લુત્ફ-એ-શેર: મણકો # ૬૩

ભગવાન થાવરાણી

અકીલ નોમાનીનું નામ કદાચ ઘણા બધા ઉર્દૂ કવિતા-પ્રેમીઓ માટે બહુ પરિચિત નહીં હોય, પરંતુ એમના શેરોનું ઊંડાણ જોઈ શાયર તરીકેની એમની ઊંચાઈનો પરિચય આપોઆપ થશે. બરેલીના છે અને અનેક મુશાયરાઓમાં એમની જાજરમાન હાજરીની નોંધ લેવાય છે. એમની શૈલીનો નમૂનો :

શાયદ કહીં ઈસ પ્યાર મેં  થોડી – સી કમી હૈ
ઔર પ્યાર મેં થોડી – સી કમી કમ નહીં હોતી

એમની એક મુરસ્સા ગઝલનો મત્લો આમ છે :

ઉનસે  ભી  કહાં મેરી  હિમાયત મેં હિલા  સર
કહતે થે જો હર બાત પે – હાઝિર હૈ મેરા સર

પરંતુ આ જ ગઝલના આ શેરની સુંદરતા વારંવારના પઠન અને આચમન બાદ ધ્યાનમાં આવે :

એક રોઝ એક ઈંસાં ને મુજે કહ દિયા ઈંસાં 
ઉસ રોઝ બહુત દેર ન સજદે સે ઉઠા સર ..

અવાચક થઈ જવાય એવી વાત !

માત્ર પ્રશંસાનું મહત્વ નથી. પ્રશંસા કોણ કરે છે એ પણ અત્યંત અગત્યનું છે. હળવા શબ્દોમાં કહું તો કોઈક હીન માણસ આપણી પ્રશંસા કરે તો આનંદ થવાને બદલે ચિંતા થવી જોઈએ કે આને વળી મારામાં વખાણવા જેવું શું દેખાયું ? શું એનામાં છે એવો કોઈક ‘ ગુણ ‘ ? પરંતુ કોઈ સારો માણસ આપણા માટે સારી વાત કરે તો સારું લાગવું જ જોઈએ. અહીં કવિનું માથું ઘણી બધી વાર સુધી સજદામાં ઝુકેલું રહ્યું ; એટલા માટે નહીં કે કોઈકે એને ઈંસાન કહ્યો, પરંતુ એટલા માટે કે કોઈક સાચા ઈંસાને એને ઈંસાન કહ્યો ! આનાથી વધુ આનંદની વાત શું હોઈ શકે !


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

7 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૬૩

  1. ખરેખર આ શાયર ઊંચા ગજા ના છે, તેના શેર વિચારતા કરી દે છે !!!

  2. Very nice and true. શ્રી સુંદરમ્ કહે છે તેમ “હું માનવી માનવ થાઉં તો ઘણું ” 👌🙏👌

Leave a Reply to Rina Manek Cancel reply

Your email address will not be published.