સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૯) પ્રસિધ્ધિ અને ગુમનામી

નલિન શાહ

નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો અનુવાદ

અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

૧૯૮૯ની કલકત્તાની મુલાકાત વખતે હું કાનન દેવી, જ્યુથીકા રોય અને દિગ્દર્શક તપન સિંહા જેવી વિતેલાં વર્ષોની ફિલ્મ અને સંગીતના ક્ષેત્રની કેટલીક સુખ્યાત હસ્તિઓને મળ્યો. હેમંતકુમારને મળવાનું મારી પ્રાથમિકતામાં નહોતું. એનું કારણ એ હતું કે મારે માત્ર પૂજ્યભાવથી મળવું નહોતું, પણ એમની સાથે વિગતવાર વાતો કરવી હતી.  એમની લથડતી જતી તબિયત તેમ જ ભૂતકાળની કારકીર્દિ વિશેની હેમંતકુમારની નિર્લેપતાથી એમ કરવું શક્ય નહોતું. આ હકિકત મને એમની સાથે થોડાં વર્ષો અગાઉ મુંબઈમાં થયેલી પ્રદીર્ઘ મુલાકાત વખતે સમજાઈ ગઈ હતી.

લેખક નલીન શાહ અને હેમંતકુમાર

હેમંત મુખોપાધ્યાયે = પોતાની જાતને તેઓ આ નામે ઓળખાવવાનું પસંદ કરતા હતા – , ૨૭ વર્ષ સુધી એક ગાયક-સંગીતનિર્દેશક તરીકે હિન્દી ફિલ્મીસંગીતની દુનિયામાં પ્રભુત્વ ભોગવ્યું હતું. ૧૯૭૦ની આસપાસ નિર્માતાઓ પોતાને અવગણી રહ્યા હોવાનો ખ્યાલ આવી જતાં સાંગીતિક રસને જીવંત રાખવા માટે હેમંતકુમાર એમનાં મૂળીયાં તરફ પાછા વળી ગયા. હું જ્યારે ૧૯૮૬માં એમને મળ્યો, ત્યારે એમની શારીરિક અને માનસિક અવસ્થા જોઈને આઘાત પામી ગયો હતો. એવું લાગતું હતું કે તેમણે પોતાની સિધ્ધિઓમાંથી રસ ગુમાવી દીધો હતો. દેખીતી રીતે જ એમની તબિયત લથડી ગઈ હતી અને એ (ભવ્ય) યાદોની જગ્યાએ દવાઓને સહારે ટકી રહ્યા હતા. એ પોતાનાં શ્રેષ્ઠ સ્વરનિયોજનો યાદ કરી શકતા નહોતા. એવું લાગ્યું કે ન યેહ ચાંદ હોગા ન તારે રહેંગે (શર્ત, ૧૯૫૪), કહીં દીપ જલે કહીં દિલ (બીસ સાલ બાદ, ૧૯૬૨), મેરી બાત રહી મેરે મન મેં (સાહિબ, બીબી ઔર ગુલામ, ૧૯૬૨) અને ઝૂમ ઝૂમ ઢલતી રાત (કોહરા, ૧૯૬૬) જેવાં ખુબ લોકપ્રિય ગીતો માટેનો લગાવ પણ એ છોડી ચૂક્યા હતા.

હિન્દી અને બંગાળી સંગીતમાં આ વરિષ્ઠ સંગીતકારના ૩૫ વર્ષના નોંધપાત્ર પ્રદાન પછી સફાળી જાગેલી ભારત સરકારે એમને પદ્મશ્રી એનાયત કરવાની જાહેરાત કરી. આ સન્માન એક સમયે એમના સહાયક રહી ચૂકેલા એવા રવિને લાંબા અરસા પહેલાં એનાયત થઈ ચૂક્યું હતું એ હકીકત હેમંતકુમાર ક્યારેય ભૂલી નહીં શક્યા હોય. ઘણી વાર આ સન્માન એવા એવા લોકોને અપાઈ ચૂક્યું છે, જે મહાનતાનો કોઈ જ દાવો ન કરી શકે. લાંબા અરસા અગાઉ ૧૯૫૪ની ફિલ્મ નાગીન ( તન ડોલે મેરા મન ડોલે )ના સંગીત દ્વારા બહોળી પ્રસિધ્ધિ મેળવી ચૂકેલા હેમંતકુમારને આવા સરકારી સન્માનની જરાય પડી નહોતી. આગલા દિવસના અખબારની જેમ એમણે એ ઠૂકરાવી દીધું. લાગે છે કે એમણે યોગ્ય કર્યું કારણ કે એ સન્માન ઓછું અને અપમાન વધુ હતું.

બંગાળી ફિલ્મ નમાઈ સન્યાસી (૧૯૪૦)થી કારકીર્દિની શરૂઆત કરી, ફિલ્મ આનંદમઠ (૧૯૫૪)સહિતની કુલ ૫૪ હિન્દી ફિલ્મોમાં સંગીત પીરસ્યા પછી હેમંતકુમાર પોતાની સંગીતસફરના આખરી મુકામે પહોંચ્યા હતા. કથળેલી તબિયત હોવા છતાં એમણે બંગલા દેશ તરફથી એનાયત કરાયેલો માઈકલ મધુસૂદન એવૉર્ડ સ્વીકારવા માટે છેક ત્યાં સુધીની મુસાફરી કરી. એમના માટે એનુ મૂલ્ય પદ્મશ્રી કરતાં ઘણું વધારે હતું. પોતાની ભૂતકાલિન સિધ્ધિઓને પ્રત્યેની હેમંતકુમારની ઉદાસીનતાનું કારણ પ્રતિભાનું ક્ષીણ થવું નહીં પણ કદાચ નિયતી હતું.

મને યાદ આવે છે ગુલામ મોહમ્મદની. જીવનભર જે વ્યવસાયને લઈને તે ઉત્સાહિત રહેલા એ અંગે પાછલી અવસ્થામાં તેમનું ભ્રમનિરસન થઈ ગયું હતું. ફિલ્મ મીરઝા ગાલીબ (૧૯૫૪)માં તેમના સગીતથી કમાલ અમરોહી એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે એમણે ૧૯૫૯માં મીના કુમારી અને ધર્મેન્દ્રની મુખ્ય ભૂમિકામાં ફિલ્મ પાકીઝા બનાવવાની અતિ મહત્વાકાંક્ષી યોજના ઘડી ત્યારે એનું સંગીત તૈયાર કરવાની જવાબદારી ગુલામ મોહમ્મદને સોંપી. એ સમયે પોતાની કારકિર્દી નાજૂક તબક્કામાં પ્રવેશી હોવાનું સમજી ચૂકેલા ગુલામ મોહમ્મદે આ ફિલ્મમાં આશાનું નવું કિરણ જોયું.

ગુલામ મોહમ્મદ

તાલ અને માધુર્ય ગુલામ મોહમ્મદના સ્વરનિયોજનની શ્રેષ્ઠતાનાં પ્રતિક સમાન હતાં. એમણે માન્યું કે પાકીઝાનું સંગીત ગુણવત્તાની ટોચ ઉપર બિરાજી જશે. પણ વિધાતાની ઈચ્છા કંઈક જુદી જ હતી. મીનાકુમારી અને દિગ્દર્શક કમાલ અમરોહીના લગ્નજીવનમાં પડેલા ભંગાણને લીધે ફિલ્મ અભેરાઈ ઉપર ચડી ગઈ. ૫ માર્ચ ૧૯૬૪ના દિવસે મીનાકુમારીએ ઘર અને ફિલ્મ બન્ને છોડી દીધાં. લાચાર ગુલામ મહમ્મદ પોતાના જીવનના અતિ મહત્વના કાર્યને વેડફાઈ જતું જોતા રહ્યા.

આ રીતે પરાણે થઈ ગયેલી છટણી દરમિયાન ગુલામ મોહમ્મદ હ્રદયની ગંભીર તકલીફને લઈને પથારીવશ થઈ ગયા. હું ક્યારેક ક્યારેક એમને મળવા જતો રહેતો હતો. એક દિવસ હતાશાની અસર હેઠળ એમણે એક ખુણામાં ખડકાયેલી 78 RPMની રેકોર્ડ્સ લઈ જવા કહ્યું. એ એમનું જીવનભરનું કામ હતું. ફિલ્મોને અને સંગીતને લગતી કોઈ જ બાબતે તે ચર્ચા કરવા નહોતા માંગતા એ સમજાતાં હું હતાશ થઈ ગયો. પોતાની સામે પડેલી એ રેકોર્ડ્સને તે જીરવી શકતા નહતા. તેમની હતાશા પારખીને અને તેમના પ્રત્યેના આદરને લીધે મેં એમ કરવાનો ઈન્કાર કર્યો. આર્થિક પરિસ્થિતિને કારણે તેમાની હતાશા તીવ્ર બની હતી. ઉદાસ મને નીકળતી વખતે બીજું કંઈ નહીં તો એમને સદેહે જોવા માટે હું ફરી આવીશ એવું મેં વચન આપ્યું. પણ એમ ક્યારેય બન્યું નહીં. ૫૭ વર્ષની ઉમરે એ ૧૭ માર્ચ ૧૯૬૮ના દિવસે અવસાન પામ્યા.

પાકીઝાના સંગીત માટેનો એવૉર્ડ સ્વીકારતાં ગુલામ મોહમ્મદનાં પત્નિ, જ્યેષ્ઠ પુત્ર મુમતાઝ અને નૌશાદ

અખબારજગતમાં જવલ્લે જ આ ઘટનાની નોંધ લેવાઈ. એમના જનાજાને કાંધ આપવામાં કમાલ અમરોહી, નૌશાદ અને દિગ્દર્શક એમ. સાદીક જોડાયા હતા. એક વર્ષ પછી ૭ માર્ચ ૧૯૬૯ના રોજ મીનાકુમારી પાકીઝાનું (બાકી રહેલું) શૂટીંગ શરૂ કરવા માટે પાછાં ફર્યાં. આ ઘટના સારી એવી ચર્ચાઈ.

અલગ રહ્યાં એ દરમિયાન મીનાકુમારી અને ધર્મન્દ્ર વચ્ચે સર્જાયેલા નૈકટ્યની જાણ હોવાથી અમરોહીએ એમની જગ્યાએ રાજકુમારને લીધા. સીનેઉદ્યોગના કેટલાક શુભેચ્છકોએ અમરોહીને લગભગ એક દાયકા અગાઉનું જુનું પુરાણું સંગીત પણ કોરાણે મૂકી દેવા માટે દબાણ કર્યું. શંકર-જયકિશન એ જવાબદારી ઉઠાવવા તત્પર હતા. પણ ગુલામ મોહમ્મદે તૈયાર કરેલાં ગીતોને રાખવા માટે કમાલ અમરોહી મક્કમ રહ્યા.

હેમંતકુમારનો મોહભંગ થયો તો એમાં એમનો કસૂર નહતો. એમને પોતાની ક્ષમતા પૂરવાર કરવાની એક તકની તાતી જરૂર હતી ત્યારે એમને એક પણ કદરદાન નિર્માતા ન મળ્યો. ગુલામ મોહમ્મદને એવી તક મળી ત્યારે નિયતી રમત રમી ગઈ!

ગુલામ મોહમ્મદના અંતિમ દિવસોમાં એમની સાથે ખુલીને વાતો કરવાનું શક્ય નહોતું. પણ એમની ઉપસ્થિતિ જ સંતોષની અનુભૂતિ માટે પૂરતી હતી.

મેં કલકત્તા છોડ્યું એ જ દિવસે મને હેમંતકુમારના અવસાનના ખબર મળ્યા. ફિલ્મ શબાબ (૧૯૫૪)ની બિમાર રાજકુમારી જેના મધુર અવાજમાં છેડાયેલું ગીત ચન્દન કા પલના રેશમ કી ડોરી સાંભળીને ઉંઘમાં સરી ગઈ હતી એવા ગાયકને મળવાની ઈચ્છા પણ ન થવા માટે મને પસ્તાવો થયો. ખુદના કાર્ય પ્રત્યે જે ઉદાસીન બની ગયા હતા એ ગાયક-સંગીતકારને બીજું કાંઈ નહીં તો એમની ઉપસ્થિતિનો અહેસાસ મેળવવા હું મળવા જઈ શક્યો હોત – જો ખબર હોત કે મને એમ કરવા માટેની બીજી તક મળવાની નહોતી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

1 thought on “સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૯) પ્રસિધ્ધિ અને ગુમનામી

Leave a Reply

Your email address will not be published.