બ્રિટિશ ભારતમાં શીતળાનું રસીકરણ: પડકારોની કથા

સમાજ દર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

આપણે ત્યાં કોવિદ 19ની રસી લેવા માટે આજે ભલે લાઇનો લાગતી હોય પરંતુ શરૂઆતમાં સત્તાવળા માટે રસીકરણનું કામ સરળ ન હતું.  રસીની સલામતી બાબતે  શંકાને કારણે લોકો રસી લેતા અચકાતા. કેટલાક આદીવાસી જૂથોમાં અંધશ્રધા પણ જોવા મળી છે.  જો કે  તેનું પ્રમાણ ઘણું ઓછું છે.  પરંતુ શીતળાની  રસી બાબતે વાત સાવ જુદી હતી.  રસી લેવાની વાત જ સાવ નવી હતી, ઉપરાંત દેશમાં વિવિધ જાતિ, ધર્મ વગેરેમાં  ખૂબ જ અંધશ્રદ્ધા કે રિવાજોને કારણે રસી લેવાનો વિરોધ થતો. એ વખતની બ્રિટિશ સરકારે દેશમાં શીતળાનાં રસીકરણ  બબતે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડેલો.

આ સમસ્યાઓ અંગે વાત કરીએ તે પહેલા રસીની શોધ અંગે ખૂબ  જ સંક્ષિપ્તમાં વાત કરી લઈએ. માણસોને શીતળા થતા એ જ પ્રમાણે ગાયને પણ શીતળા થતા, જેને અંગ્રેજીમાં cowpox કહેવાય છે. ચેપગ્રસ્ત ગાયના આંચળમાં શીતળાના ફોલ્લા ઉભરાતા. ગાય દોહનારને તેનો ચેપ લાગતો અને તેના હાથ પર એકાદ શીતળાનો ફોલ્લો ઉભરી આવતો જે  થોડા સમય પછી  શમી જતો.  આવી વ્યક્તિને પછી કદી શીતળા થતા નહિ. આ નિરીક્ષણનો ઉપયોગ કરીને ડોક્ટર જેનરે શીતળગ્રસ્ત ગાયના ફોલ્લામાંથી રસી કે પસ(આપણે તેને રસીદ્રવ્ય તરીકે ઓળખીશું) ખેંચીને એક બાળકના શરીરમાં દાખલ કર્યું. આ રીતે માત્ર શીતળાના જ નહિ પણ કોઇપણ રોગ સામેના રસીકરણના શ્રીગણેશ થયા. લેટિન  શબ્દ “vaccinus” નો અર્થ   “ગાયનું”  કે “ગાયમાંથી” એવો થાય છે. આથી જ અંગ્રેજીમં તેને vaccination કહેવાય છે. આપણામાંના જેમણે બાળપણમાં શીતળાની રસી મૂકાવી હશે તેમણે અનુભવ્યું  હશે કે  હાથ પર જ્યાં  રસી મૂકવામાં આવતી ત્યાં ગૂમડું પાક્યું હોય તેવું થઈ જતું.

રસીકરણના આરંભમાં આ ગૂમડામાંથી  રસીદ્રવ્ય ખેંચીને  જે બાળકને રસી આપવાની હોય તેના હાથમાં દાખલ કરવામાં આવતું. અંગ્રેજીમાં આ પ્રકારની રસી આપવાની પદ્ધતિને variolation કહેવાય છે. પરંતુ  આપણે તેને રસીના હસ્તાંતરણ તરીકે જ ઓળખીશું.

શીતળાની રસી  બાબતે આપણા દેશમાં ૧૪ મી જુન ૧૮૦૨ નો દિવસ યાદગાર બની ગયો. આ દિવસે મુંબઈની અન્ના દુસ્થાલ નામની એક ત્રણ વર્ષંની તંદુરસ્ત અને ખુશમિજાજ બાળકીને સૌ પ્રથમ શીતળાની રસી સફળતાપૂર્વક આપવામાં આવી. એ પહેલા ૧૭૯૯ માં ડોક્ટર જેનરે રસીદ્રવ્ય વિયેના મોકલેલું અને ત્યાંથી હસ્તાંતરણની શૃંખલા બનાવીને ( જેમ ગામડામાં આગ લાગતી ત્યારે ગામલોકો  હારબંધ ગોઠવાઈને એક વ્યક્તિ તેના પછીની વ્યક્તિને પાણી પહોંચાડતી તેમ) વાયા ઇસ્તંબુલ બગદાદ પહોંચાડવામાં આવેલું, બગદાદમાં જેને રસી આપવામાં આવેલી તે બાળક બસરા પહોંચ્યું. તેના હાથમાંથી પૂરતું રસીદ્રવ્ય મળી આવતા મુંબઈ મોકલવામાં આવ્યું અને પેલી બાળકી દુસ્થાલ પર તેનો સફળ પ્રયોગ થયો. દુસ્થાલના રસીદ્રવ્યનો ઉપયોગ મુંબઈમાં જ બીજા પાંચ બાળકોને રસી આપવામાં કરવા આવ્યો. ઉપરાંત  તેને  પૂના , સુરત, હૈદ્રાબાદ, ચેન્નાઈ જેવાં શહેરો ઉપરાંત શ્રીલંકામાં પણ મોકલવામાં આવ્યું. આ પછી કુલ વીસ વ્યક્તિઓ પર તેનો સફળ પ્રયોગ થયેલો. આ રીતે  દેશમાંથી શીતળાના રોગને નિર્મૂળ કરવાના પ્રયાસોનો આરંભ થયો.

અન્નાને રસી અપનાર દાકતર હેલેનસ સ્કોટે આશા વ્યકત કરી હતી કે શીતળાના દૈંત્યમાંથી માનવજાતને હવે મુક્તિ મળી શકશે. આમ છતાં કામ એટલું સહેલું ન હતું. પ્રજાના જુદા જુદા વર્ગોમાં તેનો વિરોધ થતો. વિરોધ બહુ વ્યાપક ન હોવા છતાં  દેશી તેમજ બ્રિટિશ દાકતરો કે રસી આપનાર કર્મચારી (જેમને ટીકાદાર કહેવાતા)ને દરેક તબક્કે વિરોધનો અને નિતનવા પડકારોનો સામનો કરવો પડતો. દેશની  વિવિધતાને કારણે રસી નહિ લેવા માટેના પ્રજાના દરેક વર્ગ દીઠ જુદા જુદા કારણો જોવા મળતાં. કેટલાકને  પશ્ચિમનાં તબીબી વિજ્ઞાન સામે જ વાંધો  હતો, તો કેટલાકને  રસીની સલામતી બાબતે શંકા હતી.  ઘણા બધાને તેમાં ધર્મ કે રિવાજોનો બાધ નડતો. કોઈ નીચલી જ્ઞાતિની વ્યક્તિનાં રસીદ્રવ્યના ઉપયોગથી ઉચ્ચ જ્ઞાતિઓ અભડાઇ જવાના ડરથી વિરોધ કરતી. જે અધિકારીઓએ વિચાર્યું કે વિરોધને કચડી નાખીશું તેમના હાથ તો હેઠા જ પડ્યા.

બ્રિટનની યોર્ક યુનિવર્સિટિના પ્રોફેસર સંજય ભટ્ટાચાર્ય WHO(વિશ્વ આરોગ્ય સંસ્થા)ના વૈશ્વિક આરોગ્ય ઇતિહાસ વિષયક સમિતિના વડા છે. તેમનો સ્પષ્ટ મત છે કે રસીકરણ માટે લોકોનો વિશ્વાસ જીતવો ખૂબ જ મહત્વનો છે.  જો સમાજમાં ધાર્મિક, રાજકીય કે અન્ય રીતે મોભાનું સ્થાન ધરાવતી વ્યક્તિ  રસીનો સ્વીકાર કરે તો કાર્ય વધારે સરળ બને  છે.

કોવિદ 19ની બિમારી બાબતે હજુ આપણે અભ્યાસના તબક્કામાં છીએ. જ્યારે એ સમયે શીતળા બાબતે  સારી એવી માહિતી પ્રાપ્ત થયેલી. મૃત્યુ દર  તે સમયે દર ત્રણ દરદી  દીઠ એકનો  હતો. વળી મટ્યા પછી તેની કોઇને કોઇ અસર તે છોડી જતો. ચાઠાને કારણે ચહેરો તો અવશ્ય કદરૂપો બની જતો, તો ક્યારેક અંધાપો પણ આવતો. આથી ભારત અને યુરોપમાં તેણે હાહાકાર મચાવેલો. રાણી  ઇલિઝબેઝ પ્રથમે પોતાના ચહેરાને કદરૂપો બનાવતા ચાઠાને ઢાંકવા માટે ચહેરો સફેદ રંગથી રંગાવેલો, બીજા  અમીર ઉમરાવો પણ  શરીર પર જુદા જુદા ચિતરામણો કરાવતા કે સ્ટીકરો લગાવતા. ભારતના પ્રગતિશીલ ચિત્રકાર એફ એન સોજાને બાળપણમાં શીતળા થયેલો અને  પછીથી શરીર પરના ચાઠાને ઢાંકવા માટે  તેના પર તેમણે  ચિત્રો દોરેલાં.

ભારતીય ઉપખંડમાં દર પાંચ વર્ષે શીતળાનો વાવર આવતો. આથી સ્વભાવિક છે કે દુસ્થાલાનાં  રસીકરણે આશા જગાવી હોય. રસીકરણ માટે દેશમાં ઘનિષ્ટ પ્રયાસો પણ  કરવામાં આવેલા. ૧૮૦૫ માં રસીકરણ વિભાગના જનરલ સુપ્રિ‌ન્ટે‌ન્ડે‌ન્ટ જનરલ શોલબ્ર્ડ બંગાળ પ્રાંતમાં રસીકરણ માટે આતુર હતા. પરંતુ આ કાર્ય જેમણે કરવાનું હતું તે ટીકાદારો તો બ્રાહમણો હતા અને તેઓ પોતે જ રસીકરણના સખત વિરોધી હતા. આથી તેમણે પોતાના પ્રભાવનો ઉપયોગ બાળકોના માબાપોને રસી લેવા બાબતે હતોત્સાહ કરવામાં જ કરેલો!

આપણે જોઈ ગયા તે મુજબ  અગાઉથી જેને રસી આપવામાં આવી હોય તેના  ભીંગડામાંથી રસીદ્રવ્ય લેવામાં આવતું. પછી તેને સૂકવીને રાખ્યા બાદ જરૂર પડે  અન્ય વ્યક્તિના શરીરમાં  દાખલ કરવામાં આવતું.  દેશી ટીકાદારો તો ધાર્મિક માન્યતાને લીધે  આ રસીદ્રવ્યને અપવિત્ર જ માનતા. આથી તેના પર ગંગાજળ છાંટીને  શુદ્ધ કરતા તેમજ માછલી, દૂધ અને ઘી જેવા ખાદ્ય પદાર્થોને અપવિત્ર થતા અટકાવવા માટે દૂર રાખતા!  તેમના માટે  આ કામગીરી અણગમતી જ હતી. કામગીરી છોડી ના દે માટે 1805માં કલકત્તા અને તેની આજુબાજુના ટીકાદારોને પે‌ન્શન આપવામાં આવતું.

જે દેશમાં સતી થવાના અને બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ પ્રવર્તતા હોય ત્યાં વર્ષો સુધી  રસીકરણ  બાબતની અંધશ્રદ્ધા ચાલુ રહે તેમાં આશ્ચર્ય ન જ થાય. આખી 19મી સદી દરમિયાન બાળકોના  માતાપિતા ટીકાદારોથી દૂર ભાગી જતાં. ક્યારેક તેમને જોઈને બાળકની માતઓ  રડવા લાગતી અને પિતાઓ ગુસ્સે થતા. ટીકાદારો‌માં  તો તેમને રાક્ષસ  જ નજરે પડતો.  તારીખ ૨૬ નવેમ્બર ૧૮૮૭ ના ‘સિંધ સુધાર’ નામના સમાચાર પત્રનાં નોંધ્યા મુજબ એક હોડીવાળાનાં બાળકને કોઈ  ટીકાદારે પકડીને તેના ઘારામાંથી રસીદ્રવ્ય લીધું અને અને તેનો ઉપયોગ આડેધડ રીતે જ્યાં પણ કોઈ બાળક દેખાયું તેને રસી આપવામાં કર્યો. આવી  વાતો ઠેર ઠેર  સાંભળવા મળતી.  ટીકાદારોને  શિકારી તરીકે  જ જોવાતા!

આજે પણ  ઘણાબધા લોકો  એવા છે કે  જેમને  સમજાવીએ  કે આમાં ડરવાની જરૂર નથી ,ખાલી કીડીએ ચટકો ભર્યો હોય એમ લાગશે, છતાં તેઓ ઇંજેક્શન લેવાથી પણ  ડરતા જ હોય છે. જાણીતા મહામારી વિદ ચંદ્રકાંત લહરિયા આને સામાન્ય માનવીય વર્તન ગણે છે. વળી  રસીકરણ એ માત્ર સોય ભોંકવા જેવું ન હતું પરંતુ તેમાં સમય પણ લાગતો. રસી આપવાનાં સાધનો પણ એટલા (user-friendly)સરળ ન હતા. આથી બાળકને પુષ્કળ પીડા થતી.  માત્ર રસી લેવાથી પીડાનો અંત આવતો ન હતો. ચાઠા પાક્યા પછી તેમાંથી  રસીદ્રવ્ય ખેંચવાનું પણ એટલું જ પીડાજનક હતું.  આમ છતાં સ્વેચ્છાએ રસી લેનારા મળી આવતા  પરંતુ  કેટલાક લોકો એવા પણ હોય જ છે જેમને ગમે તેટલા વૈજ્ઞાનિક પુરાવા આપો છતાં તેઓ રસી લેવા માટે તૈયાર થતા નથી. રસીકરણના વિરોધ વિનાનો કોઈપણ સમયગાળો જોવા મળ્યો નથી.

મુંબઈની એસ એન ડી ટી કોલેજના ઈતિહાસના મદદનીશ પ્રોફેસર  નમ્રતા ગન્નેરીના મત મુજબ  રસીની કામયાબી  માટેની શંકા પણ રસીના વિરોધનું એક કારણ હતું.  એમાં તથ્યાંશ પણ છે,  કારણ કે ૧૯૫૦ સુધી આપણે ત્યાં ઘણીબધી જગ્યાએ રેફ્રીજેશનની સુવિધા ન હતી. આના કારણે રસીદ્રવ્ય સહેજ પણ ગરમ થઈ જતું તો તે બીનઅસરકારક બની જતું.

કોવિદ 19ના સંદર્ભમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે જાહેર આરોગ્યના હિતમાં રસીકરણ  ફરજિયાત કરવું જોઈએ કે નહિ.  આવો જ સવાલ શીતળાની રસી બાબતે બ્રિટિશ ભારતમાં ઉભો થયો હતો. એક મત એવો પણ હતો કે સમજાવટથી કામ લેવું જોઇએ. તો બીજા કેટલાક બળજબરીમાં માનતા. જો કે ૧૮૭૦ થી દેશના ઘણા ભાગોમાં ફરજિયાત રસીકરણનો કાયદો તો આવી ગયો હતો, જેમાં દંડ અને જેલની  સજાની પણ જોગવાઇ પણ હતી.

૧૮૯૮ થી બ્રિટનમાં  રસીના હસ્તાંતરણ -‌જેમાં ચાંદી અને હેપાટિટિસ જેવા રોગનો  ભય હતો- પર તો પ્રતિબંધ હતો જ અને લેબોરેટરીમાં બનેલી રસીને  વધારે સલામત ગણવામાં આવતી. આપણે  અગાઉ વાત કરી  તે મુજબ ભારતમાં   ઉચ્ચ જ્ઞાતિના લોકોને  અન્ય જ્ઞાતિના હાથમાંથી આવતા રસીદ્રવ્યથી અભડાઈ જવાનો ડર રહેતો. સરકારની નજીકના વર્તુળોની સલાહ રહેતી કે સમાજ સુધારકો ગમે તે કહે પણ ભારતમાં જ્ઞાતિ અને ધર્મની અવગણના થઈ શકે તેમ નથી.

વિવિધ ધર્મો અને જ્ઞાતિઓના રસીકરણ બબતે કેવા પ્રતિસાદો હતા એ અંગે મુંબઈ અને સિંધ પ્રાંતના અધિકારીઓએ અહેવાલો  રજૂ કરેલા. આ અહેવાલો પ્રમાણે મુંબઈ અને તેની આજુબાજુનો વિસ્તાર બાદ કરતા  દેશમાં ગરીબ ફકીરથી માંડીને તાલેવન મુસ્લિમો હિંદુઓ કરતા પ્રમાણમાં સહેલાઈથી રસીનો સ્વીકાર  કરતા. જ્યારે કોળી લોકોને લાગતું કે રસી લેવાથી માતાજી ક્રોધિત થઈને આપણું ધનોતપનોત કાઢી નાખશે.   પારસીઓ જેવી જાગૃત કોમનો પ્રતિસાદ પણ બહુ સારો ન હતો, તો  દેશી  ખ્રિસ્તીઓ પોતાના બાળકોને રસી અપાવવા તો  તૈયાર થતા પરંતુ તેમના હાથમાંથી ચેપી દ્રવ્ય ખેંચાવવા તૈયાર ન હતા.

કેટલાક વેક્સિન અધિકારીઓ એવા ભ્રમમાં હતા કે હિંદુઓ જેને પવિત્ર માને છે તેવા ગાય જેવા પ્રાણીમાંથી ખેંચાયેલા ચેપીદ્રવ્યને કારણે તેઓ રસીનો ઉમળકાભેર સ્વીકાર કરશે. પરંતુ ૧૯૧૩ માં મહાત્મા ગાંધીજીએ નિવેદન કર્યું કે વેક્સીન માટે પ્રાણી પર કૃરતા આચરવાનું યોગ્ય નથી.  ચેપી પ્રાણીમાંથી રસી લેવી એ એક પ્રકારે અપવિત્ર થવા જેવું છે. 1928માં તો તેમણે રસીને ગોમાંસ સમકક્ષ ગણી લીધી!

જો કે એ સમયે મુંબઈના ડોક્ટરોએ આગળ આવીને સરસ દાખલો બેસાડેલો. ઇતિહાસકાર મૃદુલા રામન્નાનાં જણાવ્યા પ્રમાણે સરકારે ૧૮૫૦ માં જુદી જુદી જગ્યાએ રસીકે‌ન્દ્રો ઉભા કરેલા. પછીથી ગ્રા‌ન્ટ મેડિકલ કોલેજમાંથી ૧૮૫૧ માં સ્નાતક થઈને બહાર આવેલા ડોક્ટરોએ સરકારને રસીકે‌ન્દ્રો સ્થાપવમાં ખૂબ મદદ કરેલી. જેમનાં નામ પરથી ભાયખલામાં એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે તે ભાઉ દાજીએ નાગદેવી સ્ટ્રીટમાં  ધર્માદા દવાખાનું ખોલેલું. આ દવાખનામાં આવતા તમામ દર્દીઓને રસી મૂકાવવા માટે સમજાવવામાં આવતા.

ડેન્માર્કની આર્થર યુનિવર્સિટિના ઇતિહસના પ્રોફેસરે નાઇલ્સ બ્રાઇમને ૨૦૧૭માં એક નિબંધમાં લખ્યા મુજબ ભારતની રાષ્ટ્રીય ચળવળ વખતે આયુર્વેદ અને યુનાની પદ્ધતિને  દેશનો સમૃદ્ધ વારસો ગણવામાં આવતો. આ વારસાને રાષ્ટ્રીયતા સાથે જોડવામાં આવ્યો અને  પશ્ચિમની ચિકિત્સા પદ્ધતિને વિદેશી ગણીને બહિષ્કૃત ગણવામાં આવતી.  પરંતુ દેશ આઝાદ થયો ત્યારે સદભાગ્યે આપણને *રાજકુમારી અમૃત કૌર જેવા પ્રગતિશીલ આરોગ્યમંત્રી મળ્યા. તેઓ પશ્ચિમની ચિકાત્સા પદ્ધતિના હિમાયતી હતા. આથી અઝાદી પછી તેમનાં નેતૃત્વ નીચે શીતળાના રસીકરણની કામગીરી પ્રમાણમાં નિર્વિઘ્ને ચાલી.

ભારતીય ઉપખંડમાં શીતળાની છેલ્લી દરદી ૩ જુલાઈ ૧૯૭૫ના દિવસે બાંગ્લાદેશની રહીમાબાનુ નામે મળી આવી હતી. તેને સારવાર આપ્યા બાદ તેના વિષાણુ(virus)ને વધુ અભ્યાસ માટે અમેરિકાના એટલાન્ટા ખાતે આવેલા  ‘રોગ નિયંત્રણ તથા નિરોધ કે‌ન્દ્ર’ (Disease Control  and Prevention Centre )માં મોકલવામાં આવ્યું. ત્યાર પછી વિશ્વ આરોગ્ય સંસ્થાએ છેક ૧૯૮૦માં વિશ્વને શીતળાના રોગથી મુક્ત જાહેર કર્યું.  અન્નાથી શરૂ થયેલું શીતળા નાબૂદીનું  અભિયાન રહીમાબાનુ પાસે આવીને  સફળતાપૂર્વક પુરું થયું. પરંતુ આ આખા અભિયાને આપણને એક મોટો પાઠ શીખવ્યો કે ભલે આપણે ‘એક દેશ એક કાયદાનો’ નારો લગાવીએ પરંતુ હકીકત એ છે  કે રસીકરણ જેવી સામાન્ય લાગતી બાબતમાં પણ આપણે  દેશના જુદાજદા જુથોની કે કોમની  લાગણી અને  ભાવનાનું  ધ્યાન રાખવું  જ પડે છે.

(*રાજકુમારી અમૃત કૌર (૨ ફેબ્રુઆરી ૧૮૮૯ – ૬ ફેબ્રુઆરી ૧૯૬૪) ભારતીય રાજનેતા અને સામાજિક કાર્યકર્તા હતા. લંડનમાં શિક્ષણ લીધા પછી તેમણે ભારત પાછા આવીને દેશની આઝાદીની ચળવળમાં ભાગ લીધેલો. સ્વતંત્રતા પછી  ૧૯૪૭માં તેઓ ભારતના સૌ  પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી બન્યા પછી આરોગ્ય પ્રધાન તરીકે ૧૯૫૭ સુધી આ પદ પર રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતમાં અનેક આરોગ્ય વિષયક સુધારાની શરૂઆત કરી હતી. આરોગ્યક્ષેત્રમાં તેમના યોગદાન અને મહિલા અધિકારોની હિમાયત માટે તેમને બહોળા પ્રમાણમાં ખાસ કરીને -કાયદા દ્વારા AIIMS (અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા)ની સ્થાપના માટે-  યાદ કરવામાં આવે છે. તેઓ ભારતીય બંધારણ સભાના સભ્ય પણ હતાં.


આ લેખ લખવા માટે ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલા બેનિતા ફર્ના‌ન્ડોના નો લેખ તેમજ ગૂગલનો આધાર લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ડોક્ટર ધર્મેશ શુક્લ અને સમીરભાઈ ધોળકિયાની મદદ પણ  લેવામાં આવી છે.  સૌનો આભાર.)


શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

5 thoughts on “બ્રિટિશ ભારતમાં શીતળાનું રસીકરણ: પડકારોની કથા

  1. Very rarely known historical information about vaccination. I look forward to get e mails with new and useful data information about people, places and history.

  2. કોરાનાની રસીનો શરૂઆતમાં વ સ્વભાવિક વિરોધ અને તેનો સાર્વત્રિક સહજ સ્વીકાર કોરોનોની રસીનું ભવિષ્ય છે તે શીતલાની રસીના ઈતિહાસના ઉદાહરણથી સમજાવતો ખૂબ જ અભ્યાસ પૂર્ણ અને માહિતીપ્રદ લેખ

  3. શક્ય એટલા ઓછા શબ્દોમાં સવાત્રણ સૈકાના ઘટનાક્રમને આવરી લીધો હોવા છતાંયે લેખ ખુબ જ માહિતીપ્રદ બની રહ્યો છે એ ખુબ પ્રશંસનીય બાબત છે.

  4. કિશોરભાઈનો આ વિદ્વત્તાપૂર્ણ લેખ વાંચીને ખૂબ જાણવા મળ્યું. હું પોતે એમબીબીએસ ડોક્ટર અને રસીકરણનો હિમાયતી હોવા છતાં મને આટલી જાણકારી ન હતી. હાસ્ય-વ્યંગ્ય લેખનશૈલી ઉપરાંત આ પ્રકારના માહિતીપ્રદ અને ઉપયોગી લેખની શૈલીમાં પણ કિશોરભાઈની અદભુત પકડ દેખાઈ આવે છે. લેખ મોડો વાંચવા બદલ દિલગીરી અને લેખ લખવા બદલ કિશોરભાઇને ખૂબ ખૂબ અભિનંદન.

Leave a Reply

Your email address will not be published.