વીનેશ અંતાણી
વિમ્બલ્ડન-૨૦૧૪ની ટેનિસ ટુર્નામેન્ટની ફાઈનલમાં રોજર ફેડરરને પરાજિત કર્યા પછી વિજેતા નોવાક જોકોવિચે કહ્યું હતું: “આ મેચમાં મને વિજયી થવા દેવા બદલ હું રોજરનો આભાર માનું છું.” જેકોવિચના આ વિધાનમાં વિજયનો ઘમંડી ઉન્માદ નહીં, એક વિજેતાએ મહાન ખેલાડી પ્રત્યે બતાવેલો ગૌરવશીલ આદર અને અહોભાવ સંભળાય છે. પ્રશ્ર્ન વિજય કે પરાજયનો નથી હોતો, પ્રશ્ર્ન માનવીય ગૌરવનો હોય છે અને તે ગૌરવ વિજય કે પરાજય, બંને પરિસ્થિતિમાં પ્રગટ થવું જોઈએ, પછી તે ખેલકૂદનું મેદાન હોય, રાજકારણ હોય કે અંગત જીવનમાં ઊભી થતી સ્પર્ધાત્મક પરિસ્થિતિ હોય.
આ સંદર્ભમાં મેં ક્યાંક વાંચ્યું હતું એ યાદ આવે છે: “મહાન ખેલાડીઓ સામસામે રમતા હોય ત્યારે અત્યંત રોમાંચક મેચનો અનુભવ થાય છે. બે ખેલાડી કે બે ટીમમાંથી એકનો જ વિજય શક્ય હોય છે. સ્પર્ધામાં ભાગ લેતી દરેક વ્યક્તિએ એક વાત યાદ રાખવી જોઈએ કે જ્યારે એ એના ભવ્ય વિજયની ખુશાલી ઊજવી રહ્યો હોય ત્યારે એક પરાજિત યોદ્ધો એના પરાજયની હતાશામાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરતો હોય છે. દરેક વિજેતાને પોતાના વિજયનો આનંદ મનાવવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ જ્યાં સુધી મેચ ચાલતી હોય ત્યાં સુધી પ્રતિસ્પર્ધી ખેલાડી પણ વિજય મેળવી શકે એ શક્યતાને ક્યારેય ભૂલવી જોઈએ નહીં. વિજય પછી પરાજિતનું અપમાન થાય એવું કોઈ વર્તન કરવું જોઈએ નહીં. ભૂલો નહીં કે તમારા વિજયમાં પરાજિત વ્યક્તિનો પણ ફાળો હોય છે.” એલિસન ગોલ્ડમેનનું આ વિધાન જુઓ: “કહેવાય છે કે પરાજયના સમયે માણસના સાચા વ્યક્તિત્વની પહેચાન થાય છે, મને લાગે છે કે વિજયના સમયે વિજેતાનું પણ સાચું વ્યક્તિત્વ પ્રગટ થાય છે.”
વાત માત્ર વિજય મેળવ્યા પછી ગૌરવ સાચવવાની નથી, પરાજયનું પણ ગૌરવ સાચવવાનું હોય છે. એ ગૌરવ વિજેતાની જેમ પરાજિત થનાર વ્યક્તિએ પણ જાળવવું પડે. હિટલર જેવા હિટલરે પણ કહ્યું હતું: “વિજયને તો સામાન્ય માણસ પણ પચાવી શકે, પરાજયને માત્ર વીરલા જ પચાવી શકે.”
વિજેતા વ્યક્તિનો અહંકાર અને પરાજિત વ્યક્તિમાં જન્મતી હીનતાની અને હતાશાની ભાવના, બંને જોખમી છે. વિમ્બલડન-૨૦૧૪ની ફાઈનલ હારી ગયા પછી રોજર ફેડરરે સ્મિત સાથે પ્રેક્ષકોને કહ્યું હતું: “આવતા વરસે આપણે ફરી મળીશું!” આવતા વરસે ફરી મળવાની વાતમાંથી પરાજયને ખંખેરીને નવી શરૂઆત કરવાના લડાયક અને તંદુરસ્ત અભિગમનો સૂર પકડાય છે. નેપોલિયન હિલે એમના પુસ્તક ‘થિન્ક એન્ડ ગ્રો રિચ’માં લખ્યું છે: “કોઈ પણ વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે તે પહેલાં એણે કેટલાય ટેમ્પરરી પરાજયનો સામનો કર્યો હોય છે. જ્યારે પરાજય આપણા મનનો કબજો લઈ લે છે ત્યારે પહેલો વિચાર મેદાન છોડીને ભાગી જવાનો આવે છે. મોટા ભાગના લોકો એવું કરે છે. મને કેટલાક સૌથી સફળ લોકોએ કહ્યું છે કે એમને મળેલી સફળતા એમને મળેલા પરાજયોથી એક જ ડગલું પાછળ હતી.”
જે સમયે આપણે દોડવાનું છોડી દઈએ છીએ એ જ સમયે ભવિષ્યમાં પહેલા નંબરે આવવાની બધી સંભાવનાઓનો અંત આવી જાય છે. મહત્ત્વ માત્ર પરાજય કે વિજયનું જ હોતું નથી, સ્પર્ધામાં રહેવાની તૈયારી પણ મહત્ત્વની છે. થોડાં વરસો પહેલાં ઍથેન્સમાં રમાયેલી ઑલિમ્પિક ગેમ્સમાં મહિલાઓ માટેની મેરેથોન દોડનું ટીવી પર જીવંત પ્રસારણ ચાલતું હતું. હું એ જોતો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતા બનનાર ખેલાડીઓની પાછળ મોટા ભાગની સ્પર્ધકો દોડ પૂરી કરી ચૂકી હતી, છતાં પણ સ્પર્ધા પૂરી થઈ નહોતી. સૌથી છેલ્લી રહી ગયેલી એક મહિલા-સ્પર્ધક હજી દોડી રહી હતી. એ પોતે અંતિમ નંબરે છે તે જાણતી હતી, છતાં એનો ઉત્સાહ જરાસરખો પણ ઓસર્યો નહોતો. એ બધી જ તાકાત લગાવીને દોડતી રહી હતી. એ સૌથી છેલ્લી રહી ગઈ છે એ સત્યને પોતાની નિષ્ફળતા માનતી નહોતી. એણે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ ઑલિમ્પિકમાં એના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે એ વાત જ એના માટે મહત્ત્વની હતી. “હું ઑલિમ્પિકમાં ભાગ લેવાના સ્તર સુધી પહોંચેલી વિશ્ર્વની શ્રેષ્ઠ ત્રીસ-ચાલીસ મહિલાઓમાંની એક હતી અને મારા માટે સ્પર્ધાની લાંબી દોડ પૂરી કરવાની વાત પણ એટલી જ અગત્યની હતી, હું વચ્ચેથી છોડી જ શકું નહીં.”
જો મેરેથોન દોડમાં સૌથી છેલ્લી રહી ગયેલી એ મહિલા જેવો આપણો અભિગમ હોય તો પછી વિજય અને પરાજય વચ્ચે ઝાઝું અંતર રહેતું નથી. વિજયનો અર્થ છે, તમે એ સ્પર્ધા પૂરતા પરાજિત થયા નથી અને પરાજયનો અર્થ હોય છે તમે એ દિવસે સ્પર્ધામાં વિજય મેળવ્યો નથી. દરેક વિજયમાં પાછલા પરાજયોનો ઈતિહાસ છુપાયેલો હોય છે અને દરેક પરાજયમાં ભવિષ્યના વિજયની ભારોભાર શક્યતા ભરી હોય છે. ફ્રાન્સના મહાન લેખક અને વિચારક સાર્ત્ર કહે છે: “જ્યારે વિજયની વિગતો સાંભળીએ છીએ ત્યારે એને પરાજયની વિગતોથી અલગ પાડવી મુશ્કેલ બની જાય છે.”
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com