કાનૂન મોટો કે કવન મોટું

સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

આ વાત ૧૯૬૦ના દાયકાના ડિસેમ્બર મહિનાની કે જયારે પોરબંદરમાં હું નાતાલ વેકેશનમાં ઘેર હતો. ઈ ટાણે “બિરલા કોલોની”માં “નરસી મહેતા જ્યંતી”ની ઉજવણી નિમિતે કવિવર શ્રી. રતિલાલ છાંયા “અનિલ”ની રંગમંચે મુખ્ય વક્તા તરીકે હાજરી. કાર્યક્રમના આરંભે બેએક જણ પરિસરની આકતાસ્વાકતા અને કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા સબબ થોડુંક બોલ્યા પણ સૌ કોઈ ઉંચી ડોકે “અનિલ”ના જ આગમનની રાહમાં કારણ બધા માટે પોરબંદરના જ વતની રતિભાઈ “મોસાળે જમવું ને માં પરીસે” સમા હતા. હવે જેને એને જાણ્યા છ એને ખબર છે કે એનું શિક્ષણ ક્ષેત્રે મોટું પ્રદાન હતું અને કૃષ્ણ-સુદામા, મીરાંબાઈ, ઓસમમાત્રી, નરસી મેહતા, ગાંધીજી, કન્યા કેળવણી, વ. વિષયો ઉપર ઈ એના ખુદના અવનવા દ્રષ્ટિકોણે અદભુત વક્તા પણ હતા.

હવે ઈ દી’એ તો અમે સૌ નરસી જ્યંતીએ ભેગા થ્યાતા એટલે કવિવરનો વિષય પણ નરસી મેહતા જ હતો ને એને પોતીકું વિશ્લેષણ કરીને ભાભીના મેણે મેહતાના શરૂ થયેલ જીવનથી લઈને એના જીવનના બેચાર અગત્યના બનાવો અદ્દભુત રીતે કીધા પણ મને સૌથી વધુ એની જે વાત ત્યારે ગમીતી ને આજીવન ગમશે ઈ ૧૮૦૦મી સદીના જૂનાગઢરાજના નવાબ રસૂલખાનજીના વખતની. તો આ સદીના છેલ્લા દાયકાના પણ છેલ્લા ભાગે જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજનું ચણતર વજીર બહાઉદ્દીનભાઈ, નાયબ વજીર પુર્ષોત્તમરાય ઝાલા અને અન્ય મહાનધાતાઓની રાહબારી હેઠ શરૂ થ્યુંતું. આ બાંધકામ માટે સાગ અને સીસમના કિંમતી લાકડાં, મોંઘા આરસપાણ, બાર-બારીના તરબતર કાંસાના મીજાગરાં, સાંકળ ને કડાં; રંગબેરંગી કાચ, અરીસા અને અન્ય વસ્તુઓઓ ઢગલામોઢે આવતી અને ચણતરની જગ્યાએ વપરાસ માટે સંઘરાતી. એટલે દી’આખો કામ કરીને સૌ કારીગરો જયારે પોતપોતાને ઘેર જાય ત્યારે આ કિંમતી ઇમલા ઉપર નજર રાખવા પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ હરિજન ચોકીદાર ગીગો હાથમાં બડીકો લઈને રાતપાળી કરતો.

એમાં એક દી’ ઉભેપગે રાતપાળી કરીને થાક્યોપાક્યો ગીગો સવારે એના ઝૂંપડે હરિજનવાસે જાવા નીકળ્યો. હાલતાંહાલતાં એની નીંદરે ઘેરાયેલી આંખ પણ એને આઘેથી રસ્તા વચોવચ ક્યાંક જગારા મારતું જોયું એટલે ઈ પગ ઉપાડીને પાસે ગ્યો. જેવો ઈ ચળકતી વસ્તુ ઢુકડો આવ્યો તો એને એમ લાગ્યું કે ઈ  નવલખો હાર હોઈ સકે. એના ભરમની ખાત્રી કરવા જેમ મદારી એરૂની આજુબાજુ ફરે એમ ઈ ચળકાટ આસપાસ બેએક વાર ફર્યો ને મનોમન નક્કી કર્યું કે ઈ નવલખો હાર જ હતો. પછી ગીગાએ ઈ હારને હાથ અડાડયા વીના એના બડુકાના છેડે મદારી કાળોત્રાને ઉપાડે એમ ઉપાડ્યો ને ઈ આખી રાતનો થાકેલ ને નીંદરે ભરાયેલ ગીગો સીધો નવાબ રસૂલખાનજીના ઉઘડતા દરબારે પૂગ્યો. ઈ તો નવાબી દરબાર એટલે અકડેઠઠ ભર્યોતો ને ઈ દી’ નવાબસાહેબ પોતે પણ દરબારે સવારમાં હાજર. ગીગો દરબારખંડનાં બાયણેથી એના બડુકે ઉપાડેલ દાગીને ધીમેધીમે નવાબસાહેબના આસન કોર આગળ આવ્યો ને ત્યારે દરબારે બેઠેલ સૌ કોઈ ફાટી આંખે ને મુંગે મોએ ઈ નજારો જોઈ રયા.

જેવો ગીગો નવાબસાહેબથી એકાદ વામ છેટો હતો યાં પાસે બેસેલ એક માણસે હાથ લંબાવ્યો એટલે એને ઈ દાગીનો ઈ માણસની હથેળીમાં બડુકાના છેડેથી સરકાવી દીધો. ઈ માણસે દાગીનો સીધો નવાબસાહેબના હાથમાં મુક્યો ને નવાબને એની પીઠ ન દેખાય ઈ રીતે ગીગાએ ધીમેધીમે, ઉંધે પગલે દરબારખંડની બા’ર જાવાની શરૂઆત કરી. ઈ જેમજેમ ઉંધાં પગલાં ભરતો જાય એમએમ જોતો જાય કે દરબારે બેસેલ કેટલાય એકબીજાને કે’છ કે આ લઘવઘર માણસને આ નવલખા હારની કસબ ને કિંમતનું સું ભાન હોય. છેલ્લે ઈ ખંડના આલીશાન દરવાજા લગી પૂગ્યો ને નવાબસાહેબે એને પાછો બોલાવીને પૂછ્યું કે “તને ખબરે છે કે આ ચીજ સું છે, કેટલી કિંમતી છે તે તું આમ તારી લાકડીએ ઉપાડીને આવ્યો છ.” ને ત્યારે ગીગાએ કીધું કે “આપ સાહેબ પુછો છ એટલે હું જવાબ દઉં છ બાકી બીજા કોઈને ન દત. એટલું કઇને ગીગાએ કીધું કે “આ નવલખો હાર છે કે જે આપ સાહેબ, માણાવદરના કામાલૂખાન બાબી કે બાટવાના તૈયબઅલી દાદાના વડવાઓના ઘરમાં હોય.” એટલે નવાબે કીધું કે “આ કિંમતી દાગીનો જો તેં રાખી ને વેંચી દીધો હોત તો તારી ત્રણ પેઢી તરી જાત.”

નવાબસાહેબની આ ટકોરના જવાબે ગીગાએ કીધું કે “આજથી ચારસોથીયે વધુ વરસ પે’લાં જે નરસી મે’તો અમારા હરિજનવાસે અને અમારી વચાળે વસ્યો ને જેને એની ખુદની નાગરી નાતે જાકારો દીધોતો એને કીધું છ કે “જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ જાલે હાથ રે…” ને એટલે જ હું આ હારને અડ્યા વિના મારા બડુકે ચડાવીને આપ સાહેબના દરબારે રાતપાળી ભરીને આ હાર આપને દેવા આવ્યો છ એટલે આપ એનું યોગ્ય કરી સકો.” મેં અગાઉ કીધું એમ રતિભાઈની આ વાત મને વળગી ગઈ છ કારણ આજ દુનિયામાં કરોડો કાયદાઓ સમાજને સીધે રસ્તે રાખવા બન્યા છ ને દી’યેદી’યે નવા કાયદાઓ ઘડાતા જાય છ. જેટલા કાયદા છે એટલી જ એની સામે છટકબારીઓ વકીલો શોધે છ ને એટલે જ ગુન્હા થ્યા કરે છ, થાતા રે’સે ને ગુન્હેગારો જેલમાંથી છૂટતા રે’સે. એટલે આવા સંજોગમાં મને એક જ સવાલ થાય છ કે જો એક અભણ હરિજન નરસીના કથનને એના જીવનનું કવન કરીને જીવી સકે તો બીજા કેમ એમ ન કરી સકે. હકીકતે “વૈષ્ણવ જન તો તેને રે કહી એ…” ઈ માનવ મર્યાદા અને માનવતાનું એક સંપૂર્ણ પદ છે. ખાલી આ જ પદને શબ્દસહઃ જીવનનું કવન કરીને સૌ જીવે તો દુનિયામાં એકેય કાયદાકાનૂનની જરૂર ન પડે.


ડૉ. દિનેશ વૈષ્ણવનો સંપર્ક  sribaba48@gmail.com   પર થઈ શકે છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.