ચાંદની ચૉક (૧૯૫૪)

ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

અન્ય પ્રતિભાશાળી સંગીતકારોની જેમ જ, રોશનલાલ નાગરથ એટલે કે રોશનના આરંભિક કાળની ફિલ્મોનું સંગીત અને પછીના અરસાની ફિલ્મોના સંગીતની શૈલીમાં દેખીતો ફરક જણાય. આ ફરકને લીટી દોરીને સમજાવવો મુશ્કેલ છે, પણ કાન એને તરત પારખી શકે. ‘બાવરે નૈન’, ‘હમલોગ’, ‘શીશમ’, ‘નૌબહાર’ જેવી ફિલ્મોનાં ગીત સાંભળીએ અને ‘તાજમહલ’, ‘ચિત્રલેખા’, ‘દાદીમા’, ‘આરતી’ કે ‘મમતા’નાં ગીતો સાંભળતાં આ ફરક સ્પષ્ટપણે કાને પડે. રોશનના આરંભિક કાળની આવી જ એક ફિલ્મ હતી ‘ચાંદની ચૉક’, જેની રજૂઆત ૧૯૫૪માં થયેલી.

હીરા ફિલ્મ્સ (હીરાસિંહ- ગોવર્ધનદાસ અગરવાલ) નિર્મિત, બી.આર.ચોપડા દિગ્દર્શીત આ ફિલ્મમાં મીના કુમારી, શેખર, સ્મૃતિ બિશ્વાસ, કુમાર, જીવન જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ બાર ગીતો હતાં. જો કે, મારા જેવા અનેક માટે આ ફિલ્મની ઓળખ (હાસ્ય અભિનેતા) સુંદર અને શમશાદ બેગમનું યુગલ ગીત ‘કભી ચાર બજે, કભી પાંચ બજે’ બની રહ્યું હશે. મઝાની વાત એ હતી કે આ બાર ગીતો મજરૂહ સુલતાનપુરી, શૈલેન્દ્ર, સૈફુદ્દીન ‘સૈફ’, કામિલ રશીદ અને રાજા મેંહદી અલી ખાન જેવા પાંચ ગીતકારો વચ્ચે વહેંચાયેલાં હતાં. સંગીતકાર હતા રોશન.

રાજા મેંહદી અલી ખાન

‘બહક ચલે નૈનવા હાય‘, ‘બદલ ચલી હૈ જો ઉનકી‘ (લતા), ‘એજમ એજમ એજમ જી, કિતને ભી હૈં ગમ‘ (આશા) અને ‘દિલ કી શિકાયત નજર કે શિકવે‘ – આ ચાર ગીતો શૈલેન્દ્રે લખ્યાં હતાં. ‘હર બાત પૂછીએ, હકીકત ન પૂછીએ‘, ‘બન્નોં કે હાથ ભરી મેંહદી‘ (લતા, ઉષા, મીના અને સાથીઓ), હમેં એ દિલ કહીં લે ચલ‘ (મુકેશ) અને ‘આ જાયેં જાનેવાલે‘ (લતા)- આ ચાર ગીતો મજરૂહ દ્વારા લખાયાં હતાં. ‘એ ખુદા મજબૂર કી ફરિયાદ હૈ‘ (મુબારક બેગમ) ગીત કામિલ રશીદ દ્વારા, ‘કભી ચાર બજે, કભી પાંચ બજે‘ (સુંદર, શમશાદ બેગમ) ગીત રાજા મેંહદી અલી ખાન દ્વારા લખાયું હતું. ‘તેરા દિલ કહાં હૈ’ (આશા)ના ગીતકાર અંગે માહિતી નથી, પણ તેની ધૂન અદ્દલ રોશનના જ ગીત ‘રહેં ના રહેં હમ, મહકા કરેંગે’ (મમતા) જેવી છે, જે ધૂન ‘ઠંડી હવાયેં, લહરાકે આયેં’ (નૌજવાન/એસ.ડી.બર્મન) જેવી છે.

ગીતકાર શૈલેન્‍દ્ર અને સંગીતકાર રોશન (જમણે)

મહંમદ રફીના સ્વરે ગવાયેલું ગીત ‘જમીં ભી વહી હૈ’ સૈફ અને મજરૂહે સંયુક્તપણે લખ્યું હતું, જે ફિલ્મમાં ટાઈટલ સોન્ગ તરીકે લેવાયું હતું. દિલ્હીના વીતી ચૂકેલા ભવ્ય સમયની વાત તેમાં કરવામાં આવી છે.

ગીતનું આરંભિક સંગીત 0.01થી જ શરૂ થઈ જાય છે. ફિલ્મનાં ટાઈટલ 2.46  પર સમાપ્ત થઈ જાય છે, એ પછી 3.12 સુધી ગીત ચાલુ રહે છે. અંતિમ લીટીનું ત્રણ વાર આવર્તન થાય છે. આ ગીતમાં એક જુદા જ રોશનની અનુભૂતિ થાય છે.

ज़मीन भी वही, है वही आसमान
मगर अब वो दिल्ली की गलियां कहां (2)
यहाँ पर ठिकाना किसी का नहीं
ये ज़ालिम ज़माना किसी का नहीं
यहाँ लूट गए कितने ही कारवां
कहां है वो दिल्ली की गलियां कहां
वो उल्फत निगाहों में बाक़ी नहीं
वो महफ़िल नहीं है, वो साथी नहीं
हुई बंद इनसानियत की जुबां
इलाही, वो दिल्ली की गलियां कहां

गया मौसम ए गुल बहारों के साथ
वो दुनिया गई ताजदारों के साथ
ज़माना गया,रह गई दास्ताँ
वो दिल्ली, वो दिल्ली की गलियां कहां
वो दिल्ली व दिल्ली की गलियां कहां
वो दिल्ली व दिल्ली की गलियां कहां….

અહીં આપેલી લીન્કમાં આ ગીત સાંભળી શકાશે.

 


(તસવીરો નેટ પરથી અને લીન્‍ક યુ ટ્યૂબના સૌજન્યથી)

શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.