ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૫૨: ચૂંટણીઓમાં મુસ્લિમ લીગને જબ્બર સફળતા અને કૅબિનેટ મિશન

દીપક ધોળકિયા

આપણે (૪૭મા પ્રકરણમાં) જોયું કે વાઇસરૉય વેવલે સેંટ્રલ અને પ્રાંતિક ઍસેમ્બ્લીઓની ચૂંટણી જાહેર કરી અને કોંગ્રેસે ચૂંટણીમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. આ ચૂંટણી કોંગ્રેસના કાર્યક્રમના પ્રચારપ્રસાર માટે જરૂરી હતી, પરંતુ મુસ્લિમ લીગ માટે તો એ જીવન-મરણના ખેલ જેવી હતી. મુસ્લિમ લીગ જો મુસ્લિમ બહુમતીવાળા પંજાબ અને બંગાળમાં નબળો દેખાવ કરે તો પાકિસ્તાન બનાવવાની વાત જ ભૂલી જવી પડે. એટલે જિન્નાએ કમર કસી લીધી. ૧૯૪૫ના અંતમાં થયેલી આ ચૂંટણીએ દેશનું ભાવિ નક્કી કરી આપ્યું, એટલું જ નહીં, પાકિસ્તાનનો નક્શો પણ બનાવી દીધો. એક બાજુથી, આઝાદ હિન્દ ફોજના કેસો ચાલતા હતા અને સરકારે તેલ જોયું, તેલની ધાર જોઈ અને શાહ નવાઝ ખાન, પ્રેમ કુમાર સહગલ અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોંને છોડી મૂક્યા તેથી જનતાનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો પણ ચૂંટણીઓએ દેખાડી આપ્યું કે દેશ કઈ દિશામાં જતો હતો.

દાર-ઉલ-ઉલૂમ દેવબંદના ઉલેમાઓ કહેતા કે ઇસ્લામની સરહદો ન હોય, એટલે એ પાકિસ્તાનની વિરુદ્ધ હતા પણ એમનામાંથી જ કેટલાક એવા નીકળ્યા, જે પાકિસ્તાનની હિમાયત કરવા લાગ્યા.  એમણે તો જાતે જ ચૂંટણીમાં મુસ્લિમ લીગનો પ્રચાર કરવાની તૈયારી દેખાડી. લીગ માટે તો જાણે કોળિયો ઊડતો આવ્યો અને મોઢામાં ઝિલાયા જેવું થયું. એણે ૨૪ મૌલાનાઓને પસંદ કરીને પ્રચાર માટે ઠેકઠેકાણે મોકલ્યા. પરિણામ એ આવ્યું કે ઇસ્લામના નામે ગરીબ મુસલમાનો પણ લીગ તરફ વળ્યા. જો કે, મતદાન માટેની પાત્રતાના નિયમો નહોતા બદલાયા, એટલે માંડ એક ટકા વસ્તીને મત આપવાનો અધિકાર હતો, પરંતુ વાતાવરણમાં પાકિસ્તાન ગૂંજતું થઈ ગયું. આ પાકિસ્તાનની કોઈની કલ્પના નવા મદીનાની હતી તો કોઈને માટે એ મુસલમાનોનું બિનસાંપ્રદાયિક રાજ્ય હતું. પરંતુ એકંદરે પાકિસ્તાન મુસલમાનોના મનમાં આકાર લઈ ચૂક્યું હતું અને એમાં ધર્મ વધારે દેખાતો હતો.

ઑગસ્ટ ૧૯૪૫માં વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલના સભ્ય સર ફિરોઝખાન નૂને કાઉંસિલમાંથી રાજીનામું આપ્યું અને લીગમાં જોડાયા. એમણે કહ્યું કે “લીગની સાથે ન હોય તેવા મુસલમાનને મત આપવો તે ઇસ્લામની વિરુદ્ધ મત આપવા બરાબર છે.” તે ઉપરાંત, અલીગઢના પંદરસો વિદ્યાર્થીઓને તાલીમ આપીને લીગના પ્રચાર માટે તૈયાર કરાયા. એમણે ગામેગામ જઈને જ્યાં મુસલમાનો લીગનું નામ પણ નહોતા જાણતા ત્યાં પહોંચાડ્યું.

ચૂંટણીમાં સામ્યવાદીઓએ સામાન્ય સીટો પર તો કોંગ્રેસને ટેકો આપ્યો, પણ મુસલમાનો માટેની સીટો માટે એ મુસ્લિમ લીગની તરફેણમાં રહ્યા. જો કે લીગને એમના ટેકાની જરૂર નહોતી અને વિરોધની પરવા નહોતી.

ચૂંટણીનાં પરિણામો જોઈએ તો, કુલ ૧૧ પ્રાંતોમાં કોંગ્રેસને ૧ કરોડ ૯૦ લાખ મત મળ્યા અને મુસ્લિમ લીગને ૪૫ લાખ મત મળ્યા તેમાંથી ૭૫ ટકા મત મુસલમાનોની સીટ પર મળ્યા. બાકીના ૨૫ ટકા મત એટલે કે પાંચ લાખ લીગની વિરુદ્ધના મુસલમાન ઉમેદવારોને ફાળે ગયા. શિડ્યૂલ્ડ ક્લાસના ઉમેદવારો પાંચ લાખ મત મેળવી શક્યા, જ્યારે કમ્યુનિસ્ટો છ લાખ મત જીતી ગયા.

સીટોના હિસાબે જોઈએ તો, કોંગ્રેસે દેશના ખૂણેખૂણે જીત મેળવી અને એના મુસલમાન ઉમેદવારો પણ વિજયી થયા. ૧૯૩૭ની સરખામણીએ કોંગ્રેસના મત પણ વધ્યા. બીજી બાજુ મુસલમાનો માટેની સીટો પર મુસ્લિમ લીગે પોતાની ધાક જમાવી. મુસ્લિમ લીગે સિંધ અને બંગાળમાં સરકાર બનાવી, પંજાબમાં લીગ ૭૩ સીટો સાથે સૌથી મોટી પાર્ટી હોવા છતાં એને સ્પષ્ટ બહુમતી ન મળી એટલે લીગ સિવાયના પક્ષોને મિશ્ર સરકાર બની, જેમાં ૫૧ સીટ જીતીને કોંગ્રેસ પણ સાથે રહી.સત્તાધારી યુનિયનિસ્ટ પાર્ટીનું કદ સંકોચાઈને માત્ર ૨૦ સીટ જેટલું રહ્યું. ૨૩ અકાલીઓ ચુંટાયા અને ૯ સીટ પર અપક્ષો જીત્યા. આ પક્ષોએ સાથે મળીને સરકાર બનાવી પણ મુસ્લિમ લીગે તે પછી ખીઝર હયાત ખાનનો જે રીતે વિરોધ કર્યો તેનાથી બધા અપક્ષો મુસ્લિમ લીગમાં ભળી ગયા અને યુનિયનિસ્ટ પાર્ટીના મુસ્લિમ સભ્યોએ પણ પક્ષ છોડી ગયા. આમ, અંતે ૧૯૪૭નો માર્ચ મહિનો આવતાં સુધીમાં ખીઝરને રાજીનામું આપવું પડ્યું. બીજા જ દિવસે ત્યાં ગવર્નરે બધી સત્તા સંભાળી લીધી. દેશના ભાગલા થયા ત્યાં સુધી પંજાબમાં કોઈ સરકાર ન બની. મુસ્લિમ લીગ પોતે તો સરકાર બનાવી ન શકી પણ એના વિરોધીઓના હાથમાંથી સત્તા ગઈ તે જિન્ના અને પાકિસ્તાન શુકનિયાળ ઘટના હતી.

બંગાળમાં કોંગ્રેસને ૧૯૩૭માં ૫૪ બેઠકો મળી હતી તે વધીને ૧૯૪૬માં ૮૬ થઈ ગઈ, પણ ફઝલુલ હકની કૃષક પ્રજા પાર્ટી સાફ થઈ ગઈ. માત્ર નવ લીગવિરોધી મુસલમાનો ચુંટાયા. આમ પણ મુસ્લિમ લીગે ફઝલુલ હકની સરકારને તો ૧૯૪૦માં જ ઉથલાવી પાડી હતી. આ વખતે લીગે મુસલમાનો માટેની બેઠકો ૧૧૯ સીટોમાંથી ૧૧૩ સીટો જીતી લીધી. બિહારમાં ૪૦ મુસલમાન મતદાર મડળોમાં ૩૪માં મુસ્લિમ લીગને વિજય મળ્યો અને યુક્ત પ્રાંતમાં મુસલમાનોની ૬૪ બેઠકોમાંથી ૫૪ બેઠકો લીગને મળી. મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં મુસલમાનોની બધી સીટ પર લીગના ઉમેદવાર જીત્યા.

કોંગ્રેસે ૧૧માંથી આઠ પ્રાંતોમાં સરકાર બનાવી અને મુસ્લિમ લીગે બે પ્રાંતોમાં બનાવી. પંજાબમાં મિશ્ર સરકાર બની જે પડી ભાંગી. દેખીતી રીતે જનતામાં કોંગ્રેસ માટે સમર્થન વધ્યું હતું પણ બીજી બાજુ મુસ્લિમ લીગે મુસ્લિમ સમાજના માનસ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું. પંજાબમાં કોઈ સરકાર નહોતી અને બંગાળમાં મુસ્લિમ લીગની સરકાર હતી. આમ પાકિસ્તાનનો નક્શો પણ બની ગયો.

જિન્નાએ ચૂંટણી જીતવા માટે અંગત રીતે ભારે મહેનત કરી હતી. એમણે પાકિસ્તાનને એકમાત્ર મુદ્દો બનાવ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન એમણે ઑક્ટોબરમાં જ કહી દીધું હતું કે “આપણી પાકિસ્તાન માટેની માગણી બહુ સ્પષ્ટ છે. ભારતના જે ભાગોમાં મુસલમાનો બહુમતીમાં છે એમને ભેળવી દઈને એક મુક્ત અને સાર્વભૌમ રાજ્ય બનાવવાનું છે. મુસલમાનો પાકિસ્તાનની વિરુદ્ધ મત આપશે તો હું મારી હાર કબૂલી લઈશ.”. પરંતુ, જિન્નાએ નવો આત્મવિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો.

બ્રિટિશ સંસદસભ્યો ભારતની મુલાકાતે

૧૯૪૬ના જાન્યુઆરીમાં બ્રિટિશ સંસદસભ્યોની ટીમ ભારતના પ્રવાસે આવી અને અહીં, સ્વતંત્રતા માટે સંઘર્ષ કરતા બધી વિચારધારાના પ્રતિનિધિઓને મળીને એમણે સ્થિતિનો કયાસ કાઢ્યો કે બ્રિટન બહુ વખત સુધી પોતાનું નિયંત્રણ ટકાવી શકે એમ નથી અને જો મંત્રણાઓને માર્ગે સત્તા પરિવર્તનના પ્રયાસો નહીં કરાય તો હિંસામાં માનનારાં પરિબળોના હાથમાં તાકાત વધશે.  પાછા ફરીને એમણે સરકારને જે રીતે રિપોર્ટ આપ્યો હોય તેની અસર પડી હોય તેમ મજૂર સરકારે કૅબિનેટનું પ્રતિનિધિત્વ કરતી ટીમ ભારતના રાજકીય નેતાઓને એમના મતભેદો દૂર કરવામાં મદદ કરવા માટે મોકલવાનો નિર્ણય કર્યો કે જેથી તેઓ “ભારતના સાર્વભૌમ ગૌરવ સાથે કોઈ પણ રીતે અસંગત ન હોય” તે રીતે રાજકીય સત્તા હાથમાં લઈ શકે.

૧૯મી ફેબ્રુઆરીએ ભારત માટેના પ્રધાન લૉર્ડ પૅથિક લૉરેન્સે આમસભામાં ‘કૅબિનેટ મિશન’ મોકલવાનો નિર્ણય જાહેર કર્યો. મિશન તરીકે પૅથિક લૉરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એ. વી. ઍલેક્ઝાન્ડરનાં નામો હતાં.

પૅથિક લૉરેન્સે મિશનનાં ત્રણ લક્ષ્ય દર્શાવ્યાં:

૧. બંધારણ બનાવવા માટે બ્રિટિશ ઇંડિયાના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને રજવાડાંઓના પ્રતિનિધિઓ સાથે પ્રાથમિક સ્વરૂપની વાતચીત;

૨. બંધારણ બનાવનારી સંસ્થાની સ્થાપના; અને

૩.વાઇસરૉયની ઍક્ઝીક્યુટિવ કાઉંસિલનું પુનર્ગઠન કરવું કે જેથી એને હિન્દુસ્તાની પાર્ટીઓનો ટેકો મળી શકે.

૧૫મી માર્ચે વડા પ્રધાન ઍટલીએ સરકારની ભારત વિશેની નીતિનું નિવેદન આમસભામાં રજૂ કર્યું. ઍટલીએ કહ્યું કે મારા સાથીઓ ભારતને જેમ બને તેમ જલદી અને પંપૂર્ણ આઝાદી આપવાના પ્રયાસો કરવા માટે જાય છે. અત્યારના શાસનની જગ્યાએ કઈ જાતનું શાસન રાખવું તે ભારત પોતે જ નક્કી કરશે, આપણે એના માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં મદદ કરવાની છે.

ઍટલીએ કહ્યું કે યુદ્ધ વખતે લોકમત જલદી ઘડાય છે અને ફેલાય છે. શાંતિના કાળમાં એવું ધીમે ધીમે થાય છે. પહેલા વિશ્વયુદ્ધ પછી ભારતમાં રાજકીય જાગરુકતામાં ઉછળો આવ્યો અને હવે યુદ્ધ પછી રાષ્ટ્રવાદી ભાવનાઓ, માત્ર ભારતમાં નહીં આખા એશિયામાં વધારે પ્રબળ બની છે.

ઍટલી પોતે સાઇમન કમિશનના સભ્ય હતા તે યાદ કરીને એમણે કહ્યું કે એ વખતે પણ રાષ્ટ્રીયતાનું જોર વધ્યું હતું.. ભલે એમનાં વલણોમાં કોમવાદ દેખાયો હોય. આજે પણ મતભેદો છે જ, પણ હું એના પર ભાર આપવા નથી માગતો, એમના વચ્ચે ગમે તેટલા મતભેદ હોય અને ગમે તેટલી મુશ્કેલીઓ આવે આપણે એ સમજવાનું છે કે એ સૌ સ્વતંત્રતાની માગણી કરે છે.

૨૩મી માર્ચે કૅબિઇનેટ મિશનના સભ્યો ભારત આવી પહોંચ્યા અને એમણે તરત જ કામ શરૂ કરી દીધું.

કૅબિનેટ મિશન બહુ મહત્ત્વનું છે અને એના વિશે આપણે આવતાં કેટલાંક પ્રકરણોમાં સમજવાનો પ્રયાસ કરશું.

૦૦૦

સંદર્ભઃ
The Annual Indian Register 1945 Vol, 2, 1946 Vol 1 and 2


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.