ભગવાન થાવરાણી
કવિતામાં આધુનિકતા અંગે ગમે તેટલી ચર્ચાઓ થાય, ઉર્દૂ કવિતાની મારી સરેરાશ સમજ અનુસાર મેં જે જોયું છે તદનુસાર અહીં આધુનિકતાના નામે કવિતામાં ઢંગધડા વિનાની વાતો બહુ ઓછી છે. કોઈ સારો શેર વાંચ્યા બાદ આપણે એ કલ્પના જ ન કરી શકીએ કે એ શેર સો વર્ષ પહેલાં લખાયો હશે કે હમણાં !
ફરહત અહેસાસ આધુનિક શાયર કહેવાય છે પરંતુ આ આધુનિકતા નિતાંત સકારાત્મક છે. ફરહત સાહેબ ઉર્દૂ સાહિત્યની પ્રમુખ સાઈટ रेख्ता સાથે સંકળાયેલા છે અને એમણે પોતાના કવિતા-સંગ્રહનું નામ રાખ્યું છે ‘ કશ્કા ખીંચા દૈર મેં બૈઠા ‘ ! અર્થાત્ ‘ તિલક કર્યું મંદિરમાં બેઠો ‘. આ પંક્તિઓ મીર તકી મીરની એક વિખ્યાત ગઝલના એક મિસરાનો હિસ્સો છે.
કોઈ પણ વિચારવંત શાયરની જેમ ફરહત સાહેબને બાળક અને એની ક્ષમતામાં પરમ ભરોસો છે. એમનો શેર જૂઓ :
બચાકે લાએં કિસી ભી યતીમ બચ્ચે કો
ઔર ઉસકે હાથ સે તખ્લીક-એ-કાએનાત કરેં
અહીં સંદર્ભ એ વાતનો છે કે કોઈ ઈમારતનું શિલારોપણ આપણે સામાન્યત: કોઈ મોટી હસ્તી પાસે કરાવતા હોઈએ છીએ. તખ્લીક-એ-કાએનાત એટલે સૃષ્ટિનુ સર્જન.
બાળક વિષેનો આ શેર પણ કેવો બળકટ છે !
ઈસે બચ્ચોં કે હાથોં સે ઉઠાઓ
યે દુનિયા ઈસ કદર ભારી નહીં હૈ
શહેરીકરણે જે અનર્થો સર્જ્યા છે એનાથી પણ આ શાયર વાકેફ છે :
આંખ ભર દેખ લો યે વીરાના
આજકલ મેં યે શહર હોતા હૈ
જંગલોં કો કાટ કર કૈસા ગઝબ હમને કિયા
શહર જૈસા એક આદમખોર પૈદા કર લિયા
પરંતુ મારી ભીતરે ગૂંજે છે ફરહત સાહેબનો આ શેર :
ફરાર હો ગઈ હોતી કભી કી રૂહ મેરી
બસ એક જિસ્મ કા એહસાન રોક લેતા હૈ
આ કલ્પનમાં નવીનતા પણ છે અને તાજગી પણ. રૂહ – આત્મા હોય છે કે નહીં એ વિષે છાતી ઠોકીને કશું કહી શકાય નહીં પરંતુ જો એ હોય તો એને રહેવા માટે એક જિસ્મ – શરીર જોઈએ. આ એક રીતે આત્મા ઉપર શરીરનો અહેસાન છે કે એને રહેવા માટે જગા કરી આપી ! અહીં શાયર પોતે એક ત્રીજી વ્યક્તિ તરીકે પોતાના શરીર અને આત્માની વાત કરે છે, જાણે એ પોતે બન્નેમાંથી કશું નથી ! એ આત્માને દાદ આપે છે કે એ કૃતઘ્ન નથી. શરીરના એના પરના ઉપકારને કારણે એણે શરીરને છેહ ન દીધો ! એક અજ્ઞાત શાયર આ જ જિસ્મ અને રૂહની વાત અલગ દ્રષ્ટિકોણથી કરે છે :
મેરી આઝાદ રૂહ કો ફિર સે કૈદે જિસ્મ મત દેના
બડી મુશ્કિલ સે કાટી હૈ સઝા-એ-ઝિંદગી મૈને ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
रूह और जिस्म के शेर लाजवाब.. वैसे तो पूरी तहरीर बहुत अच्छी है
ધન્યવાદ સુનિલભાઈ!
Kyaaa baat… Farhat Ehssas ,💕
આભાર બહેન!
એહસાસ સાહેબ આત્મા ઉપર પણ શરીર નો ઉપકાર વિશે ની વાત કરે છે.. નવો જ વિચાર, પણ અદભુત !!!! બાળકની વાતો તો મારા હ્ર્દય ને જલ્દી સ્પર્શ કરી લ્યે સીધી જ.. .. આભાર ભગવાન સાહેબ
હાર્દિક આભાર કિશોરભાઈ!