મંજૂષા
વીનેશ અંતાણી
એક બહેનને લાગતું હતું કે એમની આઠ-નવ વરસની દીકરી ટીવીના નકામા કાર્યક્રમો જોવા પાછળ સમય બરબાદ કરે છે. એને લીધે એ કશું વાચતી નહોતી, સામાન્ય જ્ઞાન તથા દુનિયામાં જે બની રહ્યું હોય એનાથી વંચિત રહી જતી હતી. એ બહેનને દીકરીનો સર્વાંગી વિકાસ રૂંધાઈ જતો હોય એવું લાગતું હતું, એમની ચિંતા વાજબી હતી. એથી એમણે દીકરીને રોજ છાપાં વાંચવાની ટેવ પાડવાનો નિર્ણય લીધો. દીકરીને સૂચના આપી કે એ સ્કૂલથી આવી, હોમવર્ક પતાવી, એ દિવસનું છાપું લઈને બેસે અને એમાંથી મહત્ત્વના સમાચારોની હેડ લાઈન્સ વાંચે, નોટબુકમાં હેડલાઈન્સ લખે. દીકરીનું શબ્દભંડોળ વધારવા માટે છાપાંમાંથી રોજ પાંચ નવા શબ્દો શોધવાની સૂચના પણ આપી. બહુ સરસ વિચાર હતો. દીકરીએ આરંભિક આનાકાની પછી માએ આપેલી સૂચનાનું પાલન કરવાની શરૂઆત કરી.
થોડા દિવસ પછી દીકરી એણે રોજના છાપામાંથી તારવેલા નવા શબ્દોના અર્થ પૂછવા માટે મમ્મી પાસે ગઈ. એણે રોજબરોજના છાપામાં વારંવાર જોવા મળતા શબ્દોની જે યાદી બનાવી હતી એ જોઈને મા દંગ રહી ગઈ. એ અંગ્રેજી શબ્દો હતા: મર્ડર, રેપ, મોલેસ્ટેશન, સ્કેન્ડલ વગેરે. દીકરીનો વાંક નહોતો. એણે છાપાંમાં વધારે પ્રમાણમાં આવતા સમાચારોમાં જોવા મળતા શબ્દોની યાદી બનાવી હતી. જો છાપાંમાં રોજ ખૂન, બળાત્કાર, છોકરીઓને થતી જાતીય પરેશાની, બળાત્કાર જેવી ચારે બાજુ બની રહેલી ઘટનાઓના સમાચારનું પ્રમાણ વધારે હોય તો એને લગતા શબ્દો જ દીકરીને વાંચવા મળે. દીકરી મા પાસેથી એ શબ્દોના અર્થ જાણવા માગી હતી. મા મૂંઝાઈ ગઈ. એ એના શાબ્દિક અર્થ જ આપી દે તો એનાથી કંઈ વળવાનું નહોતું. દરેક શબ્દોની સમજણ આપવી પડે તેમ હતું. આઠેક વરસની દીકરી સાથે બળાત્કાર અને જાતીય હેરાનગતી જેવી બાબતોની વાત કરતાં પણ માને મૂંઝવણ થતી હતી.
દીકરીનું સામાન્ય જ્ઞાન અને શબ્દભંડોળ વધારવા માટે કૃતનિશ્ર્ચયી માતાએ અખબારોમાં છપાયેલા લેખિત શબ્દોને બદલે ટીવીની નયૂઝ ચેનલો પર ધ્યાન આપવાનું નક્કી કર્યું. રાતે જમીને મા-દીકરી ટીવી પર સમાચાર જોવા બેઠી. મા લખે છે: “હું ન્યૂઝ-ચેનલ બદલતી ગઈ અને ટીવીના સ્ક્રીન પર ગુસ્સે થયેલા લોકો દેખાવા લાગ્યા. એ બધાં કોઈ સ્કૂલમાં એક છોકરી સાથે થયેલા બિભસ્ત વર્તન વિશે વિરોધ વ્યક્ત કરતાં હતાં અને પેનલિસ્ટો એના વિશે ચર્ચા કરતા હતા. નવો શબ્દ સંભળાતો હતો – ‘ચાઈલ્ડ એબ્યુઝ…’ દીકરી પ્રશ્ર્નભરી નજરે મારી સામે જોવા લાગી. મેં ટીવીનો રિમોટ એને આપતાં કહ્યું, તું હાલ પૂરતી કાર્ટૂન ચેનલ જોવાનું જ રાખ… હું શનિ-રવિ દરમિયાન તારા માટે વાર્તાઓનાં સારાં પુસ્તકોની વ્યવસ્થા કરું છું”
આ વાત માત્ર એક જ માનું દુ:સ્વપ્ન નથી. ભારતની દરેક માતાની મૂંઝવણ છે. આપણા સમાજમાં જે કંઈ બની રહ્યું છે એની સમજણ સંતાનોને આપ્યા વિના ચાલે તેમ નથી અને એ કેમ કરવું એનો રસ્તો કાઢવો પડે તેમ છે. માત્ર સમજણ આપી દેવાથી ચાલે તેમ નથી, છોકરીઓને એવા સંજોગોમાં સ્વરક્ષણ કરવા માટે પણ તૈયાર કરવી પડે એવા સંજોગો છે. છોકરીઓ સાથે થતો દુર્વ્યવહાર ભારતની જ નહીં દુનિયાભરની સળગતી સમસ્યા છે. એ સમસ્યા વિશે કામ કરી રહેલી એક બહેને જણાવ્યું છે તેમ “હવે સમય આવી ગયો છે કે માતાપિતા એમનાં સંતાનોને એમની સુરક્ષા વિશે અને જ્યારે તેઓ માતાપિતાની સાથે ન હોય ત્યારે પોતાનું રક્ષણ કરવા માટે એમણે શું કરી શકે એની સમજણ આપે… કોના પર વિશ્ર્વાસ મૂકવો અને કોના પર ન મૂકવો વગેરે બાબતો વિશે પણ બાળકોને સમજાવતા રહેવું જોઈએ.”
ચાઈલ્ડ એબ્યુઝનીજ વાત કરીએ તો એમાં બાળકો સાથે જાતીય દુર્વ્યવહાર જ આવતો નથી, બાળકો પર માબાપ, પરિવારનાં અને પરિચિત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા કોઈ પણ પ્રકારના માનસિક અને શારીરિક અત્યાચારનો પણ સમાવેશ થાય છે. એ માટે જુદા જુદા દેશોમાં કાયદા પસાર કરવામાં આવે છે, પરંતુ એનો અમલ કરવામાં કેટલાય પ્રશ્ર્નો નડે છે. કાયદો એનું કામ કરશે, પણ એ માટે સામાજિક જાગૃતિની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. સૌથી પહેલાં તો બાળકો માટે ઘરમાં પ્રેમનું વાતાવરણ ઊભું કરવું પડે.
નાનપણમાં ચાઈલ્ડ એબ્યુઝનો ભોગ બનેલી એક મા એની બે વરસની દીકરીને સંબોધીને લખે છે: “હું તને ખૂબ પ્રેમ આપવા માગું છું કારણ કે મને નાનપણમાં પ્રેમ એટલે શું એની ખબર જ પડી નહોતી. મને કોઈ પર ભરોસો રહ્યો નથી, તું પણ કોઈ પર આંધળો ભરોસો રાખજે નહીં. તેમ છતાં તું દુનિયાની બધી વ્યક્તિઓને પ્રેમભરી નજરે જોજે. બધા લોકો આપણે ધારીએ છીએ એટલા દુષ્ટ હોતા નથી. મને તો મારું છીનવાઈ ગયેલું બાળપણ પાછું મળશે નહીં, પણ મારી દીકરી, હું તને એવું બાળપણ આપીશ, જેના પાયા પર તારી સુખી જિંદગીની મજબૂત ઈમારત ઊભી થશે.”
************
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com