સર્વશ્રેષ્ઠ ભકિત : રાષ્ટ્રભકિત

ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

વહેલી સવારે ડ્રાઈવરને ઝોકું આવી જતાં હાઈવે ઉપર ટ્રક અને કારનો અકસ્માત થતાં ત્રણ યુવાનો સ્થળ ઉપર મૃત્યુ પામ્યા.

રસ્તા વચ્ચે બેઠેલા ગધેડાને કારણે અકસ્માતમાં કારચાલકનું મૃત્યુ.

અત્યંત તેજસ્વી યુવાને હોસ્ટેલમાં પંખા ઉપર લટકી આપઘાત કર્યો.

અધિકારી પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા.

શહેરની ખ્યાતનામ હોટેલમાંથી જુગાર રમતા નબીરાઓ દારૂની બોટલ સાથે ઝડપાયા.

તમામ સમાચારો સવારની ચાની ચુસ્કીને કડવી બનાવી દેવા માટે પૂરતા છે.

કોઈ પણ રાષ્ટ્રે તેની અસ્મિતાનું જતન અને સંવર્ધન કરવા ગૌરવશાળી વર્તમાન ૨ચવો પડે છે. પ્રત્યેક વ્યકિતની વફાદારી, કાર્યનિષ્ઠા, પ્રામાણિકતા, શિસ્ત, રાષ્ટ્રપ્રીતિ કે સમર્પણ જ મજબૂત રાષ્ટ્રની ધરોહર બની શકે. જો કોઈ પણ દેશમાં શિસ્તનો અભાવ હોય તો તે માત્ર અને માત્ર આગેવાનોને કારણે જ હોય છે તે કદાચ અર્ધસત્ય છે. રાષ્ટ્રની લાખો અને કરોડોની જનતા નક્કી કરે કે સૌએ નિયમબદ્ધ રીતે જીવનના તમામ વ્યવહારો સાચવવા છે તો રાષ્ટ્રની પ્રગતિને કોઈ અટકાવી શકતું નથી. બસની કે ટ્રેનની લાઈનમાં ઊભા રહેવું, નિયમ પ્રમાણે જ વાહન ચલાવવું, નિયમને આધીન રહીને જ સરકારી કરવેરાનું ચૂકવણું કરવું વગેરે જેવા નિયમો પાળવાનું સહજ બની જાય ત્યારે રાષ્ટ્રીયતા સર્વોચ્ચ સ્થાને પહોંચે.

રાષ્ટ્રની ઉન્નતિનો આધાર માત્ર અને માત્ર તેના નાગરિકોના રાષ્ટ્રીય ચારિત્ર્ય ઉપર હોય છે. દેશની પ્રતિષ્ઠાનો સૌથી મજબૂત અને સુદૃઢ પાયો તે દેશના નાગરિકોની રાષ્ટ્રવફાદારી ઉપર નિર્ભર હોય છે. ‘જેવો દેશ તેવો વેશ’ વિચારવાને બદલે દેશના નાગરિકોની માનસિક અને નૈતિક પ્રકૃતિ જ એવી હોય કે તેઓ રાષ્ટ્રને સમર્પિત હોય. જે દેશના નાગરિકોના જીવનનું કેન્દ્ર માત્ર અને માત્ર રાષ્ટ્ર હોય તેમને માટે ઉત્તમ રાષ્ટ્રીય ચારિત્ર્ય બનવું સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંત જો તે પ્રજાની ગળથૂથીમાં ન હોય તો તે કાર્ય ખૂબ કઠિન બને છે. આ એક મહત્વના પરિબળ બાબતમાં આજે આપણે ગૌરવ લઈ શકીએ તેવી સ્થિતિમાં છીએ ખરા?  આજની આ અત્યંત ગંભીર સમસ્યા બાબતે સૌ અન્ય તરક આંગળી ચીંધી પોતે નિર્દોષ હોવાના દંભમાં રાચી રહ્યા હોય તેમ લાગે છે.

આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.

                         રાજેશ વ્યાસ મિસ્કીન

સ્વયં શિસ્તપાલન હોય તો જ ચારિત્ર્યઘડતર શકય બને. શિસ્ત ઉપરથી લાદવાનો વિષય નથી. એ સ્વયંસ્ફુરિત હોય તો જ તે વ્યકિતના જીવનનું અવિભાજ્ય અંગ બને. જીવનમાં સુટેવો અને મૂલ્યોનું આરોપણ અન્યો દ્વારા થઈ શકે જ નહીં. આ તો ‘અંતર મમ વિકસીત કરો’ની પ્રક્રિયા છે. ‘મારાથી આવું ન જ થઈ શકે’ નો અવાજ માંહ્મલામાંથી આવે છે. ગાંધીજીને અહિંસાનો અનુભવ અંતરના ઊંડાણમાંથી થયો હોવાથી તેઓના વ્યકિતત્વના તમામ પાસાઓમાં તેનું આચરણ સ્પષ્ટ અને સ્વાભાવિક નજરે પડે છે. લગભગ આવું જ આપણને મા શારદા, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ કે અન્ય તમામ મહાપરૂષોમાં અનુભવાય છે.

મકબરા જઈને જુઓ જેમાં સૂતા સુલતાનછે,
એ કબ્રથી કેશે, અમારો દેશ હિન્‍દુસ્તાન છે.

    • શયદા

એક વખત ભગવાન ઈન્દ્ર ખેડૂતો ઉપર ગુસ્સે થઈ ગયા. શ્રાપ આપ્યો કે આગામી પંદર વર્ષ સુધી વરસાદ પડશે નહીં. ખેડૂતો ખૂબ કરગર્યા, ત્યારે ઈન્દ્રએ કહ્યું કે જ્યારે ભગવાન શંકર ડમરુ વગાડશે ત્યારે વરસાદ વરસશે. ઈન્દ્રએ ખાનગીમાં ભગવાન શંકરને પણ વિનંતી કરી કે પંદર વર્ષ ડમરું વગાડવું નહીં. નિરાશ થયેલા ખેડૂતો પંદર વર્ષ કાંઈ કરવું નહીં તેમ વિચારી આળસુ બની ગયા. પરંતુ એક ખેડૂત દ૨ વર્ષે નિયમિત રીતે જમીન ખેડતો અને ખાતર પણ નાંખતો. અન્ય ખેડૂતો તેની આ મૂર્ખામી ઉપર હસતા રહ્યા. એક યુવાને તે ખેડૂતને આમ કરવાનું કારણ પૂછયું. ધરતીપુત્રે પ્રેરણાદાયી જવાબ આપ્યો, “ખેતરમાં અનાજ માત્ર હું મારા માટે જ તેયાર કરતો નથી. મારા દેશબાંધવોને તે પૂરું પાડવાની મારી જવાબદારી છે. મારા દેશવાસીઓ ભૂખે ન મરે તેનું મારે ઘ્યાન રાખવું જ જોઈએ ને? મારી ફરજ ન નિભાવું તો મારી રાષ્ટ્રભકિત લાજે.” પાર્વતીજીના કાને આ ખેડૂતની વાત ગઈ. પાર્વતીજી ખેડૂતની રાષ્ટ્રભક્તિ અને સમર્પણ જોઈને ખુશ થઈ ગયાં. તેઓએ પ્રસન્ન થઈ શિવજીને કહ્યું, “રાષ્ટ્રભકિત તો સર્વશ્રેષ્ઠ ભકિત છે. આપ આ ખેડૂત ઉપર પ્રસન્ન થઈ ડમરું વગાડો જેથી વરસાદ પડે.” વરસાદ વરસતાં સો ધરતીપુત્રો નાચી ઊઠયા. સૌ ખેડૂતની રાષ્ટ્રભક્તિથી અભિભૂત થઈ ગયા.

આપણે કાર્યને બે વિભાગમાં વહેંચીએ : સારું અને ખોટું, યોગ્ય કે અયોગ્ય. સારા કાર્યની સૌ પ્રશંસા કરે છે અને ખોટાની ટીકા કરે છે. સારું કર્યાની જાહેરાત ઢંઢેરો પિટાવીને કરતા હોઈએ છીએ. સૌને તેની જાણ થાય તેની સંપૂર્ણ કાળજી રાખતા હોઈએ છીએ. પરંતુ ખોટું થાય તો તેને છુપાવવા અનેક પ્રકારના ઉધામા કરતા હોઈએ છીએ.

અહીંયાથી જ થાય છે આપણા અંગત અને જાહેર ચારિત્ર્યની શરૂઆત. આપણું પ્રત્યેક કાર્ય ત્યારે જ સારું બને કે તે કામ ખાનગીમાં કે જાહેરમાં કરતાં આપણી લાગણી, સમજ અને વ્યવહાર એક સરખો જ હોય. જે કામ આપણે જાહેરમાં ન કહી કે કરી શકીએ તે તો ખોટું જ છે. આ અયોગ્ય છે તે જાણવા છતાં આપણે કેમ અટકી જતા નથી? આપણે અનુચિત વ્યવહાર કરી અન્યો પાસે ઉચિત વ્યવહારની કેવી રીતે અપેક્ષા રાખી શકીએ? જે ઓફિસમાં સેવકભાઈ પ્રામાણિક હોય છે ત્યાંના અપ્રમાણિક સાહેબની ખુરશી સતત ધ્રુજતી હોય તેવું અનેકવાર નજરે પડે છે. ઉત્તમ રાષ્ટ્રીય ચારિત્ર્ય ધરાવતા યુવાનો અને યુવતીઓની ભારતને આજે તાતી આવશ્યકતા છે. જવાબદાર અને રૂઆબદાર યુવાનો જ આ જવાબદારી હિંમતપૂર્વક નિભાવી શકે. આજની યુવાશકિત આ બાબતે જાગ્રત અને સક્રિય હોવાથી ભારતની આવતીકાલ ઊજળી, રૂપાળી અને ખીલેલી છે. મને ભારતીય હોવાનો ગર્વ છે.

આચમન:

અમર રહો ભારત જેની અરવિંદે કીધી સાધના,
ને અણમોલાં કાવ્યકુસુમથી કરી રવીન્‍દ્રે અર્ચના,
ગાંધી, જેને પુણ્યપગલે પાવન આ પૃથ્વી બની,
જીવન કેરા યજ્ઞ રચી જેને કીધી આરાધના,
જિંદગી માટે રક્ષા કરીએ ભારતના એ પ્રાણની,
ચાલો, દોસ્તો! ખૂંદી વળીએ ધરતી હિન્‍દુસ્તાનની.

                        નાથાલાલ દવે


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

Author: Web Gurjari

2 thoughts on “સર્વશ્રેષ્ઠ ભકિત : રાષ્ટ્રભકિત

  1. Sorry to say
    આપણા દેશમાં 90% લોકો મા રાષ્ટ્રીય ભાવના જ નહીં વત છે
    So should not expect good future

Leave a Reply

Your email address will not be published.