અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : અમેરિકાનો સ્વાતંત્ર્ય દિન કેપિટોલમાં


દર્શા કિકાણી

૦૧/૦૭/૨૦૧૭

સવારે ઊઠ્યાં ત્યારથી જ જાણે ‘ટુર સમાપ્ત થવા આવી છે’ની લાગણી મનમાં ફરી વળી હતી. બધાં મિત્રોએ એટલાં પ્રેમથી અમને સાચવ્યાં છે કે તેમને છોડવાનું દુઃખ થાય તે સ્વાભાવિક છે. નાસ્તો કરતાં કરતાં બધાનાં મનમાં આ જ લાગણી હતી. વાતો કરવાનું બિલકુલ મન ન હતું ચૂપચાપ નાસ્તો કરી સામાન લઈ આવ્યાં. હજી એક એજેન્ડા બાકી હતો : ફોટા પાડવાનો! નયનાનું ઘર એટલું સુંદર છે કે ઘરમાં ખૂણેખૂણો ફરી ફરીને ફોટા પાડ્યા. બહાર બગીચામાં પણ ફોટા પાડ્યા. મોટી સોલાર પેનલ લગાડી છે તેના તરફ તો છેક અત્યારે ધ્યાન ગયું! ગાડીમાં સામાન ગોઠવતાં પણ વાર લાગી. અમારા ચાર જણનો આખી ટુરનો સામાન અને નાનકભાઈ-નયનાનો બે-ત્રણ દિવસનો સામાન. અને અમે છ જણ ગાડીમાં બેસવાવાળા! ફાઈનલી સામાન સાથે અમે બધાં ગાડીમાં ગોઠવાઈ ગયાં અને ગાડી ઊપડી વોશીન્ગ્ટન -કેપિટોલ જવા.

અમેરિકાનો સ્વાતંત્ર દિન ૪થી જુલાઈએ આવે અને આ તેની આગલો વિક એન્ડ હતો. રસ્તામાં ઘણી ભીડ મળશે અને પાર્કિંગનો  પ્રોબ્લેમ થશે એવું બધાંનું માનવું હતું, પણ અમને રસ્તામાં ક્યાંય ભીડ નડી નહીં અને વોશીન્ગ્ટનમાં બહુ સારી જગ્યાએ પબ્લિક પાર્કિંગમાં (9-E) પાર્કિંગની જગ્યા  મળી ગઈ. નિખિલભાઈ સાથે ફોનથી વાત ચાલુ જ હતી. તેમને પણ અમારી સાથે જ પાર્કિંગ કરવાનું કહી અમે કેપિટોલ હિલ્સના વિઝીટીંગ સેન્ટરમાં જવા નીકળ્યાં. નિખિલભાઈએ પહેલેથી રિઝર્વેશન કરાવી રાખ્યું હતું અને અમને મુલાકાત માટે બપોરનો ૧.૦૦ વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો.

રાજધાનીનું શહેર વોશીન્ગ્ટન ડી.સી. બહુ સુંદર બનાવ્યું છે. આખું શહેર હરિયાળું છે. નાના-નાના ફુવારા, ઝરણાં અને જળ-સ્થાનોથી સુંદરતા નીખરી આવે છે. મોટા મોટા રસ્તાઓ છે. ભવ્ય ઇમારતો છે. ફોટા પાડવાની લાલચ રોકી શકાતી નથી. અમારે દોઢેક કિમી. ચાલીને જવાનું છે, એટલે ઝડપ રાખવી જરૂરી છે પણ આસપાસ એટલી બધી સુંદર વસ્તુઓ અને ઇમારતો છે કે અમે વારંવાર ખોવાઈ જઈએ છીએ! પોટોમેક નદી પર આવેલ મેરીલેન્ડ અને વર્જિનિયા રાજ્યની જમીન પર બનાવવામાં આવેલ આ ફેડરલ સીટી માટે ત્યારના પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશીન્ગ્ટને બહુ જહેમત ઊઠાવી હોવાથી શહેરને ‘વોશીન્ગ્ટન’ નામ આપવામાં આવ્યું છે.

અમે સમયસર કેપિટોલ હીલ પર આવેલ  મુખ્ય અને ભવ્ય ઇમારતે પહોંચ્યાં. અમેરિકન કોંગ્રેસનું ઘર અને લેજીસ્લેટીવ બ્રાન્ચની સીટ ગણાતું આ કેપિટોલ બિલ્ડીંગ અમેરિકાનું પ્રતીક છે જેના પૂર્વ ભાગમાં ભોંયરામાંવિઝીટીંગ સેન્ટર આવેલું છે જે ૫૮૦,૦૦૦ ચો. ફૂટમાં ફેલાયેલ છે. આ કેપિટોલ બિલ્ડીંગની સફેદ થાંભલીઓથી સજેલ પાંચ માળની ઇમારત તેના ગુંબજને લીધે વધુ ભવ્ય અને મનોહર લાગતી હતી. વધુ સેનેટર્સ અને વધુ પ્રતિનિધીઓને સમાવવા જયારે ઇમારતની બંને પાંખોને વિસ્તારવામાં આવી ત્યારે ઓરીજીનલ ડોમ કે ગુંબજ નાનો દેખાવા લાગ્યો.લાકડાના ઓરીજીનલ ગુંબજને બદલીને ૧૮૬૬માં નીઓક્લાસિકલ સ્ટાઈલમાં ( Neo Classical Style) નવો મોટો લોખંડનો ગુંબજ બનાવવામાં આવ્યો જેની વચ્ચે સ્વતંત્રતાની દેવીની પ્રતિમા મૂકવામાં આવી. અમે સેક્યુરીટી ચેકિંગ કરાવી કેપિટોલની ભવ્ય ઇમારતમાં દાખલ થયાં. નિખિલભાઈ અને ભાર્ગવી પણ આવી લાગ્યાં. ભીડ બહુ હતી પણ બધું કામ નિયમ અનુસાર થતું હતું એટલે અમને કોઈ ચિંતા ન હતી. એકઝીબીશન હોલની બહાર  મોટી મોટી દીવાલો પર શોભતાં ચિત્રો અને મ્યુરલ્સ મનોહર હતાં. દરેક ચિત્રની નીચે તેની માહિતી આપી હતી. બધું જોતાં જોતાં અને સાથે ફોટા પડાવતાં એક વાગી ગયો.

પંદર પંદર મુસાફરોના ગ્રુપમાં ગાઈડેડ ટુર્સ હતી. અમે બધાં એક જ ગ્રુપમાં આવી ગયાં. ગ્રુપમાં સાથે એક વિકલાંગ બહેન વ્હીલચેર પર હતાં. તેમને માટે બધી સગવડ હતી અને તેઓ દરેક હોલમાં અમારી સાથે ને સાથે રહેતાં. અમને સૌને એક રેકોર્ડર જેવું મશીન આપવામાં આવ્યું જેનો મુખ્ય સંચાર ગાઈડ-બહેન પાસે હતો. આખા ગ્રુપને દસેક ફૂટ આગળ લઈ જઈ આજની મુલાકાતનો પ્લાન સમજાવ્યો. ક્યાં ક્યાં જઈશું, કયા માળ પર, દરેક જગ્યાએ કેટલો સમય મળશે વગેરે સમજાવી અમને પહેલા હોલમાં લઈ ગયાં. ઉપરની સીલીંગ પર બહુ સુંદર ચિત્ર હતું અને હોલમાં બીજાં ૮ ભવ્ય ચિત્રો હતાં. ગાઈડ-બહેને અમને ૩ ચિત્રોની વિગતો ઘણી લંબાણથી સમજાવી. અમેરિકન કોંગ્રેસની ભવ્ય ગાથા અને ઇતિહાસ દર્શાવતું આ પ્રદર્શન ખરેખર અણમોલ છે. ત્યાંથી એક પછી બીજા હોલમાં જતાં ગયાં જ્યાં અમેરિકાના પ્રખ્યાત પ્રેસિડેન્ટની મૂર્તિઓ, જૂના ઐતિહાસિક દસ્તાવેજો, અમેરિકન ફેડરલ સરકાર, કોંગ્રેસ, લોકોના પ્રતિનિધિઓ અને સેનેટર્સ કેવી રીતે કામ કરે છે, આ રાજધાનીનું શહેર અને આ ઇમારત કેવી રીતે બની વગેરેની માહિતી બહુ સરસ રીતે વીડિયો, ચિત્રો, ફિલ્મથી બતાવવામાં આવી હતી.દસ્તાવેજ અને પુસ્તકોની સુંદર લાઈબ્રેરી હતી, અને આ બધાં વિષે કોમ્પ્યુટર પર માહિતીની આપ-લે થઈ શકે તેવી વ્યવસ્થા હતી. અમને બહુ મઝા આવી ગઈ. જો કે અમારે આ જ શહેરમાં બીજું ઘણું જોવાનું હતું એટલે ઝડપ રાખવી પડી.

હવે નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમનો વારો હતો. એરક્રાફ્ટ અને સ્પેસક્રાફ્ટનું આ દુનિયાભરનું મોટામાં મોટું અને પ્રખ્યાત સંગ્રહાલય છે. અમે હાથમાં જ નાસ્તાનાં પેકેટ લઈ ચાલતાં ચાલતાં નીકળ્યાં. રસ્તામાં ફૂલોથી ભરેલો એક સુંદર બગીચો આવી ગયો. અડધાં લોકો અંદર જવાની લાલચ રોકી શક્યા નહીં અને અમે છૂટાં પડી ગયાં. બગીચો જોઈને બહાર નીકળીએ ત્યાં તો આકાશ ઓચિંતું જ ઘેરાઈ ગયું અને મુશળધાર વરસાદ તૂટી પડ્યો. અમે તેને માટે બિલકુલ તૈયાર ન હતાં. સખત વરસાદમાં અમે સાવ ભીંજાઈ ગયાં. વીસેક મિનિટમાં તો વરસાદ બંધ પણ થઈ ગયો. પરંતુ અમારો સાંજનો પ્રોગ્રામ બિલકુલ ખોરવાઈ ગયો. એર એન્ડ સ્પેસ મ્યુઝિયમની બે જુદી જુદી બાજુઓએ અમે હતાં. ફાઈનલી બે-ત્રણ વાર ફોનથી વાત થઈ અને બધાં પાછાં ભેગાં થયાં. બિલ્ડીંગમાં નીચે જ કેન્ટીન હતી એટલે ભીનાં કપડાંમાં ગરમ કૉફી અને નાસ્તાની મઝા માણી! સાડા પાંચ વાગી ગયા અને મ્યુઝિયમ બંધ થવાનો સમય થઈ ગયો એટલે અમારા કમનસીબે અમે મ્યુઝિયમ જોઈ શક્યાં નહીં. અમને સૌને બહુ દુઃખ થયું પણ કોઈ ઉપાય ન હતો.

અમે એક બસ-સ્ટેન્ડ પર ઊભાં રહ્યાં અને બે જણ જઈ બે ગાડીઓ લઈ આવ્યા. અમે બધાં અહીંથી નિખિલભાઈના ઘરે જવાનાં હતાં. રસ્તામાં ભીડ બહુ થઈ ગઈ હતી અને ટ્રાફિક પણ ઘણો વધી ગયો હતો. અમે લગભગ સાત વાગે ઘેર પહોંચ્યાં.

નયના અને ભાર્ગવીએ એક સરપ્રાઈઝ પ્રોગ્રામ રાખ્યો હતો. એ લોકોની સાથે અમારે પણ અમેરિકન ડ્રેસ પહેરીને સજ્જ થવાનું હતું! રીટા અને મારા માટે સુંદર ડ્રેસ તૈયાર હતા! અમે અમેરિકન કપડાં, સેન્ડલ અને દાગીના પહેરીને ખુશખુશ થઈ ગયાં. અમારી સાથે ઘરનાં બધાં પણ આનંદ અને આશ્ચર્યની લાગણીમાં ગરકાવ થઈ ગયાં! સુંદર અને અલગ જાતનાં વસ્ત્રોમાં અમે પણ અમેરિકન સ્ટાઈલમાં ફોટા પડાવ્યા! નિખિલભાઈના ઘરથી પાંચેક કિમી. દૂર એક ભારતીય રેસ્ટોરાંમાં સાંજનું જમવાનું હતું. નિખિલભાઈનો દીકરો પીનાંક પણ અમારી જોડે આવ્યો. ભાર્ગવીએ આગળથી ઓર્ડર આપ્યો હતો એટલે બહુ સરસ રીતે ટેબલ શણગાર્યું હતું. ભારતમાં મળે છે તેવી જ વાનગીઓ ગરમાગરમ પીરસી અમને ખુશ કરી દીધાં! અમે સૌએ સાથે બેસીને મહાભોજન લીધું!

ઘરે આવી વાતોએ વળગ્યાં. અમારી અમેરિકાની ટુરના સુખદ અનુભવો માણતાં માણતાં રાતના બાર વાગી ગયા. અને અરે! આ તો બીજી જુલાઈ થઈ પણ ગઈ! આજે તો દિલીપભાઈની વર્ષગાંઠ ! નયનાએ નવીન પ્રકારની આઇસક્રીમ-કેકની ગોઠવણ કરી હતી. મોટી સરસ કેક ફ્રીજમાંથી બહાર કાઢી ત્યારે જ ખ્યાલ આવ્યો કે હજી એક ઉજવણી તો બાકી હતી! આઇસક્રીમ-કેક ઉપર મીણબત્તી ગોઠવી ‘હેપ્પી બર્થડે’ નું ગીત ગયું! દિલીપભાઈને વર્ષગાંઠના અભિનંદન આપી બધાં સરસ કેક ખાવા ગોઠવાઈ ગયાં! અમને પોતાને પણ નવાઈ લાગી કે આટલું બધું જમ્યાં પછી રાતના બાર વાગે પણ અમે આઇસક્રીમ-કેકને સરખો ન્યાય આપ્યો!  કેકની સાથે સાથે વાતોના ગોટા ખાતાં ખાતાં લગભગ બે વાગે અમે બધાં સૂઈ ગયાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

9 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : અમેરિકાનો સ્વાતંત્ર્ય દિન કેપિટોલમાં

  1. Nice, amazing Washington DC. 2-3 weeks are needed to see so many museums and historic places! Enjoyed…
    Amrish

  2. Enjoyed reading about your visit of Washington D.C 👍. Nice photos. Would have loved see you in dress and accessories.

  3. સુંદર વર્ણન. કોરૉના ઓછો થાય તો નવી જગ્યા નું વર્ણન મળે તેવી અપેક્ષા છે.

    1. સાચે જ! હવે ક્યાં જવું તેની શોધખોળ શરૂ કરી દીધી છે!

  4. અમેરિકાની મુલાકાત અંત તરફ આગળ વધવા ની પળો નું લાગણી સભર વર્ણન .. કેપીટોલ હીલ ની બહાર “Trump not my president” ા પ્લેકાર્ડ સાથે વિરોધ કરવાના અધીકાર નો ઉપયોગ કરતાં જોયા હોવાનું, ભવ્ય ઇમારત ની ટુર કરવા ની સુંદર વ્યવસ્થા, નયના એ આપેલી હવામાન ની આગાહી ની ચેતવણી અને એ મુજબ જ ગણમાં ની પળો માં જ વરસાદ નું તુટી પડવું… મયુઝીયમ ની અપૂરતી પણ રોમાંચક મુલાકાત, એ કેન્ટીન માં ગરમ નાસ્તા ની મજા ને ઘરે પાછા ફર્યા બાદ નયના ભાર્ગવી નું ઘાયલ કરતું સરપ્રાઈઝ .. તમને ને રીટા ને સુંદર રીતે તૈયાર કરવા ની ઘટના યાદગાર રોમાંચ પેદા કરી ગઈ… ભાર્ગવી એ મારી બર્થ ડે ની ઉજવણી માટે બનાવેલ કેક બદલ ફરી એક વાર દિલ થી દિલીપ ના સઝદા ❣️🌷❣️સુંદર લખાણ બદલ ફરી એક વાર અભિનંદન 💐💐

Leave a Reply

Your email address will not be published.