બાંગ્લાદેશમાં કારખાનામાં આગઃ ૫૨ના મોત

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

જગદીશ પટેલ

ઢાકા નજીકના નારાયણગંજના રૂપગંજમાં આવેલા હાશેમ ફુડ એન્ડ બેવરેજીસ ફેકટરી નામના ખાદ્યપદાર્થ અને પીણાંનું ઉત્પાદન કરતા કારખાનામાં તા.૦૮/૦૭/૨૧ને ગુરુવારે લગભગ સાંજે ૫ વાગે લાગેલી ભયાનક વિનાશક આગમાં ૫૨ (બાવન) કામદારોના મોત નિપજયા અને ૩૦ (ત્રીસ) ઘાયલ થયા. અનેક કામદારોએ બચાવ માટે ઉપરના માળેથી છલાંગ મારી. સામાન્ય રીતે આ બિલ્ડીંગમાં ૧૦૦૦ કામદારો હોય છે પણ જયારે આગ લાગી ત્યારે મોટાભાગનાની નોકરી પૂરી થતાં નીકળી ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે ૨૪ કલાક પછી પણ આગની જવાળા જોઇ શકાતી હતી. બે દિવસ સુધી ધુમાડા આકાશમાં ઉડતા દેખાતા રહ્યા.

૨૦૧૩માં રાના પ્લાઝા નામની ઔદ્યોગિક બિલ્ડીંગ તૂટી પડતાં ૧૧૩૨ કામદારો માર્યા ગયા હતા અને ૨૫૦૦ ઇજાગ્રસ્ત કામદારોને કાયમી અપંગતા આવી હતી. ૨૦૧૯માં એક ફલેટમાં ગેરકાયદે રસાયણોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને તેમાં આગ લાગતાં ૭૦ લોકો માર્યા ગયા હતા. આ કારખાનામાં ફળોના રસ (ફ્રૂટ જયુસ), ચોકલેટ અને નુડલ્સનું ઉત્પાદન થતું હતું.

છ માળની બિલ્ડીંગમાં લાગેલી આ આગમાં શરૂમાં તો ૩ના જ મૃત્યુ થયાના ખબર આવ્યા જે બચવા માટે કુદી પડયા હતા છતાં પોતાનો જીવ બચાવી શકયા નહી. અગ્નિશમન દળના લાશ્કરો ત્રીજે માળ પહોંચ્યા ત્યારે ત્યાં ૪૯ લાશ મળી. કોઇક મેનેજરે કામદારોને સલાહ આપી કે જે રૂમમાં ચોકલેટ બને છે તે એરકન્ડીશન્ડ છે, ત્યાં જતા રહો તો બચી જવાશે. એટલે બધા એક જ રૂમમાં ભેગા થયા એટલે એક જ રૂમમાં બધી લાશો મળી. આવી સલાહ આપનારા પણ પછી મળ્યા નહી એટલે એમના પણ મોત થયા  હોવાની આશંકા સેવાય છે.

અગ્નિશમન દળના પ્રવકતા દેબાશીષ બર્મને જણાવ્યું કે નીચેના માળે આગ હતી એટલે કામદારો નીચે જઇ ન શકયા અને અગાસીમાં જવા માટેનો ત્રીજા માળનો દરવાજો બંધ હોવાને કારણે અગાસી પર પણ જઇ ન શકયા અને એમ ત્રીજા માળે ફસાઇ ગયા. ૩૦ જેટલા કામદારોએ બચવા માટે ત્રીજે માળેથી છલાંગ મારી. ઉપરના માળાઓ પણ આગમાં લપટાયા હતા પણ એ લોકો છાપરા પર જઇ શકયા જયાંથી અગ્નિશમન દળે તેમને સલામતપણે નીચે ઉતારી લીધા. દીનુ મોની શર્મા નામના અગ્નિશમન દળના અધ્યક્ષે જણાવ્યું કે કારખાનામાં જવલનશીલ રસાયણો અને પ્લાસ્ટિક મોટા પ્રમાણમાં સંગ્રહાયેલું હોવાને કારણે આટલી ભયાનક આગ લાગી. બનાવને દિવસે ૬૦ ડ્રમ ઓઇલનો જથ્થો એકમમાં હતો.
મહમંદ સૈફુલ નામના બચી ગયેલા કામદારે જણાવ્યું કે ઉપર જવાના દાદરના બંને દરવાજા બંધ હતા એટલે ઉપર જઇ શકાય તેમ ન હતું. બીજા એક કામદારે કહ્યું કે ભોંયતળિયે આગ ફાટી નીકળ્યા પછી તે અને બીજા ૧૩ કામદારો  છાપરા પર ચડી ગયા અને થોડીવારમાં તો આખા કારખાનામાં કાળો ધુમાડો ભરાઇ ગયો. અગ્નિશમન દળે અમને દોરડાની મદદ વડે નીચે ઉતાર્યા ત્યારે અમે બચવા પામ્યા. ૧૪ વર્ષની તિથિ સરકારે કહ્યું કે તે ચોકલેટ વિભાગમાં કામ કરતી હતી. આગ લાગતાં એ બીજા ૧૧ કામદારો સાથે છાપરા પર પહોંચી ગઇ તેથી બચી ગઇ પણ તેની બહેન કમ્પા બર્મન છાપરા પર આવવાને બદલે ચોકેલટ વિભાગમાં ભરાઇ ગઇ અને મૃત્યુ પામી. અકીમા ખાતુન ત્રીજા માળે કામ કરતી હતી. તેનો દીકરો મુસ્તકીન પણ આજ કારખાનામાં નોકરી કરતો હતો પણ એ દિવસે એ રાતપાળીમાં હતો એટલે બચી ગયો પણ એની માનું અવસાન થયું.

જલાલુદ્દીન પાંચમા માળે કામ કરતો હતો. આગની માહિતી મળતાં એણે છાપરા પર જવા માટે તારની જાળી તોડી નાખી અને ઉપર પહોંચ્યો અને બચી ગયો. બચી ગયેલા કામદારોએ જણાવ્યું કે હજુ તો ગયા અઠવાડિયે જ અહી એક આગ લાગી હતી. બીજા એક કામદારે માહિતી આપી કે નાની નાની આગ તો છેલ્લા વર્ષોમાં લાગ્યા કરતી હતી પણ કામદારોને ભાગી છુટવા માટે માત્ર બે જ દાદરા હતા. ૫૦ વર્ષના પાખી બેગમે બધી હોસ્પિટલોમાં પોતાના દીકરાની ભાળ કાઢી પણ મળ્યો નહી. તેને લાગે છે કે દીકરો બચ્યો નહી હોય. બીજા એક ભાઇએ કહ્યું કે અમારી ભત્રીજી અહીં કામ કરે છે, ફોન ઉઠાવતી ન હતી એટલે અમે અહીં દોડી આવ્યા અને હવે તો ફોનમાં રીંગ પણ વાગતી નથી એટલે ચિંતા થાય છે. ૫ વર્ષ પહેલાં હલીમાએ પોતાની ૧૧ વર્ષની દીકરી તસ્લીમાને પોતાની સાથે અહીં નોકરી અપાવી દીધી હતી. બનાવને દિવસે બંને એક જ પાળીમાં કામે હતાં પણ બંને જુદા જુદા માળ પર હતાં. આગ લાગતાં હલીમાએ બીજા માળેથી છલાંગ મારી અને તે સમયે તે પોતાની દીકરીને યાદ કરતી હતી. દીકરીને શોધવા તે પાછી જવા માગતી હતી પણ તેને જવા દેવામાં આવી નહી.

આ ઘટનામાં, આ એકમમાં કામ કરતા ૧૬ બાળકો ઘટના પછી મળતા નથી તેનો અર્થ એ થયો કે એમનો આ ઘટનામાં ભોગ લેવાઇ ગયો છે. આ એકમમાં મોટાપાયે ગેરકાયદે બાળકોને કામે રાખવામાં આવતા હોવાના અહેવાલો છે. ૧૧-૧૧ વર્ષના બાળકો પણ કામ કરતા હોવાનું કહેવાય છે. સગા સંબંધી પોતાના વહાલાઓને શોધતા હતા તેમાં મુખ્યત્વે મહિલાઓ અને છોકરીઓને શોધવામાં આવી રહી હતી.

૧૧ જુનને દિવસે આંતરરાષ્ટ્રીય બાળ મજૂર વિરોધ દિવસ મનાવાયો હતો. વળી ૨૦૨૧નું આખું વર્ષ બાળમજૂરી નાબુદી વર્ષ તરીકે મનાવાઇ રહ્યું છે ત્યારે આ સમાચાર આઘાતજનક છે. ૨૦૧૩માં બાંગ્લાદેશમાં બાળ મજૂરોની ગણતરી કરવામાં આવી હતી તે મુજબ તે સમયે બાળમજૂરોની સંખ્યા ૧૭ લાખ હતી જેમાંથી ૧૨ લાખ જોખમી વ્યવસાયમાં કામ કરતા હતા. હવે ૨૦૨૨ના મધ્યમાં ફરી ગણતરી કરવામાં આવશે ત્યારે નવા આંકડા પ્રાપ્ત થશે.

૧૧ જુલાઇએ જાહેર કરેલા નિવેદનમાં યુનીસેફે જણાવ્યું કે કાયદા હોવા છતાં બાળકો મજૂરી કરે છે અને તે પણ જોખમી વ્યવસાયોમાં, તે હકીકત છે. તે માટે કાયદામાં સુધારા કરી કડક સજાની જોગવાઇ કરવી જોઇએ. એ ઉપરાંત ઘરેલુ કામદારોમાં જે બાળકો છે તેમને રક્ષણ આપવા માટે કાનૂની જોગવાઇ કરવી પડશે. કારખાનામાં કામ કરવા માટેની લઘુત્તમ ઉંમર અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની ઉંમરમાં અનુસંધાન સાધવું પડશે. ૧૪ વર્ષથી ઉપરની ઉંમરના કારખાનામાં કામ કરતા બાળકો માટે કાયદામાં કિશોર તરીકેની ઓળખ આપવી પડશે. સામાજીક સુરક્ષાના કાર્યક્રમો સાથે એ રીતે સંકલન વિકસાવવું પડશે કે જેથી બાળમજૂરી નાબુદ થઇ શકે.

તાજેતરમાં પ્રગટ થયેલા આઇ.એલ.ઓ અને યુનીસેફના સંયુકત અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વમાં છેલ્લા ૪ વર્ષમાં જ ૮૪ લાખ બાળમજૂરો વધ્યા છે. તે સાથે વિશ્વમાં બાળમજૂરોની સંખ્યા ૧.૬૦ કરોડે પહોંચી છે. બાંગ્લાદેશમાં બાળમજૂરને કામે રાખવા માટે વધુમાં વધુ ૫ હજાર ટાકાના દંડની જોગવાઇ છે. દરોડા વખતે સ્થળ પર જ દંડ કરવાની કોઇને સત્તા નથી. બાળમજૂરોને કારણે બેકારી ઉભી થાય છે, સકલ ઘરેલુ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, જીવન ધોરણો નીચા જાય છે અને એ કારણે અર્થતંત્રને ભારે નુકસાન પહોંચે છે. બાંગ્લાદેશના કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું કે કોરોનાને કારણે કેટલાય લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે, શાળાઓ બંધ છે તેથી બાળકોને આવા કારખાનામાં નોકરીમાં રાખવાનું સરળ બન્યું છે. બાંગ્લાદેશના ફેકટરી ઇન્સપેકશન ખાતાને ટૂંકમાં ડી.આઇ.એફ.ઇ.કહેવામાં આવે છે. આ ખાતાના અધિકારીઓએ હજુ તો આ એકમની ૮ જૂનને દિવસે મુલાકાત લઇ બાળમજૂરોને કામે રાખવા બાબત કંપનીને નોટીસ પાઠવી હતી પણ કંપનીએ ગણકાર્યું ન હતું અને મહિનામાં તો આગ લાગી ગઇ.

બાંગ્લાદેશ સ્ટાન્ડર્ડસ એન્ડ ટેસ્ટીંગના ૨૦૧૯ના અહેવાલમાં દેશની ૨૬ કંપનીઓના ખાદ્યપદાર્થો ઉતરતી ગુણવત્તાના હોવાનું જણાવવામાં આવ્યું હતું, હાશેમ તે પૈકીની એક હતી!

સજીબ ઔદ્યોગિક જૂથનું આ એકમ ઓરીઓ, ટાંગ અને કેડબરી બોર્નવીટા જેવા બ્રાન્ડેડ પદાર્થોનું ઉત્પાદન કરતું હતું. આ બ્રાન્ડેડ પદાર્થો મોન્ડલેઝની માલિકીના હતા. પરંતુ આગ લાગ્યાની થોડીવારમાં જ કંપનીની વેબસાઇટ પરથી એ માહિતી દૂર કરાઇ હતી. મોન્ડલેઝ એક અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની છે જેનું વડું મથક શિકાગોમાં છે. ટોબલેરોન નામની ચોકલટ હોય કે કેડબરી નામની હોય તેના માલિક આ કંપની છે. પાકિસ્તાનની શેઝાન ઇન્ટરનેશનલ માટે તે શેઝાન જયુસીસનું પણ ઉત્પાદન કરતું હતું.  ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ફુડ, એગ્રીકલ્ચર, હોટલ, રેસ્ટોરંટ નામના આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠનના બાંગ્લાદેશના સભ્ય સંગઠનોએ સજીબ ગ્રુપ વર્કર્સ જસ્ટીસ કમિટી નામની સમિતિ બનાવીને આ બનાવની સ્વતંત્ર તપાસ કરાવવાની, આ જૂથના બીજા એકમોમાં કામદારોની સલામતી અને આરોગ્ય અધિકારોની શી સ્થિતિ છે તેની તપાસ કરવાની તેમજ જવાબદારો સામે કાનૂની પગલાં લેવાની માગણી કરી. ઇજાગ્રસ્ત કામદારોની સારવારનો તમામ ખર્ચ અને મૃતકોના પરિવારોને વળતર માટેની પણ આ સમિતિએ માગણી કરી. તપાસ, વળતર અને લાંબા ગાળાના ઉકેલ માટે પોતાની સાથે કામ કરવા આ સમિતિએ હાશેમ સાથે વ્યાવસાયિક સંબંધો ધરાવતી તમામ આંતરરાષ્ટ્રીય કંપનીઓને અપીલ કરી છે. આઇયુએફએ માનવ જીવન પ્રત્યેની આ કંપનીઓની બેદરકારીની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. સમિતિએ જણાવ્યું કે આ એકમમાં ૭૦૦૦ કામદારો કામ કરે છે તે પૈકી બીજી પાળીમાં ૧૦૦૦ કામદારો હોવાની ધારણા છે. આ ૧૦૦૦માં મોટાભાગની છોકરીઓ અને મહિલાઓ હતી.

ડાબેરી પક્ષોએ કંપનીના અધિકારીઓ અને ફેકટરી ઇન્સપેકશન ખાતાના અધિકારીઓને આ ઘટના માટે જવાબદાર ઠેરવ્યા છે. ૯ જેટલા ડાબેરી સંગઠનોએ ઘટનાના વિરોધમાં સંયુકત રેલીનું આયોજન કરી તપાસ અને વળતર માટેની માગણી કરી. કારખાનાઓમાં અગ્નિશમન માટેની અપૂરતી સગવડો (ફાયર સેફટી) ન હોવા છતાં કારખાનું ચાલવા દેવા માટે અગ્નિશમન સેવાઓને પણ તેમણે જવાવદાર ગણી. કહેવાય છે કે આ એકમમાં સ્મોક ડીટેકટર લગાવેલા ન હતા કે ચેતવણી માટે સાયરનની વ્યવસ્થા પણ ન હતી.

આ બનાવ બાદ ચિંતિત નાગરીકોએ ઘટનાની તપાસ મટે ૧૯ સભ્યોની એક નાગરિક સમિતિની રચના કરી. આ સમિતિમાં ઇજનેરો, આર્કીટેકટ, તબીબ, પત્રકાર, શિક્ષણવિદ, અધ્યાપકો, સંશોધકો, માનવ અધિકાર માટે ઝઝૂમતા કાર્યકરો, કામદાર સંગઠનના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ પીડિતોની યાદી તૈયાર કરવી, ઘટના માટે જવાબદાર પરીબળો શોધવા, ઇજાગ્રસ્ત અને ખોવાઇ ગયેલા કામદારોની યાદી બનાવવી, કામદાર કાયદાઓનો અમલ આ એકમમાં બરાબર થતો હતો કે કેમ જેવા મુદ્દે તપાસ કરશે. તપાસ સમિતિએ જયારે ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે ચોથા માળે તેમને માનવ અસ્થિના અવશેષો મળી આવ્યા હતા. જે કદાચ એક મહિલાના હતા કારણ તે સલવારમાં લપેટાયેલા હતા. સમિતિએ આશા વ્યકત કરી કે એક મહિનામાં તેઓ પોતાનો અહેવાલ સુપરત કરી દેશે. સીઆઇડીએ હવે તપાસનો કાર્યભાર સંભાળી લીધો છે. પોલીસે ૬ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. અને કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર સહિત આઠ અધિકારીઓની ધરપકડ કરી. કોર્ટે ચાર દિવસના રીમાન્ડ મંજુર રાખતાં તમામને જેલ ભેગા કરાયા. ૧૯ જુલાઇએ અબુલ હાશેમ અને તેમના બે દીકરાઓ, હસીબ બીન હાશેમ અને તારીક ઇબ્રાહીમને જામીન પર છોડવામાં આવ્યા પણ બીજા ત્રણ દીકરાઓના, જે આ એકમમાં જુદા જુદા હોદ્દા પર ફરજ બજાવતા હતા તેમના જામીન નામંજુર કરવામાં આવ્યા.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ (બાંગ્લાદેશનો વિરોધ પક્ષ) કામને કારણે અકસ્માતમાં માર્યા જનારા કામદારોના વળતર માટે નેશનલ સ્ટાન્ડર્ડ એકટ બનાવવાની માગણી કરી. તેમનું કહેવું હતું કે અકસ્માત થાય છે એટલે થોડા દિવસ વળતર માટે હોહા થાય છે અને પછી બધા પોતપોતાના કામે વળગી જાય છે અને વાત ભૂલાઇ જાય છે. તેથી આવો કાયદો બનાવવામાં આવે તો કાયમી ઉકેલ આવી જાય. આ કાયદામાં મૃતકના પરિવારને કઇ રીતે વળતર મળશે અને માલિકો સામે શાં પગલાં લેવાશે તેની જોગવાઇ કરવી જોઇએ. કામદારોને સલામત કાર્યસ્થળો પૂરા પાડવાની જવાબદારી રાજયની છે અને રાજય તે જવાબદારી નિભાવે તેમ અમે ઇચ્છીએ છીએ. પાર્ટીના આગેવાન અને જાણીતા મજૂર આગેવાન નઝરુલે જણાવ્યું કે સજીબ જુથે ૨૦૦૦ કરોડ ટાકાની લોન બેંકો પાસેથી લીધી છે જેમાં હાશેમ ફુડ માટે લીધેલી ૯૯૩ કરોડ ટાકાની લોનનો સમાવેશ થાય છે. પણ કામદારોને છેલ્લા બે મહિનાથી પગાર અને ઓવરટાઇમનું ભથ્થું ચુકવવામાં આવ્યું ન હતું. ૫ જુલાઇએ બાકી પૈકી અમુક રકમ આપવાની જાહેરાત થઇ હતી પણ ચુકવણી થઇ ન હતી. આ સ્થિતિમાં કામદારો માર્યા ગયા. બુધવારે દબાણ હેઠળ કંપનીએ થોડા કામદારોને જૂન મહિનાનો પગાર ચૂકવ્યો હતો પણ બાકીનાને હવે કયારે મળશે તેનું કાંઇ નકકી નહી. કંપની પાસે બાકી નાણાં તરત ચૂકવવાની તેમણે માગણી કરી.

આ જ વર્ષે ૨૩ એપ્રિલના રોજ જુના ઢાકાના અરમાનીટોલા વિસ્તારમાં ૬ માળના મકાનના ભોંયતળીયે કેમિકલના ગોડાઉનમાં લાગેલી આગમાં ૪ લોકો માર્યા ગયા હતા. ફેબ્રુઆરી, ૧૯માં જુના ઢાકાના ચોકબજારમાં રસાયણના ગોદામમાં થયેલા ધડાકામાં ૭૦ના મોત થયા હતા. ઘટનાના બે વર્ષ પછી પણ સરકારે જાહેર કરેલ વળતર હજુ ચૂકવાયું ન હોવાની ફરિયાદ પીડિતોએ તાજેતરમાં કરી હતી. ૨ જુન ૨૦૧૦માં નીમટોલી કેમીકલ ગોદામમાં લાગેલી આગમાં ૧૨૩ લોકો માર્યા ગયા હતા અને તેમ છતાં હજુ જુના ઢાકાના વિસ્તારોમાંથી આવા ગોદામો બીજે ખસેડાયા નથી. ૨૦૧૨માં તાઝરીન ફેકટરીમાં લાગેલી આગમાં ૧૧૭ કામદારોના મોત થયા હતા અને ૨૦૦ને ઇજા પહોંચી હતી.

રાના પ્લાઝાની ઘટના પછીના ૯ વર્ષમાં બાંગ્લાદેશમાં લગભગ ૧૫૦ અકસ્માતો નોંધાયા. તેમાંથી ૩૫ કાપડના કારખાનામાં થયા જેમાં ૨૭ કામદારો માર્યા ગયા અને ૪૯૧ને ઇજા પહોંચી.

અકસ્માતોની ઘટનાઓનો અભ્યાસ કરતાં જોવા મળે છે કે આ કારખાનાઓમાં ઇમરજન્સીમાં ભાગી છૂટવા માટેના રસ્તા જ કાં તો હોતા નથી અથવા હોય છે તો તેના દરવાજે તાળાં મારી રખાય છે. અગ્નિશમન માટેના સાધનો જ નથી હોતા કાં અપુરતા કાં ખરાબ ગુણવત્તાના હોય છે, ગેસ અને વીજળીની ખરાબ લાઇનો, બિલ્ડીંગ કોડનો ભંગ, ઉતરતી ગુણવત્તાના ફિટિંગ્સ, ચેતવણી આપવા માટેની વ્યવસ્થાનો અભાવ, ડિસાસ્ટર માટેની ડ્રીલનો અભાવ વગેરે કારણોસર ઘટનાઓ બને છે અને ઘટના સમયે કામદારો ગભરાઇ જાય છે અને શું કરવું તે સમજાતું નથી તે કારણે પણ મૃત્યુઆંક વધતો હોય છે. કામદારોને ઓવરટાઇમ કરવા માટે પણ ફરજ પાડવામાં આવે છે, ભલે તેમનું મન અને શરીર થાકેલા હોય.
સજીબ જુથના ચેરમેન મો. અબુલ હાશેમે અખબાર ‘ડેઇલી સ્ટાર’ના ખબરપત્રી સાથે વાત કરતાં જણાવ્યું કે, “ઉદ્યોગની સ્થાપના કરવી મારા જીવનની સૌથી મોટી ભુલ હતી. જો ઉદ્યોગ હોય તો કામદારો હોય જ, કામદારો હોય તો કામ હોય અને કામ હોય તો આગ પણ હોય. આગ લાગી એમાં મારો શો વાંક? એવું તો નથી ને કે મેં જઇને દિવાસળી ચાંપી હોય? એવું તો અમારા કોઇ મેનેજરે પણ કર્યું નથી. આગ તો કામદારોની બેદરકારીને કારણે જ લાગી હશે. એવું પણ બન્યું હોય કે કોઇ કામદારે સળગતી સિ

સિગારેટ આમ તેમ ફેંકી હોય અને આગ લાગી હોય તો કોઇ પત્રકારે એમને પુછયું નહી કે સલામતી માટેનું, આગ લાગતી અટકાવવા માટેના પ્રયાસો કરવા માટેનું તમારું વાર્ષિક બજેટ કેટલું હતું અને તે મુજબ કેટલો ખર્ચ તમે કરતા હતા? હાશેમે આગળ કહ્યું કે, “હાલ જે લોકો વિરોધ કરે છે તે તો બધા બહારના માણસો છે, અમારા કામદારો નથી. આ એકમના ઉત્પાદનનું કામ ૭ મકાનોમાં ચાલતું હતું. હાશેમે કહ્યું કે આખા કારખાનામાં ૬૦૦-૭૦૦ માણસ હશે. આગ લાગી ત્યારે એ મકાનમાં કેટલા માણસો હશે એવા સવાલના જવાબમાં એમણે જવાબ આપ્યો કે હું ચોકકસ કહી શકું નહી કારણ એ સમયે ઘણા ખાતાં બંધ હતાં. ઘટના સ્થળની તમે મુલાકાત લીધી? એવા સવાલના જવાબમાં કહ્યું કે ના, હું જઇ શકયો નથી પણ મારા માણસો છે. જે મૃત્યુ પામ્યા છે એ તો મારા દીકરા દીકરીઓ હતા. હું પડી ભાંગ્યો છું. મકાનમાં અગ્નિશમન માટે પૂરતાં સાધનો હોવાનો તેમણે દાવો કર્યો.

બનાવ બન્યા બાદ તરત જ નારાયણગંજ જીલ્લા વહીવટી તંત્રે મૃતકોને માટે ૩૦ હજાર ટાકા અને ઇજાગ્રસ્તો માટે ૧૦ હજાર ટાકાનું વળતર/સહાય જાહેર કર્યા. ઉપરાંત અંતિમક્રિયા માટે ૨૫ હજાર ટાકાની પણ જાહેરાત કરવામાં આવી.

આ મકાનના ભોંયતળિયાનો વિસ્તાર ૩૫ હજાર ચો.મીટર હતો અને તેટલા વિસ્તાર માટે કટોકટીમાં ભાગી છુટવા માટે ૪ કે ૫ રસ્તા હોવા જોઇએ પણ અહીં માત્ર બે જ હતા. મકાનનું ભોંયતળિયું માત્ર ભંડારણ માટે વપરાતું હતું. ઇકબાલ હબીબ નામના નિષ્ણાતે કહ્યું કે મૂળે આ મકાન ગોદામ હતું તેને ફેકટરીમાં ફેરવી નાખવામાં આવ્યું. સરકારી તપાસ સમિતિએ જણાવ્યું કે ફેકટરીનું વહીવટી તંત્ર એમને તપાસ માટે જરૂરી દસ્તાવેજો પુરા પાડતું નથી એટલે તપાસ અહેવાલમાં વિલંબ થવા સંભવ છે. કંપનીવાળા કહે છે કે અમારા સર્વોચ્ચ અધિકારીઓની પોલીસે ધરપકડ કરી હોવાથી આ દસ્તાવેજો પૂરા પાડવામાં વિલંબ થઇ રહ્યો છે. સવાલ છે કે તંત્ર પાસે આવા અગત્યના દસ્તાવેજોની નકલ કેમ રાખવામાં આવતી નથી? વળી ઘણા વિલંબ પછી અહેવાલ આવશે અને તેમાં જે ભલામણો કરાઇ હશે તેનો અમલ થશે તેવી ખાતરી કોણ આપશે? શ્રી ઇકબાલે માગણી કરી કે ફેકટરી ઇન્સપેકશન ખાતા અને અગ્નિશમન ખાતાના અધિકારીઓને સદર ઘટના માટે જવાબદાર ઠેરવી સજા કરવામાં આવે તો ચોકકસ આવી ઘટનાઓ ઓછી થઇ જાય.

સમગ્ર દક્ષિણ એશિયાના દેશો,  ભારત,પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકામાં લગભગ એક જેવી જ સ્થિતિ છે. સામાજીક સંસ્કૃતિ એક જેવી છે. સમસ્યાઓ એક જેવી છે ત્યારે આપણે પણ આ ઘટનામાંથી બોધપાઠ લેવા જોઇએ.

સંદર્ભ સુચીઃ

Recommended Video

This article appeared in the South China Morning Post print edition as: dozens perish in factory inferno

https://www.scmp.com/news/asia/south-asia/article/3140511/bangladesh-factory-fire-kills-52-workers-jump-upper-floors

https://www.bbc.com/news/world-asia-57763446

https://www.iuf.org/news/deadly-fire-at-hashem-food-a-blatant-disregard-for-the-law-and-a-callous-disregard-for-human-life/

https://www.newagebd.net/article/143355/narayanganj-factory-fire-leftists-blame-employers-govt-agencies

https://www.thedailystar.net/news/bangladesh/accidents-fires/news/cargo-vessel-sinks-near-bhasanchar-2129631

https://www.theindependentbd.com/post/265205

https://iufap.org/2021/07/10/children-among-those-killed-and-injured-in-hashem-foods-factory-fire-in-bangladesh/

https://iufap.org/2021/07/11/find-my-mother-the-story-of-a-child-labourer-in-the-hashem-foods-factory-fire-in-bangladesh/

https://www.dhakatribune.com/business/2021/07/12/what-is-the-real-cost-of-child-labour

https://www.thedailystar.net/views/opinion/news/how-long-will-factory-fires-bangladesh-continue-unabated-2128386

https://www.theindependentbd.com/post/265123

https://www.thedailystar.net/opinion/justice-practice/news/we-should-stop-calling-acts-corporate-manslaughter-accidents-2129336

https://www.dhakatribune.com/opinion/op-ed/2021/07/12/op-ed-in-case-of-emergency

https://www.thedailystar.net/news/bangladesh/accidents-fires/news/i-didnt-set-the-fire-sajeeb-group-chairman-denies-responsibility-narayanganj-fire-2125891

https://www.thedailystar.net/news/bangladesh/accidents-fires/news/human-remains-found-4th-floor-hashem-foods-factory-citizens-investigation-committee-2132306

https://www.thedailystar.net/views/editorial/news/wrongs-are-exposed-only-after-tragedy-2127611

https://www.newagebd.net/article/144179/deplorable-non-cooperation-of-narayanganj-fire-factory


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

2 thoughts on “બાંગ્લાદેશમાં કારખાનામાં આગઃ ૫૨ના મોત

  1. Bangladesh is ‘Jagat Darji’ since past many decades. Majority of the western fashion brands are using Bangladesh (to an extend India as well) due to cheap labour and due to lax rules – which when manufactured in their own country or even in poorer parts of Europe or America would make their manufacturing cost shoot up. A piece of cloth being sold for $200 or even more, these workers are paid peanuts for. So the ‘Bhrashtachar’ is globalised in a sense! It is not just a fault of a poor country to provide cheap labour without looking at the welfare of its workforce, but also big big fault of these MNCs to exploit such loopholes and those vulnerable country/people.

  2. Thank you, Megha for going through the article and posting your comments.
    MNCs in the garment sector in Bangladesh is well-known. In the past several accidents took place in Bangladesh factories that were manufacturing for MNCs. What was not known to me to this extent in the food industry. MNCs in the food industry is huge and their behavior is as in other sectors – chemical ( we have examples of Bhopal gas leak in 1984 to LG gas leak -styrene – leak in Vishakhapattanam in May 2020. We also have examples of the toy industry – an accident in Kader Toy in Bangkok in 1993 killing over 150 women workers. MNCs can hire experts and can buy technology if they want. National laws remain far behind to cope up with the technological advances Manpower enforcing these laws also remains poor in knowledge to deal with the technology of which they have no training. The post-accident investigation is done by these people and many a time we see that these reports are technically very poor. We need political leaders who are visionary and who understand the need to protect workers.

Leave a Reply to Jagdish Patel Cancel reply

Your email address will not be published.