દીપક ધોળકિયા
મુસ્લિમ લીગે ૧૯૪૦માં પાકિસ્તાન ઠરાવ પસાર કર્યો ત્યારથી જ સામ્યવાદીઓમાં ગડમથલ શરૂ થઈ ગઈ હતી. મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારને સામ્યવાદીઓ ટેકો આપતા થઈ ગયા હતા. આ એમના વૈચારિક ગોટાળાનું કારણ એ કે ભારતના સામ્યવાદીઓ માર્ક્સવાદનું ભારતની પરિસ્થિતિમાં અર્થઘટન કરવામાં નિષ્ફળ ગયા હતા એટલે માર્ક્સના શબ્દો કે વિશ્લેષણ અથવા રશિયામાં લેનિને કરેલ પ્રયોગોને સીધા જ ભારતીય સંયોગોમાં લાગુ કરતા હતા. લેનિને જ્યારે ૧૯૧૭માં ઑક્ટોબર ક્રાંતિ કરી ત્યારે ઝાર હસ્તક ઘણા સ્વતંત્ર પદેશો હતા. એ બધા જ લેનિનના શાસન હેઠળ આવ્યા. લેનિને સોવિયેત સંઘ બનાવ્યો ત્યારે આ રાષ્ટ્રોને આત્મનિર્ણયનો અધિકાર આપ્યો; એમને સાથે રહેવું હોય તો એમની મરજીથી, અને છૂટા પડવું હોય તો એમની મરજીથી. આવાં રાષ્ટ્રોમાં જુદી જુદી જાતિઓ હતી – ઉઝબેક, કઝાખ, તાજિક, આર્મેનિયન, યુક્રેનિયન, જ્યોર્જિયન વગેરે. જાતિ તરીકે એ રશિયનોથી જુદા હતા. આ સિદ્ધાંત સામ્યવાદીઓએ ભારતમાં પણ લાગુ કર્યો અને મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારને માન્ય રાખ્યો, એમણે કહ્યું કે મુસલમાનો અલગ રાષ્ટ્ર છે એટલે એમને છૂટા પડવું હોય તો પડી શકે છે.
કોંગ્રેસ, અને ખાસ કરીને, ગાંધીજીનું વિશ્લેષણ એ હતું કે મુસલમાન અને હિંદુના વડવાઓ એક જ છે એટલે એ સોવિયેત સંઘ જેવી અલગ જાતિ નથી, ધર્મ બદલવા સાથે જાતિ નથી બદલી જતી. જે હિંદુઓની જાતિ છે તે જ મુસલમાનોની જાતિ છે. સામ્યવાદીઓએ ધર્મને જાતિ માની લીધી. જિન્નાના સિદ્ધાંત પ્રમાણે મુસલમાનો એક જાતિ (રાષ્ટ્ર) હતા. રાષ્ટ્ર માને તો જ બધાં રાષ્ટ્રોની સમાનતાનો સિદ્ધાંત લાગુ પડે અને બરાબર ભાગ માગી શકાય. બીજી બાજુ, કોંગ્રેસ હિંદુ અને મુસ્લમાનોને એક જ રાષ્ટ્ર માનતી હતી પરંતુ મુસલમાનોને એક લઘુમતી માનતી હતી, એટલે એમના ધાર્મિક રિવાજો અને પૂજાના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ એમ કહેતી હતી. ભારત જેવા દેશમાં કાં તો અનેક રાષ્ટ્રો માનો અને જુદા પડો અથવા બહુમતી જાતિ અને લઘુમતી જાતિ, એમ માનીને સૌને સમાન હકો આપીને, સૌની ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરીને સાથે રહો. કોંગ્રેસની ૧૮૮૫માં સ્થાપના થઈ તે વખતથી જ એવો સ્પષ્ટ ખ્યાલ હતો કે યુરોપમાં રાષ્ટ્રની જે સંકલ્પના છે તે ભારતમાં ચાલે તેમ નથી. એમ કરવાથી દેશનું જ વિભાજન થઈ જશે. સામ્યવાદીઓ મુસ્લિમ લીગની માંગ તરફ વળી ગયા હતા.
બીજું વિશ્વયુદ્ધ અને સામ્યવાદીઓનું હૃદયપરિવર્તન
બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે જર્મની આર્થિક મહાસત્તા બનવા માગતું હતું. હિટલરની પ્રદેશભૂખ પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માટે હતી. સંસ્થાનોનું શોષણ કરીને જ મહાસત્તા બની શકાય. બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેમાં ભારતનું શોષણ કરીને લૂંટેલા ધનનો મોટો ફાળો રહ્યો. બ્રિટને એશિયા, આફ્રિકામાં પોતાનાં સંસ્થાનો બનાવ્યાં હતાં એટલે યુરોપમાં એની વગ સામે જર્મનીનો મોટો પડકાર હતો, તો એશિયામાં જાપાનની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓ બ્રિટન સાથે ટક્કરમાં હતી. બ્રિટનના સામ્રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો.
સામ્યવાદીઓ આંતરરાષ્ટ્રીય સામ્યવાદને અનુસરીને એમ કહેતા કે આ યુદ્ધ દુનિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માગતી બે મૂડીવાદી સત્તાઓની સ્વાર્થપૂર્તિનું યુદ્ધ છે. યુદ્ધની શરૂઆતમાં રશિયા અને જર્મની વચ્ચે ના-યુદ્ધ સંધિ થઈ હતી એટલે રશિયા યુદ્ધમાં તટસ્થ હતું. પરંતુ તે પછી હિટલરે સંધિ તોડીને રશિયા પર જ હુમલો કર્યો. સ્તાલિન જો કે, આના માટે તૈયાર હતો. એક મજૂર વર્ગનું રાજ્ય મૂડીવાદી-સામ્રાજ્યવાદી શક્તિ સાથે સંધિ કરે એ અંતર્વિરોધને સામ્યવાદીઓએ ‘સમય મેળવવા’ માટેનું પગલું ઠરાવ્યું પણ રશિયા પણ બ્રિટનને પક્ષે અને જર્મનીની વિરુદ્ધ જંગમાં કૂદી પડ્યું તે સાથે ભારતના સામ્યવાદીઓની સ્થિતિ કફોડી થઈ ગઈ. ત્યાં સુધી એ યુદ્ધમાં ભારતે સહકાર ન આપવો જોઈએ એમ કહેતા હતા પણ હવે બ્રિટન અને રશિયા મિત્ર બન્યાં હતાં.
જો કે બહુ ઘણા વખત સુધી તો સામ્યવાદીઓ કોંગ્રેસની લાઇન પર ચાલતા રહ્યા. પરંતુ, તે પછી બ્રિટનના સામ્યવાદીઓનું એમના પર દબાણ આવ્યું. આમ જૂઓ તો બ્રિટનના સામ્યવાદીઓ પણ મજૂરો કે લોકશાહી માટે નહીં પણ પોતાનો જ દેશ લડાઈમાં હોય ત્યારે જુદા ન પડી શકાય એમ રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણથી વિચારતા હતા. રશિયા યુદ્ધમાં જોડાતાં એમના માટે રસ્તો સરળ થઈ ગયો. હવે બ્રિટનની વસાહતના સામ્યવાદીઓને પણ એમની લાઇન પર લાવવાના હતા.
ભારતીય સામ્યવાદીઓએ પોતાના વિચાર તરત બદલ્યા – હમણાં સુધી જે યુદ્ધ બે મૂડીવાદી દેશોની દુનિયાના શોષણ માટેની સ્પર્ધાનું પરિણામ હતું તે હવે લોક યુદ્ધ (People’s war) બની ગયું! હવે એમને એમ લાગવા માંડ્યું કે બ્રિટનનો આ ઘડીએ વિરોધ ન કરવો જોઈએ. આથી એ ‘ભારત છોડો’ આંદોલનમાં પણ ન જોડાયા. પરંતુ, ઉચ્ચ સ્તરે સામ્યવાદી પાર્ટીની નીતિમાં ફેરફાર થયો હોવા છતાં નીચેના કાર્યકર્તાઓ એની સાથે સંમત નહોતા અને જનજુવાળથી જુદા પડી શકે તેમ પણ નહોતું એટલે એ તો અંગત રીતે આંદોલનમાં સ્થાનિક સ્તરે સક્રિય રહ્યા.
આ હૃદયપરિવર્તનનું પરિણામ એ આવ્યું કે ભારતીય સામ્યવાદી પાર્ટી (CPI)ને ગેરકાનૂની જાહેર કરીને એના પર પ્રતિબંધ મુકાયો હતો તે પાછો ખેંચી લેવાયો અને સામ્યવાદીઓ ભારતની અંગ્રેજ હકુમતના સાથી બની ગયા.
કોંગ્રેસમાં સામ્યવાદીઓનો વિરોધ
૧૯૪૫માં એ. આઈ. સી. સી.ની બેઠક મળી ત્યારે સામ્યવાદીઓ સામે ડેલિગેટોના મનમાં ભારે ગુસ્સો હતો. કોંગ્રેસ એક પાર્ટી નહોતી, રાષ્ટ્રીય મંચ હતી, એટલે એમાં બધા જ – ડાબેરી, જમણેરી, મધ્યમ માર્ગી, મોટા વેપારીઓ, ખેડૂતો, બધા જ હતા. કામદારોને સામ્યવાદીઓએ જુદા રાખવાની કોશિશ કરી હતી.
૧૯૪૨ના આંદોલનમાં હિંસા થઈ તેની ગાંધીજીએ ટીકા કરી હતી, જો કે, એમણે ચોરીચૌરાની જેમ જનતાને સીધી રીતે જવાબદાર નહોતી ગણાવી અને સરકારને દોષ આપ્યો હતો, પરંતુ ગાંધીજીને ન ગમ્યું હોવાની વાત જનતા સમક્ષ પહોંચી હતી. લોકોના ઉત્સાહ પર ટાઢું પાણી રેડવા જેવું થયું હતું. એ. આઈ. સી. સી.નો ઑગસ્ટની ઘટનાઓ વિશેનો ઠરાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો અને લોકોમાં નવું જોશ રેડ્યું એમણે કહ્યું કે પાછળથી ખામીઓ દેખાડવાનું સહેલું હોય છે પણ કેટલાંય શહેરોમાં લોકોએ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી એ અજોડ ઘટનાને ઉતારી પડવા જેવું કંઈ ન કરાય.
એ જ ભાષણમાં એમણે સામ્યવાદીઓને પણ ઠમઠોર્યા. એમણે કહ્યું કે કેટલાક લોકો આ લડાઈને ‘પીપલ્સ વૉર’ કહેતા હતા. “લોકયુદ્ધ ક્યાં હતું અને શા માટે હતું? આપણા માટે તો એક જ યુદ્ધ હતું અને એ લોકોએ દમનકારી શાસન વિરુદ્ધ છેડેલું યુદ્ધ હતું. નહેરુના ઠરાવને અનુમોદન આપતાં સરદાર પટેલે કહ્યું કે હવે ‘ક્વિટ ઇંડિયા’ નહીં ‘ક્વિટ એશિયા” આંદોલનનો સમય પાકી ગયો છે. એમણે સામ્યવાદીઓ પર પ્રહાર કરતાં કહ્યું કે “ઘણા લોકો યુદ્ધકાર્યોમાં સરકારને સહકાર આપવાની વાત કરતા હતા, એમનું કહેવું હતું કે આ લોકયુદ્ધ છે. આજે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને ભારત હજી આઝાદ નથી. એ ખરેખર લોકયુદ્ધ હોત તો આ વિજય સાથે ભારતને આઝાદી ન મળી હોત? આચાર્ય નરેન્દ્ર દેવે કહ્યું કે જે લોકો ૧૯૪૨ના આંદોલનથી દૂર રહ્યા તે આજે જાતે જ શરમમાં ડૂબીને મોઢું છુપાવે છે. જ્યાંસુધી મૂડીવાદ અને સામ્રાજ્યવાદનો અંત નહીં થાય ત્યાં સુધી દુનિયામાં શાંતિ નહીં સ્થપાય.
ચૂંટણીમાં ભાગ લેવા વિશેના ઠરાવ પર સુધારો સૂચવવા સામ્યવાદી કે. એમ. અશરફબોલવા ઊભા થયા ત્યારે ભારે ઘોંઘાટ થયો અને એમણી વાત કાને પણ ન પડે એવું વાતાવરણ ઊભું થયું. પ્રમુખપદેથી મૌલાના આઝાદે લોકોને શાંત પાડ્યા કે હજી કોંગ્રેસે સામ્યવાદીઓને સભ્યપદેથી હટાવવા કે નહીં, તે વિશે નિર્ણય નથી લીધો એટલે અશરફને બોલવાનો અધિકાર છે.
એ. આઈ. સી. સી.થી પહેલાં પાંચમી-છઠ્ઠી સપ્ટેમ્બરે પૂનામાં વર્કિંગ કમિટીની બેઠક મળી તેમાંસામ્યવાદી સભ્યો વિરુદ્ધ શિસ્તભંગની ફરિયાદોના નિકાલ માટે જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને ગોવિંદ વલ્લભ પંતની ત્રણ સભ્યોની સમિતિ નીમી હતી. આ સમિતિનો રિપોર્ટ ડિસેમ્બરમાં કલકત્તામાં વર્કિંગ કમિટીની બેઠકમાં રજૂ થયો. તેના પરથી એ. આઈ. સી. સી.ના સામ્યવાદી સભ્યો એસ. જી. સરદેસાઈ, વી. જી. ભગત, વી. ડી. ચિતાળે, કે. એમ અશરફ, સજ્જાદ ઝહીર, સોહન સિંઘ જોશ, કાર્યાનંદ શર્મા અને આર. ડી. ભારદ્વાજને નોટિસો આપવામાં આવી. એમણે નોટિસના જવાબ આપવામાં ગલ્લાંતલ્લાં કર્યાં પણ સામ્યવાદી પક્ષના મહામંત્રી પી. સી. જોશીએ નિવેદન બહાર પાડીને કોંગ્રેસ છોડી દેવાનો પક્ષનો નિર્ણય જાહેર કરી દીધો.
૦૦૦
સંદર્ભઃ The Indian Annual Register July-Dec-1945- Vol. II
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી