બૂમરેંગ

વિમળા હીરપરા

સુમનશાહ શેઠ શહેરના ધનવાન ઉદ્યોગપતિ.બે બે ફાર્માના માલિક ને સાથે શહેરના પ્રતિષ્ઠિત નાગરિક. સોનામાં સુગંધ! શહેરની કોઇપણ સામાજિક પ્રવૃતિમાં એમનો આર્થિક ફાળો હોય જ. શિક્ષણસંસ્થાઓને ઉતેજન આપે તો ભગવાન કેમ રહી જાય? દરેક ધાર્મિક ઉત્સવ ને ઉજવણીઓમાં એ હાજરી આપે ને ફાળો પણ આપે. સવારસાંજની આરતી અચૂક. એ વખતે એના ચહેરા પર જે ભકિતભાવ નીતરતો હોય એ જોઇને એવુ લાગે કે હમણા ભગવાન મુર્તિમાંથી પ્રગટ થઇને ભક્તને ભેટી પડશે!. પણ ભાઇ, એ તો અંતરયામી. એ થોડો છેતરાય? શેઠને તો પરિવાર પણ  ભર્યો ભર્યો. એક જ દિકરો.એ પણ ભણીને બાપાની કંપનીમાં જોડાઇ ગયો. શ્રીમંતનો દિકરો પણ સંસ્કારી ને મહેનતુ. તો એવી જ ગુણીયલ પુત્રવધુ ને પત્ની. એટલે એને તો પાંચે આંગળી ઘીમાં.

એક વખત શેઠ ધંધાકીય કામે પરદેશ ગયા ને એ સમયે કોઇ ઝેરી વાયરસનો ઉપદ્રવ ફાટી નીકળ્યો ને દિકરો એમા ફસાઇ ગયો. ઉતમ સારવાર પણ કારગત ના નીવડી.ને શેઠ આવે એ પહેલા દેહ છોડી દીધો. શેઠને બહુ આધાત લાગ્યો. શોકમાંથી બહાર આવ્યા પછી વિચારતા એવુ લાગ્યુ કે આમાં કોણ જવાબદાર? ખાસ તો એની સારવાર કરનાર ડોક્ટર! બસ,એક વાત એના મનમાં ઠસી ગઇ, વાંક હોય તો ડોક્ટરનો જ નહિતર નખમાંય રોગ ન હોય એવો જુવાન! એમાં એક વકીલમિત્ર પડખે ચડી ગયા. ‘અરે,આજકાલતો અગુંઠાછાપ પણ એપ્રોન પહેરી ફરતા થઇ ગયા છે. જાણકારીની જરુર જ નહિ. બસ,ગમે એમ કરી ‘પતાકડુ” લઇ આવો ને એમાંય આવી ડિગ્રીઓ તો પૈસા  ખરચતા વગર લાયકાતે મળી જાય’ બસ,આવાને સીધા કરવાનું  શેઠને સમજાવ્યુ કે આ પણ એક સમાજસેવા જ છે.  એ શેઠને પણ સમાજસુધારક બનવાનું જોમ ચડ્યુ ને સાથે પૈસાના વળતરની લાલચ પણ ખરી. તો શેઠ દિકરાના મોતને વટાવવા તૈયાર થઇ ગયા.

નિયત સમયે કોર્ટમાં કેસ દાખલ થયો. મુકદમાની નોટિસના સમયે ડોક્ટર એના વકીલ એક યુવાન સાથે દાખલ થયા. શેઠના પક્ષે બધી દલીલ પુરી થયા પછી આરોપી પક્ષે એક ટેપ રજુ થઇ.

હા. તો સાક્ષી તરીકે આવેલો યુવાન એ થોડા સમય પહેલા કેમિસ્ટ તરીકે શેઠની કંપનીમાં કામ કરી ગયેલો. બહુ પ્રમાણિક ને સિધ્ધાંતવાદી યુવાન. એણે કંપનીમાં દવાના ઉત્પાદનમાં એની મુળ ફોર્મ્યુલા જોડે છેડછાડ જોઇને શેઠનું ધ્યાન દોર્યું હતુ પણ એની નવાઇ કે આધાત જે કહો તે પણ શેઠ એ હકિકત જાણતા હતા. જાણતા જ હતા એટલુ જ નહિ એને એ સફળતાનો એક અનિવાર્યભાગ માનતા હતા અલબત પૈસાની દ્રષ્ટિએ. ‘ જો ભાઇ, આજના સમયમાં કોઇ વસ્તુ ચોખ્ખી મળે નહિ. આ ભેળસેળનો સમય છે.. જો આપણા શરીરમાં કે હાર્ટમાં બનાવટી વાલ્વ, રક્તવાહીનીઓ, હાથપગ કે કમરમાં સળીયા ,આંખમાં લેન્સ, મોઢામાં બનાવટી દાંત, કાનમાં સાંભળવા મશીન. કયાં ક્યાં તું આડો હાથ દઇશ?’ એ યુવાન એના માલિક સુમનશાહ શેઠની દાનત અને એની કાર્યપધ્ધતિ સમજી ગયો પણ પોતાના સિધ્ધાંતો જોડે બાંધછોડ કરવાને બદલે નોકરી છોડીને જતો રહ્યો. જે ટેપને પુરાવા તરીકે લાવવામાં આવી હતી એ શરુ થઇ ત્યારેજ શેઠને ખબર પડી કે એ યુવાને શેઠ સાથેની વાતચીત પોતાની કાંડા ઘડીયાળમાં ટેપ કરી લીધી હતી!   વાહ, ટેક્નોલૉજીની કમાલ! બધા પુરાવા અને સાક્ષીની જુબાની પછી જે ફેંસલો  આવ્યો એ શેઠને માટે મરણતોલ ફટકો હતો.

‘શેઠ, જયારે ડોક્ટરને દવા કારગત ન લાગી ત્યારે એણે લેબમાં એની ખરાઇ વિષે તપાસ કરાવી ને એની શંકા સાચી હતી. એ દવા ભેળસેળ વાળી હતી ને અધુરામાં પુરુ તમારી જ કંપનીની બનાવટ હતી! તમારી આ ભેળસેળયુક્ત દવાથી  કેટલાય નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા હશે  ને કેટલાય એની આડઅસરથી પીડાતા હશે. તમે ‘બુમરેંગ’ નો અર્થ તો જાણો છો ને? તમે જ આજે તમારા હાથે તમારા કુળદિપકને બુઝાવ્યો છે. હવે જીવનભર એક યુવાન પુત્રવધુનું ઓશિયાળું મોઢુ જોઇને તમારી સજા તમને યાદ આવ્યા કરશે.  આનાથી વધારે કડક  સજા કોર્ટ કે કાયદા પાસે એકે નથી.’

એ કેટલુ સત્ય છે કે કુદરતની લાઠીમાં અવાજ નથી પણ દંડ જરુર આપે છે.


વિમળા હીરપરા( યુ.એસ.એ ) || vshirpara@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “બૂમરેંગ

  1. સરસ વાર્તા વિમળાબેન. આવી સાચી સજા ક્યારેક મળતી હોય છે…લાલચના હાથ લાંબા.
    કેટલાય પાપીઓને આવો સચોટ પાઠ નથી મળતો.
    સરયૂ પરીખ

Leave a Reply to નટુભાઈ મોઢા Cancel reply

Your email address will not be published.