દિલીપ રાણપુરા : માસ્તર નહીં, અન્યાય, અત્યાચાર અને અનાચાર સામે ઝૂઝનાર શિક્ષક

નિસબત

ચંદુ મહેરિયા

ભૂરખી, રોયકા, પાલનપુર, મજાદર, ખેરાણા, કરમડ,, ચુડા, દેવગઢ, રામદેવગઢ, નાની કઠેચી,, નાગનેશ, ભ્રુગુપુર, બજાણા…… આ એ ગામોના નામો છે, જ્યાં ચારેક દાયકાના શિક્ષક જીવનમાં લોકધર્મી સાહિત્યકાર અને વિધ્યાર્થીનિષ્ઠ શિક્ષક દિલીપ રાણપુરા (જન્મ ૧૪-૧૧-૧૯૩૧, અવસાન ૧૬-૦૭-૨૦૦૩)એ ભણાવ્યું હતું. . આખી જિંદગી એક કે બે ગામો-શહેરોમાં નોકરી કરનાર માટે કોઈ વ્યક્તિએ આટલા બધા સ્થળોએ નોકરી કરી હોય તે નવાઈ પમાડે તેવી બાબત છે. આજે તો પ્રાથમિક શિક્ષકોની બદલી પ્રક્રિયા ઘણી ન્યાયી અને પારદર્શી ગણાય એવી છે. પરંતુ આઝાદી પછીના તરતના ગાળામાં, ૧૯૫૦માં, વર્નાક્યુલર ફાઈનલ થઈ પ્રાથમિક શિક્ષક બનેલા દિલીપ રાણપુરાની પંદરેક ગામોમાં નિમણૂક-બદલી-બઢતી વહીવટીતંત્રની આડોડાઈ અને કિન્નાખોરીનું પરિણામ છે. તેમ છતાં જોબ સેટિસ્ફેકશનના અભાવની કાયમ ફરિયાદો કરતી આજની પેઢીએ દિલીપ રાણપુરાના આ શબ્દો કાળજે ધરવા જેવા છે. : “ શિક્ષક હોવાનું મને કાયમ ગૌરવ રહ્યું છે. આડત્રીસ વરસ એકધારો શિક્ષક રહ્યો તેમાં મને મજા આવી છે. થાક નથી લાગ્યો, કંટાળો નથી આવ્યો તેમ હું કદી હતાશ પણ નથી થયો. તંત્ર સામેની લડાઈની અસર મારામાંના ‘શિક્ષક’ પર નથી પડી. શિક્ષણ કાર્ય કરતી વખતે મને શિક્ષકને થતી વહીવટી સતામણી સામે સંઘર્ષ કરવાનું બળ અને પ્રેરણા મળ્યા છે.”

ન તેજસ્વી, ન ઠોઠ

બાળદિને જન્મેલા સર્જક-શિક્ષક દિલીપ રાણપુરાનું મૂળ નામ ધરમશીં. અત્યંત રુઢિચુસ્ત, ધર્મચુસ્ત જૈન કુટુંબના આ સંતાનને સંસ્કાર ટેવમાં મળેલા. પણ જીવનના આરંભના વીસેક વરસો અને તેમાંય શિક્ષણ મેળવવાના વરસોમાં એ ઘણા બેપરવા હતા. તોફાની, રેઢિયાળ અને ભમરાળાની છાપ છતાં કેટલાક શિક્ષકોને તેમનામાં રહેલી પ્રતિભાનો ખ્યાલ આવી ગયેલો. નિયમિત શાળાએ ન જતા ધરમશીંને શિક્ષકો સમજાવતા : ‘ ભણીશ તો નામ કાઢીશ’ એમ કહીને ટપારતા. ૧૯૪૬માં ધંધુકાની શાળામાં એ છઠ્ઠા ધોરણમાં ભણતા હતા. શાળાએ જવાને બદલે રખડ્યા કરતા. પણ પરીક્ષા આપવા ગયા તો શિક્ષક્ને કહ્યું, “સાહેબ પરીક્ષામાં મને જુદો બેસાડો.” કારણની પ્રુચ્છામાં જવાબ હતો : “ હું પાસ થઈશ તો ચોરી કરીને થયો છું એમ કહેવાશે. મારી મહેનત સામે કોઈ નહીં જુએ. “ એમની વિનંતી માનીને શિક્ષકે નોખા બેસાડી પરીક્ષા લીધી હતી અને તે ચોથા નંબરે પાસ થયેલા. !  દિલીપભાઈએ શિક્ષકને એ વખતે જ કહેલું, “ દિવસે રખડતો હોઉ પણ ખિસ્સામાં ચોપડી તો હોય જ. ઘણું બધું ગોખી નાંખ્યું છે.રાતોના ઉજાગરા કર્યા છે. હું રખડું છું પણ ઠોઠ નથી તોફાની ખરો પણ ચોર નહીં. પાઈ-પૈસાનો જુગાર કદીક રમ્યો હોઈશ પણ કપટી નથી.”

ભણતર અધૂરું મૂકીને તે કામે વળગ્યા તો જાતભાતના કામ કર્યા. પિતાની કાપડની દુકાને વેપારની તાલીમ  લેનાર આ કિશોરે પોલીસ કોન્સ્ટેબલ બનવાની પણ તાલીમ લીધેલી. કંદોઈના સાથીદાર, રોડ પરના માઈલસ્ટોનના રંગારા, પ્રેસ-કંપોઝિટર, કારખાનામાં હુકમનોંધનાર, જીનના કાલા- કપાસનાં તોલનાર, માપણીદાર  એવા કામ કરતાં-કરતાં ધંધૂકેથી મહાનગર મુંબઈ પહોંચી ગયા.મુંબઈમાં તે પૂંઠાના ખોખાં બનાવતાં કારખાનામાં  નોકરી કરતા. જૈન લોજમાં જમતા અને કારખાનામાં મજૂરોની સાથે પૂંઠાઓની થપ્પી પર સૂઈ રહેતા. એ સમયે શિક્ષક બની ગયેલા અને મહિને સિત્તેર રૂપિયા પગાર મેળવતા મિત્રનો પત્ર આવ્યો. એ જાણીને શિક્ષક થવાના સપનાં આવ્યાં ને ઘરે પાછા આવી ગયા. ધંધુકાની શાળામાં સાતમા ધોરણમાં દાખલ થયા. પોતાના કરતાં ઉમરમાં નાના વિધ્યાર્થીઓ વચ્ચે રહી ભણ્યાં વચ્ચે વચ્ચે રઝળપાટ ચાલતો રહેતો. છતાં પરીક્ષા આપી અને એમ ૧૯૫૦માં એ જમાનાની પ્રતિષ્ઠિત વ.ફા. (વર્નાક્યુલર ફાઈનલ) એટલે પ્રાથમિક શાળાંત પરીક્ષા પાસ કરી. શિક્ષકની નોકરીની શોધ ચાલુ હતી ત્યારે જ સહાધ્યાયી પ્યારઅલી હાલાણીનો સર્વોદય યોજનામાં જોડાવાનો પત્ર મળ્યો. આ પત્રે તેમના જીવનની દિશા બદલી નાંખી અને તેઓએ આદર્શ  અને અનોખા શિક્ષક બનવાની દિશામાં પહેલી પગલી માંડી.

શિક્ષક જીવનના માતબર અનુભવો

ચાર દાયકાના શિક્ષક જીવનના માતબર અનુભવો લેખક દિલીપ રાણપુરાના સાહિત્યમાં આલેખાયા છે. સ્મ્રુતિકથા “દીવા તળે ઓછાયા”માં આરંભિક શિક્ષક જીવનના અનુભવોનું બયાન છે. સર્વોદય યોજનાના શિક્ષક તરીકે સેવા, કર્મઠતા અને આદર્શના સપનાં જોયાં. ખાદી પહેરી.. રોયકામાં શૂન્યમાંથી સર્જન કરતાં હોય તેમ નવી શાળા ઉભી કરી. તે જ્યાં રહેતા હતા તે ઓરડીની દીવાલે  જાજરુ કરી જતાં બાળકની વિષ્ઠા કશી સૂગ વિના રોજ સાફ કરી. ભૂરખી આશ્રમમાં કાર્યકરના સ્ખલનના બનાવથી આવેશમાં આવી રાજીનામુ આપ્યું હતુ. ૧૯૫૧માં લગ્ન થયા ત્યારે તે બનાસકાંઠા જિલ્લાના મજાદરમાં શિક્ષક હતા. લગ્ન પછી  તુરત નોકરી છોડી. કારણ ? “ મુગ્ધાવસ્થાનો વિરહ મારાથી સહન  ન થયો કે જીવન પ્રત્યેની બેદરકારી…. મેં નોકરીમાંથી રાજીનામું આપ્યું. “

મજાદર છોડ્યા પછી દિલીપભાઈને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખેરાણા ગામની પ્રાથમિક શાળામાં નવી નિમણૂક મળી. વગર અરજી, વગર ઈન્ટરવ્યૂએ . જ્યારે આ નોકરીનો હુકમ મળ્યો ત્યારે તેમને જાગેલી લાગણી કંઈક આવી હતી :  “ જે સરસ્વતીની ક્રુપાથી મને રોજી મળી છે, જે ક્ષેત્રમાં મારા અવતાર કાર્યનું નિર્માણ થયું છે એ બંનેને દીપાવવા હું મથીશ. હું રૂઠ અર્થમાં શિક્ષક-માસ્તર નહિ બનું. અન્યાય,અત્યાચાર અને અનાચાર સામે ઝૂઝનાર શિક્ષક બનીશ .”. દિલીપભાઈએ શિક્ષક થવાનું નક્કી કર્યું  તે તેમના વિધવા માને નહીં ગમેલું તેનું એક કારણ,  “એમના મનમાં રહેલો સ્પર્શ્યાસ્પર્શનો છોછ”  હતું. પણ યુવાન દિલીપ તો કોઈ જુદા જ દેવ માંડી બેઠેલા.

આરંભની સર્વોદય.યોજનાની કામગીરીથી જ તેમનામાં  જે આદર્શના સ્ફુલિંગ ઝબકી ગયેલા તે ખેરાણામાં જાગ્રત થયા. દેશને આઝાદી મળી તેના તરતના એ વરસો  ગામડાંઓમાં આભડછેટ ભારોભાર. હતી.  શિક્ષક દિલીપ રાણપુરાને  તેમની શાળાના દલિત છોકરાઓને જુદા ઓસરીમાં બેસાડાતા હતા તે સારું નહોતું લાગતું બલકે તેની શરમ આવતી. હતી. એમણે મિત્ર મેરામભાઈને કહેલું કે . “આપણે એમને આ યુગમાં અસ્પ્રુશ્ય ન માનવા જોઈ. “ મિત્રની સલાહ હતી કે એમ કરવું કસોટીરૂપ તો ઠીક જીવલેણ પણ બની શકે.છે.  તેમ છતાં  દિલીપભાઈએ,  “બીજા દિવસે સાત-આઠ દલિત છોકરા-છોકરીઓને શાળાના ઓરડામાં બીજાં સવર્ણ છોકરાં  સાથે બેસાડ્યાં. “ એક દિવસ એથી આગળ વધીને શાળામાં દાળિયા અને ગોળ દલિત વિધ્યાર્થીઓ પાસે વહેંચાવ્યા.. અને પરિણામ? એ દિવસે રિસેસ પછી કોઈ બિનદલિત વિધાર્થીઓ શાળાએ ન આવ્યા. ગામ ખીજે ભરાણું. આ બનાવ કસોટીરૂપ જ નહીં  જીવલેણ બને એવી સ્થિતિ ઉભી થઈ તેમનો ગામે બહિષ્કાર કર્યો અને શિક્ષક દિલીપ રાણપુરાએ અડધી રાતે ગામ છોડી પોલીસ થાણે ચોટીલા જવું પડ્યું.હતું. જે ગામને ખૂબ પ્રેમ કરેલો, શિક્ષણના અને બીજાં  ઘણાં કામ કરેલા,  ઘણી પ્રતિષ્ઠા રળેલી, એ ગામમાં દલિત બાળકોને શાળામાં બરાબરીનું સ્થાન અપાવવાને કારણે એમની બદલી થઈ. દિલીપભાઈએ ગામ છોડ્યું ત્યારે કોઈ વળાવવા સુધ્ધાં ન આવ્યું. છતાં એ હામ ન હાર્યા.ચૂડાની શાળામાં એ હતા ત્યારે પહેલીવાર દલિત બાળકોને અંતકડીમાં ગાવાની તક એમણે અપાવી. આલા વીરા નામના દલિત બાળકે ખૂબ સારું ગાયું. તેણે દિલીપભાઈને કહ્યું, “મને સાહેબ આટલા વરસોમાં કોઈએ કદી ગાવા ના દીધું. તમે જો ના ગાવા દીધું હોત તો આ નિશાળમાંથી જાત ત્યાં સુધી કોઈ ગાવા ના દેત.”

શિક્ષક દંપતિનો શિક્ષણ યજ્ઞ

૧૯૬૫માં દિલીપભાઈની બદલી ભ્રુગુપુર ગામે થઈ હતી. અગાઉથી બધા વર્ગો વહેંચાયેલા એટલે નવરા બેસી રહેવાને બદલે તેમણે સિનિયર હોવા છતાં પહેલું ધોરણ ભણાવવાનું માંગી લીધુ. તેમના પત્ની સવિતાબહેન રાણપુરા પણ શિક્ષક હતા. ક્યારેક એક જ સ્કૂલમાં તો ક્યારેક અલગઅલગ સ્કૂલોમાં તેમણે નોકરી કરી.હતી. બિનતાલીમીમાંથી તાલીમી શિક્ષક બનવા ભૂમિતિ અને ભૂગોળ જેવા નબળા વિષયો દિલીપભાઈ, સવિતાબહેન પાસે  ભણીને શીખ્યા. શિક્ષકોની એક બેઠકમાં દિલીપભાઈએ પ્રત્યક્ષ પ્રાયોગિક પાઠ આપ્યો. તેના પરની ચર્ચામાં સવિતાબહેને જાહેરમાં દિલીપભાઈની  ક્ષતિઓ બતાવી. એ વખતે સવિતાબહેન માટે દિલીપભાઈ પતિ નહોતા પણ સાથી શિક્ષક હતા..એટલે શિક્ષકની ભૂલ પ્રત્યે ધ્યાન દોરવું  એ તેમને શિક્ષકની ફરજ લાગેલી. જેથી ભૂલ સુધરે અને બાળકોને ક્ષતિરહિત શિક્ષણ મળે.

ચૂડાની શાળામાં નિરીક્ષણ માટે આવેલા શાસનાધિકારીએ પહેલા ધોરણના બાળકો નબળાં હોવાની  નોંધ લઈ તેમને તૈયાર કરવા  તમામ શિક્ષકોને ચેલેન્જ કરી.. બાવીસ શિક્ષકોની એ શાળામાં કોઈ શિક્ષક ચેલેન્જ ઉપાડવા તૈયાર ન થયા તો દિલીપભાઈએ ઉભા થઈને કહેલું, “ તમારી ચેલેન્જ ઉપાડવા માટે નહીં કામ કરવા માટે હું આ બાળકોના શિક્ષણની જવાબદારી લઉં છું.. હું અને મારાં પત્ની તેમને બરાબર ભણાવીશું. જો તમારી અપેક્ષા મુજબનું પરિણામ ના  મળે તો વરસ આખરે  અમારી બદલી, દંડ કે ઈજાફા અટકાવવાની સજા પણ સ્વીકારીશું.”  વરસ આખરે આ બાળકોનું સિત્તેર ટકા પરિણામ આ શિક્ષક દંપતિએ લાવી બતાવ્યું હતું.

શિક્ષણ અંગેના ધારદાર લખાણો , વાર્તાઓ અને નવલકથાઓ લખવાને કારણે કે ક્યારેક કોઈની ખોટી ચઢવણી કે ગેરસમજને કારણે દિલીપભાઈની બદલીઓ થતી રહી.પછી  એક સમય એવો પણ આવ્યો કે તંત્ર દિલીપભાઈથી ડરતું થયું.તેમના સૂચનો સ્વીકારતું થયું.  જે જિલ્લા શિક્ષણ સમિતિ તેના હોદ્દેદારો અને અધિકારીઓ દિલીપભાઈની સતત કનડગત કરતા હતા તેમણે તેમનું સન્માન પણ કરેલું

શિક્ષણકેન્દ્રી નવલકથાઓના સર્જક

દિલીપભાઈનું ઔપચારિક શિક્ષણ તો બહુ ઓછું પણ વાચન ઘણું વધારે. રામદેવગઢ બદલી થઈ ત્યારે ચૂડાથી રામદેવગઢ  જતા-આવતા રસ્તામાં ચાલતાં-ચાલતાં પણ તે વાંચતા. મુખ્યત્વે નવલકથાકાર-વાર્તાકાર તરીકે જાણીતા દિલીપ રાણપુરાએ તોંતેર વરસની જિંદગીમાં નેવું જેટલા પુસ્તકો લખ્યાં છે. ૧૯૬૬ થી ૧૯૯૩ના સત્તાવીસ વરસના સમયગાળામાં તેમણે સાત શિક્ષણ કેન્દ્રી નવલકથાઓ લખી હતી. જાણીતા શિક્ષણવિદ  ઈશ્વર પરમારે તેમની આ સાત નવલકથાઓનો વિવેચકીય નહીં શૈક્ષણિક યથાર્થતાના સંદર્ભમાં અભ્યાસ કર્યો છે. તેમનું તારણ છે કે “ દિલીપ રાણપુરા ભલે ગ્રામવિસ્તારના શિક્ષક રહ્યા. હોય. ,પરંતુ ખરા અર્થમાં તેઓ પ્રોફેસર હતા. પ્રોફેસર શબ્દનો અર્થ છે કે જે પ્રોફેસ કરે છે, એટલે કે પોતાની લાગણી કે માન્યતાને ખુલ્લેખુલ્લી જાહેર કરવાની હિંમત દાખવે છે. આ અર્થમાં તેમણે સફળ પ્રોફેસરી કરી બતાવી છે.”

પ્રાથમિક શિક્ષણ એટલે….

સાડા ત્રણ દાયકે દેશમાં નવી શિક્ષણ નીતિ અવતરી છે. એ સમયે એક અનોખા શિક્ષક દિલીપ રાણપુરાના આ શબ્દો સાંભરે છે “ પ્રાથમિક શિક્ષણ એ મુખ્યત્વે લાગણી અને પ્રેમનો વિષય છે, શાસ્ત્રનો કે પ્રયોગનો નહીં. શાસ્ત્રો અને પ્રયોગો દ્વારા આપણે શાળામાં આવતા બાળકોના વ્યક્તિત્વને, એના માનસને ચૂંથવાનો અને શાસ્ત્રના ચોકઠામાં ફીટ બેસાડવાનો એક બીબાંઢાળ પ્રયાસ કરી રહ્યા છીએ. પરિણામે પ્રાથમિક શાળાઓમાં રહે છે કેવળ શાસ્ત્રની ચર્ચા, પ્રયોગનો વિવાદ અને આ બધાને કારણે બાળક નથી મેળવી શકતું પ્રેમને કે નથી ઘડી શકતું પોતાના વ્યક્તિત્વને.”

દર વરસની જે  આ વરસે પણ શિક્ષક દિન મનાવાશે. ત્યારે માસ્તર નહીં પણ અન્યાય, અત્યાચાર, અનાચાર સામે ઝૂઝનારા દિલીપ રાણપુરા જેવા શિક્ષકનું અને સર્જકનું સ્મરણ થવું સહજ છે. દિલીપભાઈના વિચારો મુજબના પ્રાથમિક શિક્ષણની અને શિક્ષકોની પણ પ્રતીક્ષા રહે છે..


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

3 thoughts on “દિલીપ રાણપુરા : માસ્તર નહીં, અન્યાય, અત્યાચાર અને અનાચાર સામે ઝૂઝનાર શિક્ષક

  1. ઉત્તમ અને વિશદ પરિચય !
    એમની નવલકથા ‘ સૂકી ધરતી સૂકા હોઠ ‘ એ જમાનાની ખાસી વિવાદાસ્પદ નવલકથા હતી. એ વાંચીને હું એમનો ચાહક બનેલો અને એ પછીની એમની પાંચેક નવલ પણ વાંચેલી . એમના પત્ની સવિતાબેન રણપુરા પણ અચ્છા લેખિકા હતાં. ( સાથે એ પણ યાદ આવ્યું કે એ જમાનામાં રમેશ કોટક નામના એક લેખકની એક નવલકથાએ- નામ યાદ નથી- પણ ઘણો ખળભળાટ મચાવેલો! )

    ખૂબ ખૂબ આભાર !

  2. ઉમદા શિક્ષક ,આજે પણ આભડછેટ કયા ગઇ છે ? એક કે બીજા સ્વરૂપે હયાત જ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *