બાળ ગગન વિહાર : મણકો [૩] – મિકાઈ

શૈલા મુન્શા

થોડા વર્ષો પહેલાં અમારા ક્લાસમાં નવો છોકરો આવ્યો, નામ એનુ મિકાઈ. રુપાળો, વાળ થોડા લાંબા અને વાંકડિયા. જોતાં જ હેત ઉભરાઈ આવે એવો ચહેરો. મમ્મી આફ્રિકન અમેરિકન અને પપ્પા મેક્સિકન. મિકાઈ પાંચ વર્ષનો થયો પણ પહેલા કોઈ સ્કૂલમાં ગયો નહોતો. વાચા પણ પુરી ખુલી નહોતી. અમેરિકાના રિવાજ મુજબ આ દિવ્યાંગ બાળકો જ્યારે સ્કૂલમાં દાખલ થાય ત્યારે બધી જાતની તપાસ થાય. જાતજાતના લેબલ લગાડાય. બાળક મંદ બુધ્ધિનો છે તો કેટલા પ્રમાણમાં અને તોફાન કરે તો કેવા પ્રકારનુ વગેરે વગેરે, એના આધાર પર બધી થેરેપીની સગવડ મળે.

અમેરિકા દેશની એક બીજી ખાસિયત. ઘણા કપલ હોય હોય પણ પરણેલા ના હોય. બાળકની જોઈન્ટ કસ્ટડી હોય એટલે બન્ને જણ બાળકનું ધ્યાન રાખે પણ સાથે ના રહેતા હોય, એમાં બાળકની શી દશા થાય એની તો કલ્પના જ કરવી રહી.

મિકાઈ પણ મમ્મી સાથે રહે અને પપ્પાનુ ઘર થોડું દુર. પહેલા બે ત્રણ દિવસ મિકાઈની મમ્મી એની સાથે અમારા ક્લાસમાં રહી. પેપર વર્ક પુરૂં થાય નહિ ત્યાં સુધી મિકાઈ હાફ ડે આવતો હતો. અમે જોઈ શક્યા કે મમ્મી મિકાઈનુ કેવું ધ્યાન રાખતી હતી. જેટલો સમય અમારી સાથે હતી ત્યારે મોટાભાગનો સમય ફોન પર ટેક્ષ્ટ મેસેજ મોકલતી હોય. કપડાં પણ ચોખ્ખા ન હોય. પપ્પા તો આખો દિવસ સાથે હોય નહિ. ચાર પાંચ દિવસ પછી મિકાઈ સ્કુલ બસમાં આવતો થયો.

એ દિવસે જ્યારે આવ્યો ત્યારે એને સખત શરદી થયેલી હતી નાકમાંથી સતત વાસ મારે એવું પસ જેવું લીંટ નીકળી રહ્યું હતું અને શરીર ગરમ હતું. તરત અમે એને સ્કૂલની નર્સ પાસે લઈ ગયા. મિકાઈ ને ૧૦૧ ડીગ્રી તાવ હતો.

મમ્મીને ફોન કર્યો મિકાઈને ઘરે લઈ જવા માટે તો અમને કહે કે થોડી વાર લાગશે કારણ મારી પાસે ગાડી નથી ને હું એના ફાધર ને ફોન કરૂં છું.
મિકાઈને લેવા એના ફાધર લગભગ ૯.૦૦ વાગે આવ્યા. ત્યાં સુધી અમારી દૈનિક કાર્યવાહી અટકાવી અમે મિકાઈની દેખરેખમાં રહ્યા.
સવાલ એ નથી કે અમારે એક બાળકની દેખભાળ કરવી પડી પણ સવાલ એ છે કે આમ માતા પિતા જ્યારે જુદા રહેતા હોય અને સંબંધોમાં લાગણીને બદલે ભૌતિક સુખને પ્રાધાન્ય હોય ત્યારે બાળકની શી દશા થાય અને એમાં પણ બાળક જ્યારે મંદબુધ્ધિ હોય, પોતાની તકલીફ વ્યક્ત કરી શકતું ના હોય ત્યારે જરૂર એ વિચાર આવે કે શિક્ષક તરીકે અમે જેટલી લાગણી આ બાળકો ને આપીએ છીએ એટલી પણ કાળજી માતા પિતા કેમ નહિ લેતા હોય??

કવિ બોટાદકરની કાવ્ય પંક્તિ આવા સમય મને અચૂક યાદા આવે કે “જનની ની જોડ સખી નહિ જડે રે લોલ”

આવી પણ માતા હોઈ શકે એ મારી કલ્પનાની બહાર છે. એક શિક્ષિકા અને એક મા તરીકે મારા આ બાળકો ને જેટલી હુંફ ને જેટલો પ્રેમ આપી શકું તેટલો આપવાનો પ્રયત્ન હું કરૂં છું અને મારા ક્લાસમાં થી બીજા ક્લાસમાં ગયા બાદ પણ જ્યારે આ બાળકો મને સ્કૂલમાં મા આવતાં જતા સામે મળે ત્યારે વહાલથી વળગી પડે ત્યારે મને થતા આનંદનો કોઈ હિસાબ નથી.

મિકાઈ એક “Autistic child” હતો. આ બાળકો ઘણા હોશિયાર હોય પણ દરેકની ખાસિયત જુદી. એક રુટિન જે મગજમાં સેટ થઈ ગયું હોય એમાં ફેરફાર થાય તો એમને આક્રમક બનતા વાર ના લાગે, ત્યારે ઘણી ધીરજ અને કળથી કામ લેવું પડે.

મિકાઈ જ્યારે અમારા ક્લાસમાં આવ્યો ત્યારે ઘણો આક્રમક હતો. પાંચ વર્ષ સુધી કોઈ સ્કૂલમાં નહોતો ગયો. પિતા નોકરીના કારણે હ્યુસ્ટનથી બહાર વધુ હોય. અમે જોઈ શક્યા કે માતા કરતાં પિતાને મિકાઈ માટે કશું પણ કરી છુટવાની તમન્ના વધુ હતી. ક્લાસમાં મિકાઈ કશું બોલતો નહિ પણ એને આંકડાઓમાં ખૂબ રસ પડતો. નંબર સોંગની સીડી વાગે તો ધ્યાનથી સાંભળે. સવારે જ્યારે ક્લાસમાં આજના હવામાન વિશે વાત કરીએ કે એને લગતાં ગીત સંભળાવીએ તો એ એકીટશે જોયા કરે. માતા પિતા સાથે વાત કરવાથી ખબર પડી કે એને ગણિત બહુ ગમે છે અને કોમ્પ્યુટર બહુ ગમે છે.

ધીરે ધીરે એ ક્લાસના રૂટિનમાં ગોઠવાતો ગયો. એને શાંત કરવો હોય તો કોમ્પ્યુટર પર બેસાડી દો તો એના કલાકો એમાં નીકળી જાય. જેમ જેમ એ ક્લાસમાં અંગ્રેજી આલ્ફાબેટ અને એના સાઉન્ડ અને સાથે શબ્દો શીખતો ગયો તેમ તેમ કોમ્પ્યુટર પર પોતાની જાતે એ શબ્દો ટાઈપ કરી જાતજાતના ચિત્રો જોવા લાગ્યો.

એક દિવસ અમે બાળકોને જમવા માટે કૅફેટેરિઆમાં લઈ જતા હતા ત્યાં અચાનક મારો હાથ છોડી મિકાઈ પહેલા ધોરણના ક્લાસમાં ધસી ગયો ને ટીચરના ટેબલ પર પડેલો પૃથ્વીનો ગોળો ઉપાડી લીધો. કેટલી સમજાવટે છેવટે એ ક્લાસમાંથી બહાર નીકળ્યો. અમે નવાઈ પામી ગયા કે બીજું કશું નહિ ને પૃથ્વીનો ગોળો કેમ? પિતા સાથે વાત કરતાં ખબર પડી એને પૃથ્વીના ગોળામાં નક્શા જોવા ખુબ ગમે છે. એના માટે ખાસ પૃથ્વીનો ગોળો લઈ આવ્યા અને રોજ થોડીવાર ખાસ એની સાથે બેસી જુદા જુદા દેશ નકશામાં બતાડવા માંડ્યા.

અમારા અચંબાનો પાર ન રહ્યો, જ્યારે એ જાતે દેશના નામ આલ્ફાબેટના સાઉન્ડ પ્રમાણે ટાઈપ કરી કોમ્પ્યુટર પર જોવા માંડ્યો. ફક્ત દેશ જ નહિ, ત્યાંની જોવાલાયક જગ્યા, હવામાન, લોકો, કાંઈક જાતજાતનુ શોધી કાઢી એમા રમમાણ રહેવા લાગ્યો. વાચા પણ ઘણી ખુલી ગઈ. અમારો હાથ પકડી “કેનેડા, રશિયા સ્કેન્ડેવેનિઆ, આફ્રિકા” વગેરે દેશ અમને પણ બતાડવા માંડ્યો. બસમાં થી ઉતરી વહાલથી ભેટવા માંડ્યો. યાદશક્તિ એટલી તીવ્ર કે એકવાર બતાડેલો દેશ બરાબર યાદ રહી જાય. કોઈવાર કશી વસ્તુની ના કહીએ તો “help help” નુ રટણ ચાલુ કરી છેવટે એની વાત મનાવીને જ રહે.

ઊઘડતી સ્કૂલે મિકાઈ પહેલા ધોરણમાં આવ્યો એટલે બીજી સ્કૂલમાં ગયો. લગભગ ત્રણ વર્ષ પછી સમર સ્કૂલમાં અમારા નાના બાળકો સાથે એક થી પાંચ ધોરણના દિવ્યાંગ બાળકોનો એક ક્લાસ અમારી બાજુમાં જ હતો, અને બન્ને ક્લાસ વચ્ચે દરવાજો હતો. જેવો ક્લાસ શરુ થયો, એક બાળક દોડીને એ ક્લાસમાંથી અમારા વર્ગમાં આવ્યો, ચારેબાજુ જોવા માંડ્યો, મારી પાસે આવી મારો હાથ પંપાળવા માંડ્યો. મને નવાઈ લાગી કે આ બાળક કેમ આવું કરે છે?? બે દિવસ આમ ચાલ્યું. મને પણ લાગે કે આ ચહેરો પરોચિત છે, પણ ખ્યાલ ના આવ્યો. ત્રીજે દિવસે બાળકોના ઘરે જવાના સમયે જેવી હું મારા બાળકોને બસમાં બેસાડવા ક્લાસની બહાર નીકળી અને બાજુના ક્લાસની ટીચરે બુમ પાડી, ” મિકાઈ જલ્દી આવ, તારી બસ આવી ગઈ” અને હું એકદમ અચંબિત થઈ ગઈ. અરે! આ તો મારો મિકાઈ. ત્રણ વર્ષમાં ખાસો ઊંચો થઈ ગયો હતો, વાળ ટુંકા અને ચહેરો થોડો ભરાવદાર. એ બાળક એના ક્લાસને, એની મીસ મુન્શાને જરાય ભુલ્યો નહોતો. એની પાસે જઈ એને બાથમાં લેતા હું બોલી પડી “ઓહો મિકાઈ કેમ છે તું” એના હાથ મને પંપાળી રહ્યાં, એના ચહેરા પર અનંદનો જે અહેસાસ હતો એનુ કોઈ મુલ્ય ના થઈ શકે. એની આંખો જાણે કહેતી હતી, આખરે તમે મને ઓળ્ખ્યો મીસ મુન્શા.

આ બાળકોને કોણ દિવ્યાંગ કહે!!

આ પ્રેમ અને લાગણી મને સદા જીવવાનુ બળ આપે છે,

સદા આમ જ મારા કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન રહું એવી શક્તિ પ્રભુ આપે એજ મનોકામના.


સુશ્રી શૈલાબેન મુન્શાનો સંપર્ક smunshaw22@yahoo.co.in  સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “બાળ ગગન વિહાર : મણકો [૩] – મિકાઈ

Leave a Reply

Your email address will not be published.