અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ચાર્મસીટી બાલ્ટીમોર અને નાસા સ્પેસ સેન્ટર


દર્શા કિકાણી

૩૦/૦૬/૨૦૧૭

રાજેશ વહેલા અંધારામાં જ ઊઠી ગયા હતા. અમે નીચેના રૂમમાં સૂઈ ગયાં હતાં અને બહાર દૂર સુધી લીલોતરી સિવાય કંઈ દેખાતું ન હતું. સવારના ઝાંખા અજવાળામાં રાજેશને પ્રકાશના ચાર ટપકાં નાચતાં કૂદતાં દેખાયાં. સહેજ ધ્યાનથી જોયું તો કોઈ નાનું પ્રાણી હોય તેવું લાગ્યું. રાતના વાત થઈ હતી કે ઘરની આસપાસ વહેલી સવારે હરણાં આવે છે એટલે રાજેશને ખ્યાલ આવી ગયો કે હરણાં જ હશે. રાજેશ અવાજ કર્યા વગર સ્થિર બેસી રહ્યા કે જેથી તેમને કોઈ વિક્ષેપ થાય નહીં. થોડી વાર રમીને હરણાં જતાં રહ્યાં!

અમે બધાં નાહી-ધોઈ તૈયાર થઈ નાસ્તો કરી તેમની સુંદર ટાઉનશીપ જોવા નીકળ્યાં. નયનાના ઘરથી ત્રણ ઘર છોડીને રહેતાં તેમનાં પાડોશી બહારગામ ગયાં હતાં. તેમને ઘરેથી છાપું લીધું અને પોસ્ટ લીધી. કહેવાય પાડોશી પણ ઘર અડધો માઈલ દૂર! થોડે આગળ જતાં નયનાએ એક સરસ ઘર બતાવ્યું જે ઘર આખું ને આખું દસેક માઈલ દૂરથી અહીં શિફ્ટ કર્યું છે! બહુ નવાઈ લાગે એવી પણ સાચી વાત છે કે વડીલોની યાદમાં આખું ને આખું ઘર શિફ્ટ કર્યું છે ! કલાક ફરીને પાછાં આવ્યાં. સૂર્યપ્રકાશમાં ઘર બહુ સુંદર અને ભવ્ય લાગતું હતું. નયનાને ગાર્ડનીંગનો બહુ શોખ છે. તેણે બગીચો ઘણો સરસ વિકસાવ્યો છે. અનેક જાતનાં ઝાડપાન ઉગાડ્યાં છે. સુંદર ફૂલોથી આખો બાગ ઊભરાતો હતો!

આજે નાનકભાઈ સાથે નાસાનું પ્રદર્શન જોવા જવાનું છે. અમે બધાં તે જોવા અધીરાં હતાં. દસેક વાગે તેમની ગાડીમાં અમે નીકળ્યાં. ઘરથી નજીક જ જવાનું હતું, ગોડાર્દ સ્પેસ ફ્લાઈટ સેન્ટરમાં. ત્યાં પણ નાનકભાઈને ઘણાં બધાં લોકો ઓળખતાં હતાં. ગાડી પાર્ક કરી અમે પ્રદર્શનની બહારના બગીચામાં થોડું ફર્યાં. બોલીવુડનાં ઘણાં કલાકારો ફિલ્મનાં શુટિંગ માટે અહીં આવતાં તેની રમૂજી વાતો નાનકભાઈએ કરી. ત્રણ-ચાર શાળાનાં બાળકો શિક્ષકો સાથે નાસાની વિઝીટે આવ્યાં હતાં. અહીંનાં બાળકોની શિસ્ત માટે તો કહેવું પડે! લાઇનસર ચાલ્યાં જાય અને શિક્ષકની આજ્ઞાને અનુસરે. બાગમાં ખુલ્લામાં જ દસેક પ્રયોગો બાળકોને જાતે કરવા માટે ગોઠવ્યાં હતાં. બાળકો ગ્રુપ પ્રમાણે કામ કરતાં હતાં. અમે પણ હાથ અજમાવ્યો! સ્કૂલ-કોલેજની વિજ્ઞાનની લેબમાં આવી ગયાનો અનુભવ થયો.બહુ મઝા આવી!

અત્યારના રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા શ્રી ગોડાર્દના નામે આ સેન્ટર બનાવ્યું છે. એક મોટા પોસ્ટરમાં તેમના ફોટા સાથે એક સુંદર વાક્ય લખ્યું હતું : It is difficult to say what is impossible, for the dream of yesterday is the hope of today and the reality of tommorrow. શું અશક્ય છે એ કહેવું મુશ્કેલ છે : ગઈકાલનું સપનું આજની આશા છે અને આવતીકાલની વાસ્તવિકતા છે! હોલમાં રોકેટ વિજ્ઞાનની સરસ ફિલ્મ જોઈ અને પ્રદર્શનમાં સરસ પોસ્ટરો, પ્રયોગો અને ડીજીટલ માહિતી-ચિત્રો જોયાં. ઠેર ઠેર મોટાં ટી.વી. પરથી રોકેટ વિજ્ઞાનના જાતજાતના વીડિયો બતાવવામાં આવી રહ્યા હતા. અમે અવકાશયાત્રીના ડ્રેસમાં ફોટા પડાવ્યા. જોડે જ ગીફ્ટ-શોપ હતી, તેની પણ મુલાકાત લીધી.

નાસાથી નીકળી નાનકભાઈ અમને તિરુપતિ મંદિરે લઈ ગયા. અમે રોકેટ યુગમાંથી તરત જ આધ્યાત્મિક યુગમાં આવી ગયાં, વિજ્ઞાનમાંથી શ્રદ્ધામાં ! મંદિર બહુ જ સુંદર હતું, પણ અમારા કમનસીબે સમય થઈ ગયો હોવાથી મંદિર બંધ થઈ ગયું હતું. પૂજારીજીને વિનંતી કરી તો એમણે અમને અંદર જવાની રજા આપી. અમે અંદર જઈ દર્શન કર્યા. મંદિર બહુ મોટું હતું. ગણપતિ, વિષ્ણુ અને બીજા દેવોની સરસ મૂર્તિઓ હતી. બિલકુલ ભીડ ન હતી એટલે શાંતિ હતી. ત્યાંની પવિત્રતા હૃદયમાં વસી જાય તેવી હતી. અમે મંદિરની બહાર નીકળ્યાં તો પૂજારીજી અમારી રાહ જોતા હતા. અમને પ્રસાદ આપ્યો અને નીચે પ્રસાદની (જમવાની) સગવડ છે તો પ્રસાદ લઈને જ જશો તેવો આગ્રહ કર્યો.

મંદિરમાં નીચે સરસ મોટો હોલ હતો. સાંજે કોઈનો લગ્ન-પ્રસંગ હશે એટલે કુટુંબીઓ તેની તૈયારીમાં લાગેલાં હતાં. અમે સરસ કૉફી પીધી. નાસ્તો કર્યો, કેળાં ખાધાં. આ મંદિરમાં ઉનાળામાં બાળકો માટે સરસ વર્ગો ચાલે છે જેનો નાનકભાઈનાં બંને બાળકોએ લાભ લીધો છે એટલે તેમને આ મંદિરનું મહત્ત્વ વિશેષ છે.

મંદિરથી નીકળી નાનકભાઈએ ગાડી બાલ્ટીમોર ( Baltimore) લીધી. બાલ્ટીમોર એ મેરીલેન્ડનું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું  મોટું શહેર અને બંદર છે. અમેરિકાના રાષ્ટ્રગીતનું જન્મ સ્થાન છે. બાલ્ટીમોર શહેર આનંદનું શહેર છે. તે Charm City  તરીકે પ્રખ્યાત છે. નાનકભાઈએ અમને હર્બરને કિનારે ઊતાર્યાં અને કલાકનો સમય આપ્યો. હાર્બર મોટું અને સુંદર છે. બહુ જોરથી પવન ફૂંકાય છે. એક મોટા બહુમાળી મકાનમાં એક સુંદર  કન્વેન્શન સેન્ટર છે. દરિયા કિનારે અનેક દુકાનો, ફેરિયાઓ, ખાણીપીણીની વ્યવસ્થા વગેરે છે. વોટર સ્કૂટર અને બીજી રમતોની વ્યવસ્થા પણ હતી. દૂર એક વોર-શીપ એટલે કે યુદ્ધનું જહાજ પ્રદર્શન માટે મૂક્યું છે. મોટું એક્વેરિયમ -માછલીઘર છે. આખા વિસ્તારમાં અજબની ચહલપહલ જોવા મળી. લોકો એકદમ ઉત્સાહી હતાં. લોકો ગંદકી ન કરે અને શહેર સ્વચ્છ રહે માટે ઠેર ઠેર પોસ્ટર લગાડ્યાં છે :  Baltimore is a Charm City : Keep it clean and charming! કલાકમાં હાર્બર પર ફરી વળ્યાં અને નાનકભાઈએ બતાવી હતી તે જગ્યાએ આવી ગયાં. થોડી જ વારમાં નાનકભાઈ પણ આવી ગયા અને અમે પાછાં ઘરે આવવા નીકળ્યાં. વાહનોની ભીડ બહુ હતી. અમને ઘરે આવતાં ઘણો સમય થઈ ગયો.

ઘેર આવીને ચા-નાસ્તો કરી ચાલવા નીકળ્યાં. એટલું સુંદર વાતાવરણ હતું કે જાણે ચાલ્યાં જ કરીએ! નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી. ભાગ્યે જ કોઈ માણસ દેખાય. ક્યારેક કોઈ ગાડી પસાર થાય. બાકી પરમ શાંતિ! આપણી વાતોના પણ પડઘા પડે! ધીમેથી બોલવું પડે! ચાલીને ઘરે આવ્યાં પણ ઘરનું બેઝમેન્ટ એટલે કે ભોયરું જોવાનું બાકી હતું. અમે બેઝમેન્ટમાં ગયાં. એક બાજુ દીકરાનું જીમ બનાવ્યું હતું. કસરતના અદ્યતન સાધનો, મ્યુઝિક સિસ્ટમ અને બોલીવુડના હીરોના ફોટાઓથી સજ્જ જીમ એકદમ આધુનિક હતું અને યુવાનોને કસરત કરવા લલચાવે તેવું હતું. બીજી બાજુ ટી.વી. રૂમ બનાવ્યો હતો જેમાં સુંદર હોમ થિયેટર બનાવ્યું હતું. દીવાલ જેટલી મોટી સ્ક્રીન હતી અને 3D અવાજની વ્યવસ્થા હતી. હિન્દી ફિલ્મનાં બે-ત્રણ ગીતો અમને મોટી સ્ક્રીન પર બતાવ્યાં. અદ્ભુત! અમે જોઈને ખુશ થઈ ગયાં. ટી.વી. રૂમની જોડે જ એક બેડરૂમ બનાવ્યો હતો. રાત્રે ટી.વી. જોતાં જોતાં ઊંઘ આવે તો નીચે જ સૂઈ જવાય ! અથવા હવે બાળકો પણ યુવાન થયાં એટલે તેમને પણ મિત્રો સાથે ધમાલ કરવી હોય તો બેઝમેન્ટ વાપરી શકે! અને ચોથે ખૂણે નાની પેન્ટ્રી જેવું બનાવ્યું હતું. પાર્ટી કરી હોય અને નાનું મોટું કંઈક રાંધવું હોય તો થઈ જાય. અને વચ્ચેનો ભાગ ખુલ્લો હતો જેથી મોકળાશ લાગતી હતી.

બેઝમેન્ટ જોઈ અમે રસોડામાં પહોંચી ગયાં. નયનાએ બધું તૈયાર રાખ્યું હતું પણ ‘રોટલી તો અમે જ કરીશું’ એવું અમે તેને કહ્યું હતું. અમે રોટલી કરી અને જમવા બેઠાં. દીકરાએ નવું  સોફ્ટવેર વાપરી ૩૬૦ ડીગ્રીમાં ફોટા પાડ્યા. અહીંની પ્રથા પ્રમાણે યુવાન બાળકો જો ઘરે હોય તો કુટુંબ સાથે જ સમય પસાર કરે અને મહેમાનો સાથે પ્રેમથી હળેમળે. અમને પણ યુવા પેઢી સાથે વાતોચીતો કરવાની બહુ મઝા આવી. જમીને રસોડું સાફ કરવામાં અને વાસણો ધોવામાં બધાં કામે લાગી જાય. પુરુષો અને યુવાનોને ગૃહકાર્યનો જરા પણ છોછ નહીં. પંદર-વીસ મિનિટમાં તો બધું થાળે પડી જાય! બધું કામ થઈ ગયું એટલે અમને બધાંને વરંડામાં મોકલી નયનાએ ઘરની બધી લાઇટો બંધ કરી દીધી. ગેઝેબોમાં ધારેધારે ઝીણી લાઇટનું તોરણ હતું. બસ એ જ ઝાંખો પ્રકાશ, બાકી બધે  ગાઢ અંધકાર! આસપાસ કોઈ મોટી લાઇટ નહીં. આવા રોમાંચક સ્થાન અને વાતાવરણમાં બેસીને જૂનાં હિન્દી ફિલ્મી ગીતોની અંતાક્ષરીની રમઝટ બોલાવી દીધી. પલક વારમાં બે કલાક જતા રહ્યા! ગીતો ગાઈને અમે તો પાછાં ભૂખ્યા થઈ ગયાં ! આઇસક્રીમ અને બીજી મીઠાઈઓ આરોગી અમે સૂઈ ગયાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

12 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ચાર્મસીટી બાલ્ટીમોર અને નાસા સ્પેસ સેન્ટર

 1. Patel’s nest ની મધુર મુલાકાત અને નયના – નાનક ની બેનમૂન આગતા સ્વાગતા ક્યા કહેને .. ગોડાર્ડ સ્પેસ સેનેટર ની મુલાકાત અને બાદ દેવ દર્શન નો લહાવો. તમે કરેલ અભિવ્યક્તિ “રોકેટ યુગ માથી તરત જ આધ્યાત્મિક યુગમાં” ખૂબ સુંદર .. શાંતિ નો ઉલ્લેખ કરતાં “વાતો ના પડઘા” નો ઉલ્લેખ પણ લાજવાબ..
  One dollar home તો એક આશ્ચર્યચકિત કરતી અજાયબી, વહેલી સવારે નયનતારા નો રેડીયો પર ભક્તિ સંગીત પ્રેમ, યુવા પેઢી નું આપણી સાથે હળીભળી જવું, પેનેરોમીક ફોટોગ્રાફી, બેઝમેંટ નું જીમ અને એમાં મેં ખાધેલ ગુલાંટીયા માણવી ગમે તેવી યાદો નો ખજાનો છે.
  અને સોના માં સુગંધ ભેળવે એવો ગઝેબો અને મોડે સુધી અંત્યાક્ષરી અને જાણે પ્રેક્ષકો તરીકે આવ્યા હોય એવા આગિયા ..
  નયના – નાનક “Hold on my friends” અમે ફરી થી પણ આવીશું તમારે ત્યાં આવવા માં અમને નિમંત્રણ ની કયાં જરૂર છે.
  દર્શાબેન અભિનંદન 🌷🌷

  1. Thank you very much, Dilipbhai! So many sweet memories! And so much to share!😍
   The trip and the travelogue are nearing the end but the memories are for ever!

 2. Nanak and Nayna defines concept of hospitality. Awesome experience we had with everyone, where we stayed. Baltimore was quite a memory ❤️

 3. All of you were very lucky to visit NASA with Nanak.
  It’s a life time opportunity. You missed the Darshan at Tirupati temple but when the God is in your heart you didn’t miss anything.
  Mala & Jayendra

  1. Yes, NASA visit was excellent! And God was with us through out the tour…. Thanks 👍👍😊

 4. Wonderful hospitality by naina-Nanak as usual. We Alonso have been recipient of the same! Enjoyed your entire trip પ્રવાસ વર્ણન.
  અમરીશ અને તોરલ.

  1. Yes, hospitality by all our US hosts was great! Naina n Nanakbhai’s was great as well! Our tour travelogue is nearing the end…..

 5. Darsha, Rajesh and Dilip, your vivid narration brought back the sweet memories of your short but memorable stay with us. We had just as much pleasure hosting you guys. We are glad that you were able to have such a wide range of experiences in a short time.

 6. દર્શા બેન કીકાણી,

  તમારો યુ એસ એ નો નાસા અને બાલ્ટીમોર બાજુનો પ્રવાસ તમારા વર્ણન મુજબ વાંચવાનો સુંદર આનંદભર રહ્યો અને
  અમને વાંચકોને થોડું અમેરિકાના ભાગનું દર્શન પણ કરાવ્યું તે બદલ તમારો વાંચક તરીકે આભાર માનું છું.

  આવા માહિતી પૂર્ણ લેખો રજૂ કરવા બદલ ‘વેબગુર્જરી’ના શ્રી બીરેન ભાઈ કોઠારીનો આભાર.

Leave a Reply

Your email address will not be published.