હીરજી ભીંગરાડિયા
પ્રકૃતિમાં અને એમાંયે ખાસ કરીને વનસ્પતિ સૃષ્ટિમાં કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે કે જે જોઇ અચંબામાં પડી જવાય છે. મનમાં સહેજે પ્રશ્નો ઊઠે છે કે આ કોઇ કુદરતી નિયમોને ઉલ્લંઘતા ચમત્કારો તો નથી ? પણ એવી ઘટનાઓની વિગતમાં ઉતરી સમજવા મથામણ કરીશું તો જરૂર જણાઇ આવે છે, કે આવી ઘટનાઓ કંઇ એમનામ નિર્હેતૂક નથી ઘટતી હોતી ! એની પાછળ પ્રકૃતિનો ખાસ ઇરાદો રહેલો હોય છે. એને તો આ સૃષ્ટિનું સુપેરે સંચાલન કરવાનું છેને ? તેણે પોતે જ વનસ્પતિને ઇરાદાપૂર્વક આવી કૂનેહ અને કરામત અર્પણ કરેલી હોય છે. એ કરામત કે કૂનેહના ભાગ રૂપે જ વનસ્પતિ સૃષ્ટિમાં આપણને અચંબામાં નાખી દે એવી ઘટનાઓ નજરે ચડતી હોય છે. ચાલો આપણે સમજવા મહેનત કરીએ કે આવી ઘટનાઓ પાછળ પ્રકૃતિનો શો ઇરાદો હોઇ શકે ?
[અ]….”લજામણી” ના છોડવા અડક્યા ભેળા તે કેમ સંકોચાઇ જાય છે ? સાચુ કહીએ તો વનસ્પતિના આધારે પૂરી જીવસૃષ્ટિનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રકૃતિએ લડાવેલ પર્યાવરણ રક્ષા માટેના કેટલાક કીમિયા માંહ્યલી આ એક એની જ અદભૂત કરામત છે. પૃથ્વી પરના તૃણાહારી પ્રાણી-પંખીડાં ધરતી પરની બધી જ લીલોતરી આરોગી જઈ પૃથ્વીને સાવ વેરાન ન કરી મૂકે એ હેતુ સર પ્રકૃતિએ કેટલીક ચુનંદી વનસ્પતિને આત્મરક્ષણની જે ખાસ સુવિધા ભેટ ધરી છે, તેવી સુવિધા “લજામણી”ના છોડવાને વિશેષ રૂપે બક્ષી છે.
લજામણીનો છોડ “સ્પર્શ” બાબતે એટલી બધી સંવેદના ધરાવે છે કે એનાં જ પાંદડાં કે ડાંડલા પવન જેવા કોઇ કારણસર અંદરોઅંદર એકબીજાને ભટકાયા કરે તો એનો એને જરીકેય વાંધો નથી. પણ પારકાનો સ્પર્શ એ તરત ઓળખી કાઢે છે. આપણી આંગળીનું ટેરવું કે કોઇ પણ નાનું મોટું જીવ જંતુ એને અડક્યુ નથી કે પાંદ અને ડાળીઓ સહિત-આખા છોડવાને જાણે રીસ ચડી નથી ! પતંગિયું જેમ સામસામી પાંખોને કાટખૂણે સંકેલે એમ વારાફરતી બધાં પાંદડાં તે બંધ કરવા માંડે છે. અને વધારે કૌતુક તો ત્યારે લાગે છે જ્યારે છોડવાની દરેક ડાંડલીને પણ રેલ્વેના સિગ્નલની માફક નીચે પાડી દે છે !
આનું કારણ લજામણીના પાંદડાંની દાંડીમાં અને દાંડીના મૂળ પાસે રહેલી ગ્રંથીમાં દબાણયુક્ત ઠાંસોઠાંસ સંગ્રહાયેલું પાણી હોય છે. આ પાણીના લીધે જ ડાંડલી અને પાંદડાં ટટ્ટાર રહી શકે છે. અચાનક પાંદડાંને કે દાંડલીને કોઇનો સ્પર્શ થયો ? ખલ્લાસ ! સંરક્ષણની લાગણી પ્રગટે છે અને છોડવાના પાંદ-દાંડલીને ટટ્ટાર રાખનાર દબાણયુક્ત પાણી જ્યાં હોય ત્યાંથી સડસડાટ અન્ય પોલી જગ્યા તરફ વહી જાય છે ! સમજોને સ્પિંગયુક્ત ડોર-ક્લોઝવાળા બારણાં આડે મૂકેલી ઠેસી ખસેડી લીધી !! પાંદડાંની ટોચથી શરૂ કરી તે એક પછી એક પહેલાં બિડાય નાનાં પાંદડાં અને પછી તરત આવી જાય છે દાંડલીનો વારો ! ગ્રંથી માંહ્યલું પાણી આમ ખલાસ થાય એટલે આખી તીરખી પણ મુડદાલ હાલતમાં નમી પડે છે. ત્વરિત રીતે આવી ઘટના ઘટતા કોઇ દુશ્મન કીટક કે ઝીણું જંતુ હોય તો ભડકીને દૂર ખસી જાય છે અને ચારો ચરનાર કોઇ પંખી-પ્રાણી હોય તો આવો છોડવો તેને રોગીષ્ટ, ચેપી કે ચિમળાએલો લાગતાં એને ચરી ખાવાનો પડતો કરી દૂર ખસી જાય છે.
અને નવાઇની વાત તો પાછી એ છે કે એકાદ કલાક પછી જો નજર કરીએ તો દ્રશ્ય ફરી પલટી જાય છે ! નીચેથી છોડવાના થડ વાટેથી પાણી ફરી યથાસ્થાને ગોઠવાઇ જાય છે અને છોડ ખીલી ઊઠે છે. તમે જ કહો, કુદરત જેને રાખે એને કોણ ચાખે ?
[બ]……મોટા ભાગના ફળો ગોળાકાર કે લંબગોળ આકારના જ કેમ હોય છે ? આવું થવા પાછળ વનસ્પતિ વિજ્ઞાનીઓએ ત્રણ સંભાવનાઓ વર્ણવી છે.
[1]……..એક “કેળાફળ” ને બાદ કરતાં [કારણ કે કેળામાં બીજ હોતું નથી] બાકીના મોટાભાગના ફળવૃક્ષોના ફૂલમાં રહેલ બિજાશયનો ઘાટ ગોળાકાર ટપકા જેવો જ હોવાથી તેમાંથી બનતું ફળ પણ ગોળ ઘાટ ધારણ કરે છે.
[2]…….ઝાડ ઉપર લટકતા ગોળ આકાર વાળા ફળોનું ગુરુત્વ મધ્યબિંદુ વચ્ચે રહેવાથી તે ટીંગાઈ રહે છે. પણ જો ફળનો આકાર ચોરસ-ત્રિકોણાકાર કે કોઇ અન્ય ઘાટનો હોય તો તે ઝાડ પર ટકી રહેવાને બદલે નીચે તૂટી પડે !
[3]…….વનસ્પતિમાં પણ પોતાનો વંશવેલો વધારવાની કુદરતે જે ઇચ્છા મૂકેલી છે તે અનુસાર પ્રાણી, પક્ષીઓ અને જંતુઓને પોતાના “બીજ-વિસ્તરણ” ના કાર્યમાં વધુમાં વધુ સફળતા મળે એ વાસ્તે એ બધાને આકર્ષવા પાનમાં વધુમાં વધુ હરિયાળી, ફૂલોમાં વધુમાં વધુ સુગંધ અને ફળોમાં આકર્ષક દેખાવ અને મધુર સ્વાદ મૂક્યા છે ! અને આપણે સૌ જાણીએ છીએ કે કોઇ ચોરસ ઘાટના, ત્રિકોણ ઘાટના કે કોઇ અન્ય ઘાટના વાસણની સરખામણીએ “ગોળ” ઘાટના વાસણમાં જ વધુમાં વધુ પ્રવાહી સમાઇ શકે ! તો પ્રકૃતિ થોડી આવા ગણિતથી અજાણ હોવાની ? એટલે ભૌમિતિક દ્રષ્ટિએ ઓછી જગ્યામાં વધુ ફળ-ગર અને બીજ સમાવાની ગણતરીથી જ ગોળ કે લંબગોળ આકાર ફળોને પ્રકૃતિએ આપ્યો હોય એવું સાબિત થાય છે.
[ક]……..આમળાંના વૃક્ષમાં ફૂલો ખીલે ફેબ્રુઆરી-માર્ચ માસમાં, અને ફળો દેખાય છેક જુલાઇ-ઓગસ્ટ માસમાં ! આવું કેમ ?
જાન્યુઆરી ઉતરતાં ઉતરતાં ઝાડ પરનાં ફળો બધાં પરિપક્વ થઈ વૃક્ષ ફળ વિહોણું બની, પાંદડાં બધાં ખેરવી, એવી આરામ અવસ્થામાં સરી જાય છે દેખાવે ઝાડ બધાં લાગે સાવ ઠુંઠાં, નર્યાં હાડપિંઝર જોઇ લ્યો ! ફેબ્રુઆરીના અંતે આરામ અવસ્થા તજી, સમાધિમાંથી જાગૃત થતાં વેંત પાતળી ડાળીઓ પર નવી ફૂટ શરુ થાય છે. અને એ નવી ફૂટમાં પાનની દરેક તીરખીની બગલમાંથી નર ફૂલો ખીલવતી તીરખી આગળ જતાં તેના પર જ એક, બે, કે ચાર-પાંચ જેટલાં માદા ફૂલો ખીલવે છે. અને વાતાવરણ માપસરની ઠંડી-ગરમીવાળું હોય તો માર્ચ આખર-એપ્રિલની શરૂઆત ટાણે ફૂલોમાં ફલીકરણ થઈ-નરફૂલો ખરી જાય છે, અને માદા ફૂલોની જગ્યાએ રાઇના દાણાથીયે ઝીણા સાવ ટચૂકડા ઘાટે “બાળભૃણ” પાનની દાંડલી પર ચોટી રહે છે.
બીજાં બધાં ફળઝાડોમાં ફૂલો ખીલતાં જોયા બાદ થોડા વખતમાં જ ફળોનું ઝવણ ભાળતા હોઇએ છીએ અને ધીરે ધીરે ફળોને મોટાં થતાં જોઇ શકતા હોઇએ છીએ. તેવું જ જો આમળાંના વૃક્ષોમાં પણ બને તો તો જુલાઇ-ઓગસ્ટમાં આમળાં ફળો પરિપક્વ થઇ ઉતારવા લાયક બની જાય ! તમે જ વિચાર કરો, આવા ભર ચોમાસે કોઇ આમળાં ફળોને ઉપયોગમાં લે ? આમળાં ફળ તો આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ ફળ હોવા છતાં એના ઉપયોગની સાચી ઋતુ “શિયાળો” ગણાય એવું વૈદોનું ગણિત કહે છે. અને આવો ખ્યાલ કંઇ પ્રકૃતિને ન હોય એવું તો હોય જ નહીં ! એટલે ફળનું બંધારણ ભલે માર્ચ-એપ્રિલમાં થાય, પણ એને સમાજને ચરણે તો નવેંબર-ડીસેંબરમાં પહોંચે એવું કરવા ઇરાદા પૂર્વક “બાળભૃણ” ને ચાર મહિના સુધી પારણિયામાં [ડોરમન્સીમાં] પોઢાડી દઈ, એની ઉંઘ છેક ઓગસ્ટ શરૂ થતાં જ ઉડે, અને પછી ઝડપ રાખી માંડે મોટું થવાં તે દિવાળી આવતાં આવતાં-કહોને ઠંડીની શરૂઆત થાય થાય ત્યાં આમળાં ફળો રસથી તરબોળ થઈ ઉતારવા લાયક બની માનવસમાજને ઉપયોગી બની રહે. એ હેતુ સર જ અન્ય કોઇ વૃક્ષને નહીં, માત્ર આમળા વૃક્ષને તેના બાળભૃણને ચાર મહિના “લોકડાઉન” એટલે કે ડોરમન્સીમાં રાખવાનો આદેશ અપાયેલો હોવો જોઇએ એવું અમારું માનવું છે.
[ડ]……….આંબામાં કોઇ કોઇ વાર કટાણે ફાલ લાગી કેરીઓ પાકે છે. આવું કેમ ? વનસ્પતિને જેમ ઊભવા અને ખોરાક મેળવવા પૂરી ફળદ્રુપ અને સારા બંધારણવાળી જમીનની જરૂર રહે છે, એના મૂળવિસ્તારમાં જેમ પ્રમાણસરના ભેજની જરૂર રહે છે, સંરક્ષણ અર્થે હુંફની જરૂર રહે છે, તેવું જ વનસ્પતિને ઊગવાથી માંડી આખર સુધી જે તે સ્ટેજે કે સમયે અનુકૂળ હોય તેવા “વાતાવરણ”ની પણ એટલી જ જરૂર રહેતી હોય છે. અને બીજું, વનસ્પતિ સંપૂર્ણ રીતે પ્રકૃતિના જ આદેશને અનુસરનાર જીવ હોઇ, જ્યારે જ્યારે વાતાવરણમાં અણધાર્યા અને વણકલ્પ્યા પલટા આવી પડે ત્યારે કોઇ કોઇ ઝાડ-છોડના જીવનચક્રમાં થોડો બદલાવ આવી જાય છે
ઘણીએ વખત ચોમાસા દરમ્યાન પણ એવી ગરમી શરુ થતી હોય છે જે જાણે અતિ ગરમીવાળો ઉનાળો જોઇ લ્યો ! અને ઋતુના વખત બારું કંઇક એવી જાતનું વાતાવરણ સર્જાય છે કે માત્ર આંબા જ નહીં, પણ લીમડા અને ગુંદા સહિતના ઝાડવાંયે છેતરાઈ જાય છે. ઠંડી-ગરમીનો કંઇક એવો મેળ બેસી જાય છે કે વૃક્ષો એવા ભ્રમમાં પડી જાય છે કે “આપણી ફળવાની ઋતુ આવી ગઈ !” અને માળાં ફૂલો માંડે છે ખીલવવા ! તે ચચ્ચાર મહિના અગાઉ લીમડે લીમોળી પાકી પડે, ગુંદાં “અથાણિયાં” બની અને કેરી “શાખ પડી” બજારમાં વેચાવા પહોંચી જાય ! આ કટાણે ફાલ પકડાવી દેવાનાં કારસ્તાન પણ પ્રકૃતિજન્ય વાતાવરણીય ફેરફારના છે !
[ઈ]……….જે ઝાડવું મરવાની તૈયારી કરી રહ્યું હોય તે છેલ્લે છેલ્લે પુષ્કળ ફાલ આપતું ભળાય છે, આવું કેમ ? ખેડૂત તરફથી પોષણ-પાણી અને સંરક્ષણ બાબતેની પૂરેપૂરી કાળજી હોવા છતાંયે ક્યારેક કોઇ ઝાડને આપણા કળ્યામાં ન આવે એવું કોઇ જમીનજન્ય દર્દ ઝાડવાના મૂળિયાંને મુશ્કેલીમાં મૂકી રોજિંદુ જીવન જીવવામાં મુશ્કેલી કરવા માંડે અને ઝાડ જ્યારે દર્દ સામે પૂરી મહેનતથી ઝઝૂમી, બચી જવાના પૂરા પ્રયત્નો કરવા છતાંયે જ્યારે નાસીપાસ થાય છે ત્યારે તે અંત: પ્રેરણાથી એવું વિચારવા માંડે છે કે “હવે મરી જવા સિવાય આરો વારો નથી”. માટે હવે જે કંઇ શેષ જીવન છે તેમાં “વંશ સચવાય જાય તેવા પ્રયનો કરવા લાગી જવું.” અને એટલે જ આવું મરવાનું થયું હોય તે ઝાડ શક્ય તેટલા વધુ ફૂલો અને ફળો આપવા પ્રયત્ન કરે છે. કહોને પોતાની જાત નીચોવી નાખીને, મરણિયા પ્રયાસ કરીને વધુમાં વધુ બીજ તૈયાર કરવાની પેરવીમાં હોય છે. પછી ભલે બને એવું કે એટલા બધા લટકાવેલા ફળોમાંથી કેટલાય નાનાં રહી જવા પામે કે કેટલાયનું અકાળે બાળમરણ પણ થઈ જાય તો કુરબાન ! પણ પ્રયત્ન તો કરી છૂટ્યે જ પાર ! એટલે જ્યારે વૃક્ષને “મરી જઈશ” એવો અણસારો આવી જતાં ઝાડ પોતાનો વંશ ચાલુ રાખવા-કહોને વધુ બીજ બનાવી લેવાના હેતુ સર શક્ય તેટલા વધુ ફળો લટકાવી દેતું હોય છે. એનો હેતુ બસ પોતાનો વંશ સાચવી લેવાનો જ હોય છે. અને ખરે જ આવા મરણિયા પ્રયાસનું પરિણામ પણ ઝાડના “મૃત્યુ” માં જ પરિણમતું હોય છે એ વાત પણ સાવ જ સાચી. આવા ચાર પાંચ ઝાડને છેલ્લે છેલ્લે મેં વધુ ફાલ-ફળ આપી જિંદગી નીચોવી દઈ, મરી જતાં નજરે જોયાં છે.
[ફ]……….”નર” પપૈયાના થડિયે ફાડ ભરાવ્યા પછી એ છોડવાને ફળો લાગી ગયાં ! આવું કેમ ?
જો કે આ ન સમજાય તેવો ચમત્કાર નથી. મધપૂડામાં ઇંડાં મૂકવાનું કામ માત્ર “રાણીમાખી” જ કરતી હોય છે. વળી આખી વસાહતમાં રાણી તો એક જ હોય છે. થોડી “નર” માખીઓને બાદ કરતાં બાકીની બધી માખીઓ જે સ્વયંસેવકની ફરજ બજાવતી હોય છે તે બધી તો “નપુસંક” હોય છે. પણ જ્યારે રાણીમાખીનું જીવન ઓચિંતાનું સમાપ્ત થવાની ઘટના બને છે ત્યારે વસાહતને જાળવી રાખવાના અદમ્ય આશયથી આવી સ્વયંસેવક માખીઓ પોતે પણ ઇંડાં મૂકવા મંડી પડે છે. પણ તે ઇંડામાંથી માખીઓ જન્મતી નથી. કંઇક એમ જ…..
“નર” પપૈયાને સામાન્ય સ્થિતિમાં ફળો લાગતાં નથી. પણ જ્યારે આપણે એના થડિયામાં ફાટ પાડીને લોઢું કે લાકડું ભરાવી દઈએ ત્યારે એને ઇજા પહોંચે છે, એની જિંદગી જોખમમાં મૂકાઇ જાય છે. અને અકાળે જ મરી જવાની બીક લાગી જાય છે. અને એ નક્કી કરે છે કે લાવો હું પણ મારાં બીજ બનાવી લઉં ! પરિણામે નર ફૂલોની વચ્ચે “માદા” ફૂલો ખીલવા માંડે છે, અને બીજ પેદા કરવાની મહેનત આદરે છે. તે માદા ફૂલો તો ખીલવે છે પણ એણે ખીલવેલા માદા ફૂલો સંપૂર્ણ અવયવો વાળા ન હોવાથી બંધાયેલાં ફળોમાં બિયાં ઉત્પન્ન થતાં નથી. બરાબર નિરીક્ષણ કરજો ! નર પપૈયાને લાગેલાં ફળો લાંબી દાંડલીપર ઘાટઘૂટ વિનાનાં સાવ નાનાં અને અંદર બિયાં ન હોય તેવાં માલુમ પડશે.
પ્રકૃતિએ સૌ જીવોમાં પોતાનો વંશ ચાલુ રાખવાની જે અદમ્ય ઇચ્છા મૂકી છે એની આ વિચિત્ર ઘટનાઓ છે.
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
સરસ માહિતી પુર્ણ લેખ માટે ખરા દિલથી આભાર.
વાહ બહુ જ સુંદર આર્ટિકલ. લેખક એન્ડ વેબગુર્જરીને અભિનંદન અને આભાર !