માતૃસ્વરૂપા શિક્ષિકા

ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

મારી માનું સપનું મને આપો,
એને ગોતવાની રાહ મને આપો.
ટમટમતો દીવો ને સૂની રે ડેલી,
મા થાકેલા સપનાને બેઠી અઢેલી.
અભાગી એ પળને નિહાળવા,
દાન સંજયદૃષ્ટિનું મને આપો.

                                                    નીલેશ રાણા

અંતરિયાળ ગામની સરકારી શાળામાં શિક્ષિકાબહેન નિઃસ્વાર્થભાવે પ્રામાણિકતાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા હતાં. તેઓ શાળામાં અત્યંત પ્રિય શિક્ષિકા તરીકે જાણીતા હતાં. તેઓ તમામ કાર્યો નિજાનંદ માટે કરતા હતાં. સરકારી વેતનથી તેઓને સંપૂર્ણ સંતોષ હતો. પ્રત્યેક બાળકને નામથી ઓળખતા હતા. સૌના કુટુંબની પૂરી માહિતી હોવાથી બાળક સાથે કાર્ય કરવામાં તેમને સરળતા રહેતી અને તેથી સફળતા પણ પ્રાપ્ત થતી હતી.

સમય કયાં કોઈનો રોકાય છે ? જોતજોતામાં બહેનનો નિવૃત્તિનો સમય આવી ગયો. વયમર્યાદાના કારણે શાળા છોડતી વખતે સહકર્મચારીઓ, બાળકો અને વાલીઓએ તેમનો વિદાય સમારંભ યોજ્યો. સૌ શાળાના મેદાનમાં ભેગા થઈ ગયા. બહેનની સેવાઓને યાદ કરી તેમના સાથીમિત્રોએ તેમના પરોપકારી અને દયાળુ સ્વભાવના પ્રસંગો વર્ણાવ્યા. તેમની વફાદારી, નિયમિતતા, બાળકો તરફની નિસ્બત અને કામની ચોકસાઈ અંગે ભારોભાર વખાણ થયાં. બહેનની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા. પ્રવચનના અંતે આચાર્યશ્રીએ બહેનને શાલ ઓઢાડી, શ્રીફળ આપ્યું અને સાકરનો પળો પણ આપ્યો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભેટ અર્પણ કરી. પ્રત્યુત્તરમાં બહેને અત્યંત લાગણીશીલ થઈ સૌનો આભાર વ્યકત કરતાં જણાવ્યું, “આ સન્માન માત્ર મારું એકલાનું નહીં, સમગ્ર શાળા પરિવારનું છે.” બોલતાં બોલતાં તેઓ ગળગળા થઈ ગયા. સૌને વંદન કરી પોતાને સ્થાને જતાં રહ્યાં.

સામે બેઠેલ વિદ્યાર્થીઓમાંથી એક નાનકડી છોકરી ઊભી થઈ અને શરમાતાં શરમાતાં તે બોલી, “મારે પણ મારા બહેન માટે કાંઈક કહેવું છે. તેમને મારે નાનકડી ભેટ આપવી છે. આપી શકું ?”  આચાર્યએ દીકરીને આગળ બોલાવી અને કહ્યું કે તારે જે કાંઈ કહેવું હોય કે આપવું હોય તે તું જરૂરથી આપ. છોકરીએ પોતાના દફ્તરમાંથી નાનકડું લંચબોક્સ કાઢયું. તેને અત્યંત આદર અને પ્રેમપૂર્વક બહેનને આપ્યું. બધાને આશ્ચર્ય થયું કે છોકરી લંચબોક્સમાં શું લાવી હશે? તેને લંચબોક્સ કેમ આપ્યું? શિક્ષિકાબહેને લંચબોક્સ ખોલ્યું તો તેમાં થોડીક રોટલી અને ગોળ હતો. શિક્ષિકાએ પૂછયું, “બેટા, તું આ મારે માટે લાવી છે?” છોકરીએ લાગણીસભર ઉત્તર આપ્યો, “બહેન હવે તમે આ નિશાળ છોડીને દૂર દૂર તમારા ગામમાં જશો. રસ્તામાં તમને ભૂખ લાગશે તો શું ખાશો? એટલે હું તમારા માટે ખાવાનું લાવી છું. મારી મા તો મને નાનકડી મૂકીને મરી ગઈ હતી. હું નિશાળે ભણવા માટે આવી અને મને મારી મરી ગયેલી મા તમારારૂપે પાછી મળી હતી. એક મા પોતાની દીકરીનું રાખે તેટલું જ ધ્યાન તમે મારું રાખ્યું છે. એટલે મારી પણ ફરજ કે હું મારી માનું ઘ્યાન રાખું. આજે માત્ર મારાં શિક્ષિકા જ નહીં, મારી માતા પણ વિદાય થાય છે. આજે હું ફરી મા વિનાની થઈ ગઈ.”  છોકરી રડતાં રડતાં પોતાની જગ્યાએ બેસી ગઈ.

નાનકડી દીકરીની વાત સાંભળી ત્યાં ઉપસ્થિત સૌની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં. ત્યાં જ હાજર રહેલ શિક્ષકોમાંથી એક શિક્ષિકાબહેન ઊભા થયાં અને કહ્યું, “બેટા, હવે હું તારી મા બનીને તારી કાળજી રાખીશ. તને આજે એક બીજી મા મળી રહી છે.” આ કોઈ વાર્તા નથી. આ તો ધારી પંથકના એક ગામની સત્યઘટના છે. આ શિક્ષિકાબહેનનું નામ છે : હંસાબહેન માઢક.

પ્રત્યેક શિક્ષક શ્રેષ્ઠત્ત્વ પ્રાપ્ત કરી જ શકે. શ્રેષ્ઠ શિક્ષક થવા માટે બહુ જ ઓછી બાબતો જરૂરી છે. કદાચ વિષયવસ્તુમાં નબળા શિક્ષકને બાળકો ચલાવી લેશે પરંતુ જવાબદારી અને વફાદારીમાં સહેજ પણ ઓટ હશે તેવા શિક્ષક માટે શ્રેષ્ઠત્ત્વ પ્રાપ્ત કરવું અત્યંત કઠીન છે. શિક્ષકનું કામ માત્ર વર્ગની ચાર દિવાલ વચ્ચે પૂરું થતું નથી. દિવસના આઠ તાસથી શેક્ષણિક કાર્યનું પૂર્ણવિરામ આવતું નથી. નોટો તપાસી ભૂલો શોધવાથી શિક્ષકની કામગીરીપૂર્ણ થતી નથી. વિદ્યાર્થી શિક્ષક પાસેથી સૌથી વધારે અપેક્ષા એ રાખે છે કે શિક્ષક તેને મનોવૈજ્ઞાનિક રીતે ઓળખે. પ્રત્યેક શિક્ષકમાં માનસશાસ્ત્રીય જ્ઞાન હોય તેટલું પૂરતું નથી, પરંતુ તે તેનો સુપેરે કાળજીપૂર્વક ઉપયોગ કરે તે આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. વર્ગખંડમાં ઉપસ્થિત બાળકો સજીવ છે, જીવંત છે. તેઓની માનસિક સ્થિતિ પ્રત્યેક પળે બદલાતી હોય છે. તેમના ચહેરા વાંચી જાણનાર શિક્ષક જ શ્રેષ્ઠત્ત્વને ધારણ કરી શકે.

વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યમાં અનેક શિક્ષક હતા, છે અને રહેશે કે જેઓને એવોર્ડ નહીં મળ્યો હોય પરંતુ તેઓ અનેક વિદ્યાર્થીઓના હૃદયમાં આજિવન પ્રસ્‍થાપિત થઈ ચૂકયા હતા, છે અને રહેશે. શિક્ષણની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. તેમાં ક્યારેક અલ્પવિરામ હોઈ શકે, પરંતુ પૂર્ણવિરામ ક્યારેય આવતું નથી. સામાન્ય રીતે શિક્ષક તેના જીવન દરમિયાન એક જ જગ્યાએ રહે તો લગભગ ત્રણ પેઢીને શિક્ષણ આપે છે. આટલા લાંબા સમય સુધીનો નાતો શિક્ષણ સિવાય અન્ય કોઈ કામગીરી (વ્યવસાય !)માં પ્રાપ્ત થતો નથી. આ સંજોગોમાં સરકારી એવોર્ડ મળે તો એક વાર મળે, પરંતુ ત્રણ પેઢીના હૃદયમાં બિરાજમાન શિક્ષક પ્રત્યેક પળે એવોર્ડ પ્રાપ્ત કરતો હોય છે.

કોઈ પણ ક્ષેત્રે શ્રેષ્ઠત્ત્વ પ્રાપ્ત કર્યા બાદ તે નિભાવવાનું કાર્ય તો અત્યંત કઠીન છે. શ્રેષ્ઠત્ત્વ પર પહોંચવું કદાચ સરળ હશે,  પરંતુ ત્યાં સ્થાન ટકાવી રાખવું મુશ્કેલ છે, અશકય નથી. સમાજ જ્યારે કોઈ વ્યકિતને ઓળખી તેને સન્માને ત્યારે તે વ્યકિતની સમાજ પ્રત્યેની જવાબદારી વિશેષ બને છે. મેળવ્યા બાદ આપવાનું અનેકગણું હોવું જોઈએ. આ બાબતે જેઓ સફળ થાય છે તેવી વ્યકિતઓ ઈતિહાસની વ્યકિતઓ બની જાય છે. શ્રી મનુભાઈ પંચોળી, શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી યશવંત શુકલ, પ્રિ. આર. એસ. ત્રિવેદી વગેરે જેવા અનેક શ્રેષ્ઠત્ત્વના માલિક શિક્ષકોથી આપણે સુપરિચિત છીએ. તેમનામાં રહેલ જ્ઞાન અને ગુણોનેઓળખનાર શિક્ષક પ્રત્યેક પળે ન ઝળકે તો જ નવાઈ !

આચમન:

‘એના ખોળામાં થોડી વાર રડવું છે આજે,
મારી ખોવાતી જાતને મળવું છે આજે,
મારા શૈશવને વહાલથી વધાવે એવાં,
એવાં આંગણનો સાથ મને આપો…’

                                                     નીલેશ રાણા


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીર નેટ પરથી)

Author: Web Gurjari

1 thought on “માતૃસ્વરૂપા શિક્ષિકા

  1. Yes
    હું આજે પણ અમારા દરેક વિષય ના ટીચર ની યાદ આવે છે
    આજે ગુજરાતી સાહિત્ય મા જે કંઈ રુચિ છે એ એમના પ્રતાપે છે શ્રી રાવલ સાહેબ ને વંદન

Leave a Reply

Your email address will not be published.