નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૩૧

જે સફરની મંજિલ ના હોય સફર કેવળ સફર રહે છે

નલિન શાહ

પરાગના સ્વદેશ આગમનના સમાચારને એના વર્તુળમાં વહેતા કરવામાં ધનલક્ષ્મીએ કોઈ વિલંબ ના કર્યો. અમેરિકામાં તાલીમ પામેલી હાર્ટ સર્જન હોવાના અને કોઈ આજ્ઞાંકિત કન્યાની સાસુ થવાના વિચારે એ ઉત્તેજિત થઈ ઊઠી. કન્સન્ટિંગ રૂમ માટે યોગ્ય જગ્યાનો નિર્ણય એણે પરાગ પર છોડ્યો હતો, પણ યોગ્ય કન્યાની પસંદગીનો દોર એણે પોતાના હાથમાં રાખ્યો હતો. પરાગની ડૉક્ટર તરીકેની નવેસરથી ઓળખાણ આપવા એણે મનોમન એક ભવ્ય પાર્ટીની યોજના ઘડવા માંડી.

લગ્નની બાબતમાં જ્યારે પરાગે આવીને માનસીને પરણવાનો મક્કમ નિર્ણય જાહેર કર્યો ત્યારે ધનલક્ષ્મીની આકાંક્ષાઓ પર પાણી ફરી વળ્યું. મા-બાપ વિહોણી ગરીબ પરીવારની અને તે પણ એક મામૂલી નર્સની પૌત્રીને વહુ તરીકે સ્વીકારવાનો વિચાર જીરવી ના શકી. ‘નક્કી એણે પૈસાની લાલચે મારા દીકરાને ફસાવ્યો હશે’ મનોમન ધનલક્ષ્મીએ એનો ઉકળાટ ઠાલવ્યો. સૌથી વધુ ચિંતા એને એ વાતની હતી કે મોટા ઘરની કહેવાતી એની સહેલીઓનું એ ઇર્ષ્યાનું પાત્ર બનવાને બદલે હાંસીનું પાત્ર બનશે. એટલું જ નહીં પણ એક કમાતી વહુ કદાચ એની આજ્ઞામાં ન રહે એ વિચાર પણ એને વ્યથિત કરવા માટે પૂરતો હતો. પરાગની જીદની સામે ધનલક્ષ્મીએ કમને પણ સ્વીકૃતિ આપવા સિવાય છૂટકો નહોતો. જે લગ્નપ્રસંગની એ આતુરતાથી વાટ જોઈ રહી હતી એ એને પીડાદાયક થઈ પડ્યો હતો. ગરીબ ઘરની કન્યાને વહુ તરીકે સ્વીકારવામાં એને નાનમ લાગતી હતી. ધનલક્ષ્મીની સહેલીઓએ એને સાંત્વન આપ્યું કે વહુ ભલે કમાતી હોય, ભલે ડૉક્ટર હોય, આખરે હતી તો વહુ ને! ઘરની કમાન તો સાસુના હાથમાં હતી, એનો હોદ્દો કાલની છોકરી આવીને છીનવાની હિંમત ના કરે. મંદ બુદ્ધિની ધનલક્ષ્મીના મગજમાં એ વાત ઠસી ગઈ. સહેલીઓની સાંત્વનરૂપ દલીલો ધનલક્ષ્મીનાં મનનો ઉદ્વેગ સમાવી ના શકી. એને લગ્નનો કોઈ ઉત્સાહ ના રહ્યો. એની સાસુ રેવતીએ એના થકી જે ભોગવ્યું હતું એ પોતે પોતાની વહુ થકી ભોગવવા માંગતી હતી. એના સંકુચિત મનમાં એ વિચારોએ ખુન્નસનું રૂપ લીધું હતું. ત્યાં વળી એક સહેલીએ એના વિચારોને નવો વળાંક આપ્યો, ‘હવે જમાનો બદલાયો છે, ધનાઢ્ય કુટુંબની છોકરી ઘમંડી હોઈ શકે, સાસુને પણ ના એ ગણકારે. જ્યારે ગરીબ ઘરની સુખથી વંચિત રહેલી કન્યા એની સમૃદ્ધિથી અંજાઈ જાય. મોટાં ઘરની વહુ થવાનું સૌભાગ્ય સાંપડવાથી એની ઓશિયાળી બની રહે; દબાયેલી રહે, છો ને ભણેલી ને કમાતી હોય!’

ધનલક્ષ્મીએ મનમાં નિશ્ચય કર્યો, ‘શરૂઆતથી જ વહુને સાસુપણાનો પરચો બતાવી દઈશ. એ નર્સની છોકરીમાં જે થોડી પણ અક્કલ હશે તો આવતાંવેંત સમજી જશે કે ધનલક્ષ્મીના રાજમાં એની આજ્ઞાનું પાલન કરવામાં જ લાભપ્રાપ્તિ છે.’ આ વિચારે ધનલક્ષ્મીને અંધારામાં આશાનું કિરણ દેખાયું. એના વર્ષોથી રિઝવેલા ભગવાનનો આમાં પણ કોઈ સંકેત હશે! ભગવાન તો કેટલાયે ખેલ રચે જે માનવી ન જાણી શકે! એમ તો એ માનસીને પણ સાચા અર્થમાં નહોતી જાણતી.

પરાગે મુંબઈ પહોંચી જરાયે વિલંબ કર્યા વિના માનસીની નાનીની મુલાકાત કરી હતી. એક સુંદર મોંઘું ઘડિયાળ નાનીના હાથે જાતે પહેરાવ્યું હતું. જ્યારે માનસીની પસંદનાં બે ઘડિયાળ ખરીદ્યાં હતાં ત્યારે એને કોઈ અણસાર નહોતો આપ્યો કે બીજું ઘડિયાળ મારા ઉપરાંત નાની માટે હતી. એ વાત માનસીને નાનીની મારફત જાણ થાય એ એની નમ્રતા લેખાય જે માનસીને પ્રભાવિત કર્યા વિના નહીં રહે. જ્યારે જરૂર લાગે ત્યારે એક દાનવીર અને ઉદાર વ્યક્તિની છાપ અજાણ્યા અન્ય વ્યક્તિની મારફત જાહેર કરાવી પોતાની પ્રતિભા ઉપજાવવાની કળા પરાગને હસ્તગત હતી. એના વ્યક્તિત્વ વાક્‌શક્તિને પારંપારિક સમૃદ્ધિથી એણે અસર પેદા કરી હતી કે ઉંમરને આરે ઊભેલી નાનીની માનસીનાં ભવિષ્યની રહીસહી ચિંતા દૂર થઈ ગઈ. એણે એની ખુશી માનસીને પત્રમાં જાહેર કરી અને લગ્નની બાબતમાં એને ચિંતામુક્ત કરવા માટે વધાવી. પત્ર વાંચી માનસીને હસવું આવ્યું. પરાગનો ‘કળા’થી પરિચિત માનસીના એ હાસ્યમાં કટાક્ષની છાંટ હતી ને દર્દનો રણકાર પણ. માનસી માટે બીજું કાંઈ નહીં તો કેવળ નાનીની ખુશીને ખાતર પણ પરાગ સાથે લગ્ન સિવાય કોઈ વિકલ્પ નહોતો. સાથે સાથે આસિતની યાદ પણ તાજી થઈ ગઈ ને મન વિષાદથી ભરાઈ ગયું. ‘જે સફરની મંઝીલ ના હોય એ સફર કેવળ સફર જ રહે છે’ એણે વિચાર્યું છતાં લગ્ન પહેલાં એક વાર આસિતને મળવા માંગતી હતી. કારણ તો એ પોતે પણ નહોતી જાણતી. બસ, આસિત સાથેની છેલ્લી મુલાકાતને વર્ષો વીતી ગયાં હતાં.

માનસી આવી ત્યારે નાની પથારીવશ હતાં. કેવળ માનસીને મળવાની આશાએ ટકી રહ્યાં હોય એમ લાગતું હતું. પ્રેમથી નાનીએ માનસીને માથે હાથ મૂક્યો ‘મારી દીકરી હવે ડૉક્ટર થઈ ગઈ. હવે મારી કોઈ આકાંક્ષા બાકી નથી. બસ,તારાં લગ્ન થઈ જાય એટલે હું વિદાય લઉં. માનસી નાનીને વળગી રડી પડી, ‘ના, નાની એવું ના બોલો. તમારા વગર મારું કોણ!’

‘તારો સંસાર હવે તારે સંભાળવાનો છે. મારું કામ પૂરું થયું. તારી પસંદગીનો છોકરો પણ મને ગમ્યો. બોલવામાં મીઠો ને સ્વભાવે સૌમ્ય લાગ્યો. પૈસાપાત્ર પણ છે ને સૌથી વધુ તો એ કે ડૉક્ટર છે. ઘરમાં કેવળ મા છે ને તે પણ આવી જ પ્રેમાળ હશે! આથી વધુ હું તારે માટે શી અપેક્ષા રાખી શકું?’

માનસી ચુપકીદી સેવી સાંભળતી રહી. જેમ જેમ પરિચય વધતો ગયો હતો તેમ તેમ તેને પરાગની નમ્રતા, સૌમ્યતા ને શિષ્ટાચારમાં એક પ્રકારની કૃત્રિમતાનો ભાસ થતો હતો પણ કોઈ ચોક્કસ નિર્ણય પર નહોતી આવી શકી. પરાગ પાસે કોલેજમાં પામેલી મદદો ને ભેટ-સોગાદો, સાથે હરવા-ફરવાનું ને લગ્ન માટે આપેલી મંજૂરી આ બધું એક ફરજના રૂપે વગર ઉત્સાહે કરવી પડતી ક્રિયાઓની જેમ થતું ગયું. માનસીના ઉજ્જવળ ભવિષ્યનાં સપનાંમાં રાચતી એની નાનીને માનસી એના મનમાં ચાલતી ગડમથલ ને અનિશ્ચિતતા સમજાવી શકે તેમ નહોતી. શક્ય છે કે પરાગ સાથેના લગ્નની બાબતમાં એના મનમાં કોઈ ઉમળકો નહોતો. શક્ય છે કે હૃદયના ઊંડાણમાં સંઘરેલી આસિતની ઝંખના એની અનિશ્ચિતતામાં કારણભૂત હોઈ શકે.

બીજે દિવસે એનું મન માનસીને કે.ઈ.એમ. હોસ્પિટલ ભણી ખેંચી જવા માંગતું હતું પણ પગ ના ઉપડ્યા. એણે ફિલોમીનાને ફોન કર્યો. એ એક જ નર્સ એવી હતી જે નાનીના સતત સંપર્કમાં હતી. નાની પાસેથી એ એક માના જેવો સ્નેહ પામી હતી અને માનસી સાથે અંગત મિત્રતા ઉપરાંત સગી બહેન જેવો સંબંધ કેળવાયેલો હતો. એણે ડૉક્ટર આસિત અને માનસી બંનેનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. તે બંનેના સંબંધ અને સમસ્યાથી સંપૂર્ણ રીતે વાકેફ હતી. માનસીની ગેરહાજરીમાં ફિલોમીના નાનીનો સૌથી મોટો સહારો હતી. એ નાનીની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખતી હતી ને હોસ્પિટલની ડ્યૂટી પતાવી ઘણો ખરો સમય નાનીની સેવામાં ગાળતી હતી. ને જરૂર પડે ડ્યુટી છોડીને પણ નાનીની સંભાળ રાખતી હતી. બહુ લાંબે ગાળે મળ્યાનો આનંદ અને વીતેલાં છેલ્લાં વર્ષોની યાદોને તાજી કરવાની તત્પરતા બંનેના મનમાં સરખી હતી. સાંજે માનસી અને ફિલોમીનાએ નાની સાથે થોડો સમય ગાળી એકલાં બેઠાં. ફિલોમીનાએ માનસીની વિદાયની પળથી વાતનો દોર શરૂ કર્યો.

‘માનસી, મેં તારો ગુન્હો કર્યો છે જેની યાદ મને આજે પણ સતાવે છે. પણ હું લાચાર હતી. ડૉ. આસિતને આપેલા વચનથી બંધાયેલી હતી.’

‘એવી તે કઈ વાત છે જે છૂપાવવામાં તને ગુન્હાની ભાવના પેદા થાય છે?’ માનસીએ વિસ્મયથી પૂછ્યું.

ફિલોમીના ચૂપ રહી.

‘કેમ બોલતી નથી, ફિલુ?’ માનસીએ કુતૂહલવશ થઈ પૂછ્યું.

‘માનસી, તું નથી જાણતી કે ડૉ. આસિત તને વિદાય આપવા એરપોર્ટ પર કેમ ના આવ્યા!’ ફિલોમીના એ મનોગત બોલતી હોય તેમ સવાલ કર્યો.

‘કેમ? કોઈ ખાસ બાબત હતી?’ માનસીએ આશ્ચર્યભર્યા લહેજામાં પૂછ્યું.

‘હા.’

‘શું?’

‘એમની પત્નીને આખરી વિદાય આપવા સ્મશાન ગયા હતા.’

‘શું?’ માનસીના સવાલમાં ચીસનો રણકાર હતો.

‘હા, આગલી રાતે ઊંઘની ગોળીઓ લઈ એણે જીવન ટૂંકાવી નાખ્યું. બહુ વખતથી ડિપ્રેશનમાં પીડાતી હતી.’

‘આ વાત તેં મારાથી છૂપાવી? તને ખ્યાલ છે તેં શું કર્યું તેનો?’ માનસીના મોમાંથી ધ્રુસકું સરી પડ્યું, ‘ઓ ફિલુ, તેં તો મારી જિંદગીની દિશા બદલી નાખી આટલી મહત્ત્વની વાત મારાથી છૂપાવીને. હું કદાચ અમેરિકા જવાનું માંડી વાળત, હું કદાચ…કદાચ….’

માનસીની વ્યથા અનુભવીને ફિલોમીનાની આંખ સજળ થઈ ગઈ. ભરેલા ગળે તે બોલી,  ‘ડૉ. આસિત સારી રીતે સમજતા હતા તને અને તારી જીદને. એ નહોતા ઇચ્છતા કે તને અમેરિકા મોકલવાની તારી નાનીની આકાંક્ષા અધૂરી રહી જાય. બીજું, ઉંમરના અંતરની બાબતમાં એ વાસ્તવિકતા પ્રત્યે વધારે સભાન હતા. એટલે જ એમણે મને સોગંદ આપ્યા હતા કે તને આ વાતથી અજાણ રાખવી. ભલે, અત્યારે તું નહીં માને પણ તારું ભલુ ઇચ્છતા હતા. ડૉ. આસિતની વાતમાં સચ્ચાઈનો રણકો હતો. ત્યાગની ભાવના હતી એટલે જ મેં એમને વચન આપ્યું ને પાળ્યું.’

માનસી સૂનમૂન બેસી રહી. બોલી, ‘હવે શું કરે છે…આસિત?

‘ખબર નથી.’ ફિલોમીનાએ કહ્યું.

‘એટલે?’ પત્નીનાં મૃત્યુ પછી થોડા દિવસે રાજીનામું આપી ચાલ્યા ગયા. કોઈને જણાવ્યું નહીં કે ક્યાં જવાના છે…..મને પણ નહીં. આટલાં વર્ષોમાં એમના કોઈ ખબર નથી. હવે કોઈ પણ આશા રાખવી વ્યર્થ છે.’

જે વ્યથા માનસીએ અનુભવી એ એને માટે શબ્દોમાં વ્યક્ત કરવી શક્ય નહોતી.

‘મને માફ કરી દે, માનસી.’ ફિલોમીના એ હાથ જોડી કહ્યું. માનસીએ એના જોડેલા હાથ થામી કહ્યું, ‘તારો કોઈ વાંક નથી. વાંક મારો છે. હું જ મૃગજળની પાછળ દોડતી રહી.’ થોડી વાર બંને મૂંગાં બેસી રહ્યાં ને પછી ઊઠીને નાનીના ઓરડામાં આવી બેઠાં. ‘ફિલુ!’ નાની બોલ્યાં, ‘માનસીના લગ્નની તૈયારી હવે તારે માથે છે.’

‘તૈયારી શું કરવાની છે,’ માનસી બોલી, ‘જે કરવાનું છે એ વિધિના હાથમાં છે, એ જેમ નચાવે એમ કઠપૂતળીની માફક મારે નાચવાનું છે.’

નાનીને કાંઈ સમજણ ના પડી ને ફિલોમીના માથું નીચું રાખી સાંભળી રહી.

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.