ભારત આવવાનું બન્યું. એ પછી પી.એચ.ડી. માટેના પોતાના શોધનિબંધ સંદર્ભે 1970માં તે ફરી ભારત આવ્યાં. તેમનો શોધનિબંધ ‘કલ્ચરલ રિવૉલ્ટ ઈન કોલોનિયલ સોસાયટી: ધ નોન-બ્રાહ્મણ મૂવમેન્ટ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા, 1873-1930’ 1973માં પ્રકાશિત થયો. પોતાના સંશોધન દરમિયાન ગેલની મુલાકાત કાસેગાંવસ્થિત સ્વાતંત્ર્યસૈનિક અને કર્મશીલ, ‘ઈન્દુતાઈ’ તરીકે ઓળખાતાં ઈન્દુમતિ પાટણકર સાથે થઈ, જેમને કારણે ગેલને પોતાના વિષયને સમજવાની એક નવી દૃષ્ટિ મળી. ઈન્દુતાઈના પુત્ર ભારત પાટણકર તબીબી શાખામાં અભ્યાસ કરતા હતા, પણ તેમનો મુખ્ય રસ સામાજિક ક્ષેત્રે કામ કરવાનો હતો. બન્ને નજીક આવ્યાં અને પરિણામસ્વરૂપ તેમણે લગ્ન કર્યું. એ પછી 1983થી ગેલ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરીને કાસેગાંવમાં જ વસી ગયાં.
એ પછી મૃત્યુપર્યંત ગેલ અહીં જ રહ્યાં. દેહ પણ તેમણે કાસેગાંવમાં જ મૂક્યો. દલિત તેમજ અન્ય વંચિતોના હક માટે તે સતત કાર્યશીલ રહ્યાં. જાતિલક્ષી સમીકરણો, આધ્યાત્મિક અને રાજકીય પરંપરાઓમાં શુદ્રોને થતો આવેલો સતત અન્યાય તેમજ જાતિ તથા લિંગ વચ્ચેના સંબંધની સમજણ તેમણે બરાબર કેળવી, જે તેમનાં લખાણોમાં પ્રતિબિંબીત થતી રહી. અને આ સમજણ કેવળ પુસ્તકિયા નહોતી, બલ્કે એ વર્ગના લોકોની વચ્ચે રહીને, તેમને થતા રહેતા અન્યાયને નિહાળતા રહીને કેળવાયેલી હતી.
પતિ ડૉ. ભારત પાટણકર સાથે મળીને તેમણે શ્રમિક મુક્તિ દળની સ્થાપના કરી હતી, જેનો આદર્શ જ્યોતિબા ફૂલે, કાર્લ માર્ક્સ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં સિદ્ધાંતો હતા. જળ, જમીન અને સાંસ્કૃતિક સંસાધનોની સમાન વહેંચણી માટે આ સંગઠન કાર્યરત હતું. ખેડૂત નેતા શરદ જોશીની આગેવાની હેઠળના શેતકરી સંગઠન સાથે પણ તે સક્રિયપણે સંકળાયેલાં હતાં. મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સઘન પ્રવાસ કરીને ખેડૂતો, વનવાસીઓ, મહિલાઓ, શ્રમિકો, દલિતો અને વંચિતોની જાતમાહિતી મેળવી શકાય એટલા માટે તેમણે મરાઠી ભાષા પણ શીખી લીધી. આ તમામ વર્ગની વાસ્તવિક સમસ્યાઓનું પ્રથમદર્શી આલેખન તેમનાં લખાણોની ઓળખ અને ખાસિયત બની રહ્યાં.
ભારતીય ધર્મગ્રંથો અને સંસ્કૃતિમાં બ્રાહ્મણવાદી દૃષ્ટિકોણ હોવાનું તે દૃઢપણે માનતા અને વર્ગભેદ માટે તેને કારણભૂત ગણતા. ભારતીય જનતા પક્ષના તત્કાલીન પ્રમુખ બંગારૂ લક્ષ્મણને તેમણે લખેલા, દૈનિક ‘ધ હિન્દુ’માં પ્રકાશિત થયેલા જાહેર પત્રમાં દાખલાદલીલો સાથે તેમણે આ હકીકતને પ્રતિપાદિત કરી હતી. પોતાના વતન એવા અમેરિકાને પણ તેમણે ‘વંશીય ભેદભાવ આચરતા દેશ’ તરીકે ઓળખાવેલો. નર્મદા બંધના વિરોધમાં ‘નર્મદા બચાવો આંદોલન’ મેધા પાટકર અને બાબા આમટેની આગેવાનીમાં ચાલી રહ્યું હતું. તેમના સમર્થનમાં ખેડૂતો, આદિવાસીઓ ઉપરાંત પર્યાવરણવિદો, બૌદ્ધિકો, માનવ અધિકાર ક્ષેત્રે કાર્ય કરતા કર્મશીલો પણ જોડાયેલા હતા. જાણીતાં અને બોલકાં લેખિકા અરુંધતી રૉય તેના વિશે ઘણું લખતાં હતાં. ગેલ પોતે શોષિતો અને વંચિતોના હકની સદાય તરફેણમાં હોવા છતાં તેમણે અરુંધતી રૉયને જાહેર પત્ર લખ્યો હતો અને મુદ્દાસર જણાવ્યું હતું કે અરુંધતી કયા કયા મુદ્દે ખોટાં હતાં.
પશ્ચિમ ભારતની ભક્તિ પરંપરા, મહિલાઓની વિવિધ ચળવળ, સ્વાતંત્ર્યોત્તર ભારતમાં ખેડૂતોની સમસ્યાઓ, મહાત્મા ફૂલે, સત્યશોધક સમાજ, મહારાષ્ટ્રની બિનબ્રાહ્મણ ચળવળ, બાબાસાહેબ આંબેડકર અને વૈશ્વિક તેમજ લોકશાહીયુક્ત રાજકારણના તેમના દર્શન, સુચારુ અને ન્યાયી સમાજવ્યવસ્થા માટેનું દલિતદર્શન વગેરે જેવા અનેકવિધ વિષયો પર તે લખતાં રહ્યાં. તેમનાં લખેલાં અનેક પુસ્તકો અંગ્રેજી ઉપરાંત હિન્દી અને મરાઠીમાં પ્રાપ્ય છે. જાતિવાદ અને દલિત સમસ્યાઓનો તલસ્પર્શી અભ્યાસ કરવા માટે તેમનાં લખેલાં પુસ્તકો જિજ્ઞાસુઓ માટે માર્ગદર્શક બની રહ્યાં છે. સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનાં તે પ્રાધ્યાપિકા હોવા ઉપરાંત અનેકવિધ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સાથે તે સંકળાયેલાં રહ્યાં, પણ તેમને હૈયે સદાય શોષિતો અને વંચિતોનું હિત જ રહ્યું. મહિલાઓ, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓના હિતને તે પ્રાધાન્ય આપતાં.
પુસ્તકાલયો, શૈક્ષણિક સંસ્થાઓ, કર્મશીલતા અને પોતાના કાર્યક્ષેત્ર વચ્ચે તેમની આવનજાવન તદ્દન સરળતા અને સહજતાથી ચાલતી રહી હતી. આથી જ સાવ નિરક્ષરથી લઈને વિદ્વજ્જનોના બહોળા વ્યાપમાં તેમણે લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. અમેરિકાનું વૈભવી અને સુંવાળું જીવન છોડીને મહારાષ્ટ્રના કાસેગાંવ જેવા સાવ ગામડાગામમાં વસવાટ કરીને શોષિત-વંચિતોને સંગઠિત કરવા, તેમના હક માટે તેમને જાગ્રત કરવા અને એ માટે લડત ચલાવવી એ પૂરેપૂરી નિષ્ઠા અને સમર્પણ માંગી લેતું કાર્ય છે. ગેલ ઓમવેટ પોતાના ધ્યેય માટે કઈ હદે સમર્પિત અને પ્રતિબદ્ધ હતાં એનો આની પરથી અંદાજ આવી શકશે. આવા કર્મશીલ બૌદ્ધિકની વિદાયથી પડેલી ખોટ કેવળ કાસેગાંવ, મહારાષ્ટ્ર, પશ્ચિમ ભારત કે સમગ્ર ભારતની એકલાની નથી, બલ્કે સમસ્ત વિશ્વના માનવસમાજની છે. પોતાનાં કાર્યોથી તેમજ તેમણે લખેલાં પુસ્તકો થકી ગેલ ઓમવેટ સ્મૃતિમાં રહેશે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૯- ૦૯–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
તેમના વિશે કશી જ જાણ ન હતી. આ લેખ દ્વારા જાણ થઈ. ખુબ ખુબ આભાર
આટલા સરસ પ્રકાશન બદલ ખાસ આભાર.
રોહિત-બ્રિસ્ટલ.
આવા તો અનેક મરજીવા હશે જે આપણી સંસકરુતિ થી પ્રભાવિત થઇ આપણા સમાજ મા ભળી આપણ ને કાઇક શીખવી ગયા
એમના જીવન મા થી બોધપાઠ લઇયે એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ હશે