બૉલીવૂડમાં ગુજરાતીઓ : હરીશ રઘુવંશી

પુસ્તક પરિચય

બૉલિવૂડમાં પોતાની ઓળખ સ્થાપિત કરનારાં ૧૧૦ ગુજરાતીઓની રસપ્રદ વાતો

પરેશ પ્રજાપતિ

૧૫ ઓક્ટોબર ૧૯૪૯માં પાલઘરમાં જન્મેલા અને હાલ સુરતમાં વસતા હરીશ રઘુવંશી મૂળભૂત રીતે જૂનાં હીંદી ફિલ્મી ગીતોના શોખીન. રેડિયો સિલોન પર ગીતો સાંભળવાની લગની કિશોર વયથી જ લાગી હતી. શરૂઆતથી જ ગીતોને લગતી માહિતી ટપકાવી લેવાની ટેવ આગળ જતાં સંશોધન અને દસ્તાવેજીકરણ તરફ દોરી ગઈ. આ કારણે જ તેમની પાસે માહિતીનું ભાથું સમૃદ્ધ થતાં આગળ જતાં ૧૯૮૫માં ‘મૂકેશ ગીતકોશ’ તૈયાર કરી શકાયો. કોઈ ગાયકે ગાયેલાં ગીતોનો આ સર્વ પ્રથમ ગીતકોશ હતો. ત્યાર પછી ૧૯૯૫માં ‘ગુજરાતી ફિલ્મકોશ’, ૨૦૦૩માં ‘ઈન્હેં ના ભૂલાના’ ઉપરાંત કાનપુરના હરમંદિરસિંઘ હમરાઝ સાથે મળીને ૨૦૦૪માં સાયગલ ગીતકોશ ‘જબ દિલ હી ટૂટ ગયા’ તથા ૧૯૧૩ થી લઈ ૨૦૧૨ સુધીનાં વીતેલાં સો વર્ષોમાં રજૂ થયેલી મૂક અને બોલતી ફિલ્મોની સૂચી તૈયાર કરીને ૨૦૧૩માં ફિલ્મ ઈન્ડેક્ષ (ફિલ્મ સૂચી) જેવાં અધિકૃત માહિતી ધરાવતાં પુસ્તકો સંગીતપ્રેમીઓને પીરસ્યા. આ દરમ્યાન સ્વાભાવિક રીતે એવાં કેટલાંક નામોએ તેમને આકર્ષિત કર્યા જે મૂળ ગુજરાતી હતા. હરીશભાઈના મનમાં હિ‍ન્દી સિનેમા ક્ષેત્રે ગુજરાતીઓના પ્રદાનનું ચોકઠું આકાર લેતું ગયું. તેના પરિણામસ્વરૂપે ૬ જૂન, ૨૦૦૮થી દિવ્ય ભાસ્કરમાં આ જ વિષયને કેન્દ્રમાં રાખીને તેમણે ‘હિંદી સિનેમા, ગુજરાતી મહિમા’ નામે કટાર શરૂ કરી. આ કટારમાં હિન્‍દી સિનેમામાં પ્રદાન કરનારા ગુજરાતીઓનો વિગતે પરિચય આપવામાં આવતો. તેનું આગલું કદમ એટલે આ પુસ્તક ‘બૉલીવૂડમાં ગુજરાતીઓ’.

દેશ અને દુનિયામાં ગુજરાતીઓની છાપ એક વેપારી પ્રજા તરીકેની છે, પણ આ ઓળખ સાચી હશે, પણ અધૂરી છે. તેનું એક પ્રમાણ હરીશભાઈનું આ પુસ્તક કહી શકાય. તેમના આ પુસ્તકમાં હિંદી ફિલ્મઉદ્યોગની સ્થાપના અને સ્થિરતામાં ગુજરાતીઓના ગૌરવપૂર્ણ પ્રદાન વિશે ઘણી અજાણી બાબતોને આવરી લેવામાં આવી છે. સૌ પ્રથમ વખત વ્યાવસાયિક રીતે કરારબધ્ધ થનારા નિર્માતા કાનજીભાઈ રાઠોડ; સર્વ પ્રથમ બોલતી ફિલ્મની રજૂઆત કરનાર નિર્માતા- નિર્દેશક અરદેશર ઈરાની, જાણીતા દિગ્દર્શક મનમોહન દેસાઈ, અબ્બાસ મુસ્તન અને આગવી શૈલીથી રજૂઆત કરનારા કેતન મહેતા, જમશેદજી ફરામજી માદન જેમણે 172 જેટલાં થિયેટર બંધાવવા ઉપરાંત ફિલ્મનિર્માણ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું વગેરે જેવા અનેક ગુજરાતીઓનો સમાવેશ થાય છે. અભિનેતા તરીકે દરેક પાત્રને નિખારતા પરેશ રાવલ કે બોમન ઈરાની ઉપરાંત ફિલ્મોમાં મુખ્ય નાયક તરીકે ચમકતા સંજીવકુમાર, જેકી શ્રોફ, ફારુખ શેખ તેમજ પુરાણી ફિલ્મોના જોન કાવસ, ખલનાયક ઈશ્વરલાલ અને પ્રેક્ષકોના હાસ્યથી સિનેમા હૉલને ગજવનાર નૂર મહંમદ ચાર્લી વિશે વાંચતાં કેટકેટલી અજાણી વિગતો નજર સામે આવે છે! હિંદી ફિલ્મોમાં આરંભની નાયિકાઓ જેવી કે ગૌહરબાનુ અને મહેતાબ સહિત આશા પારેખ, અરૂણા ઈરાની, પરવીન બાબી, નીલમ, બીંદુ જેવી કેટલીય હિન્‍દી સિનેમાની નાયિકાઓ ગુજરાતી છે. અજીત મર્ચંટ, અવિનાશ વ્યાસ, કલ્યાણજી- આણંદજી, શંકર- જયકિશન પૈકીના જયકિશન, ઈસ્માઈલ દરબાર, હિમેશ રેશમિયા જેવા સંગીતકારો, પંકજ ઉધાસ, મનહર ઉધાસ, દિલીપ ધોળકીયા, શબ્બીરકુમાર અને હાલના ‘ભીગે હોઠ તેરે’ ગાનાર કુણાલ ગાંજાવાલા જેવાં ગાયકો અને હીંદી ફિલ્મનાં ગીતોને પોતાનાં ગીત-સંગીતથી અમરત્વ બક્ષનાર સરસ્વતી દેવી, અલકા યાજ્ઞિક સહિત અનેક હસ્તીઓ ગુજરાતી છે. આજે તો ગીત- સંગીત સાઉન્ડ પ્રૂફ ઓરડાઓમાં અત્યંત આધુનિક ઢબે કરવામાં આવે છે, પરંતુ હિંદી સિનેમાના આરંભે અત્યંત પ્રાથમિક કક્ષાની સુવિધાઓથી હોવા છતાં દરેક સ્વર અને સંગીતની બારીકાઈ પારખી તેનું ધ્વનીમુદ્રણ કરનાર મીનુ કાત્રક પણ ગુજરાતી હતા. આખી યાદી આપવાનો કોઈ ઉપક્રમ નથી, પણ આ ઝલક માત્ર છે ગુજરાતીઓનાં વૈવિધ્યપૂર્ણ પ્રદાનની!

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સરદાર એવા ચંદુલાલ શાહ કે નીર્માતા મેહુલકુમાર જામનગરના,  તો મુંબઈની ફીલ્મપ્રવૃત્તિને ઉદ્યોગનું સ્વરૂપ આપનાર દ્વારકાદાસ સંપત જામખંભાળિયાના હતા; મધર ઈન્ડિયા સહિત અનમોલ ઘડી, અંદાઝ, આન, અનોખી અદા જેવી ચીરસ્મરણીય ફિલ્મો આપનાર મહેબૂબ બીલીમોરાના, અબ્બાસ- મુસ્તન તથા ચરિત્ર અભિનેતાની દીર્ઘ ઈનીંગ ખેલનાર કૃષ્ણકાંત ભૂખણવાલા (ઊર્ફે કેકે) સુરતના, તો અનિલ બિશ્વાસ, ગુલામ હૈદર, ખેમચંદ પ્રકાશ અને આર સી બોરાલ જેવા સંગીતકારો વચ્ચે પણ કાઠું કાઢનાર નીનુ મજુમદાર વડોદરાના હોવાની હકીકતોનો ઉલ્લેખ પુસ્તક વાંચતી વખતે સગર્વ પોતીકાપણાનો ભાવ અનુભવે છે.

લેખકે પુસ્તકના લખાણ અંગે શરૂઆતે જ કેફિયત આપતાં જણાવ્યું છે કે લેખનકાર્ય પરમ મિત્ર બકુલ ટેલર પાસે કરાવ્યું છે કારણ કે તેમની રૂચી સંશોધનની છે. તેથી જ એકની એક વાતની અનેક રીતે ખરાઈ કરવી એ હરીશભાઈનો સ્વભાવ છે. પુસ્તકમાં પીરસાયેલી માહિતી સાચી અને આધારભૂત હોવાનું મહત્વ તેઓ સુપેરે જાણે છે. તેમની માહીતીની વિશ્વસનીયતા એ હકીકત પરથી જાણી શકાય છે કે ગાયક-ગીતકાર પ્રદીપજીથી લઈ ગુલશન ગ્રોવર કે જહોની લિવર જેવા આજના કલાકારોએ પોતાની ફીલ્મોની સૂચી તૈયાર કરવા માટે હરીશભાઈ પર મદાર રાખ્યો હતો! તેથી જ આલેખાયેલી હકીકતો બાબતે નચિંત રહી શકાય તે આ પુસ્તકનું જમા પાસું છે.

‘બૉલીવૂડમાં ગુજરાતીઓ’ પુસ્તક વાંચતા એટલું ખાસ ધ્યાને ચડે છે કે ફિલ્મનિર્માણમાં પૈસા સિવાય ઘણી ટેકનીકલ, નોન ટેકનીકલ બાબતો સંકળાયેલી હોય છે. તેમાંનાં ઘણાં કીરદારો પડદા પાછળ રહીને રુપેરી પડદા પરનાં દૃશ્યો નીખારે છે, અને ગુજરાતીઓએ આ તમામ મોરચે પોતાની હાજરી પૂરાવી છે. આ પુસ્તકમાં છેક મૂંગી ફિલ્મોથી લઈને ૨૦૧૩ સુધીની ફિલ્મોમાં ફિલ્મનિર્માણથી માંડી બૉલિવૂડમાં વિવિધ ક્ષેત્રે કામ કરનારા કુલ 110 ગુજરાતીઓના જીવન અને વ્યવસાયની અંતરંગ કથાનું માહિતીપૂર્ણ આલેખન થયું છે. હજી ઘણાં નામો બાકી હશે, પણ છેક મૂક ફિલ્મોથી લઈને વર્તમાન સમય સુધીના અનેક ગુજરાતીઓને આમાં આવરી લેવાયા છે, અને તેમના જીવનકવન વિશે રસપ્રદ આલેખન કરવામાં આવ્યું છે એ આ પુસ્તકની વિશેષતા છે.

*** * ***

પુસ્તક અંગેની માહિતી:

બૉલીવૂડમાં ગુજરાતીઓ: હરિશ રઘુવંશી

પૃષ્ઠસંખ્યા:૪૧૦‌
કિંમત : પાંચ સો રૂપિયા
પ્રથમ આવૃત્તિ, જુલાઈ 2021

મુદ્રક અને પ્રકાશક : ઝેન ઓપસ
સંપર્ક: www.zenopus.in
વિજાણુ સરનામું: contact@zenopus.in


આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

Author: Web Gurjari

2 thoughts on “બૉલીવૂડમાં ગુજરાતીઓ : હરીશ રઘુવંશી

  1. હિન્દી ફિલ્મ જગતમાં યોગદાન અપનારમાં નિરૂપા રોય અને કમલેશ આવસથીનું પણ નામ છે. કદાચ પુસ્તકમાં ઉલ્લેખ હશે જ.
    સરસ માહિતી આપવા બાદલ આભાર.

Leave a Reply

Your email address will not be published.