વ્યંગ્ય કવન (૬૨) : મફતમાં જે મળ્યું તેને વધાવી તું મજા કરજે

સુરેશ જાની

મફતમાં જે મળ્યું તેને વધાવી તું મજા કરજે. 
મળ્યું કે ના ફરી મળશે, તરત ખિસ્સું ભરી લેજે. 

‘દુનિયાની જુઠી વાણી.’ ખરું એ  સત્ય માની લે. 
કરોડો માછલાં ધોવાયાં, સાચું બોલવા કાજે.

ફરી આવી તકો ના સાંપડે તુજને, ગ્રહી લેજે
ઘડી આવી મહામોંઘી, લગીરે રાહ ના જોજે. 

જગતના આ પ્રપંચોમાં, નથી સ્વાશ્રય તણો મહિમા,
બીજાનાં સો પરાક્રમને સુખેથી પોતીકાં ગણજે.

પ્રભુની એ કૃપા માની, મફતને મસ્તકે ધરજે
‘કદી વહેંચી ન ખાવું. ‘ તે મહા નિર્ણય કરી લેજે.

ડુબે ના કોઈ’દી તું  તો, સમંદર સો તરી જાશે 
પરાયા ટાંટીયા ખેંચી, સવાયો શેર તું થાજે.

હજારો હોડીઓ હાજર, હરખની તું હવા ખાજે
હલેસાં મારવાની વાતને તું મૂર્ખતા ગણજે.

હવે રાજા થયો તું તો, મુછોને તાવ તું દેજે
સવારથના મહા આનંદનો, માથે મુગટ ધરજે.


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “વ્યંગ્ય કવન (૬૨) : મફતમાં જે મળ્યું તેને વધાવી તું મજા કરજે

  1. વાહ સુરેશભાઈ બાલાશંકર કંથારિયાની યાદ આવી ગઈ ફરક એટલો છે કે આપની રચનામાંં કટાક્ષ છે.

Leave a Reply to Kishor Thaker Cancel reply

Your email address will not be published.