લુત્ફ-એ-શેર: મણકો # ૬૨

ભગવાન થાવરાણી

શાયર હબીબ જાલિબનો માત્ર ચહેરો જ નહીં, પ્રકૃતિ પણ એમના મિત્ર અને મહાન કવિ ફૈઝ અહમદ ‘ફૈઝ’ સાથે મળતી આવતી હતી. એ પણ ફૈઝની જેમ જ પોતાની શાસન – વિરોધી અને દમનકારી શક્તિઓ સામેની લડતના કારણે અનેક વાર જેલ ગયા . પરવીન શાકિર સાહેબાનો આ શેર એમને લાગુ પાડી શકાય :

કુછ  તો  તેરે  મૌસમ  ભી મુજે રાસ કમ આએ
ઔર કુછ મેરી મિટ્ટી મેં બગાવત ભી બહુત થી..

હબીબ જાલિબ સાહેબની ખુમારી જૂઓ :

લાખ કહતે  રહેં ઝુલ્મત કો ન ઝુલ્મત લિખના
હમને સીખા નહીં પ્યારે ! બ-ઈજાઝત લિખના

આ જ ગઝલનો બીજો એક તેજાબી શેર :

હમને જો ભૂલ કે ભી શહ કા કસીદા ન લિખા
શાયદ આયા ઈસી ખૂબી કી બદૌલત લિખના

(કસીદા એટલે પ્રશસ્તિ – કાવ્ય. અહીં ‘ શાહ ‘ ની જગાએ ‘ શહ ‘ બહર દુરસ્ત રાખવા પ્રયોજાયું છે.)

એમનો એ શેર જે અન્ય લાખો લોકોની જેમ મને પસંદ છે અને જે ફરી એક વાર એમની વિદ્રોહી પ્રકૃતિની છડી પોકારે છે તે છે આ :

તુમસે પહલે વો જો એક શખ્સ યહાં તખ્તનશીં થા
ઉસકો ભી અપને ખુદા હોને પે ઈતના હી યકીં થા

કેટલાય તાનાશાહો, કેટલાય સરમુખત્યારો, કેટલાય ઘમંડી શાસકો આવ્યા અને ગયા. અહીં જાલિબ સાહેબ જાણે રાજ-સિંહાસન પર બેઠેલા કોઈક આપખુદ શહેનશાહની આંખમાં આંખ પરોવી મૌન પડકાર આપે છે કે તારા પહેલાં જે શખ્સ આ તખ્ત પર આસીન હતો એ પણ તારી જેમ પોતાને અનિવાર્ય, અપરિહાર્ય સમજતો હતો. જોયો એનો અંજામ ? આજે અહીં તું છો. કાલે ?

કંઈ પણ, કોઈ પણ શાશ્વત નથી. સમય સિવાય.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

2 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૬૨

  1. વાહ ખુબ જ સરસ અને સાચી વાત કરી છે સર. કેટલી ક્ષણભંગુરતા છે. પણ માણસ જીવતો હોય અને એમાં પણ સત્તા પર કે ખુરશી પર હોય ત્યારે તો તે પોતાને જાણે સર્વ સત્તાધીશ માનતો હોય છે. ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર. 🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published.