ટાઈટલ સોન્‍ગ : ઝિન્દગી યા તૂફાન (૧૯૫૮)

બીરેન કોઠારી

શૌકત હુસેન દેહલવીનું નામ દઈએ તો કદાચ ઝટ ઓળખાણ ન પડે, પણ નાશાદ નામ બોલતાં જ ‘બારાદરી’નું ગીત ‘તસવીર બનાતા હૂં, તસવીર નહીં બનતી‘ સૌ પહેલાં યાદ આવે. જો કે, રેડિયો પર અને હવે યૂ ટ્યૂબ પર તેમના નામની ભેળસેળ સંગીતકાર ‘નૌશાદ’ સાથે થવાના કિસ્સા સામાન્ય છે. આ પ્રતિભાશાળી સંગીતકારે ૧૯૪૭માં રજૂઆત પામેલી ‘દિલદાર’થી શરૂ કરીને ૧૯૬૫માં રજૂઆત પામેલી ‘મૈં હૂં જાદુગર’ ફિલ્મમાં મળીને ત્રીસ ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું. ૧૯૬૩માં તે પાકિસ્તાન ચાલ્યા ગયા, અને ત્યાં પણ તે અવ્વલ નંબરના સંગીતકાર ગણાતા રહ્યા.

(સંગીતકાર નાશાદ)

નાશાદના સંગીતવાળી ફિલ્મ ‘ઝિન્દગી યા તૂફાન’ ૧૯૫૮માં રજૂઆત પામી. સેરા ફિલ્મ પિક્ચર્સ નિર્મિત, જે. નક્શબ (નક્શબ જારચવી) દિગ્દર્શીત આ ફિલ્મમાં નૂતન, પ્રદીપ કુમાર, જૉની વૉકર, મીનુ મુમતાઝ, યાકૂબ જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મનાં કુલ દસ ગીતો હતાં, જેનું લેખન જે.નક્શબ દ્વારા કરાયું હતું.

(ગીતકાર નક્શબ જારચવી)

આ દસ ગીતો હતાં ‘અંગડાઈ ભી વો લેને ન પાયે ઉઠાકે હાથ‘ (આશા, શમશાદ), ‘બડી મુશ્કિલ સે હમ સમઝે, હમેં વો ક્યા સમઝતે હૈં‘ (આશા, શમશાદ), ‘ઝુલ્ફોં કી સુનહરી છાંવ તલે‘ (તલત મહમૂદ), ‘મુઝે હૈં જરા જજ્બે દિલ આજમાના‘ (આશા, તલત), ‘હમારા ક્યા હૈ, હમ તડપે તો તુમ કો કરાર આયે‘ (આશા, તલત), ‘એ દિલવાલોં પ્યાર ન કરના ઈસ પાપી સંસાર સે‘ (આશા), ‘મુબારક સબ કો, ફૂલોં કા સજાકર લાયે હૈં સેહરા‘ (આશા), ‘ખૂબ ઉલ્ફત મેં પાયદારી હૈ’ (સુધા મલ્હોત્રા, આશા, સાથીઓ), અને ‘ઝિંદગી હૈ યા કોઈ તૂફાન હૈ’. (આશા તેમ જ ખાન મસ્તાનાના સ્વરમાં અલગ અલગ)

આ દસે ગીત પૈકી સંગીતપ્રેમીઓ આજે પણ ભૂલી નથી શક્યા એ ગીત એટલે ખાન મસ્તાનાના સ્વરમાં ગવાયેલું ટાઈટલ સોન્‍ગ ‘ઝિન્દગી હૈ યા કોઈ તૂફાન હૈ.’

હાફિઝખાન મસ્તાના નામના આ કલાકારે પોતાનું નામ ટૂંકાવીને ખાન મસ્તાના રાખ્યું હતું. તેમણે 27  ફિલ્મોમાં સંગીત પણ પીરસ્યું હતું. ‘વતન કી રાહ મેં વતન કે નૌજવાં શહીદ હો’માં મ. રફી સાથે તેમનો સ્વર હતો. આ ગીત અત્યંત લોકપ્રિય થયું હતું. ‘ઝિંદગી હૈ યા કોઈ તૂફાન હૈ’ ગીતમાં તેમનો ઘૂંટાયેલો અને વેદનામિશ્રીત સ્વર ગીતના શબ્દોને અનુરૂપ અને ધારી અસર નીપજાવે છે. આ જ ગીત આશા ભોંસલેના સ્વરમાં છે અને સારું છે, છતાં ખાન મસ્તાનાના સ્વરમાં સાંભળ્યા પછી આશાજીના સ્વરે ગવાયેલું ગીત સાવ ફિક્કું લાગે છે.

આ ગીતનું મુખડું અસલમાં ખ્વાજા મીર ‘દર્દ’ દ્વારા લખાયેલો અતિ જાણીતો શેર છે. એ મુખડાને લઈને જે.નક્શબે ગીત લખ્યું છે, જેના શબ્દો આ મુજબ છે.

ज़िन्दगी है या कोई तूफान है (2)
हम तो इस जीने के हाथों मर चले…. ज़िन्दगी है या…

सैंकड़ों अरमान ले कर आए थे (2)
दिल में लाखों हसरतें ले कर चले…. ज़िन्दगी है या…

लग्जिशें है ज़िन्दगी की साथ-साथ (2)
हर क़दम खाते हुए ठोकर चले….. ज़िन्दगी है या…

————————

जीने= જીવન
लग्जिश= ભૂલ, અપરાધ

આ ગીત અહીં સાંભળી શકાશે.

 

એટલી નોંધ જરૂરી કે આ નામની અન્ય એક ફિલ્મ ૧૯૭૫માં પણ રજૂઆત પામી હતી, જેમાં લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલનું સંગીત હતું.


(તસવીરો: નેટ પરથી, લીન્‍ક: યુ ટ્યુબના સૌજન્યથી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.