ન વોહ ખમ હૈ ઝુલ્ફ- એ – અયાઝ મેં – મુહમ્મદ ઈકબાલ

ભગવાન થાવરાણી

ઉર્દૂ ભાષાની ખૂબસુરતી અને લજ્જત જે જાણે છે તે જાણે છે. એ ભાષામાં કોઈ વક્તવ્ય કે શેરો – ગઝલ સાંભળીએ ત્યારે આપણને એમાંનું ઘણું બધું ન સમજાય તો પણ એવું લાગ્યા કરે કે કશુંક મધુરું અને શ્રાવ્ય સાંભળીએ છીએ. એ જબાનની શ્રવણ-મધુરતાનો પ્રતાપ છે. અન્ય ભાષાઓમાં પણ આ ખાસિયત હશે પણ મારા મતે ઉર્દૂમાં સવિશેષ .

આ ભાષામાં ગઝલોનો જે વ્યાપ અને વૈવિધ્ય છે એવું અન્ય કોઈ ભાષામાં નથી. એ સ્વાભાવિક પણ છે કારણ કે શતાબ્દીઓ પૂર્વે અરબી ભાષામાં જન્મેલી ગઝલ એ પછી આપોઆપ એની ભગિની ભાષાઓ તુર્કી, ફારસી અને ઉર્દૂમાં ભરપૂર પાંગરી.

આપણે ગઝલના સરેરાશ ભાવકો એ સુપેરે જાણીએ છીએ કે ઉર્દૂ – ફારસી કવિતામાં અસદુલ્લાહ ખાં યાને મિર્ઝા ગાલિબનો જોટો નથી. વિશ્વ – કવિતામાં પણ ! એમના અસંખ્ય શેરો એવા છે જેના અઘરા શબ્દોના અર્થો જાણ્યા પછી પણ એ શેરોની ગહનતાનો તાગ પામી શકીએ નહીં. આવા જ એક અન્ય શાયર હતા સર મુહમ્મદ ઈકબાલ. એમને અલ્લામા ( વિદ્વાન ) ઈકબાલ તરીકે પણ સંબોધવામાં આવે છે.

ઈકબાલ એ યુગમાં હાલના પાકિસ્તાન ( સિયાલકોટ )માં જનમ્યા જ્યારે હજૂ પાકિસ્તાનનું સર્જન નહોતું થયું . એ ૧૯૩૭માં લાહૌરમાં અલ્લાહને પ્યારા થઈ ગયા. નવાઈની વાત કે ‘ સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા કક્ષાનું રાષ્ટ્રીય ગીત ( ખરેખર તો ગઝલ ! ) લખનારા મુહમ્મદ ઈકબાલ એ લખ્યા પછીના વર્ષોમાં એક કટ્ટર મુસ્લિમ અને પાકિસ્તાન-સર્જનના પ્રખર સમર્થક બની રહ્યા !

આજે એમની જે ગઝલની વિગતે ચર્ચા કરવી છે એની વાત કરતાં પહેલાં એમની પૂરેપૂરી ઓળખ માટે એમના કેટલાક કિંવદંતી સમાન શેર જોઈએ, જે કમ-સે-કમ મેં તો વર્ષો સુધી, એ શેરોનો અર્થ સમજ્યા વિના માત્ર સાંભળ્યે રાખ્યા હતા :

ખુદી કો કર બુલંદ ઈતના કિ હર તકદીર સે પહલે
ખુદા  બંદે  સે ખુદ  પૂછે  બતા  તેરી  રઝા  ક્યા હૈ ..

સિતારોં સે આગે જહાં ઔર ભી હૈં
અભી ઈશ્ક મેં ઈમ્તેહાં ઔર ભી હૈં..

નશા પિલા કે ગિરાના  તો  સબ કો આતા હૈ
મઝા તો તબ હૈ કિ ગિરતોં કો થામ લે સાકી..

હઝારોં  સાલ  નર્ગિસ અપની બેનૂરી પે રોતી હૈ
બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા ..

અચ્છા હૈ દિલ કે સાથ રહે પાસબાન – એ – અક્લ
લેકિન  કભી – કભી  ઈસે  તન્હા  ભી  છોડ  દે …

જિસ  ખેત  કે  દહકાં  કો  મયસ્સર  નહીં  રોટી
ઉસ ખેત કે હર ખોશા – એ – ગંદુમ કો જલા દો ..

મુઝે રોકેગા તૂ ઐ નાખુદા  ક્યા ગર્ક હોને સે
કિ જિનકો ડૂબના હૈ ડૂબ જાતે હૈં સફીનોં મેં..

બુતોં સે તુજકો ઉમ્મીદેં ખુદા સે નાઉમીદી
મુઝે  બતા તો  સહી  ઔર  કાફિરી  ક્યા હૈ ..

આટલા પ્રસિદ્ધ શેરો થકી એમના તાર્રૂફ પછી જે ગઝલની આજે વાત કરવી છે એ ગઝલ :

કભી ઐ હકીકત-એ-મુંતઝર નઝર આ લિબાસ-એ-મજાઝ મેં
કિ હઝારોં સજદે તડપ રહે હૈં મેરી જબીન – એ – નિયાઝ મેં

તરબ-આશના -એ -ખરોશ હો તૂ નવા હૈ મહરમ-એ-ગોશ હો
વો સરૂદ ક્યા કિ છુપા હુઆ હો સુકૂત – પર્દા – એ  – સાઝ મેં

તૂ  બચા – બચા કે ન રખ  ઈસે  તેરા  આઈના હૈ વો  આઈના
કિ શિકસ્તા હો તો અઝીઝ-તર હૈ નિગાહ-એ-આઈનાસાઝ મેં

દમ-એ-તૌફ કિર્મક-એ-શમા ને યે કહા કિ વો અસ્ર-એ- કુહન
ન  તિરી  હિકાયત-એ-સોઝ  મેં ન  મેરી  હદીસ-એ-ગુદાઝ મેં

ન  કહીં  જહાં  મેં અમાં  મિલી  જો  અમાં  મિલી તો કહાં મિલી
મિરે જુર્મ-એ-ખાના-ખરાબ કો તિરે અફ્વ-એ-બંદા-નવાઝ મેં

ન  વો  ઈશ્ક  મેં  રહીં  ગર્મિયાં  ન  વો  હુસ્ન  મેં  રહીં  શોખિયાં
ન વો ગઝનવી મેં તડપ રહી ન વો ખમ હૈ ઝુલ્ફ-એ-અયાઝ મેં

જો મૈં સર-બ-સજદા હુઆ કભી તો ઝમીં સે આને લગી સદા
તેરા દિલ તો હૈ સનમ – આશનાં તુજે ક્યા મિલેગા નમાઝ મેં ..

આ ગઝલ અને ઈકબાલ સાથે જોડાયેલો એક રમૂજી કિસ્સો સાંભળીએ. ઈકબાલ સાહેબ એકવાર લખનૌ ગયેલા. જનાબ સજ્જાદ હૈદર સાથે એ એમના મિત્ર રશીદ લખનવીના ઘરે એમને મળવા ગયા. ઈકબાલ સાહેબે એમને પોતાની આ મશહૂર ગઝલ સંભળાવી. સમગ્ર ગઝલના શ્રવણ દરમિયાન રશીદ સાહેબ અવિચલિત રહ્યા. કોઈ દાદ નહીં ! પૂરી ગઝલ સાંભળ્યા બાદ એમણે ફરમાવ્યું, ‘ હવે એકાદ ગઝલ ઉર્દૂમાં પણ સંભળાવો ! ‘ 

પછીથી ઈકબાલ સાહેબ આ ઘટના પોતાના મિત્રોને હસી-હસીને સંભળાવતા રહ્યા .

ખેર ! ઈકબાલ સાહેબની અનેક ગઝલોમાંથી સાત શેરની આ જ ગઝલ પસંદ કરવાનો એક મકસદ એ કે આ સાતમાંથી શેર તો એવા છે ( મારી અંગત સમજને ધ્યાનમાં રાખી કહું છું ! ) જેના મુશ્કેલ શબ્દોનો અર્થ જાણ્યા પછી પણ એ વર્ષો સુધી મને સમજાયા નહોતા, બલ્કે એમ કહેવું વધુ ઉચિત કહેવાશે કે મેં સમજવાનો ગંભીર પ્રયત્ન જ નહોતો કર્યો ! હવે એ શેરો જેટલા સમજાયા એ આપ ભાવકો સાથે વહેંચું છું. અન્ય એક કારણ એ પણ કે આપણે સૌ આ ગઝલના સાતમાંથી ચાર શેરોને ( કદાચ અર્થઘટનની ચિંતામાં પડ્યા વિના ! ) એક ફિલ્મી ગીત તરીકે સાંભળી ચૂક્યા છીએ. મહાન સંગીતકાર મદનમોહન દ્વારા એ સંગીતબદ્ધ કરવામાં આવ્યું હતું ૧૯૬૭ની ફિલ્મ ‘ દુલહન એક રાત કી માટે સ્વર-સામ્રાજ્ઞી લતાના કંઠમાં એક કવ્વાલી તરીકે ! ફિલ્મમાં બીજા પણ લોકપ્રિય ગીતો હતા ( એક હંસીં શામ કો દિલ મેરા ખો ગયા અને મૈને રંગ લી આજ ચુનરિયા ) એટલે આ રચના મહદંશે ઉવેખાયેલી રહી ! મદન મોહનના સાચા ચાહકો જાણે છે કે એ ફિલ્મ – સંગીતના મિર્ઝા ગાલિબ અથવા મુહમ્મદ ઈકબાલ હતા. આ રહ્યું એ ગીત :

 

હવે વારાફરતી દરેક શેર જોઈએ –

૧.  કભી ઐ હકીકત-એ-મુંતઝર નઝર આ લિબાસ-એ-મજાઝ મેં
    કિ  હઝારોં  સજદે  તડપ  રહે  હૈં  મેરી જબીન-એ-નિયાઝ મેં

ઉર્દૂમાં ‘ મુંતઝર અને ‘ મુંતઝિર ‘ બન્ને શબ્દો ‘ ઈંતેઝાર ઉપરથી આવ્યાં છે. ‘ મુંતઝર ‘ એટલે જેની પ્રતીક્ષા છે તે અને ‘ મુંતઝિર ‘ યાને જે પ્રતીક્ષા કરે છે તે. આમ હકીકત-એ-મુંતઝર અેટલે પ્રતિક્ષિત સત્ય. અહીં સંભવત: આ શબ્દ-દ્વય ખુદા – પરમાત્મા માટે વપરાયા છે. શ્રદ્ધાળુઓ જેના ઉજાગર થવા માટે આતુર છે તે પરમ સત્ય !

લિબાસ શબ્દથી આપણે સૌ પરિચિત છીએ. મજાઝ એટલે પ્રતીક, ભૌતિક, સ્થૂળ, સ્પર્શી – અનુભવી શકાય તેવું. ( મજાઝ લખનવી નામના એક શાયર પણ હતા. ‘ ઠોકર ‘ ફિલ્મની નઝ્મ  ‘ ઐ ગમે દિલ ક્યા કરું ‘ ના શાયર. ) આમ લિબાસે – મજાઝ એટલે સ્પર્શી – અનુભવી – જોઈ શકાય તેવું સાક્ષાત્ સ્વરૂપ.

સજદા એટલે નમન, યાચના. જબીન એટલે કપાળ અથવા ચહેરો. ( જબીન જલીલ નામના ફિલ્મ અભિનેત્રી હતાં ! ). નિયાઝ યાને વિનમ્રતા, આમન્યા કે સમર્પણ. જબીન-એ-નિયાઝ એટલે સમર્પિત જાત.

તો સમગ્ર શેરનું તારતમ્ય એ કે હે માલિક ! હે પરમાત્મા ! તું એ સચ્ચાઈ, એ પ્રતિક્ષિત હકીકત છો જેના સાક્ષાત્કારનો સર્વે શ્રદ્ધાળુઓને વ્યાકુળતાથી ઈંતેજાર છે. ( એટલા માટે કે તને તારા મૂળ સુક્ષ્મ સ્વરૂપમાં જોવો એ અમ પામરોનું ગજું નથી ! ). તું તારા ભૌતિક સ્વરૂપમાં (લિબાસે મજાઝમાં ) દર્શન આપે તો જ અમે તને જોઈ શકીએ. તારા આવા દર્શન માટે મારી ભીતર હજારો વિનમ્ર ( નિયાઝી ) યાચનાઓ (સજદા ) આકુળ-વ્યાકુળ છે.

( બડી દેર ભઈ નંદલાલા તેરી રાહ તકે બ્રિજબાલા ના શબ્દો મમળાવી જૂઓ. એ જ વાત છે આ ! )

અકબર ઈલાહાબાદી સાહેબે પણ લખેલું :

બસ  જાન  ગયા  મૈં  તેરી  પહચાન યહી હૈ
તૂ દિલ મેં તો આતા હૈ સમજ મેં નહીં આતા..

 

૨. તરબ – આશના – એ – ખરોશ હો તૂ નવા હૈ મેહરમ – એ – ગોશ હો
   વો  સુરૂદ  ક્યા  કિ છુપા  હુઆ  હો  સુકૂત- એ- પરદા- એ- સાઝ  મેં

તરબ એટલે પ્રસન્નતા અને આશના એટલે મિત્ર કે પરિચિત હોવું. ખરોશ એટલે શોરગુલ કે ઘોંઘાટ. નવા એટલે અવાજ. મેહરમ એટલે અંતરંગ મિત્ર કે સાથી અને ગોશ યાને કાન. આમ મેહરમ-એ-ગોશ એટલે કર્ણપ્રિય. સુરૂદ એટલે ગીત કે રાગ ( કદાચ સરોદ વાધ્યનું નામ એ પરથી આવ્યું હશે. ) સુકૂત એટલે સન્નાટો કે નીરવતા અને પરદા-એ-સાઝ એટલે વાજિંત્રની ઓટ.

હવે આ અર્થોના ટુકડા જોડીને સમગ્ર શેરનો ભાવાર્થ પકડવાનો પ્રયત્ન કરીએ. અહીં ફરી સંબોધન ( સંભવત: ) પરમાત્મા – ખુદાને છે. હે પરમેશ્વર ! તું ઘોંઘાટ અને પ્રસન્નતા બન્ને પર આધિપત્ય ધરાવે છે. તું ધ્વનિ છો. તું કર્ણપ્રિય પણ છો. ટૂંકમાં, કર્કશતા પણ તું અને સુરીલાપણું પણ તું તો પછી એવા ગીતનો ( સુરૂદ ) અર્થ શું જે સુકૂતે – પરદા – એ -સાઝ રહે એટલે કે વાજિંત્રની ઓટમાં ધરબાયેલું, સુષુપ્ત, વણદીઠું, વણસુણ્યું રહે !

એક રીતે આ ખુદાને જ નહીં, બંદાને પણ આવાહ્ન છે કે તારામાં સર્વસ્વ છે. તું જ અંતિમ સત્ય છો. વ્યક્ત થા. બહાર આવ ! ( ભગવત ગીતા આ જ કહે છે ! )

તૂ હી સાગર હૈ તૂ હી કિનારા
ઢૂંઢતા હૈ તૂ કિસકા સહારા ..

 

૩. તૂ બચા – બચા કે ન રખ ઈસે તેરા આઈના હૈ વો આઈના
   કિ શિકસ્તા હો તો અઝીઝતર હૈ નિગાહ-એ- આઈનાસાઝ મેં..

શિકસ્તા એટલે પરાસ્ત કે ખંડિત. અઝીઝતર એટલે વધુ વહાલું અને આઈનાસાઝ એટલે અરીસા ઘડનાર.

તું તારા દર્પણને ( એટલે કે હ્રદયને ) બચાવી – સંતાડી ન રાખ. એ ખંડિત કે પરાસ્ત છે તો શું થયું ? ( તોરા મન દરપન કહેલાએ ) એ બીક ન રાખ કે આવું તૂટ્યું – ફૂટ્યું મન લઈને ‘ એની કને કેમ જવું ! જે ખંડિત – ભગ્ન – વ્યથિત છે એ તો ઊલટાનું  આઈનાસાઝ ( પરમાત્મા ) ને વધુ વહાલું ( અઝીઝતર ) હોય ! નબળા સંતાનો માવતરને વધુ પ્રિય હોય તેમ !

 

૪. દમ-એ-તૌફ કિરમક-એ-શમા ને યે કહા કિ વો અસ્ર-એ-કુહન
    ન  તિરી  હિકાયત-એ-સોઝ મેં  ન મિરી હદીસ-એ-ગુદાઝ મેં..

ફરી શબ્દાર્થો અને એમનું સંધાન કરીએ. દમ એટલે ક્ષણ. ( ‘ દમ ભર જો ઉધર મુંહ ફેરે ‘ ) તૌફ એટલે ફરવું, પ્રદક્ષિણા. કિરમક એટલે ફુદું કે નાનું પતંગિયું ( પરવાના ). કુહન એટલે પુરાણું, અગાઉનું. હિકાયત એટલે કહાણી, વાર્તા. સોઝ એટલે દાહ કે બળતરા. હદીસ યાને વિવરણ ( એ શબ્દ પૈગંબર સાહેબના કથનો, કાર્યો અને આદતોના વિવરણ માટે કુરાનમાં વપરાયો છે. ) અને ગુદાઝ એટલે નરમ કે કોમળ ( ‘ ગુદાઝ બદન ‘ વાંચતા આવ્યા છીએ )

આમ, શમાની આસપાસ ફરતી વખતે પરવાના – પતંગિયાના મોઢેથી શમાને ઉદ્દેશીને સરી પડ્યું કે હવે એ પહેલાં જેવી અસરકારકતા ન તારી બળતરાની કથનીમાં છે કે ન મારી ઋુજુ કહાણીમાં ! બન્ને બદલાઈ ગયા છીએ. ‘ સૈફ ‘ કહે છે તેમ :

પહેલાં સમું તરસનું એ ધોરણ નથી રહ્યું
પાણી મળે છે તો ય હવે પી જવાય છે..

 

 . ન  કહીં  જહાં  મેં અમાં  મિલી  જો  અમાં  મિલી  તો  કહાં મિલી
    મિરે જુર્મ-એ-ખાના – ખરાબ કો તિરે અફ્વ-એ-બંદા-નવાઝ મેં..

અમાં એટલે આશ્રય કે શરણ. ખાના-ખરાબથી આપણે પરિચિત છીએ. એનો અસલ અર્થ ‘ ઘરનો સર્વનાશ ‘ એવો થાય. અફ્વ એટલે માફી અને બંદાનવાઝ એટલે સેવક પર કૃપા વરસાવનાર. સમગ્ર શેરનો સીધો – સાદો અર્થ એટલો જ કે મારા જ ઘરની ખાનાખરાબી કરનાર મારા અપરાધને છેવટે આશરો મળ્યો તો તારી ઉદાર રહેમદ્રષ્ટિ હેઠળ !

તૂ પ્યાર કા સાગર હૈ તેરી ઈક બૂંદ કે પ્યાસે હમ

 

. ન  વો  ઈશ્ક  મેં  રહીં  ગર્મિયાં  ન  વો  હુસ્ન  મેં  રહીં શોખિયાં
   ન વો ગઝનવી મેં તડપ રહી ન વો ખમ હૈ ઝુલ્ફ-એ-અયાઝ મેં ..

અહીં પહેલો મિસરો તો આસાન છે. ખરી ગૂંચવણ ઊભી થાય છે બીજા મિસરામાં. ગઝનવીની તડપ ? અયાઝની ઝુલ્ફોનો ખમ ? શું છે એ ? ( શોખી એટલે ચંચળતા અને ખમ એટલે ગૂંચ કે મરોડ )

માંડીને વાત કરીએ. ઈતિહાસમાં જવું પડશે. સુલતાન મહેમૂદ ગઝનવી ( આપણે એમને માત્ર સોમનાથ મંદિર પર ચડાઈ કરી લૂંટનાર તરીકે ઓળખીએ છીએ ) એ પોતાના એક વખતના ગુલામ મલિક અયાઝને એના કૌશલ્ય અને વફાદારીના શિરપાવ તરીકે લાહૌર શહેરનો સુબો બનાવેલો. ( એ બન્નેના અંતરંગ સંબંધો વિષે કેટલીક અન્ય લોકવાયકાઓ પણ છે જે અત્રે અપ્રસ્તુત છે. )

અર્થઘટનમાં ખરી અવઢવ છે અયાઝની ઝુલ્ફમાં. એક પુરુષની ઝુલ્ફના ખમ – કેશના મરોડનો અહીં શું સંદર્ભ ? વિદ્વાનો બે વાત કહે છે. ઝુલ્ફ અહીં તલવારના પ્રતીક તરીકે છે અને ખમ એ તલવારની ધાર કે તીક્ષ્ણતા અન્વયે. બીજો મત એવો છે કે એ જમાનામાં પુરુષના કેશ એના સમ્માનનું પ્રતીક લેખાતા અને એ કેશનો મરોડ એની એના માલિક તરફની વફાદારીનું ચિહ્ન.

સમગ્ર શેરનું અર્થઘટન એમ કે હવે ન તો પ્રેમીના ઈશ્કમાં પહેલાં સમી ઉષ્મા રહી છે ન માશુકમાં પહેલાં જેવી વિહ્વળતા. ન તો સુલતાનોમાં પોતાના વફાદારો માટે પહેલા સમી તડપ – બેચેની – કદરદાની કે ન તો વફાદારોની તલવારમાં માલિક કાજે તીક્ષ્ણતા !

વો ઝમાના અબ કહાં જો અહલ-એ- દિલ કો રાસ થા
અબ તો મતલબ કે લિયે નામ-એ- વફા લેતે હૈં લોગ ..

 

૭. જો મૈં સર-બ-સજદા હુઆ કભી તો ઝમીં સે આને લગી સદા
     તિરા દિલ તો હૈ સનમ-આશનાં તુજે ક્યા મિલેગા નમાઝ મેં ..

સમગ્ર ગઝલનો આ કદાચ સૌથી સહેલો અથવા ઓછો કઠિન શેર છે. એક રીતે પહેલા શેરમાં શાયરે ઉઠાવેલા પ્રશ્નનો એમણે જ આપેલો જવાબ પણ અહીં નિહિત છે.

સર-બ-સજદા હોવું એટલે મસ્તક ઝુકાવવું, ઈબાદત-બંદગી કરવી, નમાઝ પઢવી. સદા એટલે પોકાર ( ‘ સદા મેરે દિલ કી ઝરા સુનતે જાઓ ‘ ), સનમ એટલે મૂર્તિ અથવા ભૌતિક ઈચ્છાઓ, આશના એટલે મિત્ર કે પ્રેમી ( માટે સનમ – આશનાં એટલે ઈચ્છાઓનો ગુલામ . )

હું જેવો બંદગી માટે ઝૂક્યો કે જમીનમાંથી જાણે અવાજ ગૂંજ્યો કે મૂરખ ! તારું હ્રદય તો હજૂ પણ ભૌતિક ઈચ્છાઓનું ગુલામ છે તો આ નમાઝમાં તને મળશે શું ? તારામાં ‘ એને પામવાની સાચી લગની જ નથી એટલે આ નમાઝ – બંદગી – આરાધના નિરર્થક છે. ઉપર પહેલા શેરમાં કહ્યું તેમ, કવિએ વ્યક્ત કરેલી ખુદાને હાજરાહજૂર જોવાની તલબનો જવાબ પોતે જ આપે છે કે તું એ દર્શનને લાયક જ ક્યાં છો ?

અંતમાં સ્પષ્ટતા કે આ કક્ષાના મોટા શાયરોની કૃતિઓના અર્થઘટનો વિદ્વાનો પણ અલગ – અલગ રીતે કરતા હોય છે. શાયરને પોતાને શું અભિપ્રેત હતું એ તો વળી નોખી જ વાત ! એક અદના ભાવક તરીકે મેં મારા વાંચન, સમજણ અને ગજા પ્રમાણે મારી રીતે વાત મૂકી છે, એટલું જ.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

11 thoughts on “ન વોહ ખમ હૈ ઝુલ્ફ- એ – અયાઝ મેં – મુહમ્મદ ઈકબાલ

  1. અત્યંત સુંદર. છણાવટ..અઘરામાં અઘરી પંક્તિ પણ મગજમાં ઉતરી જાય તેવી…ખૂબ ખૂબ ધન્યવાદ

  2. વાહ વાહ થાવરાણી સાહેબ,

    આપનું અર્થઘટન અને સાથે આપેલા શબ્દો ના અર્થ અને ગઝલમાં તેના થયેલા પ્રયોગ બાબતે આપે દર્શાવેલ સંદર્ભ અદભુત અને અનન્ય છે.

    આ ગઝલ તો ફિલ્મ ના ગીત તરીકે તો ઘણાં વર્ષોથી સાંભળતો આવ્યો છું અને તેના અર્થ બાબત પણ ઘણું જાણતો હતો પરંતુ સંપૂર્ણ ગઝલ ને આપે ખુબજ સરળતાથી અને આસાનીથી સમજાય તે રીતે પ્રસ્તુત કરી છે. આપનો હ્રદય પૂર્વક નો આભાર.

    1. આલેખ વાંચીને સવિસ્તાર પ્રતિભાવ બદલ આપનો ઋણી છું.

  3. વાહ સર ખુબજ સરસ અને સરળ રીતે આ ગઝલ સમજાવી. અમારા જેવા જે ઉર્દુ નો કખગ પણ ન જાણનાર ને આખીયે ગઝલનુ અર્થ ઘટન સમજવાં મળે તેનાથી મોટું અહોભાગ્ય શું હોય શકે. હવે આ કવાલીને સાંભળતા એક નવો જ અહેસાસ થશે. ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર. 🙏🙏🙏

  4. વાહ સર ખુબજ સરસ અને સરળ રીતે આ ગઝલ સમજાવી. અમારા જેવા જે ઉર્દુ નો કખગ પણ ન જાણનાર ને આખીયે ગઝલનુ અર્થ ઘટન સમજવાં મળે તેનાથી મોટું અહોભાગ્ય શું હોય શકે? હવે જયારે આ કવાલી સાંભળવા મળશે ત્યારે એક જુદી જ અહેસાસ થશે. ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર. 🙏🙏🙏🙏

Leave a Reply to Bhagwan thavrani Cancel reply

Your email address will not be published.