મંજૂષા. ૪૯. – દરેક બાળકનો પોતાનો કલ્પનાલોક

વીનેશ અંતાણી

 બાળકથાઓના લેખક જે. એમ. બૅરી એમની જગપ્રસિદ્ધ બાળકથા ‘પીટર પૅન’માં કહે છે: “બાળકોનાં મન-મગજ રહસ્યમય જગ્યા હોય છે. જો કોઈ (બાળકોના મનમાં ચાલતું હોય એનો) નકશો દોરી શકે તો આડીઅવળી રેખાઓ જ બનશે. એ બધી રેખાઓ અંતે ‘નેવરલેન્ડ’ નામના સ્થળમાં જ પહોંચશે. તમે પૂછશો કે ‘નેવરલેન્ડ’ શું છે? એ દરેક બાળકના મન-મગજમાં રહેલો એક જાદુઈ ટાપુ હોય છે.”  બૅરી કહે છે તેમ  દરેક બાળકનું ‘નેવરલેન્ડ’ જુદુંજુદું હોય છે. કેટલાંકનો ‘નેવરલેન્ડ’ રંગીન હોય છે, કેટલાંકનો શ્ર્વેત-શ્યામ. કેટલાંક બાળકો માટે એ પરવાળાનો ટાપુ હોય છે અને ત્યાં હોડીઓ લાંગરી હોય છે. કેટલાંકના ટાપુ પર ખાલી ગુફાઓ આવેલી હોય છે, કેટલાક ટાપુ પર નાની નાની ઝૂંપડીઓ  આવેલી હોય છે. કેટલાંક બાળકો માટે ત્યાં ખૂંધવાળી ડાકણો રહેતી હોય છે, ક્યાંક કાચબા ઈંડા મૂકતા હોય છે. કેટલાંક બાળકો એમના ટાપુ પર એમને ભાવતા ચોકલેટ પુડિન્ગ જેવા સ્વાદ સાચવી રાખે છે. બાળકોના નેવરલેન્ડ ટાપુ પર શું હોવું જોઈએ એના કોઈ નિયમો હોતા નથી.

બીજા અર્થમાં ‘નેવરલેન્ડ’ એ બાળકોનો કલ્પનાલોક છે. એ રહસ્યમય પ્રદેશમાં માત્ર બાળકો જ પ્રવેશી શકે છે. વયસ્ક લોકો પોતે બાળક હતા ત્યારે એમનું પણ ‘નેવરલેન્ડ’; હતું અને તેઓ પણ એમના કલ્પનાલોકમાં અવનવી સૃષ્ટિની રચના કરતા એ વાત ભૂલી જાય છે. દરેક પેઢીએ, દરેક ઘરમાં, ભિન્ન ભિન્ન દુનિયામાં વસતાં બાળકોની ફેન્ટસી અને વયસ્ક લોકોની વાસ્તવિકતા વચ્ચેની ખાઈ વધારે ઊંડી અને પહોળી થવા લાગે છે.

એક બાળકને આઈસ્ક્રીમ બહુ ભાવતો, પણ એનાં માતાપિતા એને આઈસ્ક્રીમ ખાવા આપતાં નહીં.  એણે એના કલ્પનાલોકમાં પોતે આખેઆખો આઈસ્ક્રીમનો બન્યો હોય એવું કલ્પવા લાગ્યો. માથું-આંખ-કાન-હોઠ-હાથ-પગ બધું  આઈસ્ક્રીમનું છે. એનું ઘર પણ આઈસ્ક્રીમમાંથી બન્યું છે. ડુંગર, તળાવ, ઝાડ, પક્ષીઓ – જે દેખાય તે બધું આઈસ્ક્રીમનું જ. કૂકીઝ ખાવાની શોખીન છોકરીએ એનું કાલ્પનિક ઘર જે શેરીમાં આવેલું હતું એનું નામ ‘કૂકીઝ સ્ટ્રીટ’ પાડ્યું હતું. એક છોકરી રોજ રાતે સૂતાં પહેલાં માછલી બની જતી અને આખી રાત દરિયામાં સૂતી. એક છોકરી વાતેવાતે રડ્યા કરતી. એ કારણે મમ્મી એના પર નારાજ રહેતી. માની નારાજગીની એના બાળમાનસ પર ઊંડી અસર પડી. એના કલ્પનાલોકમાં રહેતાં બાળકોને રડતાં આવડતું નથી, હસતાં જ આવડે છે. બાળકો જ નહીં ત્યાંની  બધી ચીજવસ્તુઓ પણ હસતી રહે છે. કારનું હોર્ન વાગે ત્યારે એમાંથી હસવાનો અવાજ સંભળાય. કેન્ડી ખાવાની શોખીન છોકરીએ પોતાનું નામ જ કેન્ડી રાજકુમારી પાડ્યુ હતું. એનાં લગ્ન પણ કેન્ડીના શોખીન રાજકુમાર સાથે થાય છે. બંને જણ જિંદગીમાં બીજું કશું કરતાં નથી, એકબીજાને કેન્ડી ખવરાવ્યા કરે છે. વાંચવાનો શોખીન છોકરો એવા ઘરમાં રહે છે, જેનું બારણું ઉઘાડતાં જ એ પુસ્તકમાંથી બનેલા શહેરમાં પ્રવેશે છે. એના મિત્રો પણ જુદા જુદા અક્ષરો છે અને શબ્દો છે. એ અક્ષરો અને શબ્દો સાથે પુસ્તકના બગીચામાં રમે છે. બહુ ભયાનક રાક્ષસ એનો ખાસ દોસ્ત બની ગયો હતો. કારણ શું? એ રાક્ષસને પણ વાંચવાનો બહુ શોખ હતો. એ જ્યાં જાય ત્યાં ‘પુસ્તક ગંધાય, પુસ્તક ખાઉં’ બોલતો રહેતો.

બાળકોને એમના કલ્પનાલોકમાં જીવવાનો પૂરો અધિકાર છે. એમના માટે બાળપણની રમતો ફેન્ટસી હોતી નથી, એમની વાસ્તવિકતા હોય છે. રમતમાં મશગુલ બાળકોને ધ્યાનથી જોવા જેવાં હોય છે. તેઓ એમનાં નિર્જીવ રમકડાંને જીવંત માનીને આત્મીયતાથી વાતો કરે છે, નવાં-નવાં પાત્રો જન્માવે છે, નવી-નવી પરિસ્થિતિ ઊભી કરે છે, જાદુઈ દુનિયાનું સર્જન કરે છે અને એમાં જ રમમાણ રહે છે. બાળકોને એમનો કલ્પનાલોક ઊભો કરવા માટે બાળપણમાં જ મળી શકે એવા વાતાવરણની જરૂર પડે છે. અત્યારે એમને એવું વાતવરણ મળતું નથી. ટીવી, કમ્પૂટર-ગેમ્સ જેવી સગવડો અને નાનપણથી લાદી દેવામાં આવતા ભણતરનો ભાર એમની કલ્પનાની કેડ તોડી નાખે છે.

બાળલઘુનવલ ‘ધ લિટલ પ્રિન્સ’માં છ વરસનું બાળક વિરાટકાય પ્રાણીનું ચિત્ર જુએ છે. એ પ્રાણી ગમે તેવા મોટા પ્રાણીને પકડીને પહેલાં એને આખેઆખું પેટમાં ઠાંસી દે, પછી પોતે છ મહિના સુધી ઊંઘી જાય. બાળકની કલ્પનાશક્તિ જાગૃત થાય છે. એને વિરાટકાય પ્રાણીમાં રસ નથી. એ એના પેટમાં પડેલા હાથીનું ચિત્ર દોરે છે. ચિત્ર મોટેરાંને બતાવે છે. બધાંને લાગે છે કે એ હેટનું ચિત્ર છે. છોકરો એની કલ્પના મોટેરાં સુધી પહોંચી નહીં તેથી અકળાય છે. એ હાથીનું ચિત્ર દોરે છે. મોટેરાં કહે છે – એ હાથી છે, પણ પેલા છોકરાએ તે પ્રાણીના પેટમાં ગરકાવ થયેલા હાથીનું ચિત્ર દોર્યું હતું એ વાત કોઈને સમજાતી નથી. છ વરસના બાળકની મૂંઝવણ છે કે મારી કલ્પના વયસ્કો સુધી કેમ પહોંચતી નથી.

ન જ પહોંચે. વયસ્કતાનો અંચળો ઊતરે નહીં ત્યાં સુધી બાળકોના કલ્પનાલોકમાં પ્રવેશ અશક્ય છે.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.