મારી કલા વેચવા માટે છે; મારા સપનાં નહીં
નલિન શાહ
મુંબઈની પ્રતિષ્ઠિત જહાંગીર આર્ટ ગેલેરીમાં રાજુલનું આ પહેલું પ્રદર્શન હતું. કલારસિકો અને સમિક્ષકોના પ્રત્યાઘાતના વિચારે એના હૃદયમાં ફફડાટ વધી ગયો હતો.
રતિલાલ, સવિતા, શશી અને સુધાકર સુનિતાના હઠાગ્રહને કારણે આ અનેરો અવસર માણવા મુંબઈ આવવા આતુર હતા.
લોકોના કૌભાંડો ને બીજાની કૂથલીમાં રચી-પચી રહેતી ધનલક્ષ્મી અને એની સહેલીઓ રાજુલનાં કલા-પ્રદર્શનથી સાવ અજાણ હતી, અને જાણતી હોત તો પણ એને મહત્ત્વ ના આપ્યું હોત. સાડી અને ઘરેણાં સિવાયની વસ્તુઓનું પણ પ્રદર્શન હોઈ શકે એ જાણી અજાયબી પામી હોત. કલા જેવી કોઈ વસ્તુમાં રસ લેવો કે એની ચર્ચા કરવી એ સમયનો વ્યય કરવા જેવું હતું.
શક્ય છે કે રાજુલ સાથે બહેનના સંબંધ અને એને પ્રાપ્ત થનાર ખ્યાતિથી ધનલક્ષ્મીને અજાણ રાખી એના ભગવાને એને વરસોની સેવાનું ફળ આપ્યું હોય; એને અદેખાઈની આગથી અલિપ્ત રાખી એના પર ઉપકાર કર્યો હોય!
રાજુલનું ચિત્ર પ્રદર્શન એનાં બંને કુટુંબો માટે અનેરો પ્રસંગ હતો. શહેરની નામાંકિત વ્યક્તિઓ અને કલારસિકોની હાજરી પ્રદર્શનની મહત્તા વધારવા માટે પૂરતી હતી. વિવેચકોની સાનુકૂળ પ્રતિક્રિયાએ રાજુલને પહેલાં જ પ્રદર્શનથી ખ્યાતનામ કલાકારોની હરોળમાં સ્થાન આપ્યું.
સુનિતા ને શશી એકબીજાનો હાથ થામી સજળ નેત્રોએ જોતાં રહ્યાં. રતિલાલ ને સવિતા તો ભદ્ર સમાજનો જમઘટ ને રાજુલની કલાને સાંપડેલો પ્રતિભાવ આભા બનીને જોઈ રહ્યાં. એક એક કૃતિની કિંમત હજારોમાં હતી, પણ સાથે સાથે એ પણ જાહેર કરવામાં આવ્યું હતું કે બધી આવક જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં ગરીબ વિદ્યાર્થીઓની આર્થિક મદદ માટે અપાવવાની હતી.
પ્રદર્શનમાં કેવળ ચાર તસવીરો એવી હતી, જેની નીચે એની કિંમતનું લેબલ નહોતું. કારણ એ વેચાણ માટે નહોતી. એમાની એક તસવીર હતી રાજુલની પોતાની. અવકાશમાં તાકેલી આંખોમાં કોઈ સેવેલાં સપનાની ચમક હતી ને હોઠો પર ન કળાય એવું આછું સ્મિત હતું. ચિત્રને કોઈ શીર્ષક નહોતું આપ્યું.
બીજું ચિત્ર શશીનું હતું. પ્રજ્વલિત કોડિયાની સામે હાથ જોડીને ઊભેલી સાધ્વી જેવી દીસતી શશીના શૃંગારરહીત ચહેરા પર આકર્ષક આભા છવાયેલી હતી, એનું શીર્ષક હતું ‘ત્યાગ’.
ત્રીજું ચિત્ર સુનિતાનું હતું. અડધે માથે પથરાયેલો શુભ્ર સાડીનો છેડો, વાળમાં આછી સફેદી ને ઉજ્જવળ ચહેરા પર છવાયેલા સંતુષ્ટિના ભાવ એ પુનીત ચહેરાને અનેરું આકર્ષણ પ્રદાન કરતાં હતાં. એનું શીર્ષક હતું ‘વાત્સલ્ય’.
ચોથું ચિત્ર છ ફીટ લાંબા અને ચાર ફીટ પહોળા કેનવાસ ઉપર બે ભાગમાં વહેંચાયેલું હતું. એક ભાગમાં વેલની પાંદડીથી છવાયેલી પથ્થરની લાંબી ભીંત હતી. વચ્ચે ઉપર ગોળાકારમાં કોતરાયેલો લોખંડનો દરવાજો હતો, જેના ઉપર ‘પ્રવેશદ્વાર’ લખ્યું હતું. બીજા ભાગમાં ઊંચા ગોળ થાંભલાઓ પર ટકેલી ઇમારતનું હતું. પ્રવેશદ્વારની જેમ ઉપરથી ગોળાકારમાં નાનો દરવાજો હતો. કોતરકામ કરેલા લાકડાનો એ દરવાજો પણ ધ્યાન ખેંચે તેવો હતો. આખી ઇમારતને આવરી લેતા લાંબાં છ પગથિયાં હતાં. ઇમારત સીધી નહીં પણ થોડી એંગલમાં ચિતરાયેલી હતી જેના થકી પાછળના ભાગની ઝાંખી થતી હતી. એ ઝાંખી હતી પાછળના ભાગના બાંધકામની, તે એની સામે પથરાયેલાં વિશાળ પ્રાકૃતિક દૃશ્યની આખી ઇમારતને પાછળના ભાગનો સંકેતનું દૃશ્ય ઝાંખું અને ધુમ્મસમાં છવાયેલું હોય એમ ભાસતું હતું. આખું ચિત્ર એક હકીકત નહીં, પણ કલ્પનાનું ઊંડાણ હોય એવો ભાસ આપતું હતું.
ભવ્ય ઇમારતના ચિત્રથી ઘણા સવાલો ઉદ્ભવતા હતા, જે વિવેચકોએ એક પછી એક રાજુલને પૂછ્યા, જાણે એના ઇન્ટરવ્યૂ લેતા હોય તેમઃ
‘આ પ્રવેશદ્વારના રૂપમાં વેલોથી છવાયેલી પથ્થરની લાંબી ભીત મકાનની સુંદરતાને ઢાંકી દે છે એનું શું કારણ?’
‘ઇમારતની ભવ્યતાને ઢાંકી દે છે એ સાચું છે. મને એ કલ્પના બહારથી તાજમહેલ ને આબુનાં દેલવાડા મંદિર જોઈને સ્ફૂરી. એ બંનેની ભવ્યતાનો ખ્યાલ બહારથી નથી આવતો.’
કોઈ બીજાએ પૂછ્યું ‘તમે ઇમારતના પાછળની ભવ્યતાનો કેવળ સંકેત આપ્યો છે, પણ દર્શાવી નથી!’
‘જે ભવ્યતાનો તમે નિર્દેશ કરો છો એ ત્યાં રહેનાર અને આમંત્રિત મહેમાનોએ માણવાની વસ્તુ છે, દુનિયાને દેખાડવાની નહીં. દાખલા તરીકે લગ્ન જેવા પ્રસંગે પહેરાતાં આભૂષણ ઘણું ખરું આડંબરનાં પ્રતીક તરીકે પહેનાર માટે વધારે મહત્ત્વનાં હોય છે; એને શું અનુરૂપ છે એ વાત ગૌણ બની જાય છે. આ પ્રકારનો આડંબર મને સ્વીકાર્ય નથી લાગતો.
‘તમે આ ભવ્ય ઇમારતને કેવળ ‘સ્વપ્ન’ નામ આપ્યું છે. ‘સ્વપ્ન મહેલ’ કાં તો નમ્રતા દર્શાવવા ‘સ્વપ્ન કુટિર’ જેવું નામ કેમ ના આપ્યું?’ કોઈકે સવાલ કર્યો.
રાજુલે હસીને કહ્યું, ‘હું સામાન્ય માણસ છું, નહિવત્ પણ સામાન્ય માણસને પણ સપનાં જોવાનો અધિકાર છે. આ નિવાસસ્થાનને મહેલ કહી મારે પ્રદર્શનની વસ્તુ નહોતી બનાવવી અને એક ભવ્ય ઇમારતને કુટિર નામ આપી નમ્રતાનો ઢોંગ કરવા નહોતી માંગતી, કારણ મારામાં એ પ્રકારની નમ્રતા નથી.’
એક ખ્યાતનામ વિવેચકે સવાલ કર્યો, ‘આ પ્રદર્શન તમને એક મહત્ત્વના કલાકારની હરોળમાં મુકે તેવું છે. આ સ્થાન તમે આટલી નાની વયમાં કેવી રીતે પ્રાપ્ત કરી શક્યા? બીજું, તમે ચાર ચિત્રો વેચાણ માટે નથી મૂક્યા. બેના શીર્ષક ‘ત્યાગ’ અને ‘વાત્સલ્ય’ તો ચહેરાના ભાવ ઉપરથી સમજાય છે, પણ એ એક કલ્પના છે કે વાસ્તવિકતા? શક્ય છે કે આ તમારા અંગત અનુભવો હોઈ શકે, પણ આ ‘સ્વપ્ન’ ઇમારતનું ચિત્ર ન વેચવાનું કારણ નથી કળાતું.’
રાજુલે શશીનો હાથ પકડી એને આગળ લાવીને એની કમર પર હાથ વીંટી કહ્યું, ‘આ મારી દીદી છે. એણે જ મને ઓળખીને મારા શિક્ષણની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી. એના ત્યાગે જ મને બનાવી જે હું આજે છું.’ પછી સુનિતા પાસે જઈ એના ગળામાં હાથ નાખી કહ્યું. ‘આ મારા મમ્મી ને સાસુ બંને છે. એમના વાત્સલ્યએ મને સપનાં જોતી કરી, ને આ ઘર-સદન-ઇમારત જે માનો તે એમના પ્રેમનું પ્રતીક છે, એ વેચાય નહીં.’ ને પછી સાગરને હાથ પકડી આગળ લાવી બોલી. ‘આ ચિત્ર ન વેચવાનું બીજું કારણ છે કે આ મારા પતિ આર્કિટેક્ટ છે. હું ઇચ્છું છે કે આ ચિત્ર હંમેશાં એમની નજરની સામે રહે અને કોઈ માટે આવી ઇમારત બનાવવાની એમને પ્રેરણા આપે.’
સુનિતા વિવેચકો અને દર્શકોને સંબોધીને બોલી, ‘આ ચિત્ર અધૂરું છે. હું એને પૂર્ણ કરવા માંગુ છું.’ લોકો અચંબામાં પડી ગયા. એણે સ્વપ્ન ઇમારતની બાજુમાં મૂકેલું એમનું પોતાનું ચિત્ર ઉતારી રાજુલનું સેલ્ફ પોટ્રેટ મૂક્યું ને શીર્ષક આપવા રાજુલને કાર્ડ આપવા કહ્યું ને પોતાને હસ્તક રાજુલના સેલ્ફ પોટ્રેટને શીર્ષક આપ્યું ‘સ્વપ્નશીલ.’ બધાએ તાળીના ગડગડાટથી એને વધાવી. રાજુલ શરમાઇને સુનિતાને વળગી પડી.
પ્રદર્શનને સાંપડેલી અપાર સફળતા રાજુલ માટે પ્રોત્સાહનરૂપ હતી. એ પોતાની ક્ષતિઓ પ્રત્યે સભાન હતી. એ તો આભને આંબવા માંગતી હતી ને આ તો સફળતાની સીડીનું પ્રથમ પગથિયું હતું. પણ પ્રથમ પગલે સાંપડેલ કામયાબી એનો ઉત્સાહ વધારવા માટે પૂરતી હતી.
હવામાં પ્રસરેલા ધુમાડા જેવા વાતાવરણમાં આછી રેખાથી ઉપસાવેલું ભવ્ય આસવ સ્થાન મુગલ, ઇટાલિયન અને ભારતીય સ્થાપત્ય કળાઓનું અનેરું મિશ્રણ હતું. વાસ્તવિકતા ને કલ્પનાનો સુમેળ હતો. જાણવા છતાં એક ધનાઢ્ય ખરીદદારે રાજુલને કોઈ પણ કિંમતે એ એને વેચવા પ્રેરિત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે રાજુલે આભારવશ થઈ એટલું જ કહ્યું ‘માફ કરજો, મારી કલા વેચવા માટે છે; મારા સપનાં નહીં.’
બધાં ચિત્રો વેચાઈ ગયાં હતાં. મેદની વિખરાવા લાગી હતી પણ સુનિતાએ ઇમારતની બાંધણીની આકર્ષક ભવ્યતા એ ચિત્રની સામે જડાઈને એકીટશે નિહાળી રહી હતી. સાગરે જોયું ને એણે સુનિતાની પાસે આવી એ ચિત્રને એકાગ્રતાથી નિહાળી. ‘મમ્મી, શું વિચારે છે?’ એમ પૂછ્યું.
‘તું જ કહે…’ સુનિતાના જવાબમાં એક પ્રકારનો પડકાર હતો, ‘રાજુલની આ કલ્પના મારા માટે આર્કિટેક્ટ તરીકે એક ચુનૌતી એટલે કે ચેલેન્જ બની ગઈ છે.’
સુનિતા હસી પડી, ‘મારા મનના વિચાર કેવા પામી ગયો! આખરે દીકરો કોનો છે!’
રાજુલે એ ચાર ચિત્રો પેક કરાવી ઘરે લઈ જવા વેનમાં મૂકાવ્યાં. હોલ ખાલી થઈ ગયો હતો. વૃદ્ધવસ્થાની નબળાઈ અનુભવી રહેલા રતિલાલને સવિતાએ હાથ થામી આગળ દોર્યા. સુનિતાએ ત્વરિત પગલે આવી એમને બહાર લઈ જઈ મોટરમાં બેસાડ્યાં. એ પોતે આગળની સીટ પર બેઠી. રાજુલ, શશી ને સુધાકર સાગરની સાથે બીજી ગાડીમાં આવવાનાં હતાં.
‘બાપુ, શું વિચારો છો?’ સુનિતાએ સવાલ કર્યો.
‘હું હજી એ માની નથી શકતો કે આવી પળ માણવાનું અમારા ભાગ્યમાં લખાયું હશે!’
‘આ બધું તમારી સેવાઓનું ફળ છે. હવે જો આ વ્યાજ છો તો થોડા દિ’ શાંતિથી રહો ને દીકરીનું સુખ માણો.’
‘અરે હોય કાંઈ, અમને તો આવ્યાં ત્યારથી સંકોચ થાય છે. દીકરીના ઘરનું તો….’
‘પાણીયે ના પીવાય એમ જ ને….’ સુનિતા એમને અટકાવી બોલી, ‘કોઈ ચિંતા નહીં કરતા. પાણીની બાટલીઓ બહારથી મંગાવશું. બાકી ચા, દૂધ, ખાવાનું ને રહેવાનું તો થાય. એની કોઈ મના હોય એવું કાંઈ મારી જાણમાં નથી. શું બાપુ તમે પણ જૂના જમાનાની આવી માન્યતાઓ પકડી બેઠા છો!’
‘સમાજના નિયમો તો માનવા પડે ને; જો સમાજમાં રહેવું હોય તો.’ ‘સમાજને નિયમો ઘડવા સિવાય બીજો ધંધો શું હોય છે. બાળલગ્ન, વિધવા-વિવાહ, છૂત-અછૂત, ઊંચ-નીચ અને કેટલુંયે બીજું. હવે કોઈ ગણકારે છે સમાજના આવા નિયમોને? અરે, દરિયો ઓળંગી પરદેશ જનાર ધરમભ્રષ્ટ ગણાઈ ન્યાત બહાર મૂકાતા હતા. હવે પરદેશ જનાર માનની દૃષ્ટિથી જોવાય છે.
તમે દીકરીને પારકી ગણી એના ઘરનું પાણીયે ના પીવો તો તમારી દીકરીને દુઃખ ના થાય? તમારે દીકરીના સુખના ભોગે સમાજની વાહ વાહ કરવી છે? જિંદગીની સમી સાંજે તમને દીકરી સાથ આપશે; સમાજ નહીં. હવે બોલો સાંજે શું રસોઈ બનાવડાવું તમને ભાવે એવી? આજના અવસરની ઉજવણી ના થાય એ કાંઈ ચાલે?’
‘તમારી વાત સાવ સાચી છે.’ સવિતાએ સુનિતાને સમર્થન આપ્યું. દીકરી મુંબઈ આવી હોસ્ટેલમાં રહેતી હતી. કોઈ જોવા ગયું હતું કે કોના હાથનું બનાવેલું ખાતી હતી, પીતી હતી. બસમાં ફરતી હતી ત્યારે કોઈ જાણવા ગયું હતું કે બાજુમાં બેઠેલું કોઈ છૂત છે કે અછૂત. ને એવી બધી ચિંતાઓ કરી હોત તો કદી આજનો અવસર માણવા ના મળત. સમય પ્રમાણે ના ચાલીએ તો જીવવું ભારે પડે.’
‘કેટલી સમજણની વાત કરી તમે!’ સુનિતા બોલી, ‘આપણા અંતર-આત્માને અનુસરવામાં જો સમાજ આડે આવતો હોય તો પડે એ સમાજ ખાડામાં, તમારામાં માથું ઊંચકવાની હિમ્મત જોઈએ. હવે બધું ભૂલીને તમે આવ્યાં છો તો રોકાઈ જાવ. આરામ કરો, હરો-ફરો. તમારી બધી સુખ સગવડ સચવાશે.’
‘મારી દીકરી કેટલી ભાગ્યશાળી છે કે આવું કુટુંબ પામી!’
‘ભાગ્ય તો મારા કે મારી દીકરીની ખોટ એણે પૂરી કરી. હવે મોતનો ડર નથી. એ બધું જ સાચવે એવી છે, કુટુંબના આદર્શ, કુટુંબની પ્રથા ને કુટુંબની સંપત્તિ પણ.’
રતિલાલ ને સવિતા સજળ નેત્રે સાંભળતાં રહ્યાં.