નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૨૪

એને ધંધો ને વ્યવસાય વચ્ચે ફરક નહોતો સમજાયો

નલિન શાહ

સમય એની ગતિથી સરી ગયો હતો. દરેકની જિંદગીમાં સમય ને સંજોગ પ્રમાણે બદલાવ આવ્યા હતા.

રતિલાલ નિવૃત્તિમાં સુખમય જીવન ગાળી રહ્યા હતા.

પદ્મશ્રીથી નવાજાયેલી શશી લેખિકા અને ગ્રામસેવિકા તરીકે સારી એવી પ્રતિષ્ઠા પામી હતી. ગામમાં વીજળી આવી ગઈ હતી. અને એને લીધે ઘણા નવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. અંગ્રેજી ધોરણ સાથે શાળાઓ અને મહિલા ઉદ્યોગકેન્દ્રો સ્થાપિત થયાં. છાપાંઓ અને ચોપાનિયાં પણ આવવા માંડ્યાં હતાં. તબીબી સેવા સુધારવાથી ગરીબ અને અભણ પ્રજાને ઘણો ફાયદો થયો હતો. આ બધામાં શશી અને સુધાકરનો ફાળો નોંધપાત્ર હતો. એમની અપાર લોકપ્રિયતાના કારણે એમને રાજકારણમાં ઝંપલાવવાનું બધી તરફથી દબાણ આવતું હતું, પણ તેઓ અણનમ રહ્યાં. કામમાંથી ફારેગ થઈને તેઓ તેમનું બધું ધ્યાન ચાર વરસની પુત્રી રાધિકા ને બે વરસના પુત્ર અર્જુન પર કેન્દ્રિત કરતાં હતાં. રાજુલે બંને બાળકોને ભણાવવા માટે મુંબઈ લઈ જવાની હઠ પકડી હતી, પણ શશી ન માની. છેવટે નાછૂટકે અર્જુનને પાંચ વરસનો થાય ત્યારે રાજુલને સોંપવા કબૂલ થઈ.

જિંદગીમાં પહેલીવાર સુનિતાને અનુભૂતિ થઈ હતી કે એણે જીવનમાં જે પ્રાપ્ત કર્યું હતું એ એની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે પૂરતું હતું. એમના પતિના દાદાએ સ્થાપેલી માધવજી ત્રિકમલાલની પેઢીની શાખા બહુ મોટી હતી. વર્ષો પહેલાં મોટા પાયા પર શરૂ કરેલા અનાજ અને કાપડના ધંધામાં વિકાસ થતો રહ્યો. જરૂર પડે કિફાયતી વ્યાજે પૈસાનું ધિરાણ પણ કરતા. મુંબઈ ને ખાસ કરીને ગુજરાતના વેપારીઓ એમની મહેરબાની પર નભતા હતા. ઈમાનદાર અને દાનવીર વેપારી તરીકે એમની પ્રતિષ્ઠા મોટી હતી. પતિના મૃત્યુ પછી સુનિતાને ધંધામાં બહુ રસ નહોતો રહ્યો. પણ વડવાઓએ સ્થાપેલી પેઢીને સમેટી લેવાનું પણ યોગ્ય નહોતું. વિશ્વાસુ કારભારીઓ થકી પેઢી યથાવત્‍ ચાલુ રહી. એ ઉપરાંત મુંબઈ ને ગુજરાતમાં પથરાયેલી સ્થાવર મિલકત અને જાણીતી કંપનીઓના શેરોમાં કરેલા રોકાણની કિંમત આંકવી મુશ્કેલ હતી. સુનિતાનો ભાર રાજુલે સ્વેચ્છાએ ઉપાડી લીધી હતો. એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે સમયે સમયે થતી મિટિંગ મિલકતની જાળવણી માટે પૂરતી હતી. એ મિલકતનો ઘણો ખરો ભાગ પરોપકારી કામોમાં ને ગરીબ વિદ્યાર્થીઓની મદદમાં વાપરવાની કુટુંબની પ્રથા સુનિતાની જેમ રાજુલે યથાવત્ રાખી હતી. એક સુંદર અને સ્વસ્થ પુત્રને જન્મ આપી રાજુલે કુટુંબમાં નવી રોનક પેદા કરી હતી. સુનિતાએ એની પસંદગીનું નામ કરણ પાડ્યું.

ત્રણ વર્ષના અનુભવ બાદ સાગરે પોતાની ઓફિસ શરૂ કરી હતી.

રાજુલે ચિત્રકળામાં નોંધનીય પ્રગતિ સાધી હતી અને એની કળાનું પ્રદર્શન માટે પાયે જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજવાની તૈયારી ચાલુ હતી.

સુનિતાને આથી વધુ કોઈ પણ ઉપલબ્ધિની આકાંક્ષા બાકી નહોતી રહી. જ્યારે રાજુલે સુનિતાના નિવૃત્ત થવાના નિર્ણયનો વિરોધ કર્યો, ત્યારે એને બાથમાં લઈ સુનિતાએ કહ્યું, ‘હું તને પામીને હવે વધુ શું પામવાની ઇચ્છા રાખી શકું?’

સુનિતાએ બંગલામાં એક વિશાળ ને ઉજાસવાળો મોટો હૉલ રાજુલના સ્ટુડિયોમાં પરિવર્તિત કરી નાખ્યો હતો. રાજુલ એનો ઘણો ખરો સમય સ્ટુડિયોમાં જ ગાળતી હતી. ઘરની બધી જવાબદારી સુનિતાની દેખરેખમાં નોકર-ચાકરો સંભાળતા હતા.

ધનલક્ષ્મી પરાગના સ્વેદશાગમનની આતુરતાથી વાટ જોઈ રહી હતી. એણે કોઈ ધનાઢ્ય કુટુંબની કન્યાની શોધ વિના વિલંબે આદરી દીધી હતી. એને કોઈ બહુ ભણેલી કન્યાનો મોહ નહોતો. સાધારણ દેખાવની પણ ચાલે તેમ હતું. કેવળ કુટુંબ એના મોભાને છાજે તેવું હોવું જરૂરી હતું. કોઈનો સ્વભાવ તો આગળથી ના કળાય, પણ એની ધનલક્ષ્મીને બહુ ફિકર નહોતી. વહુને એની મરજી મુજબ કેળવવાની કળા એ સાસુ પાસે સારી રીતે શીખી હતી. જે અજમાવવાનો સમય પાકી ગયો હતો. કેટલાંયે દેવી-દેવતાઓને મોંઘીદાટ મીઠાઈના થાળ ધરી રીઝવ્યાં હતાં. કેવળ ફળપ્રાપ્તિની આશાએ વર્ષોથી સેવેલી સાસુપણું ભોગવવાની આકાંક્ષા પૂરી થવાનો સમય દૂર નહોતો. રોજ સવારે માળા ફેરવતી વખતે ભગવાનને યાદ દેવડાવતી હતી. ‘દેવડાવું તો પડે જ ને!’ એ વિચારતી ‘આખી દુનિયાનું ધ્યાન રાખવામાં કદાચ જરૂરી કામ વીસરાઈ પણ જાય.’ આટલાં વર્ષોથી કરેલી સેવાઓ નિષ્ફળ કદી ના જાય એટલો તો એને એના ભગવાનમાં દૃઢ વિશ્વાસ હતો. એને ચિંતા હતી તો કેવળ એક વાતની કે ઔપચારિકતા ખાતર પણ મા-બાપને ને બહેનોને કંકોતરી તો મોકલવી પડશે, ને ભૂલેચૂકે એ આવી ચઢે તો ‘એ લોકોની ઓળખાણ આપતાં મારે લાજી મરવા જેવું થશે! જોઈશું, ત્યારની વાત ત્યારે અત્યારથી શું ચિંતા કરવાની.’

કલાકો વિચારોમાં મગ્ન રહેતી ધનલક્ષ્મી પરાગનાં ઉજ્જવળ ભવિષ્યની કલ્પના માત્રથી પુલકિત થઈ ઊઠતી, ‘કેટલો લાભદાયક ધંધો મારા દીકરાએ પસંદ કર્યો. પ્રતિષ્ઠાની પ્રતિષ્ઠા ને પૈસાની રેલમછેલ.’ આટલાં વર્ષોના મુંબઈના વસવાટ દરમિયાન પણ એને ધંધો ને વ્યવસાય વચ્ચે ફરક નહોતો સમજાયો. શક્ય છે કે એની સમજણ પ્રમાણે જ્યાંથી પૈસા પ્રાપ્ત થાય એને ધંધો જ કહેવાતો હશે!

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.