ફિર દેખો યારોં : કાયદો માન્યતા અપાવી શકે, માનસિકતા આપણે બદલવી પડે

બીરેન કોઠારી

કાયદો શસ્ત્ર છે કે ઢાલ? આ સવાલ હંમેશાં પૂછાતો આવ્યો છે. એક જાણીતી ઉક્તિ મુજબ ‘કાયદો ગધેડો છે.’ એટલે કે તેને પોતાની અક્કલ હોતી નથી. કાયદાની મજાક ભલે કરવામાં આવે, એ હકીકત છે કે કાયદો શાસન અને અનુશાસન માટે અનિવાર્ય છે. કાયદો લિખિત સ્વરૂપે હોય છે, અને તેમાં અર્થઘટન મહત્ત્વનો ભાગ ભજવે છે. એવા અનેક કાયદા છે કે જે ઘડાયા હોય કોઈ જુદા હેતુસર, અને તેનો અમલ કંઈક જુદી રીતે થઈ રહ્યો હોય. કાયદો ઘડતા હોય છે સત્તાધીશો, પણ તેના અર્થઘટનની જવાબદારી ન્યાયતંત્રને શિરે હોય છે. આ જવાબદારી બજાવનાર ન્યાયમૂર્તિઓ પણ ગમે એવા વિદ્વાન અને તટસ્થ હોય, આખરે તેઓ પણ માણસ હોય છે અને તેમના વ્યક્તિગત ગમા-અણગમા તેમજ વૈચારિક ઝુકાવ હોય છે. તેમના દ્વારા તોળાતા ન્યાયને આ બાબત કેટલી પ્રભાવિત કરી શકે એ હંમેશાં અટકળનો વિષય બની રહે છે, તો ક્યારેક એ સમાચારનો વિષય પણ બની શકે છે.

મહિના અગાઉ, જૂનના પ્રથમ સપ્તાહમાં મદ્રાસ વડી અદાલતના ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશ કંઈક આવા જ કારણસર સમાચારમાં ચમક્યા, પણ પોતાના વિશિષ્ટ અભિગમથી. પહેલાં આ ઘટનાની પૃષ્ઠભૂમિ જાણીએ.

હજી હમણાં સુધી ગેરકાયદે ગણાયા પછી, 2018થી જ કાનૂની માન્યતા પ્રાપ્ત કરનાર એલ.જી.બી.ટી.ક્યૂ. (સમલૈંગિક તેમજ અન્ય) સમુદાયના એક ખટલામાં તેમણે અપવાદરૂપ ચુકાદો આપ્યો. મહત્ત્વ અલબત્ત, ચુકાદાનું ખરું, પણ એથી વધુ ન્યાયમૂર્તિના નિખાલસ અને ખુલ્લા અભિગમનું છે અને તેને લઈને એનો ઉલ્લેખ જરૂરી છે.

સીમા અને સુષ્મા નામની બે સમલૈંગિક યુવતીઓ વચ્ચેના સંબંધ બાબતે તેમનાં માતાપિતાએ વાંધો લીધો અને તેઓ ગુમ થયા હોવાની પોલિસ ફરિયાદ કરી. તેને પગલે પોલિસે આ બન્ને યુવતીઓની પૂછપરછ થકી હેરાનગતિ કરાયા હોવાના આક્ષેપ સાથે મામલો અદાલતે પહોંચ્યો. ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશ પાસે આ મામલો આવ્યો. એલ.જી.બી.ટી.ક્યૂ. સમુદાયના સંબંધો ભલે હવે કાનૂની માન્યતાપ્રાપ્ત ગણાતા હોય, તેના પ્રત્યેની લોકોની માનસિકતા અને દૃષ્ટિબિંદુમાં ઝાઝો ફરક પડ્યો નથી. તેના વિશે હવે પહેલાં કરતાં પ્રમાણમાં છૂટથી વાત કરી શકાય છે, છતાં એ અંગેની સ્વિકૃતિ હજી દૂરની બાબત કહી શકાય. ન્યાયમૂર્તિ વેંકટેશ પણ આવી પ્રચલિત માનસિકતાથી પ્રેરાઈને બન્ને યુવતીઓની વિરુદ્ધમાં ચુકાદો આપી શક્યા હોત. તેને બદલે તેમણે અતિ સંવેદનશીલ કહી શકાય એવો અભિગમ અપનાવ્યો. પોતે હજી આ બાબતે ‘પૂર્ણપણે માહિતગાર’ ન હોવાનું તેમણે જણાવ્યું, સાથે એમ પણ કહ્યું કે પોતે હજી દેશની બહુમતિ જનતા જેવા જ છે કે જે હજી ‘સમલૈંગિકતાને પૂરેપૂરી રીતે સમજી શકી નથી.’ આટલેથી અટકવાને બદલે તેમણે એક મનોચિકિત્સક પાસે જઈને સમલૈંગિક સંબંધો વિષેની જરૂરી માહિતી પ્રાપ્ત કરી.

આ બાબતે પોતે બરાબર માહિતગાર થયા એટલે તેમને સમજાયું કે લઘુમતિમાં રહેલો આ સમુદાય અનેક રીતે, જાણ્યેઅજાણ્યે ભેદભાવનો ભોગ બનતો આવ્યો છે, અને એમ થવા માટેનું મુખ્ય કારણ એ અંગેના જરૂરી જ્ઞાન યા માહિતીનો અભાવ છે. આ બાબત અંગે ટીપ્પણી કરતાં તેમણે કહ્યું: ‘કોઈ પણ પ્રકારનો ભેદભાવ એ મુદ્દા અંગેના અજ્ઞાનને કારણે વાજબી ઠેરવી શકાય નહીં.’

તેમણે ચુકાદો આ સમલૈંગિક યુગલની તરફેણમાં આપ્યો એ ખરું, સાથેસાથે આ સમુદાય પ્રત્યે આચરવામાં આવતા ભેદભાવ દૂર થઈ શકે એ હેતુથી પગલાં ભરવાનાં કેટલાક આદેશ પણ કરેલા છે. રાજ્ય સરકાર અને કેન્‍દ્ર સરકારના વિવિધ વિભાગોને તેમણે આદેશ કર્યો છે કે તેઓ આમ કરવા માટે કયાં પગલાં ભરવા માગે છે એ જણાવવું. આ સમુદાયના હકોને આદર મળે એ સુનિશ્ચિત કરવા માટે પોલિસ અને સરકારી અધિકારીઓને સુયોગ્ય તાલીમ આપવાની તેમણે ભલામણ કરેલી છે. સ્વાસ્થ્ય કાર્યકરોને પણ આ અંગેની યોગ્ય તાલીમ આપવા પર તેમણે ભાર મૂક્યો છે. જે તબીબો સમલૈંગિકતાનો ‘ઉપચાર’ કરવાનો દાવો કરતા હોય તેમણે પોતાનાં લાયસન્‍સ રદ કરવા જોઈએ એમ તેમણે કહ્યું છે, કેમ કે, આ એક નૈસર્ગિક બાબત છે, જેનો સ્વીકાર જરૂરી છે, નહીં કે ઉપચાર. તેના ઉપચારના નામે છેતરપિંડીથી વિશેષ કંઈ થતું નથી. શાળાના અભ્યાસક્રમમાં આ વિષય દાખલ કરવાની સાથોસાથ તેમણે સૂચવ્યું છે કે શાળા અને કૉલેજોએ આ સમુદાયના લોકો માટે અલાયદાં શૌચાલય બનાવવાં જોઈએ. જેલમાં એવા કેદીઓને અલાયદા રાખવાની જોગવાઈ કરવી જોઈએ, જેથી તેઓ જાતીય હુમલાથી બચી શકે.

અત્યાર લગી ઉપેક્ષિત અને ઘણે અંશે ઘૃણાસ્પદ ગણાતા આ સમુદાયને સમાન ન્યાય અપાવવાની દિશામાં ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશનો આ ચૂકાદો ઐતિહાસિક સાબિત થઈ શકે એમ છે. એકસો સાત પાનાંમાં લખાયેલા આ ચૂકાદામાં તેમણે અનેક બાબતો સમજાવી છે અને ઘણાં સૂચનો તેમજ ભલામણો કરેલી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જાતીય સતામણી અને લૈંગિક ભેદભાવ બન્ને અલગ મુદ્દા છે.

કેળવણીકારો માબાપને આ મુદ્દે જાગ્રત કરે, આ સમુદાયને મદદરૂપ થવા બાબતે તેમને સંવેદનશીલ બનાવે, જેથી આ સમુદાયના લોકોને પરિવારનો ટેકો મળી રહે.

આ ક્ષેત્રે કામ કરતા અનેક કર્મશીલોએ આ ચુકાદાને વધાવતાં તેને આ સમુદાયના લોકોના હક્કોની સમાનતાને દિશામાં મહત્ત્વનું કદમ ગણાવ્યું હતું. અલબત્ત, એક ચૂકાદા અને તેમાં કરાયેલી ભલામણોથી રાતોરાત કશું બદલાઈ જવાનું નથી એ હકીકત છે. આમ છતાં, ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશ કાળા વાદળની રૂપેરી કોર સમા સાબિત થયા છે.

આ ચુકાદાથી રાજી થવાની સાથોસાથ એક નાગરિક તરીકે આપણે સૌએ પણ આ દિશામાં વિચારવાની જરૂર છે. આપણા જ પરિવારમાં, આપણા પરિચીતોમાં કોઈ વ્યક્તિ આ વલણ ધરાવતી હોવાની જાણ થાય તો તેની મજાક કરવા યા તેનાથી છેટા જવાને બદલે તેને હિંમત આપવી વધુ જરૂરી છે. તેના આવા વલણને એ વ્યક્તિ પોતે સ્વિકારવા ત્યારે જ તૈયાર થશે, જ્યારે તેને લાગે કે તેનાં પરિવારજનો એ સ્વિકારશે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૮-૭–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.