માળાની ગૂંથણીની માહિર સુગરી

ફરી કુદરતના ખોળે

સુગરી/ બાયા/ Weaverbird / Ploceus philippinus /

કદ : ૧૫ સેન્ટિમીટર, ૬ ઇંચ

જગત કીનખાબવાલા

જુના જમાનામાં સુગરીનો ઉપયોગ શેરીમાં પક્ષીની કેળવેલી આવડત બતાવવા માટે થતો હતો. બહુ બુદ્ધિશાળી, નકલખોર, શિસ્તબદ્ધ પક્ષી છે. તેને શીખવાડ્યું હોય તે ડીશમાં રાખેલો ખોરાક ચાંચમાં દબાવી શિખવાડનાર માલિક કહે તેના હોઠ ઉપર મૂકી આવે અને સફળતા બાદ માલિક તરફ જુવે. શીખવાડેલા કૌવત દ્વારા તેલમાં બોળીને નાના ભડકામાંથી પાતળી લાકડીની  આગળ જોડેલો સળગે તેવો પદાર્થ સળગાવે અને ત્યાર બાદ તે સળગતી લાકડી પોતાના માથા ઉપરથી ગોળ ગોળ ફેરેવે અને શાબાશી મેળવે. આવી વાત રાજા અકબરના દરબારના લખાણોમાં ઉલ્લેખવામાં આવી છે. માલિક શીખવી  વિવિધ ખેલ કરાવે.

સુગરી શબ્દ સાંભળો એટલે દરેકને સુંદર ગૂંથણી વાળો સુગરીનો માળો મનના દૃશ્યપટ ઉપર દેખાઈ આવે. બહુ વખત એવું થાય કે સુગરી પક્ષીને ન ઓળખી શકો પણ સુગરીના માળાને જરૂર ઓળખી જાવ! ઘણાં લોકોને ઝાડ ઉપરથી માળો ઉતારીને કે બજારમાંથી ખરીદીને આવા જુના માળા લોકો ઘરની સજાવટમાં વાપરે છે.

કુદરતમાં આવા માળાને રહેવા દેવા જોઈએ. સામાન્ય રીતે જયારે ઈંડા મૂકીને સુગરીના બચ્ચા ઉડી જાય ત્યારબાદ મુનિયા અને ચકલી જેવા નાના પક્ષીઓ પોતાનાં ઈંડા મુકવા માટે આવા સુગરીનાં છોડી દીધેલા માળા ઉપયોગમાં લેતા હોય છે. ક્યારેક સુગરીના માળામાં ઊંડાણમાં ઈંડા કે બચ્ચા હોય તે સામાન્ય માણસને ખબર નથી હોતી માટે માળો ઘરે લઇ જવાના લોભમાં માળો તોડીને ઝાડ ઉપરથી ઉતારી લે પછી તે ખબર પડે છે અને ત્યારે તે મોડું થઇ જાય છે, પોતાની ખુશી માટે બીજા નિર્દોષનો જીવ જાય છે. આ અક્ષમ્ય ઘોર હીંસા છે.

સુગરી એક વ્યાપક પ્રમાણમાં આખાયે ભારતવર્ષમાં અને દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળતું માનવ વસાહત આસપાસનું એક નાનું અને સુંદર પક્ષી છે. તેઓની જુદી જુદી જાત પણ હોય છે જેમાં બીજી એક જાત રેખાવાળી સુગરી/ Straighted Weaverbird / પાન સુગરી/ Blackthroated Weaverbird છે.

સુગરી પોતાનો માળો ડાળીની છેવાડે બનાવે છે જેથી તે લટકતાં અને વજનમાં હલકાં માળા શિકારી પક્ષીઓ તેમજ સાપથી બચી શકે. તેઓ પોતાના સમૂહમાં રહે છે અને સામાન્ય રીતે એક ઝાડ ઉપર ઝુંડમાં માળા વણે છે. માળા વણવા માટે તેઓને નજીકમાંથી ચોક્કસ પ્રકારના રેસાવાળા પામ જેવા વૃક્ષ જોઈએ છે જેમાંથી પોતે અદભુત બારીક કારીગરીથી રેસા કાઢી, ડાળી ઉપર ગાંઠ મારીને માળો ગૂંથે છે. આ અદભુત અને અકલ્પનિય આવડત તેમનાં લોહીમાં વણાયેલી હોય છે જે માટે વિચાર કરોકે તેમને પહેલી ગાંઠ મારતા કોણ શીખવાડતું હશે અને બીજો કોઈ જીવ કે ટેક્નોલોજી વણી ન શકે તેવો માળો ગૂંથતા કોણ શીખવાડતું હશે! સામાન્ય રીતે ભારે પવન વાય અને માળો હલે પણ ઈંડા કે બચ્ચા બહાર રગડી પડતા નથી અને માળો તૂટતો નથી.

કુવા કે પાણીના નાળા પાસે પાણીની ઉપર ઝુકેલી ડાળી ઉપર, પાણી અંદર ઉગતા ઊંચા અને મોટા સાયપ્રસ અને ટાયફા જેવા ઘાંસના ઝુંડમાં કે માટીમાં ઉગતા મોટા મુંજઘાસમાં કે કાંટા વાળા વૃક્ષ, નર સુગરી માળા બાંધે છે જ્યાં પહોંચવું શિકારી માટે શક્ય નથી બનતું. ઘાંસના મેદાન, ખેતરોની આસપાસ જેવી જગ્યાઓમાં માળા બનાવે છે. માળા બનાવવા માટે જરૂરી રેસાવાળા છોડ, વૃક્ષ, પાણી અને ખોરાક મળી રહે તેવી જગ્યા પસંદ કરે છે. સુગરી ભેગી થઇ એક ઝાડ ઉપર ૨૦ થી ૩૦ માળા બનાવે છે તેમ એક જગ્યાએ ભેગી થઈને રાતવાસો કરે છે. ભેગા રહેતા હોઈ સલામતી માટે એકબીજાને સાથ આપી શકે છે.

એક માળો બનાવવા માટે નર સુગરી સામગ્રી ભેગી કરવા માટે  ૫૦૦ જેટલા ફેરા  કરે છે. ૮ ઇંચથી ૨૩ ઇંચ લાંબા રેસાવાળા અને મજબૂત તાંતણા/ રેસા તેઓ લાવે છે. ઋતુ પ્રમાણે તે મુખ્યત્વે વૃક્ષની પૂર્વ દિશામાં માળો બનાવે છે જેથી દક્ષીણ – પશ્ચિમ દિશામાંથી આવતો વરસાદ માળાને સામેથી ન વાગે અને ચોમાસુની ઋતુ આગળ વધે તેમ બીજી દિશામાં માળો બાંધે છે.

ચોમાસાની ઋતુમાં સિવાય સુગરી ને સામાન્ય માણસ ઓળખી ન શકે અને ચકલી જેવું પક્ષી માની બેસે. પરંતુ તેઓની ચાંચ જાડી હોય છે અને પૂંછડીમાં ચકલીની જેમ ખાંચા નથી હોતા જે તફાવતથી જાણકાર લોકો  સુગરી ને ઓળખી કાઢે.

ચોમાસામાં તેમની પ્રજનનની ઋતુ હોઈ નર સુગરીનાં કુદરતી રંગ ઉનાળાથી બદલાવા માંડે છે. નર સુગરીના રંગરૂપ સમજીએ તો  ઉનાળાથી તેમનું માથું અને છાતીનો રંગ હળદળ જેવો પીળો થવા માંડે જયારે તેની પીઠ ઘેરા પીળા ચટપટા વાળી હોય છે જે રેખાઓ બદામી રંગ ઉપર બનેલી હોય છે. તેઓનું ગળું અને કાન કથ્થઈ/ બ્રાઉન રંગના હોય છે. ભારતમાં તેમજ દક્ષિણ પૂર્વ એશિયામાં સુગરીની પાંચ પેટા જાત જોવા મળે છે.

રંગે રૂપે માદા સુગરી આછા બદામી રંગની હોય છે જેનો પેટનો ભાગ મેળો સફેદ હોય છે. તેઓની પ્રજનનની ઋતુ પુરી થાય તેટલે નર સુગરીનો રંગ પાછો લગભગ માદા સુગરીને મળતો થઇ જાય છે. તેઓની ચાંચ તેમજ પગ રંગે કાળાશ ઉપર જાય છે.

પક્ષી તરીકે ખાસ કરીને તેના રંગરૂપ કરતા વધારે તેમનાં વણાટ કરેલા સુંદર માળા માટે ઓળખાય છે. માળાનું બારીક વણાટકામ બહુ વૈજ્ઞાનિક રીતે કરે છે. માળો ખાસ કરીને નાળચા જેવા ચંબુ આકારનો બનાવે છે જેમાં અંદરની બાજુ અવરજવર લટકતાં માળાની નીચેની બાજુએથી કરે છે કારણકે ઉપરની બાજુથી ડાળી ઉપરથી પહેલી ગાંઠ મારી વણતાં વણતાં નીચે તરફ માળો બનાવે છે. માળાની આવી નીચેથી અંદર જવાની રચનાના કારણે ઈંડા અને બચ્ચા વધારે સલામત રહે છે. તેની રચના એટલી સુંદર રીતે કરેલી હોય છે કે સુગરી પોતે અંદર સરળતાથી અવરજવર કરી શકે છે તેમજ માળો ઊંધો હોવા છતાં ઈંડા કે બચ્ચા બહાર રગડી પડતા નથી. આવા માળામાં વચ્ચેના ગોળ અને પહોળા ભાગમાં માદા સુગરી ઈંડા મૂકે છે જે માટે તે ભાગમાં એક બેઠક જેવી રચના કરે છે.1

દેખાવે સુંદર રચના બહુ બારીકીથી અને ધીરજથી નર સુગરી ગૂંથીને બનાવે છે. સુગરી પોતાનાં ઝુંડમાં રહેતી હોઈ માળો પણ ઘણી બધી સુગરી એક ઝાડ ઉપર સમૂહમાં બનાવે છે. આમ કરવાનું એક કારણ એ પણ છે કે તેઓ માળાની સાચવણી અને રખેવાળી વધારે સારી રીતે કરી શકે છે. જ્યારે પોતાનાથી વધારે સક્ષમ શિકારી પક્ષી કે સાપ આવે ત્યારે સમૂહમાં તેનો સામનો કરી શકે છે. આવા વિશિષ્ટ પ્રકારના માળામાં અંદર જવા માટે પણ તેઓ સરળતાથી ઉડતા ઉડતા આવી સીધા અંદર જઈ શકે છે.

ચારથી છ મહિનાનો લાંબો ગાળો માટે ઉનાળો પૂરો થવા આવે અને ચોમાસાની શરૂઆત તેમની પ્રજનન અને ઈંડા મુકવાની ઋતુ છે. ઉપરાંત જ્યારે માળો ગૂંથવાનું શરુ કરે ત્યારે જે માદા સુગરી નર સુગરી તરફ આકર્ષાઈ હોય તે નિરીક્ષણ કરતી રહે છે. માળો ગૂંથવાનું શરુ કરે તેવા સમયે નર સુગરી પોતાની પાંખો ફફડાવી માદા સુગરીને માળા તરફ આકર્ષિત કરે છે અને પ્રજનન માટે આહવાન આપે છે.

તેવા સમયે જે માળો તેને પસંદ ન આવે તે માળો તે નાપાસ કરે છે અને નર સુગરી ક્યાંતો તેવો પુરેપુરો બનાવેલો આખો માળો અથવા અધૂરો માળો છોડી દઈને નવો માળો બનાવવાનું શરુ કરે છે. ક્યારેક તેના બનાવેલા ત્રણ થી ચાર માળા નાપસંદ થયા હોઈ તેવા માળા ખાલી લટક્યા કરે છે. આવા સુંદર માળા ગૂંથતા હોય ત્યારે માણસ નીચે ઉભો રહી તે જોવાનો આનંદ લેતો હોય તો પણ સુગરી પોતાનો માળો ગભરાયા વગર ગૂંથ્યાં કરે છે. એક માળો ગૂંથતા તેને ૧૮ દિવસનો સમય જાય છે.

માદા સુગરી મુખ્યત્વે જે માળામાં સલામત રીતે ઈંડા રહી શકે અને ઝાડમાં ઊંચે અને ડાળીના છેવાડે હોય તેવો માળો પસંદ કરે છે પછી ભલેને તે દેખાવમાં થોડો ઉણો ઉતારતો હોય! પસંદગી બાદ માદા સુગરી માળામાં ઈંડાની સલામતી માટે સજાવટનું કામ કરે છે અને ક્યારેક માટી કે છાણવાળી માટી લગાડી દે છે જેથી માળાનો ભાગ ખુલ્લો ન રહે. નર સુગરી અને માદા સુગરી બેઉ સંવનન માટે એક કરતા વધારે સાથીદાર રાખતા હોય તે સામાન્ય વાત છે. એક સમયે ૨ થી ૪ ઈંડા મૂકી શકે છે જેને તેઓ ૧૪ થી ૧૭ દિવસ સુધી સેવે છે અને ત્યારબાદ લગભગ ૧૪ દિવસે બચ્ચા ઉડી જતા થઇ જાય છે.  લગભગ ૬ મહિના પછી બચ્ચા મોટા થઇ આશરે ૨ કિલોમીટર સુધીના વિસ્તારમાં પોતાનું જીવન નવી જગ્યાએ વસાવે છે.

મુખ્યત્વે તેઓ અનાજના દાણાં ખાય છે. ડાંગરના ખેતરો પાસે સામાન્ય રીતે જોવા મળતાં હોય છે. ઘણી વખત વાવેલા બીજ અને ફણગા ને ખાઈ લઇ ખેડૂતને થોડું નુકશાન પણ કરી દે છે તેમજ માળો બાંધવા માટે ઉભા પાકમાંથી સળીઓ પણ તોડી લે છે. તેવી રીતે બાજરી, જુવાર તેમજ અન્ય ખાદ્ય વનસ્પતિના દાણાં કહેતા હોય છે. જીવાત અને નાની ઈયળ પણ ખાઈ લે છે અને આ કારણે ખેડૂતને જીવાત અને ઈયળથી થતું નુકસાન પણ ઓછું થવા દે છે. જીવાતનો ઉપદ્રવ અંકુશમાં રાખે છે. પતંગિયા, નાના દેડકાં અને ગરોળી પણ ખાઈ જાય છે.

ચિટ ચિટ ચિટ ચીઈઈ ચીઈઈઈ જેવો કલબલાટ સતત કરતા રહે છે અને વાતાવરણને જીવંત રાખે છે. પોતાના શરીરની ગરમી બહાર કાઢવા માટે તેમજ પાંખોમાંથી ઝીણી જીવાત સાફ કરવા માટે ભેજવાળી માટીમાં/ ધૂળમાં પાંખો પ્રસારી, શરીર દબાવી માટી સ્નાન પણ કરી લેતી જોવા મળે છે.
1


(ફોટોગ્રાફ્સ અને વિડિઓ શ્રી કિરણ શાહ અને શ્રી દિપક પારેખ)

*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn  – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

1 thought on “માળાની ગૂંથણીની માહિર સુગરી

Leave a Reply

Your email address will not be published.