ફિલ્મસંગીતના નકશીકારો : (૧૭) કિશોર સોઢા

પીયૂષ મ. પંડ્યા

કિશોર સોઢાના નામની સાથે ઈલકાબ કે અટકની જેમ એક શબ્દ જોડાઈ ગયો છે _  ‘ટ્રમ્પેટ.’  હિન્દી ફિલ્મી ગીતોમાં વિવિધ પ્રકારનાં ફૂંકવાદ્યોનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થતો આવ્યો છે. ટ્રમ્પેટ એમાંનું એક વાદ્ય છે ‘બ્રાસ ઈન્સ્ટ્રુમેન્ટ્સ‘ તરીકે જાણીતાં કેટલાંક વાદ્યોમાંનું એ એક છે. આવાં વાદ્યોમાં ધાતુની નળાકાર રચનામાં ફૂંક મારતાં પસાર થતી હવાને નિયંત્રીત કરીને અલગઅલગ સૂર ઉત્પન્ન કરવામાં આવે છે. એ માટે વિવિધ વાદ્યોમાં ચાંપો, વાલ્વ્સ અથવા બટન્સ જેવી રચના હોય છે. આવાં કેટલાંક વાદ્યો અને એમની આકૃતિ નીચેની ક્લીપમાં જોઈ શકાય છે.

ટ્રમ્પેટમાં જે નળાકારમાંથી હવા પસાર થાય છે તેને નિયંત્રિત કરી ધારી અસર નીપજાવવા માટે માત્ર ત્રણ ચાંપ હોય છે

દેખીતી રીતે સાવ સાદું લાગતું આ વાદ્ય વગાડવા માટે ખાસ્સા મહાવરાની જરૂર પડે છે. તેમાં સૂરની રમત અતિ મર્યાદિત રીતે કરી શકાય છે. સામાન્ય રીતે ‘બેન્ડવાજાંનું ફૂંકણીયું’તરીકે ઓળખાતું આ વાદ્ય કુશળતાથી વગાડવામાં આવે ત્યારે ગીતને કઈ ઊંચાઈએ પહોંચાડી શકે, એ જાણવા માટે ગુજરાતી ફિલ્મ ‘નસીબદાર’(૧૯૫૦)નું જગદીપ વિરાણીએ સ્વરબદ્ધ કરેલું અને મુકેશે ગાયેલું આ ગીત સાંભળીએ.

આ ગીતમાં 1.25 થી 1.35 સુધીના અને 2.21 થી 2.31 સુધી કાને પડતા ગીતના ઈન્ટરલ્યુડ્સ માત્ર અને માત્ર ટ્રમ્પેટ વડે જ સજાવાયેલા છે. ગીતનો કરુણ ભાવ ખુબ જ કોમળ શૈલીમાં છેડાયેલા આ વાદ્યના સ્વરો થકી ઉપસી આવે છે. એ વાદન કોનું છે એ જાણવા નથી મળતું. પણ, ગીત મુંબઈ મુકામે રેકોર્ડ થયું હોવાનો પુરાવો છે. આથી ધારી શકાય કે આ કમાલ એ સમયના ખ્યાતનામ ટ્રમ્પેટ વાદક રામપ્રસાદ શર્માનો હોઈ શકે.

હિન્દી ફિલ્મી ગીતોમાં આ વાદ્યનો ઉપયોગ લાંબા અરસાથી થતો આવ્યો છે. નૌશાદના નિર્દેશનમાં બનેલાં બે ગીતો યાદ કરીએ. ફિલ્મ ‘અનમોલ ઘડી’(૧૯૪૬)નું ‘આવાઝ દે કહાં હૈ અને ફિલ્મ ‘દુલારી’(૧૯૪૯)નું ‘સુહાની રાત ઢલ ચૂકી’. આ બન્ને ગીતોમાં બીજા અંતરાની શરૂઆત પહેલાં ટ્રમ્પેટના બહુ જ કર્ણપ્રિય ટૂકડાઓ વગાડવામાં આવ્યા છે. જેમ જેમ આ ક્ષેત્રમાં ગોવા તરફના કલાકારો આવતા ગયા તેમ તેમ ટ્રમ્પેટ અને અન્ય ફૂંકવાદ્યોનો ઉપયોગ વધતો ગયો. સમય જતાં વાદ્યવૃંદમાં ‘બ્રાસ ઈન્સ્ટ્રુમેન્ટ્સ ડિપાર્ટમેન્ટ’ એવો અલાયદો વિભાગ અસ્તિત્વમાં આવ્યો અને આ પ્રકારનાં વાદ્યોના પ્રયોગો વડે કેટલાંયે યાદગાર ગીતો સજાવાયાં. રામપ્રસાદ શર્મા, એન્ટોનિયો વાઝ(ચીક ચોકલેટ), મનોહારી સિન્હ, રાજ સોઢા, શ્યામલાલ અને બ્રાસ ગોન્સાલ્વીસ જેવા વાદકો પણ આવાં વાદ્યો ઉપરની એમની કુશળતાને લઈને ખાસ્સું નામ કમાયા. કિશોર સોઢા એ પૈકીનું એક નામ છે.

૧૯૫૯ના માર્ચ મહિનાની ૧૪મી તારીખે ઈન્દોરમાં જન્મેલા કિશોર સોઢાના પિતાજી રાયસિન્હ સોઢા સંગીતના જાણકાર હતા.   એક સો કરતાંયે વધારે વાદકોના બનેલા તે સમયના લોકપ્રિય બેન્ડના તેઓ સૂત્રધાર હતા. સ્વાભાવિક રીતે જ એ બેન્ડમાં વિવિધ બ્રાસ વાદ્યોનો સમાવેશ થતો હતો. આથી કિશોર અને એમનાથી મોટા બે ભાઈઓ- રાજીન્દર અને રાજ – નાની વયથી જ વાદન તરફ આકર્ષાયા. નોંધનીય છે કે ત્રણેય ભાઈઓ ફિલ્મ સંગીતના વાદ્યવૃંદોમાં પોતપોતાનું આગવું સ્થાન ધરાવે છે. અગાઉની બે કડીઓમાં જેનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે એવા લોર્ડ કુટુંબની સાથે સરખાવી શકાય એવું આ સોઢા કુટુંબ પણ છે. લોર્ડ કુટુંબના ત્રણ સભ્યોમાં બે ભાઈઓ અને એમના પિતાજીએ ફિલ્મી સંગીતમાં પ્રદાન કર્યું છે, જ્યારે સોઢા કુટુંબના ત્રણેય સભ્યો ભાઈઓ છે. એ લોકોએ પણ હજારો ગીતોને પોતપોતાના વાદ્ય વડે યાદગાર બનાવ્યાં છે. સૌથી મોટાભાઈ રાજીન્દરે એમના પિતાજીએ ખાસ તૈયાર કરાવેલા સ્વરલીન નામના વાદ્ય ઉપર અને વાયોલીન ઉપર હથોટી કેળવી. સ્વરલીનની રચના મહદઅંશે વાયોલીન જેવી હોય છે, પણ એની સ્વરપેટીને તુંબડું લગાડેલું હોય છે. જો કે આ વાદ્ય ફિલ્મી વાદ્યવૃંદમાં વાગ્યું હોવાનું નોંધાયું નથી. શાસ્ત્રીય કંઠ્યસંગીતના કાર્યક્રમોમાં સંગત કરનારાઓના હાથમાં એ ક્યારેક ક્યારેક દેખા દે છે. એમનાથી નાના રાજ સોઢાએ સેક્સોફોન અને સૌથી નાના કિશોરે ટ્રમ્પેટ પસંદ કર્યું. સૌથી મોટાભાઈ રાજીન્દર સોઢા ૧૯૮૧ની સાલથી જ ગઝલગાયક પંકજ ઉધાસ સાથે વાયોલીન ઉપર સંગત કરવામાં એટલા વ્યસ્ત રહ્યા છે કે ફિલ્મી ગીતો માટે એમણે બહુ વગાડ્યું નથી.

પિતાજી અને મોટાભાઈઓના સહવાસમાં અને માર્ગદર્શનમાં કિશોરે ટ્રમ્પેટવાદનમાં નાની ઉમરથી જ મહારત કેળવી લીધી. અઢાર વરસની ઉમરે એ એટલા પ્રસિધ્ધ થઈ ચૂક્યા હતા કે પાર્શ્વગાયક કિશોરકુમારના સ્ટેજ શૉમાં ટ્રમ્પેટ વગાડવા લાગ્યા. મુંબઈ ખાતે યોજાયેલા એવા એક શૉમાં સંગીતકાર રાહુલ દેવ બર્મન ઉપસ્થિત હતા. એમણે આ યુવાનનું હીર પારખ્યું અને એને પોતાના વાદ્યવૃંદમાં સામેલ કરવાનું નક્કી કરી લીધું.

કિશોરકુમાર સાથે કિશોર સોઢા

એ સમયગાળામાં કલ્યાણજી-આણંદજી ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’(૧૯૭૮) માટે સંગીત તૈયાર કરી રહ્યા હતા. એમની નજરે પણ આ યુવાન ચડી ગયો. માત્ર અઢાર વરસના કિશોર સોઢાએ આ ફિલ્મના ટાઈટલ ગીતમાં ટ્રમ્પેટ વગાડીને કારકીર્દિ શરૂ કરી. એવામાં રાહુલ દેવ બર્મન  તરફથી ફિલ્મ ‘શાલિમાર’(૧૯૭૮)ના પાર્શ્વસંગીત માટે ટ્રમ્પેટ વગાડવાની દરખાસ્ત આવી.  બસ, પછી તો આજ દિન સુધી કિશોર સોઢાએ પાછું વાળીને જોયું નથી. એક અંદાજ મુજબ એમણે પાંચેક હજાર ગીતોમાં ટ્રમ્પેટવાદન કર્યું છે. તે ઉપરાંત લતા મંગેશકર, આશા ભોંસલે અને કિશોરકુમાર જેવા ગાયકો સાથે દેશવિદેશમાં યોજાયેલા સેંકડો સ્ટેજશૉ તો ખરા જ. સોઢાએ રાહુલ દેવ બર્મન, લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને કલ્યાણજી આણંદજી જેવા વરિષ્ઠ સંગીતકારોથી લઈને બપ્પી લાહીરી, અનુ મલિક, શંકર-એહસાન-લોય, પ્રીતમ, આનંદ-મીલિંદ, જતીન-લલિત, સલીમ-સુલેમાન અને અમિત ત્રીવેદી જેવા સંગીતકારો સાથે કામ કર્યું છે.

કલાકારનો ખરો પરિચય તો એના વાદન થકી જ મળી શકે. ખાનગી મહેફીલોમાં કે જાહેર કાર્યક્રમોમાં રેકોર્ડીંગ વેળા લાગુ પડે એવાં બંધનો નડતાં ન હોવાથી કલાકાર વધારે ખીલે છે. આથી શરૂઆતમાં કિશોર સોઢાએ વિવિધ કાર્યક્રમોમાં વગાડેલાં કેટલાંક ગીતો સાંભળીએ. એ જરૂરી નથી કે મૂળ ગીતમાં પણ એમનું જ ટ્રમ્પેટવાદન હોય.

શરૂઆતમાં માણીએ એક કાર્યક્રમમાં સોઢાએ વગાડેલ ફિલ્મ ‘બહારોં કે સપને’(૧૯૬૭)નું એક ગીત. ટ્રમ્પેટવાદનની જેટલી પણ ખૂબીઓ છે એ આ એક રજૂઆતમાં એમણે છતી કરી છે. આ સાંભળતાં સમજાય છે કે ટ્રમ્પેટ ઉપર કોઈ આખા ગીતનું એકલવાદન કેટલું મુશ્કેલ હોય છે!

અન્ય એક કાર્યક્રમમાં એમણે વગાડેલું ફિલ્મ ‘શાન’(૧૯૮૦)નું ગીત ‘જાનું મેરી જાં’ સાંભળતી વેળાએ અલગઅલગ બ્રાસ વાદ્યો વગાડી રહેલા અન્ય કલાકારો પણ નજરે પડે છે. એમાંના સેક્સોફોન ઉપર કિશોરના મોટા ભાઈ રાજ સોઢા છે. આ ટ્રેકના પ્રારંભે ફિલ્મ ‘રોકી’(૧૯૮૧)ના ગીત ‘આ દેખે જરા’નું પ્રિલ્યુડ છે. એ પૂરૂં થાય પછી કિશોર સોઢાએ ‘જાનું મેરી જાં’ શરૂ કરતાં ટ્રમ્પેટ પાસે કેવી નજાકતથી કામ લીધું છે એ ખાસ સાંભળવા જેવું છે.

સાંભળીએ ફિલ્મ ‘ઝહરીલા ઈન્સાન’(૧૯૭૪)નું ખુબ જ લોકપ્રિય બનેલું ગીત ‘ઓ હંસીની’. આ ગીતના મૂળ રેકોર્ડીંગમાં કિશોર સોઢાએ ટ્રમ્પેટ વગાડ્યું હોવાનો દાવો કરવામાં આવે છે, પણ એ તથ્યહિન છે.

ફિલ્મ ‘જવાની દિવાની’(૧૯૭૨)નું ગીત એક સ્ટેજ શૉમા રજૂ કરી રહેલા કિશોર સોઢા સાથે અન્ય બ્રાસવાદકો પણ સૂર પૂરાવી રહ્યા છે.  ઉપરાંત સોઢાએ તાલવાદ્યો વગાડી રહેલા કલાકારો સાથે પણ વિશિષ્ટ પ્રકારની જુગલબંધી કરી છે એ માણવા જેવી છે.

એવું સહજ રીતે માની લેવામાં આવે છે કે ટ્રમ્પેટ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે યોગ્ય વાદ્ય નથી. એ માન્યતા પ્રસ્તુત ક્લીપમાં કિશોરને રાગ શિવરંજનીના સૂર છેડતા સાંભળીને દૂર થઈ જશે.

શંકર-જયકિશનનો યુગ આથમી ગયા પછી મેદાનમાં આવેલા સોઢાને એમની સાથે કામ કરવાનો મોકો ન મળ્યો. પણ એ સંગીતકારોની બનાવેલાં બે યાદગાર ગીતો વગાડી રહેલા સોઢા ભાઈઓ –  રાજ અને કિશોર – નીચેની ક્લીપમાં માણી શકાય છે.

૧૯૭૩માં આવેલી ફિલ્મ ‘અનામિકા’ના એક ગીતની પ્રસ્તુતિમાં કિશોર અને રાજ સોઢા સાથ આપી રહ્યા છે.

એક વધારે પ્રસ્તુતિ માણીએ, જેમાં કિશોર અને રાજ સોઢા ફિલ્મ ‘ધ ટ્રેન’(૧૯૭૦)નું ગીત રજૂ કરી રહ્યા છે.

એક ક્લીપ એવી છે જેમાં સૌથી મોટા ભાઈ રાજીન્દર અને કિશોર પોતપોતાનાં સાજ, અનુક્રમે વાયોલીન અને ટ્રમ્પેટ ઉપર ફિલ્મ ‘જમાને કો દીખાના હૈ’ (૧૯૮૧)ના લોકપ્રિય ગીતની રજૂઆત કરી રહ્યા છે.

૧૯૭૮ની અત્યંત સફળ એવી સંગીતપ્રધાન ફિલ્મ ‘હમ કિસીસે કમ નહીં’માં રાહુલ દેવ બર્મને તે જમાનાના આધુનિક એવા પોપ સંગીતના પ્રયોગો કર્યા હતા. એમાં એક ગીતનું સ્વરાંકન, ગાયકી તેમ જ ફિલ્માંકન ધૂમ મચાવી ગયાં હતાં. હકીકતે એ ચાર ગીતો હતાં, જે અનુક્રમે મહમ્મદ રફી, કિશોરકુમાર, રાહુલ દેવ બર્મન અને આશા ભોંસલે દ્વારા ગવાયેલાં હતાં. એક કાર્યક્રમમાં ત્રણેય સોઢા ભાઈઓ એ ગીત પોતપોતાના વાદ્ય ઉપર વગાડી રહ્યા છે. મૂળ ગીતમાં પણ કિશોર અને રાજ સોઢાએ વગાડ્યું છે. આ વાદ્યવૃંદમાં અન્ય બ્રાસ વાદકો પણ સાથ આપી રહ્યા છે.

આટલા પરિચય પછી કેટલાંક એવાં ફિલ્મી ગીતોની લિંક પ્રસ્તુત છે, જેમાં કિશોર સોઢાનું ટ્રમ્પેટવાદન છે.

૧) ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’(૧૯૭૮)નું એ ગીત, જેનાથી સોઢાએ ફિલ્મી વાદ્યવૃંદમાં પદાર્પણ કર્યું…. રોતે હૂએ આતે હૈ સબ

૨) એ જ વર્ષે આવેલી ફિલ્મ ‘હમ કીસી સે કમ નહીં’નું બચના એ હસીનોં

૩) એ જ ફિલ્મનું અન્ય એક ગીત કે જે કોમ્પીટીશન સોંગ તરીકે જાણીતું થયું. હકીકતે એ ચાર અલગઅલગ ગીતોના મેળ વડે બન્યું છે.

૪) ૧૯૮૦ની ફિલ્મ ‘શાન’નું ગીત જીતે હૈ શાન સે

૫) એ જ ફિલ્મનું અન્ય એક ગીત જાનું મેરી જાન મૈં તેરે કુરબાન

૬) ‘સનમ તેરી કસમ’(૧૯૮૨)નું ગીત કિતને ભી તુ કર લે સીતમ

૭) ફિલ્મ ‘નમકહલાલ’(૧૯૮૨)નું  થોડીસી જો પી લી હૈ

૮)  ફિલ્મ ‘સાગર’ (૧૯૮૫)ના ગીત ઓ મારીયામાં કિશોર સોઢાએ ટ્રમ્પેટના યાદગાર અંશો વગાડ્યા છે.

૯) ૨૦૦૫ની ફિલ્મ ‘પરીણિતા’નું કૈસી પહેલી હૈ જીંદગાની

૧૦) ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ (૨૦૧૩)નું ગીત બદતમીઝ દિલ માને ના (આ ગીતમાં કિશોર સોઢાએ વગાડેલા અંશો એ એકલા બેઠા બેઠા રીહર્સલ કરી રહ્યા હતા ત્યારે એમની જાણ બહાર સંગીતકાર પ્રીતમે રેકોર્ડ કરાવી લીધા હતા.)

આ ઉપરાંત કિશોર સોઢાએ વગાડેલાં કેટલાંયે ગીતો ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે આ કલાકારે ૧૯૯૬માં બનેલી બે ફિલ્મો –  ‘દુશ્મની’ અને ‘બંબઈ કા બાબુ’ના પાર્શ્વસંગીતમાં મહત્વનું પ્રદાન કર્યું છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી કિશોરે ફિલ્મી ગીતો માટે વગાડવામાંથી સન્યાસ લઈ લીધો છે. ‘અસલના જમાના’ના કોઈ બૂઝર્ગની શૈલીમાં એ કહે છે કે એ ક્ષેત્રમાં પ્રવેશી ગયેલું વધારે પડતું આધુનિકરણ એમને અનુકૂળ ન આવવાથી આ નિર્ણય લીધો છે. એક પ્રત્યક્ષ મુલાકાતમાં કિશોર પોતાની વ્યથા રજૂ કરતાં કહે છે, “પહેલાં લોકો ગીત સાંભળવા માટે ફિલ્મ જોવા જતા. હવે લોકો ગીતને પણ જોવા જાય છે!” જો કે હજી પણ સોઢા ખાસ્સા પ્રવૃત્તિમય છે. વિવિધ સ્થળોએ યોજાતા રહેતા સ્ટેજ શૉમાં ભાગ લે છે. એમની પોતાની નિગેહબાની હેઠળ ‘Music Moovers’ નામની એક સંસ્થા પણ ચાલે છે, જે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.


નોંધ……    તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.

વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.

મૂલ્યવર્ધન…. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

6 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો : (૧૭) કિશોર સોઢા

  1. સ્વ. શ્રી જગદીપભાઇ વિરાણી ની યાદમાં “નસીબદાર” નું ગીત – કાંબી લે દાદ, Thanks a lot.

    1. આપનો આભાર, નીતિનભાઈ. કદાચ તમે મુ. બાબુભાઈ વ્યાસના દીકરા હો એમ લાગ્યું. જો હા, તો એનો વિશેષ આનંદ રહેશે.

  2. યુ ટ્યુબ પર કિશોર સોઢાની આટલી બધી ક્લિપ છે,

    પણ આવા અદભુત કલાકારનો પરિચય તો આજ પિયુષભાઈએ જ કરાવ્યો.
    ખુબ ખુબ આભાર, પિયુષભાઈ.

  3. ખૂબ ઊંડાણથી માહિતી આપી છે. મને બહુ મજા આવી. અભિનંદન.

  4. પિયુષભાઈ ખુબજ માહિતીપ્રદ લેખ. બ્રાસ વાદ્ય વિષે ઘણી જાણકારી મળી.અમારા જેવા શિખાઉ લોકો ને ઘણી વખત વાદ્ય ને ઓળખવામાં બહુ મુશ્કેલીઓ પડે છે પણ આવા માર્ગદર્શક લેખોથી ધીરે ધીરે સમજ વધે છે.ભલે આ વાદ્યો આપણી સંગીત પરંપરાના નથી પણ અત્યારના સંગીતને એને ખુબજ સમૃદ્ધ કરેલ છે.

Leave a Reply to નીતિન વ્યાસ Cancel reply

Your email address will not be published.