તું વાઘણ હશે તો હું વાઘણની બહેન છું
નલિન શાહ
પ્રદર્શન માટે મુંબઈ આવેલાં રાજુલનાં કુટુંબીજનોની આગતાસ્વાગતામાં સુનિતાએ કોઈ ઉણપ બાકી નહોતી રાખી. જ્યારે વિદાયની વેળા આવી ત્યારે એ લોકોના વિરોધને ગણકારી ફર્સ્ટ ક્લાસની ચાર ટિકિટો કઢાવીને ફળફળાદિ ને નાસ્તાનાં પેકેટોનાં પાર્સલ સાથે પ્રેમથી વિદાય આપવા ઓફિસના એક કર્મચારીને સાથે મોકલવા માંગતી હતી, પણ શશી – સુધાકરનો સાથ હોવાથી એ જરૂરી ના લાગ્યું.
પ્રદર્શનના સાનુકૂળ પ્રત્યાઘાતે રાજુલમાં ઉત્સાહ ને આકાંક્ષામાં નવો સંચાર પેદા કર્યો હતો. ખૂબ જ વખણાયેલાં ત્રણ પોર્ટ્રેટ્સને વિવિધ દેશોની સ્થાપત્ય કલાના મિશ્રણથી કલ્પેલી ઇમારતના ચિત્રો એણે ઘેર જઈ સ્ટુડિયોમાં રાખ્યાં. કેવળ સુનિતાનું જ એણે ડ્રોઈંગ રૂમમાં મૂક્યું. સુનિતાએ ચૂપચાપ પોતાનું પોટ્રેટ ઊતારી સ્ટુડિયોમાં મૂક્યું ને એની જગ્યાએ ઇમારતનું ચિત્ર બહાર રાખ્યું.
‘કેમ મમ્મી, આમ કર્યું?!’ રાજુલે વિસ્મયથી પૂછ્યું. સુનિતાએ હસતાં હસતાં જવાબ આપ્યો, ‘એ અહીં રહે તો વારે ઘડીએ સાગરની આંખે ચઢે ને કંઈક શીખે.’
‘મારી મશ્કરી કરો છો મમ્મી?’ રાજુલ શરમાઈ ગઈ.
‘ના બેટા, તેં યોગ્ય શીર્ષક આપ્યું છે, ‘સ્વપ્ન.’ ના પામેલી વસ્તુ માણસ સપનામાં પામે છે ને એ સપનાં જ આકાંક્ષાનો સ્રોત બની જાય છે, ને એમાંથી ઉદ્ભવેલી કલા કોઈ ઠેકડીનો વિષય ના કહેવાય.’ સુનિતાએ રાજુલની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું, ‘મારું એક કામ કરીશ?’
‘મમ્મી તમારે હુકમ કરવાનો હોય, પૂછવાનું ના હોય.’
‘સારું ત્યારે. હુકમ આપીશ, પણ પહેલાં મારી વાત સમજી લે.’ રાજુલ એકાગ્રતાથી સાંભળી રહી.
‘મને એમ થાય છે કે ક્યારેક ક્યારેક શશી સાથે તારા ગામ જઈ આવું, બહુ શાંતિ લાગે છે.’ સુનિતાએ અચકાતાં કહ્યું, ‘પણ ગામનાં એ બંને ઘરો પાકાં અને વધુ સગવડવાળાં થાય તો વધુ ગમે. અત્યારે તો મારી હાજરીથી એ લોકોને થોડી ઘણી અગવડો ભોગવવી પડે છે એટલે મને જતાં સંકોચ થાય છે. એટલે કેવળ મારા ખાતર તું ને સાગર મળીને એ બંને ઘરોને નવો ઓપ આપ કે આપણે બધાં ગયાં હોય તો કોઈને અડચણ જેવું ના લાગે ને બાળકોને રમવાની પણ અંદર-બહાર પૂરતી જગ્યા હોય. તું એ કામ માથા પર લે તો જ થાય. હું તો કેવળ મારા સ્વાર્થ ખાતર કહું છું.’
રાજુલ સમજી ગઈ કે પોતાના સ્વાર્થની આડમાં એની સાસુ એનાં કુટુંબને ગરીબીની આપત્તિમાંથી ઉગારવા માંગતાં હતાં. શશી અને એનાં બા-બાપુ સુનિતાના ઉપકારના ભાર તળે દબાઈ જવાની યાતના ના અનુભવે એટલા ખાતર જ એ કેવળ પોતાનાં સુખ-સગવડ માટે એમનાં રહેઠાણો પાકા ને અદ્યતન બનાવવાની વાત કરતાં હતાં. આવી પ્રેમાળ સાસુની ઇચ્છાની અવગણના કરવી એ એમનું અપમાન કરવા જેવું હતું. એ જાણતી હતી કે સુનિતાના આ પ્રસ્તાવથી એના બા-બાપુ લઘુગ્રંથિથી પીડાશે ને સ્વમાની શશી કદી એની આ પ્રસ્તાવનાને વશ નહીં થાય એટલે એણે રાજુલનો સાથ સાધ્યો હતો.
રાજુલે શશીને પત્ર લખી પોતાની ઇચ્છા જાહેર કરી અને કારણ પણ દર્શાવ્યું.
‘મારા સાસુ નિવૃત્ત જેવું જીવન ગાળવા માંગે છે, જે સુખમય કરવામાં તારા સાથની જરૂર છે. અને તારું ઘર ગમ્યું ને એથી વધુ તારો સાથ ગમ્યો. એ ઇચ્છે છે કે વરસમાં બે-ચાર વાર તારે ત્યાં આવીને રહે ને તારા કામમાં સહાયરૂપ થાય. બા-બાપુને ત્યાં પણ કોક કોક વાર જાય ને બે-ચાર દિવસ એમની સાથે ગાળે. પણ એવો નિર્ણય અમલમાં મૂકતાં એમને સંકોચ થાય છે. એ કહેતા નથી પણ એનું કારણ હું સમજી શકું છું. કારણ એ છે કે ઘરમાં જે સગવડોથી એ ટેવાયેલાં છે એ ત્યાં ઉપલબ્ધ નથી. એમને ઠાઠમાઠ કે એરકન્ડિશન્ડનો શોખ નથી. કેવળ મૂળભૂત જરૂરિયાતો ને સુઘડ ને આહલાદક વાતાવરણ હોય તો એ વિના સંકોચે આવીને રહેશે. એમને કારણે તમારે કોઈએ કોઈ પણ પ્રકારની અગવડ ના ભોગવવી પડે. એ ત્યારે જ શક્ય બને જ્યારે બંને મકાનો પાકાં, થોડા વિશાળ ને અદ્યતન સગવડવાળાં બને. ને એમ થાય તો હું બાબાને લઈને વારેવારે આવી શકું ને ક્યારેક સાગર પણ આવવા પ્રેરાય. આ પત્ર તને કેવળ મારો નિર્ણય જણાવવા લખ્યો છે; તારી રજામંદી માટે નહીં. આ બાબતમાં હું તારી દલીલો કે વિરોધને માન્ય નહીં ગણું. તું વાઘણ હશે તો હું વાઘણની બહેન છું. જરૂર પડે તો હિંસક રૂપ ધારણ કરવાની પ્રેરણા મને તારી પાસેથી જ મળી છે. હું જે કાંઈ કરવા ધારું છું એ કેવળ મારી મા જેવી સાસુના સુખ માટે કરું છું. આ કામ પાર પાડવા હું તારો સહકાર હકથી માગું છું, એ વિશ્વાસથી કે તું મને કદી નિરાશ નહીં કરે.
આવતા શનિવારે હું સાગર ને એનો સહાયક બંને ઘરોનું નિરીક્ષણ કરવા આવશું, ત્યાર પછી એ સહાયક જ ત્યાંના ને નજદીકના કારીગરો લઈ બંને ઘરોનું કામ પૂરું કરશે. બા-બાપુને સમજાવી દેજે.
આ બધું પત્યા પછી આપણી મુલાકાતો એટલી બધી વધી જશે કે તું કંટાળી જઈશ. પણ શું થાય બહેનના સંબંધે આપણે એકબીજાને સહન કર્યે જ છૂટકો.
તારી રાજુલ.’
કાગળ વાંચીને શશી રાજુલની ચાલબાજી સમજી ગઈ. વાત એણે એટલી સિફતથી રજૂ કરી હતી કે એ વિમાસણમાં મૂકાઈ ગઈ. જો વિરોધ કરે તો સુનિતાબેનની અવગણના કરી કહેવાય. એને ખાતરી હતી કે બધી વાતનાં મૂળમાં સુનિતાની એનાં કુટુંબ પ્રત્યેની ભલમનસાઈ કારણભૂત હતી. ‘અમને સંકોચમાં ના મૂકવા માટે એણે રાજુલનો સાથ સાધ્યો હતો.’ એણે વિચાર્યું ને લાગણીના અતિરેકથી એનું હૃદય ભરાઈ ગયું.
‘શું થાય!’ શશી બબડી. નમતું જોખ્યા સિવાય એને છૂટકો નહોતો. રાજુલ એના ઉપજાવેલા સ્વાર્થની વાત કરી એને પ્રેમથી બ્લેકમેઇલ કરી રહી હતી. શશી જાણતી હતી કે રાજુલ એની સમૃદ્ધિનું સુખ કદી માણી ન શકે જો એનાં બા-બાપુ ને બહેનની જિંદગી સુખમય ના હોય.