દીપક ધોળકિયા
૨૩મી માર્ચે ભારત આવ્યા પછી તરત કૅબિનેટ મિશનના સભ્યોએ દેશની જુદી જુદી પાર્ટીઓના નેતાઓને મળવાનું શરૂ કરી દીધું. મિશને સ્પષ્ટતા કરી દીધી કે એની પાસે કોઈ નક્કર યોજના નથી, એમનો હેતુ અહીં આવીને બધા પક્ષોને સંતોષ થાય એવી યોજના ઘડવાનો હતો. વાતચીતોનો રાઉંડ પૂરો થયા પછી લૉર્ડ પૅથિક લૉરેન્સે કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદ અને મુસ્લિમ લીગના પ્રમુખ મહમ્મદ અલી જિન્નાને પત્ર લખ્યા અને બન્ને વચ્ચે સમજૂતી થાય તે માટે ફરી એક પ્રયાસ કરવાનો પોતાનો વિચાર જણાવ્યો. એમણે આના માટે બન્ને પાસેથી વાતચીત કયા આધારે થઈ શકે તેની દરખાસ્તો માગી. એમણે એક યોજનાનો મુસદ્દો પણ આપ્યો અને બન્નેને કૅબિનેટ મિશન અને વાઇસરૉય સાથે વાતચીત માટે ચાર-ચાર પ્રતિનિધિઓ મોકલવા વિનંતિ કરી.
એમણે જે સિદ્ધાંત સુચવ્યો તે આ પ્રમાણે હતો:
એક સંઘ સરકાર બને, જે વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશવ્યવહાર સેવા સંભાળે; પ્રાંતોનાં બે ગ્રુપ બનાવવાં, એક ગ્રુપમાં હિન્દુ બહુમતીવાળા પ્રાંતો હોય અને બીજામાં મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો હોય. બન્ને ગ્રુપને એ કામો સોંપાય જે એમાં રહેલા પ્રાંતો સૌના સામાન્ય વિષય તરીકે સ્વીકારે. તે સિવાયના બધા વિષયોમાં પ્રાંતિક સરકારને બધી સત્તા આપવી. દેશી રજવાડાં જાતે જ નક્કી કરે કે કયા ગ્રુપમાં જોડાવું; અને એના માટે એમની સાથે વાટાઘાટ કરવી.
કોંગ્રેસની વર્કિંગ કમિટી એ જ દિવસે એના પર વિચાર કરવા માટે બેઠી અને બીજા દિવસે મૌલાના આઝાદે લૉર્ડ પૅથિક લૉરેન્સને જવાબ મોકલ્યો, જેના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છેઃ
- કોંગ્રેસ હિન્દુસ્તાનના ભવિષ્યને લગતી કોઈ પણ બાબત વિશે મુસ્લિમ લીગ અથવા બીજા કોઈ પણ સંગઠન સાથે ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ તમે જે મૂળભૂત સિદ્ધાંત સુચવ્યા છે, એનો વિસ્તાર કરવાની અને વધારે ખુલાસા સાથે દેખાડવાની જરૂર છે.
- અમે સ્વાયત્ત એકમોનું ફેડરલ યુનિયન હોય એમ કલ્પીએ છીએ. સંરક્ષણ અને એવા જ મહત્ત્વના મુદ્દા ફેડરલ યુનિયન હસ્તક જ રહેવા જોઈએ અને એના માટે એના હાથમાં કાયદા ઘડવાની ધારાકીય અને કારોબારી સત્તા હોવી જોઈએ અને એ વિષયો માટે જરૂરી નાણાં ઊભાં કરવા માટે આવકના સ્ર્રોત પણ હોવા જોઈએ. આ સત્તા ન હોય તો સંઘ સરકાર નબળી રહેશે એટલે વિદેશ ખાતું, સંરક્ષણ ખાતું અને સંદેશવ્યવહાર સેવા ઉપરાંત, ચલણ, કસ્ટમ, ટૅરીફ અને એવા બીજા યોગ્ય વિષયો પણ સંઘ સરકાર પાસે હોવા જોઈએ.
- તમે બે હિન્દુ પ્રાંતોનું ગ્રુપ અને મુસ્લિમ પ્રાંતોનું ગ્રુપ, એવી દરખાસ્ત મૂકી છે તે બહુ સ્પષ્ટ નથી. મુખ્યત્વે મુસ્લિમોની જ વસ્તી હોય તેવા બે જ પ્રાંત, વાયવ્ય સરહદ પ્રાંત અને સિંધ, છે. પંજાબ અને બંગાળમાં મુસલમાનોની બહુમતી પાતળી છે. અમે એમ પણ માનીએ છીએ કે ધર્મ કે કોમના ધોરણે ગ્રુપો બનાવીને એમાં પ્રાંતોને ફરજિયાત મૂકવા એ ખોટું છે.
- કોઈ ગ્રુપમાં જોડાવું કે ન જોડાવું, તેનો નિર્ણય કરવાની સત્તા પણ તમે પ્રાંતોને નથી આપતા.
- અમે માનીએ છીએ કે દેશી રાજ્યોએ સમાન વિષયોની બાબતમાં ફેડરલ યુનિયન સાથે જોડાવું જોઈએ. રજવાડાં કઈ રીતે ફેડરલ યુનિયનમાં જોડાશે તેની રીત પછી નક્કી કરી શકાય.
- તમે મૂળભૂત સિદ્ધાંતની વાત કરો છો પણ મૂળભૂત મુદ્દો ભારતની આઝાદીનો અને એના પરિણામે બ્રિટિશ સેનાને ભારતમાંથી હટાવી લેવાનો છે, એનો તો ઉલ્લેખ પણ નથી. અમે માત્ર આ મુદ્દાના આધારે જ ભારતના ભવિષ્ય વિશે કે કોઈ વચગાળાની વ્યવસ્થા વિશે ચર્ચા કરી શકીએ.
મૌલાના આઝાદે ચાર સભ્યોના ડેલીગેશનમાં કોંગ્રેસ પ્રમુખની રૂએ પોતાનું અને તે ઉપરાંત જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને ખાન અબ્દુલ ગફાર ખાનનાં નામ મોકલાવ્યાં.
જિન્નાએ પણ ૨૯મીએ જવાબ આપી દીધો. એમણે કૅબિનેટ મિશન અને વાઇસરૉય મુસ્લિમ લીગ અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી કરાવવાના પ્રયાસ કરે છે તેની પ્રશંસા કરી. એમણે ૧૯૪૦ના પાકિસ્તાન ઠરાવ તરફ પણ ધ્યાન દોર્યું અને કહ્યું કે હાલમાં નવમી ઍપ્રિલે જ મુસ્લિમ લીગના નવા ચુંટાયેલા સભ્યોએ એમની ખાસ બેઠકમાં આ ઠરાવ પર ભાર મૂક્યો છે.
તે ઉપરાંત, મૌલાના આઝાદની જેમ એમણે પણ કહ્યું કે લૉર્ડ પૅથિક લૉરેન્સના પત્રમાં દર્શાવેલા સિદ્ધાંતોની વિશદ છણાવટની જરૂર છે. તે પછી એમણે કહ્યું કે લીગની વર્કિંગ કમિટી કોઈ રીતે બંધાયા વિના ભારતના બંધારણ માટેનું સર્વસ્વીકૃત સમાધન શોધવાના પ્રયાસમાં મદદ કરવા તૈયાર છે, અને એના માટે ચાર પ્રતિનિધિઓ નીમે છે – જિન્ના પોતે, નવાબ મહંમદ ઇસ્માઇલ ખાન, નવાબ્ઝાદ લિયાકત અલી ખાન અને સરદાર અબ્દુર રબ નિસ્તાર.
સિમલામાં ત્રિપક્ષી બેઠક
પ્રારંભિક પત્રવ્યવહાર પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ સિમલામાં મળ્યા. કોંગ્રેસ વર્કિંગ કમિટી અને કૅબિનેટ મિશનના આગ્રહથી ગાંધીજી પણ સિમલા ગયા. મે મહિનાની પાંચમીથી બારમી તારીખ સુધી એમની મંત્રણાઓ ચાલી. મિશને સૌને એજંડા આપ્યો તેમાં પ્રાંતોનાં ગ્રુપનું સ્વરૂપ શું હોય, ગ્રુપના વિષયો કેમ નક્કી કરવા, સંઘ સરકારના વિષયો, એનું સ્વરૂપ,સંઘ સરકાર માટે નાણાં વ્યવસ્થા, બંધારણ બનાવવા માટેના તંત્રની રચના, એનાં સંઘને લગતાં, ગ્રુપને લગતાં અને પ્રાંતોને લગતાં કાર્યો વગેરે વિષયો હતા.
પહેલા દિવસની ચર્ચાઓ પછી બીજા દિવસે (છઠ્ઠી તારીખે) મૌલાના આઝાદે લૉર્ડ પૅથિક લૉરેન્સને પત્ર લખ્યો કે ગઈકાલની વાતચીત સ્પષ્ટ નહોતી. એમાંથી શું નીકળતું હતું તે સમજાયું નહીં. અમે સમજૂતીનો આધાર શોધવાના કોઈ પણ પ્રયાસમાં સામેલ રહેવા માગીએ છીએ, પણ અમે અમારી જાતને, કૅબિનેટ મિશનને કે મુસ્લિમ લીગના પ્રતિનિધિઓને ઠગવા નથી માગતા કે અત્યાર સુધી જે રીતે વાતચીત ચાલી છે તેમાંથી કંઈક આશા પેદા થાય છે. મેં મારા ૨૮મી ઍપ્રિલના પત્રમાં લખ્યું હતું કે અમુક ધારણાઓ શરૂઆતના તબક્કામાં જ નકી કરી લેવી પડશે, તે સિવાય પ્રગતિ ન થઈ શકે. પણ આ દૃષ્ટિકોણ પર જરાય ધ્યાન નથી અપાયું. મેં લખ્યું હતું કે મૂળ મુદ્દો ભારતને આઝાદી આપવાનો અને બ્રિટનની સેનાને ભારતમાંથી હટાવી લેવાનો છે. ગઈકાલની વાતચીતમાં મેં આ મુદ્દો ફરી વાર ઉઠાવ્યો અને તમે સૌએ એનો સ્વીકાર કર્યો. તમે કહ્યું કે બંધારણ સભા આઝાદ ભારત અને ઇંગ્લેંડ વચ્ચેના સંબંધો નક્કી કરશે. એ સાવ સાચું છે પણ તેની અસર હમણાંના વલણ પર પડતી નથી, એટલે કે, “આઝાદી હમણાં’ નો સ્વીકાર કરવો જોઈએ. આની કેટલીક અસરો છે પણ ગઈકાલની વાતચીતમાં એના પર બરાબર વિચાર ન થયો. જેમ કે, બંધારણ સભાએ આઝાદીનો પ્રશ્ન વિચારવાનો નથી, એ નક્કી થઈ ગયો છે. બંધારણ સભા આઝાદ હિન્દુસ્તાનીઓની ઇચ્છાનું પ્રતિબિંબ પાડશે અને લાગુ કરશે. આઝાદીથી પહેલાં કરાયેલી કોઈ પણ વ્યવસ્થા એના માટે બંધનકર્તા નહીં હોય.
ગઈકાલે (પાંચમી તારીખે) આપણી ચર્ચાઓમાં પ્રાંતોનાં ગ્રુપો સાથે મળીને કામ કરશે એવી વાત પણ આવી. આવાં ગ્રુપોને કારોબારી અને ધારાકીય સતાઓ પણ હશે એવુંય ચર્ચાયું. હું એ ચોખ્ખા શબ્દોમાં કહેવા માગું છું કે આવી વ્યવસ્થા કોંગ્રેસ સ્વીકારતી નથી, કારણ કે ગ્રુપોને આવા અધિકાર આપવા તે ફેડરેશનની અંદર પેટા-ફેડરેશન બનાવવા જેવું છે. કોંગ્રેસને આ મંજૂર નથી. આવી સત્તાઓ આપીએ તો ત્રણ સ્તરે કારોબારી અને ધારાકીય સત્તાઓ ઊભી થશે. આ ખી વ્યવસ્થા બહુ જ ગુંચવાડાભરી બની જશે. ગ્રુપો એક સમાન હોય તે બરાબર છે, પણ કારોબારી કે ધારાકીય સત્તાઓની બાબતમાં પણ એમને એવી જ એકસમાન સ્વાયત્ત સતાઓ આપવાનું અમે સ્વીકારતા નથી.
આ પછી લૉર્ડ પૅથિક લૉરેન્સે આઠમી તારીખે કોંગ્રેસ અને લીગના પ્રમુખોને એક વિગતવાર પત્ર લખ્યો અને એમાં હમણાં સુધી થયેલી ચર્ચાઓને આધારે સમજૂતીનો આધાર ઊભો થતો દેખાયો તે દર્શાવીને ચર્ચા માટે નવા મુદ્દા મોકલ્યા.
એમનો આ પત્ર અને એના પર કોંગ્રેસ અને લીગનો પ્રતિભાવ આવતા પ્રકરણમાં જોઈશું. પૅથિક લૉરેન્સની આ દરખાસ્તો બહુ ધ્યાન આપવા લાયક છે અને એના પર મૌલાના આઝાદ અને જિન્નાના વિચારો પણ મહત્ત્વના છે, એટલે આજે તો આટલું બસ છે.
૦૦૦
સંદર્ભઃ
The Indian Annual Register – Jan-June Vol. I-1946
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી