જો વિશ્વના સૌથી ઊંચા શિખરનું નામ ‘માઉન્ટ રાધાનાથ’ હોય તો?!

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

હમણાં હમણાથી સ્થળોના નામ બદલવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. દરેક પ્રદેશના શાસકો પોતાંની મરજી પ્રમાણે સ્થળોના નામ બદલતા હોય, એવો સર્વમાન્ય (કે અમાન્ય) શિરસ્તો લગભગ આખી દુનિયામાં જોવા મળે છે. પરંતુ રાજકારણ બાજુએ રાખીને વિચારીએ, તો ભારતના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસા ખાતર અમુક નામો ચોક્કસપણે બદલવા જોઈએ. રાધાનાથ સિકદર વિષે આપણે ભાગ્યે જ કશું જાણીએ છીએ. પણ જો વિશ્વના સૌથી ઊંચા શિખરનું નામ ‘માઉન્ટ રાધાનાથ’ હોય તો?!

ધી ગ્રેટ ટ્રિગોનોમેટ્રીકલ સર્વે :

૧૯મી સદીની શરૂઆતના વર્ષોમાં ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે વ્યાપારિક હિતોને લઈને સંબંધો બહુ તંગ હતા. ખાસ કરીને ૧૮૦૪માં નેપોલિયન બોનાપાર્ટ સત્તા પર આવ્યો અને બ્રિટનની ઊંઘ હરામ થઇ ગઈ. એ સમયે બ્રિટન જેવા શક્તિશાળી દેશો બીજા દેશને ગુલામ બનાવીને રાખતા, અને ગુલામ દેશોમાંથી મળતા સસ્તા કાચા માલ અને સસ્તા મજૂરોને ભોગે પોતાનું અર્થતંત્ર મજબૂત બનાવતા. આવા ગુલામ દેશો ‘સંસ્થાન’ તરીકે ઓળખાતા. દાખલા તરીકે ભારત દેશ બ્રિટનનું સંસ્થાન ગણાતો. ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે એકબીજાના સંસ્થાનો પડાવી લેવા માટે ભારે ખેંચતાણ ચાલતી અને અનેક યુધ્ધો પણ ખેલાતા. ઈસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાતા પ્રદેશોમાં આવેલ જાવા પહેલા ફ્રેંચ તાબામાં હતું. પણ એ પહેલા જે ફ્રેંચ અધિકારી જાવાનો ગવર્નર હતો, એણે બ્રિટીશ આક્રમણ સામે રક્ષણ મેળવવા માટે તાબડતોબ લશ્કરી કોલેજ, રસ્તાઓ અને હોસ્પિટલ્સનું નિર્માણ ચાલુ કરાવી દીધું. યુદ્ધ સમયે વાહનવ્યવહાર અને પુરવઠો ચાલુ રહે એ માટે એણે જાવાના બે છેડાને જોડતો હજારેક કિલોમીટર લાંબો માર્ગ બનાવી દીધો. એ જમાનામાં આટલો લાંબો રસ્તો માત્ર એક જ વર્ષની અંદર બની ગયેલો! આ બધા પ્રયત્નો છતાં ૧૮૧૧માં બ્રિટને જાવા કબજે કર્યું. છેલ્લા થોડા વર્ષોમાં જાવામાં જે માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવેલી, એ જોઈને કદાચ બ્રિટિશર્સ પણ વિચારમાં પડી ગયા હશે! અને એમાંથી જ એમને પોતાના સંસ્થાનોમાં રસ્તાઓ જેવી માળખાગત સુવિધાઓ મોટા પાયે વિકસાવવાનો વિચાર આવ્યો હશે, જેથી યુદ્ધકાળ દરમિયાન એ કામ લાગે. આ આખા ફકરાને લેખના વિષય સાથે સીધી નિસ્બત નથી, પરંતુ શાસકોની વિચારશૈલી અને ઘટમાળ સમજવા માટે આ જરૂરી છે.

બ્રિટીશ શાસન હેઠળ આવ્યા બાદ જાવાના બ્રિટીશ ગવર્નર સ્ટેમફોર્ડ રાફેલે જાવાની ભૂગોળ સમજવા માટે સર્વે કરવાનું નક્કી કર્યું. ઇસ ૧૮૧૪માં ભારતમાં ફરજ બજાવતા જ્યોર્જ નામના એક બ્રિટીશ યુવાનને બોલાવીને જાવાનો સર્વે કરવાનું કામ સોંપવામાં આવ્યું. જ્યોર્જ પોતે ગણિત અને ખગોળશાસ્ત્રનો નિષ્ણાંત હતો. જાવામાં એણે સારું કામ કર્યું. એટલે એની વધુ સેવાઓ લેવા માટે એને ફરીથી ભારત મોકલવામાં આવ્યો. અહીં એણે ગંગા અને હુગલી નદીના પ્રદેશોમાં જે સર્વેઈંગ કર્યા, એનાથી બ્રિટિશર્સ માટે આ પ્રદેશો વધુ સારી રીતે સમજવાની સગવડ ઉભી થઇ.

જાવા અને ભારતમાં કરેલા સર્વે પ્રોજેક્ટ્સને કારણે બ્રિટીશ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન જ્યોર્જ તરફ ખેંચાયું. આ અધિકારીઓ પૈકીનો એક હતો બ્રિટીશ ઇન્ફન્ટ્રી ઓફિસર અને ભારતનો તત્કાલીન સર્વેયર જનરલ વિલિયમ લેમ્બટન. વિલિયમ લેમ્બટન બહુ હોંશિયાર માણસ હતો. ચોકસાઈપૂર્ણ ભૌગોલિક માહિતી ધરાવતા સાચા નકશાઓનું મહત્વ એ બરાબર સમજતો હતો. આથી ઇસ ૧૮૦૨માં વિલિયમ લેમ્બટને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નેજા હેઠળ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરેલી. આ પ્રોજેક્ટ એટલે “ધી ગ્રેટ ટ્રિગોનોમેટ્રીકલ સર્વે”. આ એક એવો પ્રોજેક્ટ હતો, જેમાં આખા ભારતીય ભૂખંડને વૈજ્ઞાનિક પદ્ધતિઓની મદદ વડે એકદમ ચોકસાઈપૂર્વક માપવાનું કામ થવાનું હતું. વિલિયમ હંમેશા એવા લોકોની તલાશમાં રહેતો, જે વિવિધ પ્રદેશોના વૈજ્ઞાનિક પદ્ધતિએ સર્વે કરવામાં નિષ્ણાંત હોય. લેમ્બટનને જ્યોર્જના રૂપમાં આવો જ એક વ્યક્તિ મળી ગયો.

પછી તો ઇસ ૧૮૩૦ વિલિયમ લેમ્બટનના અનુગામી ભારતના સર્વેયર જનરલની પોસ્ટ પર જ્યોર્જની નિમણુંક થઇ. પોતાના કાર્યકાળ દરમિયાન એણે ગ્રેટ ટ્રિગોનોમેટ્રીકલ સર્વે (જીટીએસ) પ્રોજેક્ટમાં ઘણું કામ કર્યું. પોતાના પુરોગામી વિલિયમની માફક જ જ્યોર્જ પણ હંમેશા સારા ગણિતશાસ્ત્રીઓની ખોજમાં રહેતો. ખાસ કરીને જીટીએસ માટે એને એક એવા ગણિતશાસ્ત્રીની જરૂર હતી, જેને ગોળાકાર ત્રિકોણમિતિ (Spherical Trigonometry) આવડતી હોય. જ્યોર્જનો એક મિત્ર જ્હોન ટાઈટલર એ સમયે કલકત્તાની હિંદુ કોલેજ (હાલની પ્રેસિડેન્સી કોલેજ) ખાતે ગણિતના પ્રોફેસર તરીકે નોકરી કરતો હતો. એને પોતાનો એક ભારતીય વિદ્યાર્થી બહુ પ્રિય હતો. જ્યારે જ્યોર્જે કોઈ સારા ગણિતશાસ્ત્રી વિષે પૃચ્છા કરી ત્યારે પ્રોફેસર ટાઈટલરે પોતાના એ પ્રિય વિદ્યાર્થીનું નામ મૂક્યું. જ્યોર્જે એ સ્વીકાર્યું. ઇસ ૧૮૩૨માં ૧૯ વર્ષનો એ વિદ્યાર્થી એક વિશાળ પ્રોજેક્ટનો મહત્વનો હિસ્સો બની ગયો.

મુખ્ય વાત હવે આવે છે. એ વિદ્યાર્થીનું નામ હતું ‘રાધાનાથ સિકદર’, અને એ સમયે ગ્રેટ ટ્રિગોનોમેટ્રીકલ સર્વે (જીટીએસ) પ્રોજેક્ટ ચલાવનાર સર્વેયર જનરલ જ્યોર્જનું આખું નામ હતું ‘જ્યોર્જ એવરેસ્ટ’!

મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યુટને ગતિ અને ગુરુત્વાકર્ષણના નિયમો સમજાવતી ત્રણ બુક્સની સિરીઝ લખેલી, જે ‘પ્રિન્સીપિયા’ તરીકે ઓળખાય છે. ઇસ ૧૮૩૨ના વર્ષમાં પ્રિન્સીપિયા વાંચી હોય એવા માત્ર બે જ જણ હતા, જેમાંનો એક હતો ઓગણીસ વર્ષનો છોકરડો રાધાનાથ સિકદર. આ એકમાત્ર હકીકત ઉપરથી જ તમને રાધાનાથની મેઘાવી પ્રતિભાનો સુપેરે અંદાજ આવી જશે. આ સિવાય ગણિત, ખગોળશાસ્ત્ર વગેરે વિષયોમાં વૈશ્વિક ખ્યાતિ પામનાર અનેક સંશોધનપત્રો રાધાનાથે વાંચી નાખેલા. તરુણ વયની ઉંમરે જ રાધાનાથે ભૂમિતિના વિષયમાં બે જુદા જુદા વર્તુળ અને સ્પર્શક (tangent to two circles) અંગે મહત્વની શોધ કરેલી. આજે કોમ્પ્યુટર એટલે એક મશીન, એવી આપણી સમજ છે. પરંતુ પહેલાના જમાનામાં ‘કોમ્પ્યુટર’ એ એક મહત્વની પોસ્ટનું નામ હતું. ૧૯ ડિસેમ્બર ૧૮૩૧ના રોજ મેઘાવી રાધાનાથે જીટીએસ પ્રોજેક્ટમાં ‘કોમ્પ્યુટર’ના પદ પર કાર્યભાર સંભાળ્યો.

પ્રગતિ અને સંશોધન

નોકરીએ ચઢતાની સાથે જ રાધાનાથની ખ્યાતિ ફેલાવા માંડી. એની સાથે બીજા સાત બંગાળીઓ ‘કોમ્પ્યુટર’ની પોસ્ટ પર નોકરીએ લાગેલા, પણ આખા ડિપાર્ટમેન્ટમાં ચર્ચા તો માત્ર રાધાનાથની જ હતી! પોતાના જ્ઞાન અને ગણિત ઉપરની અફલાતૂન પકડને કારણે રાધાનાથ એવરેસ્ટનો માનીતો બની રહ્યો. જો કોઈ બીજા ખાતામાં એની ટ્રાન્સફર થવાની હોય, તો જ્યોર્જ એવરેસ્ટ જાતે હસ્તક્ષેપ કરીને એની ટ્રાન્સફર રોકાવડાવી દેતો! ૧૮૪૩માં જ્યોર્જ એવરેસ્ટ રીટાયર્ડ થયો અને એના બદલે કર્નલ એન્ડ્રુ સ્કોટ વોગ નવો સર્વેયર જનરલ બન્યો, તેમ છતાં રાધાનાથના માનપાન અકબંધ રહ્યા. ઇસ ૧૮૫૧માં રાધાનાથને ય પ્રમોશન આપીને ચીફ કોમ્પ્યુટર બનાવાયા. એ પછી કર્નલ વોગની સૂચના મુજબ રાધાનાથે પર્વતોની ઊંચાઈ માપવા અંગેના સંશોધનો શરુ કર્યા.

એ સમયે કાંચનજંઘાને સૌથી ઊંચું શિખર માનવામાં આવતું હતું. પરંતુ પોતાના સંશોધનો દરમિયાન ૧૮૫૨માં રાધાનાથને ખબર પડી કે હિમાલયનું જ એક અનામી શિખર કાંચનજંઘા કરતા વધુ ઊંચાઈ ધરાવે છે! એણે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરીને કુલ છ વખત એ શિખરની ઊંચાઈ માપી. રાધાનાથ એવા તારન પર પહોંચ્યા કે ‘Peak XV’ તરીકે ઓળખાતું એ શિખર ૨૯,૦૦૦ ફીટ (૮,૮૩૯ મીટર)ની ઊંચાઈ ધરાવે છે, જે કાંચનજંઘા કર્તા વધારે છે. જો કે ઉપરી અધિકારી વોગને લાગ્યું કે કોઈ શિખરની ઊંચાઈ આવા ‘રાઉન્ડ ફિગર’માં કઈ રીતે હોઈ શકે? એટલે એણે રાધાનાથે શોધેલી ઊંચાઈમાં પોતાના તરફથી ૨ ફીટ ઉમેરી દીધા! ૧૮૫૬માં વિધિવત રીતે ‘Peak XV’ શિખરને વિશ્વનું સૌથી ઊંચું શિખર ઘોષિત કરવામાં આવ્યું.

આ આખી ઘટમાળમાં સિંહફાળો નિ:શંકપણે રાધાનાથ સિકદરનો જ હતો, તેમ છતાં જ્યોર્જ એવરેસ્ટના નામ પરથી એ શિખરનું ‘માઉન્ટ એવરેસ્ટ’ નામાભિધાન કરવામાં આવ્યું. આવું શા માટે કરવામાં આવ્યું? સામાન્ય રીતે કોઈ પણ સંશોધનનું નામાભિધાન કરવાનું થાય, ત્યારે એને મૂળ સંશોધકના નામ સાથે જોડવામાં આવે છે. પરંતુ રાધાનાથના કેસમાં આવું કેમ ન બન્યું? આમ જુઓ તો રાધાનાથ સિકદર જેવી મેઘાવી પ્રતિભા માટે આ હળહળતો અન્યાય ગણાય!

અન્યાય પાછળના કારણો

એવું મનાય છે કે રાધાનાથ સિકદરને અંગ્રેજ શાસકો સાથે બહુ સારા સંબંધો નહોતા. ભારતમાં બ્રિટીશ રાજ હોવા છતાં એણે ક્યારેય અંગ્રેજોની ચાપલૂસી નહોતી કરી. આથી જ્યોર્જ એવરેસ્ટ અને વોગ જેવા ઉપરી અધિકારીઓનો ખાસ ભરોસાપાત્ર હોવા છતાં રાધાનાથનું નામ અંગ્રેજ સરકારની ગુડ બુકમાં નહોતું. ૧૮૫૧માં જ્યારે સર્વે મેન્યુઅલ પ્રકટ કરાયું, ત્યારે એની પ્રસ્તાવનામાં સ્પષ્ટતા હતી, કે આ મેન્યુઅલમાં જે ગાણિતિક હકીકતો પ્રકાશિત કરાઈ છે, એ બાબુ રાધાનાથ સિકદર દ્વારા લખવામાં આવી છે. ૧૭ મે ૧૮૭૦ના દિવસે રાધાનાથનું મૃત્યુ થયું. એ પછી ૧૮૭૫માં સર્વે મેન્યુઅલની ત્રીજી આવૃત્તિ છપાઈ, એમાંથી રાધાનાથ સિકદરનું નામ ગાયબ કરી દેવામાં આવેલું! અંગ્રેજ સરકારના અણમાનીતા એવા રાધાનાથનું પ્રદાન લોકો ભૂલી જાય, એ માટે જાણીજોઈને આ કૃત્ય કરાયેલું! ખુદ બીજા બ્રિટીશ સર્વેયરોએ પણ આ કૃત્ય વિષે ખુલ્લેઆમ સરકારની ટીકાઓ કરેલી. ‘ફ્રેન્ડ ઓફ ઇન્ડિયા’ નામક એક અખબારમાં તો આ કૃત્યને ‘રોબરી ઓફ ધી ડેડ’ (મુત વ્યક્તિની સંપત્તિ લૂંટી લેવાનો કારસો) જાહેર કરવામાં આવેલું!

સ્વાભાવિક છે કે જે અંગ્રેજ સરકાર સર્વે મેન્યુઅલમાંથી રાધાનાથનું નામ ભૂંસવાનો કારસો કરતી હતી, એ વિશ્વના સૌથી ઊંચા શિખરને ‘માઉન્ટ રાધાનાથ’ નામ કઈ રીતે આપે?! બીજી તરફ, લેખના પૂર્વાર્ધમાં જણાવ્યું એમ, જ્યોર્જ એવરેસ્ટે અંગ્રેજ સરકારને કામ લાગે એવા ઘણા સંશોધનો કરેલા. એટલે એમને તો પોંખવાના જ હતા. વળી રાધાનાથને ‘કોમ્પ્યુટર’ બનાવનાર જ્યોર્જ એવરેસ્ટ જ હતા. એટલે તત્કાલીન અંગ્રેજ સરકારે રાધાનાથ સિકદરને સાઈડ લાઈન કરીને જ્યોર્જ એવરેસ્ટને પોંખી લીધા!

ખેર, એ સમયે ભારતીયો ગુલામી ભોગવતા હતા, એટલે સ્વાભાવિક રીતે કશું કરી શકે એમ નહોતા. પણ આજની વાત જુદી છે. આજે ભલે માઉન્ટ એવરેસ્ટ ભારતમાં નથી, પરંતુ ભારત સરકારે વૈશ્વિક સંસ્થાઓને અરજ કરીને માઉન્ટ એવરેસ્ટનું નામ ‘માઉન્ટ રાધાનાથ’ કરવા કહેવું જ જોઈએ. આમેય આપણે જુદા જુદા સ્થળોના નામો બદલી જ રહ્યા છીએ, ત્યારે ભારતની એક મેઘાવી પ્રતિભા પોંખાય એવી કોશિષ કરવી જ જોઈએ, ખરું ને?!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “જો વિશ્વના સૌથી ઊંચા શિખરનું નામ ‘માઉન્ટ રાધાનાથ’ હોય તો?!

  1. ગુલામી મનોદશા વાળી પ્રજા પાસેથી શુ અપેક્ષા રખાય
    જેનુ ઝમીર મરી ગયુ છે

  2. હવે તો એનુ નામ માઉંટ રાધાનાથ રાખવું જ જોઇયે જેથી નવી પેઢી ને તો ખબર પડે ને પ્રેરણા મળે આવાં સંશોધન કરવા ની

Leave a Reply

Your email address will not be published.